Wednesday, January 11, 2017

ચાલવાના ગેરફાયદા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૧-૦૧-૨૦૧૭

જર્નાલીઝમમાં કહે છે કે કુતરું માણસને કરડે એ સમાચાર નથી પરંતુ માણસ કુતરાને કરડે તો એ સમાચાર બને છે. આટલી પાયાની સમજ હોવા છતાં અખબારો શિયાળામાં ચામડીની સંભાળ, ચોમાસામાં પેટના રોગથી બચવાની જાણકારી, ઉનાળામાં કેવા વસ્ત્રો પહેરવા પ્રકારની ચીલાચાલુ માહિતીથી પૂર્તિઓ ભર્યા કરે છે. ખરેખર તો શિયાળામાં ચામડી પર સફેદ ઉઝરડા પડતા હોય તો એના પર કેવા પ્રકારના સ્કેચ કરી શકાય, ચોમાસામાં વધારે ખાવાના ફાયદા, અને ઉનાળામાં સુટ-સ્વેટર પહેરવાની મઝા, એવા આર્ટીકલ છાપવામાં આવે તો લોકો કુતુહલના માર્યા પણ એ વાંચે. ખેર, એ બધું તંત્રીઓની મુનસફી પર છોડીએ, પરંતુ અમારા જેવા આળસુ માણસો માટે કમસેકમ એક આર્ટીકલ શિયાળામાં ચાલવાના ગેરફાયદા ઉપર તો લખી જ શકાય. 
 
Source of this image is not Navgujarat Samay, unknown
હવે ચાલવું મજબૂરી નથી. જૂનાં સમયમાં લોકો એક ગામથી બીજે ગામ ચાલતા જતા હતા, કારણ કે એ વખતે વાહનવ્યવહાર હતો જ નહિ. હા, ઉઘરાણી માટે ધક્કા ખાઈ ખાઈને લોકો ચંપલ-બુટના તળિયા ઘસાય છે. આમાં મજબુરી છે. ઘણા અભાગિયા રૂપિયા ખર્ચીને ટ્રેકિંગ કરવા જાય છે અને પોતાના ઘરથી પંદરસો કિમી. દુર ટેન્ટમાં રહી, ભારે અગવડોનો સામનો કરી, પહાડી રસ્તા પર ચાલવા જાય છે. આપણા શહેરમાં ગટરના ખોદકામ વખતે થયેલા માટીના ઢગલા ઉપર ચાલીને વેપારીઓ અને સ્થાનિક રહીશો મફતમાં ટ્રેકિંગ કરે છે. કોઈ દિવસ તમે કોઈ મજુરને ટ્રેકિંગ કરવા જતો જોયો?

જો માણસ રોજીંદા કામકાજમાં વાહનનો ઉપયોગ ટાળે અને લીફ્ટને બદલે દાદરા ચઢે તો કોઈને ખાસ ચાલવા જવાની જરૂર પડે જ નહિ. ચાલવાથી ચંપલ-બુટ ઘસાય એટલી તો બધાને સમજ હશે જ. ભારતની વસ્તીના એક કરોડ લોકો પણ જો ચાલવા જતા હોય, અને અડધો કલાક ચાલવાથી અંદાજે ચારેક હજાર જેટલા પગલા ભરાય છે. વરસમાં ત્રણસો દિવસ આ લોકો ચાલે તો બધાના મળીને ૧૨૦,૦૦૦,૦૦૦,૦૦,૦૦૦ પગલા થયા! ભૂલચૂક લેવીદેવી. વિચારો કે આટલું ચાલવાથી કેટલા જોડી બુટ નવરા થઈ જાય? ઉપરાંત રોડ ઘસાય એ જુદો. એ પણ કોઈ કારણ વગર. આ ઉપરાંત કપડા બદલવા અને બુટ પહેરવા કાઢવામાં બીજો અડધો કલાક થાય. બીલ ગેટ્સ એક મીનીટમાં ૨૩,૧૪૮ ડોલર કમાય છે, મતલબ કે તમે માત્ર અડધો કલાક ચાલો અને એની આગળ પાછળ બીજો અડધો કલાક બગાડો છો એટલામાં બીલ ગેટ્સ ૯,૫૮,૩૨,૭૨૦ રૂપિયા કમાઈ લે છે! શરમ આવવી જોઈએ તમને!

કેટલાક અઠંગ ચાલુઓ એટલે કે રીઢા ચાલનારાઓએ પણ અમારા જેવા લોકોને કનડવામાં બાકી રાખ્યું નથી. ક્યારેક વહેલી સવારે દૂધ લેવા જતાં અમે જોયું છે કે સ્થૂળકાય લોકોની સાથે સાથે સૂકલકડી અને ખેંપટની કક્ષામાં આવતા લોકો પણ ચાલવા-દોડવા નીકળી પડતા હોય છે. અલા દેઢ પસલી, પાંચ ફૂટ પાંચ ઇંચ હાઈટવાળો એંશી કિલોનો દાગીનો દોડવા નીકળે એ સમજ્યા, પણ તું શું કામ હાલી નીકળ્યો છે? હજી વધારે વજન ઉતરશે તો તું મિસ્ટર ઇન્ડિયાની જેમ હવામાં ઓગળી જઈશ, પણ તારા લીધે અમારા પોટ-બેલીડ બકાઓ ડીપ્રેસનમાં આવી જશે તો એના ઘરના રખડી પડશે. અમારી તો માગણી છે કે કુશ્તીમાં જેમ વજન પર નિયંત્રણ હોય છે એમ અમુકથી ઓછા વજનવાળા લોકોને સુપ્રીમ કોર્ટે ચાલવાની મનાઈ કરી દેવી જોઈએ.

આપણે ત્યાં કવિઓ અને હાર્ટ સ્પેશીયાલીસ્ટો ચાલવા અને ચાલતા રહેવાની વિચારધારાનો સ્ત્રોત રહ્યા છે. હવે ડોકટરો કહે એ તો સમજ્યા કે એ આપણી તબિયત માટે જરૂરી છે પણ શાયરો કહે ત્યારે સાલું લાગી આવે! કવિ કહે છે કે જીવન એટલે ચાલવું અને ચાલવાને જ જીવન ગણીને ચાલતા રહો. બરોબર છે. તમારે હાર્ટ ટ્રબલ હોય તો ચાલો, અને ન હોય તો ભવિષ્યમાં ટ્રબલ ન થાય એ માટે ચાલો. પણ રસ્તો વાંકોચૂકો કે ઉબડખાબડ હોય અને પગ મચકોડાય તો હળદર-મીઠાનો લેપ કરવો, ગરમ પાણીનો શેક કરવો કે બરફ ઘસવો એ બાબતે કેમ કોઈ ચોખવટ કરતુ નથી? અંધકાર, આંધી-તોફાન કે રસ્તાના કાંટાથી ડર્યા વગર ચાલવાનું કહેવામાં આવે છે, પણ અંધારું હોય તો ટોર્ચ રાખો, કૂતરા ભગાડવા માટે લાકડી રાખો, કાંટા ન વાગે એ માટે બૂટ પહેરો કે પાકા રસ્તે જ જાવ એવું પ્રાથમિક માર્ગદર્શન આપ્યા વગર આપણને એકલા ચાલી નીકળવા માટે હાકલ કરવામાં આવે એ ક્યાંનો ન્યાય છે?

અહી કવિ કહેવા એ માંગે છે કે ચાલવામાં હેતુ, દિશા અને લક્ષ્ય તરફ સતત ગતિ એ સૌથી અગત્યની બાબત છે. ઘાણી એ જોડેલો બળદ પણ ચાલે છે, પણ એના ચાલવામાં ફક્ત ઘાણીના માલિકનો હેતુ સચવાય છે. ગોળ ફરતો હોઈ ચાલવાની દિશા સતત બદલાતી રહે છે. એ ગતિ કરે છે પણ ઘાણીના ચીલાથી આગળ નહિ. અર્થાત ગતિ ખરી પણ પ્રગતિ નહિ. આવા બળદોને ખુલ્લા મેદાનમાં છુટ્ટા મુકીએ તો પણ એ ગોળગોળ જ ફરે! સ્વામી વિવેકાનંદજી એ પણ કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય-પ્રાપ્તિ સુધી થોભો નહિ. એનો મતલબ સમજવાનો હોય નહીં કે સવારે બ્રશ કર્યા વગર હાલવા માંડવાનું! અમે માનીએ છીએ કે ચાલવાથી ફાયદો થાય છે. અમે ફક્ત અમથા અમથા ચાલવાની વિરોધમાં છીએ. ગાંધીજીએ દાંડીયાત્રા શરીર સુધારણા માટે થોડી કરી હતી? એમનું તો શરીર પણ વયને હિસાબે એ શ્રમને પહોચી વળે એવું નહોતું. પણ યાત્રા કરી, સત્યાગ્રહ પણ થયો અને છેવટે દેશ આઝાદ પણ થઇ ગયો! યાર, ગુજરાતી થઈને આટલું તો વિચારો!

મસ્કા ફન

હિંસક ટોળામાં પણ હું બિન્ધાસ્ત પેસું છું બકા,
મુશાયરામાં હું પહેલી લાઈનમાં બેસું છું બકા!

1 comment:

  1. Thank You for such an awesome post... i daily visit your blog and always found something interesting to read.. thanks :)
    from - Spiritual Forum

    ReplyDelete