Sunday, August 21, 2011

ક્રિશ્નાને કાગળ

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | અધીર અમદાવાદી | ૨૧-૦૮-૨૦૧૧ |

ડિયર ક્રિષ્ના :) ,

તને કયા નામે બોલાવવો એ પ્રશ્ન ખુબ ચર્ચાઈ ગયો છે, કેટલાય તો ભજનો બન્યા છે, પણ એ બધું મને બહુ બોરિંગ લાગે છે એટલે હું તો ક્રિષ્નાથી કામ ચલાઉ છું. અહિ ફેસબુક પર લોકો એક કરતાં વધારે નામથી એકાઉન્ટ રાખે છે. ભારતવર્ષમાં તો આજકાલ ખાલી હિસ્ટ્રીશીટરો એક કરતા વધારે નામ રાખે છે. જેમ કે ચકો ચેઈન ઉર્ફે ભૂરો ઉર્ફે દીનુ ડોન, એવા બહુનામધારી અહિં અસામાજિક પ્રવૃત્તિ કરતાં જોવા મળે છે. અને આપણાં કવિઓ પણ એક કરતા વધારે નામ ધરાવે છે, અને એ લોકોનો ત્રાસ પણ હિસ્ટ્રીશીટરોથી કમ નથી હોતો. : P

હેય નટવર, તારા આ નટવર નામધારી એક મનુષ્ય લોકો સાથે છેતરપીંડી કરવા માટે મશહૂર થયો હતો. એટલે સુધી કે પછી આવા ઠગોને લોકો નટવર લાલ નામથી ઓળખે છે. ભારતના એક ભૂતપૂર્વ વિદેશ પ્રધાન પણ હતાં, નટવર સિંઘ નામથી, જેમણે ઓઈલ ફોર ફૂડ સ્કેમ કર્યું હતું, જેમની પછી કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થઇ હતી. જો કે આ કૌભાંડ કદાચ આઠ દસ કરોડનું હતું એટલે પછી શું થયું તેમાં લોકોને બહુ રસ નથી પડ્યો. તારા અન્ય એક નામધારી નરસિંહ રાવ એક વખત વડા પ્રધાન હતાં, જેમણે નિર્ણયો ન લેવાની નીતિ દેશને આપી હતી, જે પાછળથી નરસિંહ રાવ નીતિ તરીકે જાણીતી થઇ હતી. તારા એક નામ કૃષ્ણ પરથી હાલ એક વિદેશ પ્રધાન છે જે ભૂલમાં ભળતા સળતા ભાષણો વાંચી ભારત વર્ષનું નામ છેક યુએનમાં રોશન કરી આવ્યા છે.  અને એટલું પૂરતું ન હોય તેમ ભારતમાં સજા ભોગવી રહેલા એક કેદીને પાકિસ્તાન છોડી દેશે તેવી આશા પણ વ્યકત કરી હતી !

તારા નામધારી મનમોહન આજકાલ ભારતવર્ષના નાઈટ વોચમેન તરીકે કામ કરી રહ્યા છે એ તો તારી જાણકારીમાં હશે અંતરયામી. આમ તો એ પણ તારી માફક સહનશીલ છે. તેં જેમ તારા કઝિન શિશુપાલની અનેક ભૂલો માફ કરી હતી એમ એમણે પણ આતંકવાદીઓ, માઓવાદીઓ, પ્રાંતવાદીઓ, ભ્રષ્ટાચાર વાદીઓ, લાંચવાદીઓ જેવા કઈક વાદીઓની હરકતો ને પ્રેમથી નિભાવી લીધી છે. તેં તો શિશુપાલના સો ગુના પછી તારું સુદર્શન ચક્ર ચલાવ્યું તું. પણ પ્રભો, અમારા મનમોહન એટલા ભલા માણસ છે કે એ ફાંસીએ ચડવાની રાહ જોઈ રહેલોઓને જેલમાં ચિકન ખવડાવીને તગડા કરે છે !

હેય નટખટ, તારે તો સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી. આ વાત માટે કુંવારાં અને રસિકજનો તારી ઇર્ષ્યા કરે છે અને પરણેલા પુરુષો તને અહોભાવથી જુએ છે. કારણ કે અહિં તો માત્ર એક પત્ની ધરાવતાં લોકો કંટાળીને સંન્યાસ લઇ લે છે, તો તું કઈ રીતે આટલી બધીઓને સાચવતો હતો એ સમજ નથી પડતી. રો એવરે ચુમાલીસ રાણીઓના તો તારે બર્થ ડે આવતાં હશે, તો આટલી બધીઓને વિશ કરવાનો અને ગીફ્ટ આપવાનો સમય તું કઈ રીતે કાઢતો હતો ? રાણીઓમાંથી કદાચ અમુક સગી બહેનો હોય એ બાદ કરો તો અંદાજે સોળ હજાર સાસુઓ અને સોળ હજાર સસરા તમને તાણ કરીને રક્ષા બંધન પર ને બેસતાં વર્ષે ઘેર જમવા બોલાવતા હશે, તો એમને તું કઈ રીતે ટોપી આપતો હતો તે અંગે કોઈ નોંધ લખી હોય તો જણાવજે જેથી અહિ જે ત્રણ ચાર પત્ની વાળા લોકો છે તેમને કામ આવે.

હેય ગોકુળના કિંગ, ભારતમાં ડેરી ઉદ્યોગ આજકાલ ખુબ વિકાસ પામ્યો છે એ જાણી તને આનંદ થશે. દૂધના ભાવો હવે દર મહિને વધે છે. રાજસ્થાનમાં એક ડેરી અધિકારી પાસે વચ્ચે કરોડો રૂપિયા અને સોનું મળી આવ્યા હતાં. અને તારા ગાયોના પ્રત્યેના લગાવને ધ્યાનમાં લઈને ગાયોના ઘાસચારા માટે કરોડો રૂપિયા ફાળવવામાં તો આવે છે. અમારા અમદાવાદમાં પણ ગાયો મુક્ત વિહાર કરે છે, એટલે કવિ દલપતરામના પેલા આઝાદી પહેલાના ગીતને આજ કાલ આમ ગવાય છે,

દેખ બિચારી ગાયનો કોઈ જાતા પકડે કાન,
એ ઉપકાર ગણી સરકારનો, હરખ હવે તું અમદાવાદ

પણ હે વાસુદેવ, સાચું કહું, તું જો આજ કાલ ભારતમાં ક્યાંક તારા કૃષ્ણાવતાર વાળા કામો કરતો હોત તો રો તું છાપે ચઢત, દરેક પોલીસ સ્ટેશનમાં તારા ફોટા લટકતા હોત, અને તારી સામે હજારો એફ.આઈ.આર. દાખલ થઇ હોત, ભલું હોત તો સી.બી.આઈ.ની તપાસ પણ ચાલુ હોત કે પેલા જરાસંઘ અને ભીમની લડાઈ વખતે પેલા દાતણ ચીરવા વાળો ઈશારો કરીને તે ભીમને ઉશ્કેર્યો હતો ! કે પછી છેવટે મહાભારતના જયદ્રથવાળા કેસમાં તો તને છેતરપીંડી માટે મુખ્ય આરોપી તરીકે અને માનવવધમાં સહઆરોપી તરીકે જરૂર ફીટ કર્યા હોત. અને મહાભારતમાં અર્જુનને સંહાર કરવા તેં સુચના પી હતી તે મામલે કોક અંદરનું તારા સામે એફિડેવિટ કરત, અને પુરાવા તરીકે ગીતાના અઢાર અધ્યાય રજૂ કરત.

પણ હે યુગપુરુષ, यदा यदा ही धर्मस्य.. કહી તેં અમોને બધાને ટીંગાડી રાખ્યા છે. જ્યારે પેટ્રોલના ભાવ સાઈઠ પર ગયા ત્યારે તો થયું હતું કે હવે તો તું તારી ઇન્ડિયાની ટીકીટ બ્લોક કરીશ . અને જ્યારે સંસદમાં નોટો ભરેલી સુટકેસો ઉછળી ત્યારે પણ થયું તું કે હમણાં ક્યાંકથી તું હિન્દી પિક્ચરના હીરોની જેમ પ્રગટ થઈશ. પણ પાટણ કાંડ, મુંબઈ બોમ્બ કાંડ, તેલગી કાંડ, સોહરાબુદ્દીન કાંડ, આઈપીએલ કાંડ, -જી કાંડ, ને એવા કેટલાય કાંડો એક પછી એક થયા કરે છે, ને સ્ટેશન પર પેસેન્જરની રાહ જોતા કોક બુઢઢા રિક્ષાવાળાની જેમ નિરાશ થઈને હું રહી જાઉં છું.

દોસ્ત બહુ તરસાવ્યા તેં, આવ હવે !

લી. તારી અધીરતાથી રાહ જોતો
એક અદનો અમદાવાદી  :(

Friday, August 19, 2011

ખણવાની બાધા રાખી છે કદી ?


| અભિયાન | હાસ્યમેવ જયતે | ૦૬-૦૮-૨૦૧૧ | અધીર અમદાવાદી |
હોલિવુડની અભિનેત્રી મેરલિન મનરોની સેવન યર ઇચનામની ફિલ્મના સ્કર્ટ ઉડવાનાં ફેમસ દ્રશ્ય પરથી એક ચોવીસ ફૂટ ઊંચું સ્ટેચ્યુ હમણાં જ અમેરિકામાં ખુલ્લું મુકાયું છે. આમાં ઈચ એટલે ખણ અથવા ચળ. લગ્નજીવનનાં સાત વર્ષ પછી બીજો સાથી શોધવાની ચળ ઉપડતી હોવાનાં અમેરિકન સંશોધન પર આ ફિલ્મ આધારિત છે. ભારતીય સંસ્કૃતિમાં તો મા-બાપ છોકરાંઓને પડ્યુ પાનું નિભાવવાનું શીખવે છે એટલે લગ્નજીવન સાત વરસનું હોય કે સત્તાવીસ વરસનું, જીવનસાથી અને લગ્ન બંનેને ખણતા ખણતા નિભાવી લેવાય છે.

અમેરિકાની અને મેરેલિન મનરોની વાત જવા દઈ ખાલી ખણ કે ચળની વાત કરીએ તો ચળ પૈસા અને પ્રસિદ્ધિ બંનેની હોઈ શકે છે. અને એક શારીરિક ચળ હોય છે,  જે મેડીકલ સાયન્સમાં દર્શાવેલા કારણો મુજબ આવે છે. આપણાં ત્યાં તો ચોમાસું આવે એટલે દાળવડા, છત્રી, તાડપત્રી, વોટરપ્રુફીંગ અને ડોક્ટરોની સિઝન જામે છે. અને વરસાદ પડે એટલે દેડકાઓ, પ્રેમીઓ અને કવિઓ હરખઘેલા થઇ જાય છે, અને બાકી બધાં પાણી અને પાણીજન્ય રોગોથી બચવા પ્રયત્નોમાં લાગી જાય છે. ચોમાસામાં ડોક્ટરોને સારી ઘરાકી જામે છે, ચર્મ રોગ નિષ્ણાતોને તો ખાસ. ચોમાસમાં ફૂગ, બેક્ટેરિયા અને ભેજને કારણે લોકોને ખંજવાળ બહુ ઉપડે છે. થોડાક લોકો આનો ઈલાજ કરાવે છે, જ્યારે બાકીના ખણે છે અને ખણને માણે છે.

આપણા ત્યાં આમેય ખણવાની આઝાદી છે. ગમે તે સ્થળે, શરીરનાં કોઈ પણ ભાગે, અને આજુબાજુ ગમે તેની હાજરી હોય તો પણ ખણી શકાય છે. ફિલ્મોમાં એક જમાનામાં દિલીપ કુમાર જેવા એક્ટર પણ ડાઈલોગ બોલતી વખતે નાક પર ખંજવાળતા જોવા મળતાં હતાં. જો કે જાહેરમાં આમ ખણવું એ ખરાબ ટેવ લેખાય છે, પણ ઘણાંને આની જાણકારી નથી હોતી. અમુક લોકો જાણવા છતાં  દુર્યોધનનાં जानामि धर्मम् न च में प्रवृतिः/ जानामि अधर्मम्न च में निवृतिः, પ્રમાણે ખણવાની મીઠી પ્રવૃત્તિ પર રોક લગાવી શકતા નથી. આ ઉપરાંત પુરુષોના કિસ્સામાં તો દરજીઓને પણ આ જાહેર ખણન્ ક્રિયા માટે જવાબદાર ઠેરવી શકાય. જો દરજી ચુસ્ત કપડા સીવે તો એનાં કારણે વધારે ખણ આવે છે, અને જો એ ઢીલા કપડા સીવે તો ખણવા માટે હાથને ગમે ત્યાં પહોંચવા માટે સવલત ઉભી કરે છે. આમ એકંદરે ખણનાર તો ખણવાની મઝા માણી લે છે, પણ જોનાર ત્રાસી જાય છે.   

આ ખણ આછી કે મીઠી હોય તો શરીર પર પીંછુ, સાડીનો છેડો, દુપટ્ટો જેવી હળવી વસ્તુ ફેરવવાથી મન આનંદિત થઇ ઉઠે છે. ખણ થોડી વધે એટલે ખણગ્રસ્ત માનવ નખનો ઉપયોગ ખણવા માટે કરે છે. આથી પણ વધારે માત્રામાં ખણ આવે તો ખણવા માટે વસ્તુઓના ઉપયોગ પર શાસ્ત્રમાં કોઈ નિષેધ નથી. એટલે જ પીઠ પાછળ ખણવા મહિલાઓમાં લાંબા કાંસકાનો અને મહિલા શિક્ષકોમાં ફૂટપટ્ટીનો ઉપયોગ પણ ઘણો પ્રચલિત થયો છે. અને આમ થવાથી ફૂટપટ્ટીનો ઉપયોગ ચિત્ર, ગણિત અને ફિઝીક્સનાં શિક્ષકો સુધી સીમિત ન રહેતા બાયોલોજી અને સમાજશાસ્ત્રનાં શિક્ષકો સુધી વ્યાપી ગયો છે. વિદ્યાર્થીઓ પણ શિક્ષકોનાં આમ પ્રત્યક્ષ નિદર્શનથી ખણવાનાં પાઠ વધારાની ફી ચૂકવ્યા વગર શીખી જાય છે. વાલીમંડળ પણ આ એકમાત્ર વાતથી શિક્ષકો પર ખુશ રહે છે.

ડાબેરી અને જમણેરી વ્યક્તિઓને સરખી ખણ જ આવે છે. આવું કોઈ સંશોધન નથી થયું, આ તો અમે એવું નોંધ્યું છે. જમણાં ખભા અને એ પાછળ પીઠના ભાગને ખંજવાળવા ડાબા હાથનો પ્રયોગ અને ડાબા ખભા અને એ પાછળનાં ભાગને ખણવા જમણાં હાથનો પ્રયોગ સર્વસામાન્ય છે. જો કે ખૂંધથી નીચેનાં પીઠના  ડાબી બાજુનાં ભાગ માટે ડાબો હાથ અને જમણી બાજુ માટે જમણો હાથ પ્રયોજી શકાય છે. આ સિવાય શરીરનાં અન્ય ભાગ પર ખણવા માટે ડાબો કે જમણો કોઈ પણ હાથ પોતાની મુનસફી પ્રમાણે વાપરી શકાય છે. અસાધ્ય વસ્તુ સાધ્ય કરવામાં અનેરો આનંદ આવે છે, એ મુજબ શારીરિક રીતે જે પ્રદેશો હાથની પહોંચ માટે દુર્ગમ હોય ત્યાં ખણી આવવામાં પાક્કા ખણવીરો ઉત્તેજના અનુભવે છે, અને ખણ્યા બાદ તેમના ચહેરા પર ગર્વના ભાવો પણ જોઈ શકાય છે. પાતળા અને ફ્લેક્સીબલ શરીર ધરાવતાં વ્યક્તિઓ વજન ઉપરાંત ખણવામાં સુગમતા ધરાવતાં હોઈ અન્યો માટે ઈર્ષ્યાને પાત્ર બની રહે છે.

અમુક લોકોને બારમાસી ખણ આવે છે. સોમવારથી રવિવાર, પહેલી તારીખથી આખરી તારીખ, અને જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી એમની ખણનો વ્યાપ વિસ્તરેલો હોય છે. ખણ કદાચ ફરાળી પણ હશે એટલે શ્રાવણ માસ, સોમવાર જેવા ઉપવાસના દિવસોમાં પણ આવે છે, અને ખણપીડિત જણ ખણી શકે છે. ખણવાનો સામાન્ય અનુભવ ધરાવતાં લોકોને પણ ચોમાસામાં ખણવાનો ફાયદો તો ખબર જ હશે. ભેજનાં અભાવે શિયાળામાં ખણવાથી ચામડી પર જે સફેદ લીટા પડે છે, તેવાં લીટા ચોમાસામાં નથી પડતાં. આથી જ શિયાળામાં ક્રીમ અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી ખણનાં નિશાન મીટાવવા ખર્ચો કરવો પડે છે, તેવો ખર્ચ ચોમાસામાં નથી કરવો પડતો.


ખણનું પણ પોતાનું એક શાસ્ત્ર છે. અમે તો માનીએ છીએ કે ખણવું એ શાસ્ત્રીય સંગીત જેવું છે. જેમ શાસ્ત્રીય ગાયકીના ખયાલ, ઠુમરી, ટપ્પા, ધ્રુપદ-ધમાર જેવા પ્રકારો હોય છે એમજ ખણવાનાં પણ પ્રકારો હોય છે. શાસ્ત્રીય ગાયકીમાં ઉસ્તાદ ગવૈયાઓ વિલંબિત લયમાં જેમ આરોહ-અવરોહ અને પક્કડના સ્વરો દ્વારા રાગનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે પછી મધ્યલયમાં વિસ્તાર કરે છે બરોબર એમ જ પ્રખર ખણુપ્રસાદયાદવો પહેલા તો ચળવાળા  વિસ્તાર ને હળવે હળવે પંપાળીને ચળનું કેન્દ્ર સ્પષ્ટ કરે છે અને ત્યાર બાદ પંપાળવા ઉપરાંત ક્યારેક નખ અને ક્યારેક હળવી ચુંટલી દ્વારા એનો વિસ્તાર કરે છે. રાગનું અંતિમ ચરણ જેમ દ્રુતલયમાં તબલાની સંગત સાથે ચરમ સીમાએ પહોચે છે એમ જ કાસકો અને ફૂટપટ્ટી જેવા વાદ્યો, સોરી, સાધનો ખાણવાની પ્રક્રિયાને ચરમસીમાએ  પહોચાડે છે! આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તમે ધ્યાનથી જોશો તો શાસ્ત્રીય ગાયક અને આપણા ખણુપ્રસાદ યાદવના ચહેરા પર આનંદની અનુભૂતિનાં ભાવ એકસરખા દેખાશે!

જોકે શાસ્ત્રીય સંગીતને માણવા માટે તો ખાસ સમય કાઢીને બેસવું પડે છતાં જો ટૂંકમાં એનો આસ્વાદ કરવો હોય તો ઠુમરી સંભાળવી એવું જાણકારો કહે છે. તો ખુજલીનો એક પ્રકાર ઠુમરી જેવો છે. માખી બેસવાને કારણે, મચ્છર, માંકડ અથવા એવી બીજી જીવાત કરડવાને કારણે આવતી ખંજવાળ એ ઠુમરી જેવી છે. તરત દાન અને મહાપુણ્યની જેમ જીવડું કરડ્યું નથી અને ખણ્યું નથી! બજારમાં મળતાં નુડલ જેવી ઇન્સ્ટન્ટ ખુજલી! બસ ખુજાતે રહો!

ધ્રુપદ અને ધમાર જેમ સંગીતના સહુથી જુના પ્રકાર ગણાય છે એમ જ જુના ચર્મરોગના કારણે આવતી ખંજવાળ એ ખંજવાળનો સૌથી જુનો પ્રકાર છે. અને પાછો અઘરો પણ છે. સાધકે આ પ્રકારને માણવા માટે સજ્જતા કેળવવી પડે છે. ધીરજ પણ એટલીજ જરૂરી છે. જરા સરખી ઉતાવળ થઇ જાય તો સાધક ઇજા પણ પામી શકે છે. આ પ્રકારની ગાયકીની જાણકારી આજકાલ  બહુ ઓછા લોકો ધરાવતા હોય છે એવું જ કંઈક સ્ટીરોઇડ અને એન્ટીબાયોટીક્સના જમાનામાં આવા ચર્મરોગોનું છે. મુ. શાહબુદ્દીનભાઈ રાઠોડના શબ્દોમાં કહીએ તો 'આજકાલ માણહું ને ક્યાં એવી ખહું થાય છે તે ખણે'!

માથામાં થતા ખોડા ને કારણે આવતી ખંજવાળ એ ગુજરાતી સુગમ સંગીત જેવી છે - સૌને સુલભ! એને માણવા માટે કોઈ મોટ્ટા ચર્મરોગના ભોગ બનવું જરૂરી નથી. વાળની સંભાળ બાબતે બેદરકાર રહી આ પ્રકારને માણી શકાય છે. જોકે ગંભીર વિચારોમાં મશગુલ કેટલાક લોકો પણ માથું ખંજવાળી લેતા હોય છે પણ એ વખતે તેઓનું મગજ વિચારોમાં વ્યસ્ત હોઈ ખણવાના ખરા આનંદથી તેઓ વંચિત રહી જાય છે!
અળાઈઓ એ ખણનું કોરસ સિંગિંગ’ (વૃંદગાન) જેવું છે કારણ કે એમાં મોટા વિસ્તારમાં અલગ અલગ કેન્દ્રો પર વિવિધ માત્રામાં આવતી ખંજવાળને એક સાથે સંતોષ આપવાનો હોય છે. આ માટે સાધકે વૃંદગાન કે સિમ્ફની ઓરકેસ્ટ્રાના સંચાલક કે કંડક્ટરની ભૂમિકા ભજવવી પડે છે. અને એ માટે સાધનો પણ અલગ પ્રયોજાય છે. ઓરકેસ્ટ્રાનો કંડક્ટર ગાયકો/સાજીંદાઓ ને દોરવણી આપવા માટે જે નાનકડી લાકડી વાપરે છે એ ખંજવાળનો વ્યાપ જોતા નાની પડે એ દેખીતું છે, માટે જ ગાય કે ગધેડાની જેમ શરીર ભીંત સાથે ઘસીને ખંજવાળનો જથ્થાબંધ ઉપાય કરાય છે. ને આવો પાર્ટી કે શુભ પ્રસંગ જેવો ખણનો મોટ્ટો ઓર્ડર હોય તો ક્યારેક બીજી વ્યક્તિની મદદ લેવી પડે તો લઇને પણ કામ પાર પાડવું જોઈએ એવું આ લખનારનું માનવું છે. વળતા વ્યવહારમાં સામેની વ્યક્તિ ને જરૂર પડતાં તમે ખણવાની સેવાઓ માટે હાથ લંબાવી શકો છો. જેને એક બીજાનો બરડો ખંજવાળવોકહે છે, એવી આ પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યકારોમાં પણ વર્ષોથી ઘણી પ્રચલિત છે.


એકબીજાને ખણવાની વાત હોય કે પછી પોતે પોતાને ખણવાની, આ ક્રિયા ચિત્ત માટે સદા પ્રિયકર બની રહે છે. પગ પર પગ ચઢાવીને બેઠા પછી પોતાની આંગળીઓથી પોતાનાં જ પગને તળિયે ખણતો માનવ ધીરેધીરે ખણની આદતનો શિકાર બની જાય છે. રોગની સારવાર ડોક્ટર કરે પણ ટેવની સારવાર માટે મનોચિકિત્સક પાસે જવું પડે છે, જેમ દારુ છોડવા લોકો જાય છે એમ જ. આમ તો લોકો કુટેવો છોડવા કે છોડાવવા માટે બાધા પણ રાખે છે. કોઈ આઈસ્ક્રીમ નથી ખાતું તો કોઈ તમાકુ. કોઈ ભાત છોડી દે છે તો કોઈ ગર્લફ્રેન્ડ. આમાં મૂળ વાત પોતાને પ્રિય વસ્તુ ત્યજવાની વાત છે અને ખણ પણ એક પ્રિય પ્રવૃત્તિ હોવાં છતાં હજુ સુધી કોઈએ ખણવાની બાધા રાખી હોય તેવું આ લખનારનાં ધ્યાનમાં નથી આવ્યું. તો સર્વે અંધશ્રદ્ધાળુ લોકોને એક વરસ ખણવાની બાધા રાખી આપણી પ્રિય ખણને અગત્યનો દરજ્જો અપાવવા નમ્ર વિનંતી છે.