Sunday, October 25, 2015

નવી એવોર્ડ એક્સચેન્જ-રીટર્ન પોલિસી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૧૦-૨૦૧૫ 

અમેરિકામાં તમે માલ ખરીદો અને તમને સંતોષ ન થાય તો ત્રીસ દિવસમાં પાછો આપી શકો છો. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતાં. આનો લાભ લઈ અમુક એ.બી.સી.ડી. અને આઈ.બી.સી.ડી. દિવાળી પર સપરિવાર કપડાં ખરીદી, દિવાળીમાં ટેગ સંતાડીને પહેરે અને અઠવાડિયા પછી પાછું આપી આવે છે. આપણા ગુજરાતીઓ પ્રેક્ટિકલ છે. મળતો લાભ લેવો એ મંત્ર છે. જોકે ગુજરાતી જ શું કામ? આ બધા ભારતીયોને લાગુ પડે છે. એમાં કવિ-લેખકો પણ બાકાત નથી. 

હમણાં એવોર્ડ રીટર્ન કરવાની સીઝન ચાલુ થઈ છે. સાહિત્ય એકેડમી જાણે પસ્તીની દુકાન હોય એમ એવોર્ડ રીટર્ન થઈ રહ્યાં છે/એવું કરવાની જાહેરાત થઈ રહી છે. એવોર્ડમાં મળેલી જર્જરિત શાલ કોઈએ પાછી આપી હોય એવું પણ ધ્યાનમાં નથી આવતું. જોકે શાલ પાછી આપનાર શાલ ધોઈને પાછી આપે એવી અપેક્ષા રાખવી સાવ યોગ્ય પણ નથી. એવોર્ડ અપાય એની કિંમત હોય છે. એવોર્ડ સાથે મળેલા રૂપિયા વ્યાજ સહિત પાછાં આપ્યા હોય એવું પણ જાણવામાં નથી આવતું.

કેટલાક એવોર્ડથી વ્યક્તિની હસ્તીની ઘણીવાર લોકોને જાણ થતી હોય છે. અમુક મહાનુભાવો તો પોતે જે સમારંભમાં હાજરી આપતા હોય ત્યાં એમની ઓળખ વિધિમાં એમને મળેલા એવોર્ડ, પારિતોષિકકે મળેલા સન્માનનો ઉલ્લેખ થાય એની ચોકસાઈ રાખતા હોય છે. અમુક લેખકો/ કવિઓ એમના પુસ્તકો ઉપર કે પુસ્તકની અંદર એમને મળેલા ઇનામઅકરામ અને એવોર્ડના નામનો ઉલ્લેખ પણ કરતા હોય છે. જે તે એવોર્ડ કે પારિતોષિકઆપનાર સંસ્થાઓએ ‘ગુલઝાર’ ચિંધ્યા રાહે ‘मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है’ કહીને આવી ‘ઇનડાયરેકટ અર્નિંગ’ પરની ‘બ્રાંડ રોયલ્ટી’ની પણ ‘રીકવરી’ કાઢવી જોઈએ. આ ઉપરાંત પોતે સ્વીકારેલા સિદ્ધાંતને અનુસરીને સર્જકોએ પોતે જ આ ઇનામ-અકરામના ઉલ્લેખ સાથેના પુસ્તકો વેચાણમાંથી પરત લઇ અને ઉલ્લેખ વગરના પુસ્તકો મુકીને આ પ્રકારના વિરોધને બળ આપવું જોઈએ. અમને લાગે છે કે આમ કરવાથી આ ઝુંબેશમાં પ્રકાશકોને પણ જોડી શકાશે.

ઓસ્કાર જેવા એવોર્ડ વેચાય નહિ તેના માટે રીટર્ન સુવિધા છે. આપણે ત્યાં એવોર્ડ રીટર્ન પોલિસી બદલવી પડશે તેવું સાહિત્ય અકાદમીને લાગે છે. અમને તો લાગે છે કે રીટર્ન કરવાની કિંમત લેવી જોઈએ. કારણ કે એવોર્ડના નામે પુસ્તક વેચાણ, બોર્ડમાં સ્થાન, અન્ય સન્માન, એ બધું ગણો તો એવોર્ડનું કાગળિયું પાછું આપવું એ કેરી ખાઈ લીધાં પછી ગોટલો પાછો આપવા જેવું છે. નવા એવોર્ડ લેવા હોય એમની ઇનામની રકમ ડિપોઝીટ તરીકે જમા કરાવી લેવી જોઈએ. જેથી એવોર્ડ રીટર્ન કરે તો ડિપોઝીટ જપ્ત થઈ શકે. આ ઉપરાંત એવોર્ડનાં ઉપયોગનું એન્યુઅલ રીટર્ન ભરવાનું ફરજીયાત કરવું જોઈએ જેથી એવોર્ડના ઇનટેન્જીબલ લાભોનું વેલ્યુએશન થઈ શકે, જેથી એવોર્ડ રીટર્ન થાય તો એની રીટર્ન પ્રાઈસ નક્કી કરી શકાય.

આપણે ત્યાં ઈનામમાં શાલ ઓઢાડવાનો રીવાજ છે. આવી શાલો ઠાકુરની શાલની જેમ વરસો વરસ વપરાતી પણ હોય છે. આ સંજોગોમાં શાલ પાછી આપતાં પહેલા ડ્રાયક્લીન કરાવીને પાછી આપવી એવું ફરજીયાત કરવામાં આવે. જોકે આવું ન કરે તો જર્જરિત શાલ અકાદમીના સ્ટોરમાં ઉંદર મારવાની દવાનું કામ કરે તેવી તક પણ રહી છે. અકાદમી ખાતે પણ આવા પરત આવેલા એવોર્ડ, પ્રમાણપત્ર, શાલ, ખેસ, ટોપી, પાઘડી વગેરેનું એક કાયમી પ્રદર્શન પણ ઉભું કરી શકાય જેમાં વસ્તુ નીચે જે તે મહાનુભાવ કયા ક્ષેત્રના કર્મી હતા એનો વિગતવાર પરિચય અને કઈ ઘટના, બાબત કે વિચારના વિરોધમાં અથવા કઈ વ્યક્તિ કે સંસ્થા સામે વાંધો પડવાથી એ વસ્તુ પરત કરેલ છે તેની વિગતો મુકવી જોઈએ. પછીના વર્ષોમાં જે ઉદાત્ત હેતુસર આવી હસ્તીઓએ આ મહાન ત્યાગ કર્યો હતો એનાથી સમાજીક પ્રવાહોમાં કેવા મોટા ફેરફાર આવ્યા એની ઉપર સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ, અને એના માટે રીસર્ચ સ્કોલરશીપો પણ અપાવી જોઈએ.

જેમ વિદેશ જઈ પાછાં આવનાર ફોરેન રીટર્ન કહેવાય છે, એમ જ એવોર્ડ લઈને રીટર્ન કરે તેને એવોર્ડ રીટર્ન કહી શકાય. એક જમાનામાં ફોરેન રીટર્નનું જેવું મહત્વ દેશીઓમાં હતું તેવો દબદબો અત્યારે સ્યુડો-બૌદ્ધિકોમાં એવોર્ડ રીટર્ન કવિ-લેખકોનો છે. ખાસ કરીને જેઓ વિઝાના ધક્કા ખાઈ રિજેક્ટનો સિક્કો મરાવી પાછાં આવ્યા છે, તેવા એવોર્ડ વંચિતો આવા એવોર્ડ રીટર્ન સાહિત્યકારોની ખુમારી પર વારી જાય છે. પહેલાના જમાનામાં લોકો ખર્ચો કરીને વિદેશ જનાર સગાનાં ફોટા ‘વિદેશ ગમન’ એવા શીર્ષક હેઠળ છાપામાં છપાવતા. એમ શરુશરુમાં એવોર્ડ-રીટર્નનાં ફોટા છપાય છે, ટીવી ઇન્ટરવ્યુ પણ થાય છે. પણ એમના આદર્શો સાથે જે કોઈ પાંચ-પચ્ચા જણા સંમત થતા હોય એમણે ભેગા થઈને, ખાલી ફેસબુક-ટ્વીટર પર મંજીરા વગાડીને અભિવાદન કરવાને બદલે, આવા અઠંગ ‘પરતકરું’ કવિ-લેખક-કલાકારશ્રીને નવી, નોન-રીટર્નેબલ, શાલ ઓઢાડીને સન્માન કરવું જોઈએ. તુલસીદાસજી એ કહ્યું છે કે ‘તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ’ અને અમને ખાતરી છે કે આખા બ્રહ્માંડમાં સંભવી શકે એવા એલિયન સહીતના તમામ પ્રકારનાં લોકો આપણા દેશમાં જ મળી આવશે, એટલે આવું સન્માન કરવાના આ પગલાને વધાવનારા (વાંદરાને દારુ પાનારા કોણ બોલ્યું?) અદકપાંહળા પણ મળી જ આવશે જ.

મસ્કા ફન
 

સેલ્ફી ઈફેક્ટ : આ નવરાત્રીમાં સૌથી વધુ કંઇ જોવા મળ્યુ હોય તો એ છે ... ખેલૈયાઓની બગલ !!!

Sunday, October 18, 2015

નવરાત્રીના બિન-ખેલૈયાઓ


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૮-૧૦-૨૦૧૫

‘અમે આખો દિવસ આખા ઘરનું વૈતરું કરીને કૂચે મરી જઈએ છીએ તો પણ કોઈને અમારી પડી નથી.’ લગભગ દરેક ગુજરાતી ગૃહિણી ક્યારેકને ક્યારેક આ ડાયલોગ બોલી હશે. આ વાંચીને તમને રડવું આવતું હોય તો તમારા પિયરીયા તરીકે અમે ખભો આપવા તૈયાર છીએ. પણ તમને અમારી વિનંતી છે મહેરબાની કરીને કે છાના રહો. અમારે એવા પીડિતોની વાત કરવાની છે જેમની હાલત તમારા જેવી જ છે. એ લોકો પણ અથાગ મહેનત કરે છે, પણ એમની ખાસ નોંધ લેવાતી નથી. આવા લોકોને પડદા પાછળના કલાકારો કહેવાય છે. અત્યારે નવરાત્રી ચાલે છે એટલે ખાસ ગરબા મહોત્સવોના પડદા પાછળના કલાકરોની વાત કરવાની.

પહેલાં તો ચોખવટ એ કરવાની કે પડદો નાટક અને સિનેમામાં જ હોય છે જયારે ગરબા ખુલ્લા સ્ટેજ ઉપરથી ગવાતા હોય છે અને ખુલ્લા મેદાનમાં રમાતા હોય છે એટલે એમાં પડદા જેવું કંઈ હોતું નથી. એમાં ગરબા કરનાર ગરબા કરે છે, છોકરાઓ ગર્લ-ફ્રેન્ડ સાથે સેલ્ફીઓ પાડે છે, ગ્રુપવાળા નાસ્તા-પાણીની જાફ્ત ઉડાવે છે, કાકા-કાકીઓ અને ડોહાઓ આ બધાના ચંપલો, પાણીની બોટલો અને છોકરાં સાચવે છે અને કાર્યક્રમ પુરો થાય એટલે આ બધા જ પૃષ્ઠભાગ ખંખેરીને રવાના થઇ જાય છે. પણ એમને ગાનારા, ઢોલ-ટીમ્બાલી-ડ્રમસેટના તાલે નચાવનારાથી માંડીને, સાઉન્ડવાળા, ફરાસખાનાવાળા, જનરેટર/ લાઈટવાળા, આ બધાની સુરક્ષાની જવાબદારી સંભાળતા સિક્યોરીટીવાળા અને છેલ્લે આખું મેદાન વાળીને બીજા દિવસ માટે તૈયાર કરનારા સુધી કોઈનું ખાસ ધ્યાન નથી પડતું. ભલું થજો મુન્નાભાઈનું કે એમણે ઝાડુવાળાને ‘જાદુકી ઝપ્પી’ આપીને એમને અને એમના જેવા અનેકને સન્માન બક્ષ્યું!

આ તહેવારમાં સૌથી મોટો ફાળો મ્યુઝીકલ પાર્ટીઓનો હોય છે. લોકો છ મહિના અગાઉથી છાપામાં ‘રાસ-ગરબાના આયોજન માટે મળો’ના ફ્લેગ સાથે જાહેરાતો આવવાની શરુ થઇ જાય છે. હવે આમાં પણ કોમ્પીટીશન વધી છે. જે ગાયકોના નામ ચાલ્યા છે એમને નવ દિવસમાં આખા વર્ષની કમાણી થઇ જતી હોય છે. બીજો મોટોભાગ આખું વર્ષ ડાયરા અને ફીલ્મી ગીતોની ઇવનિંગ કરનારા લઇ જતા હોય છે કારણ કે એ લોકો પાસે ટીમ હોય છે. બાકી તો ક્વોલીફાઈડ એન્જીનીયર સામે જેમ કડીયાકામ કરી કરીને કોન્ટ્રકટર બનેલા અભણ લોકો પણ હરીફાઈમાં ઉતરી પડતા હોય છે, એમ બીજા સારા કલાકારોને આમાં મંદિર ઓટલે બેસી ‘પેટી લઈને પાલટી ચલાવનારા’ની કોમ્પીટીશનનો પણ સામનો કરવો પડતો હોય છે. પણ પછી હઉ હઉનું રળી લેતા હોય છે.

જોકે ગરબાનું ગ્રુપ ચલાવવું પણ સહેલું નથી. આમાં એક ગ્રુપમાં ઢોલ, ઢોલક, તબલા, ટીંબાલી, ઓક્ટોપેડ, ડ્રમ સેટ, સાઈડ રીધમ વગેરે સહિતના સંખ્યા બંધ પર્કશનીસ્ટ ઉપરાંત ગીટારિસ્ટ, બેન્જો પ્લેયર અને ફાડુ કક્ષાના કી-બોર્ડ પ્લેયરોની જરૂર પડતી હોય છે. કરમની કઠણાઈ એ છે કે નવરાત્રીના ટાઈમે આ બધાની ખેંચાખેંચી ચાલતી હોય છે. આ બધાને સાથે રાખવા એ ઉંદરડાથી ભરેલો કોથળો સાચવવા જેવું કામ છે! બારેમાસ સાથે કામ કરનારા પણ શરમ રાખ્યા વગર ભાવ માગી લેતા હોય છે. આ બધામાં લોડ બધો કી-બોર્ડ પ્લેયર અને ઢોલી ઉપર હોય છે. એક જમાનામાં તો મોંમાં રૂમાલ ભરાવીને નગીન ડાન્સ કરનારા તૈણ જણા માટે ચાર વાગ્યા સુધી પણ વગાડવું પડતું હતું. એ જમાનામાં આંગળીઓ ઉપર પટ્ટીઓ લગાડેલી હોય એવા કોઈને પણ પૂછો તો જવાબ મળતો કે ‘ગરબાની નાઈટ કરી છે’! ભલું થજો જજ સાહેબોનું કે હવે રાત્રે બાર વાગે તબલા ટાઢા કરી નાખવા પડે છે.

ઉંચો ભાવ લેનારે તમામ કક્ષાએ ક્વોલીટી આપવી પડે છે. છતાં એવા ગ્રુપોમાં ગાયકીમાં અમદાવાદના રિક્ષાવાળાની જેમ સુરો ફેરવનારાને સહન કર્યા છે. પારખું લોકો હોય ત્યાં આવા ભોપાળા પછી ઝઘડા પણ થતા જોયા છે. એવરેજ કક્ષાની ઓરકેસ્ટ્રામાં લીડ સિંગર સિવાયના સિંગરોમાં ફિક્સ પગારિયાની જેમ જ ભરતી થતી હોય છે. અમને પણ અનેક ઓફરો મળી છે જે અમે ભારપૂર્વક નકારી છે. એરેન્જરો મોટે ભાગે કુટુંબમાં, સોસાયટીમાં કે કોલેજના ફંકશનોમાંથી જ હન્ટિંગ કરતા હોય છે. એ બધાનું કામ નાટકમાં ‘મહારાજનો જય હો, મહારાણીજી પધાર્યા છે...’ બોલનારા ભાલાવાળા કરતા વિશેષ હોતું નથી. બધા ‘રે લોલ ...’ બોલે એટલે એમણે પણ ‘રે લોલ ...’ કરી નાખવાનું હોય છે.

સાઉન્ડના કોન્સોલવાળાએ તો સિંગરોના ડફણાં જ ખાવાના હોય છે. કોઈ તમને બે ઘોડા ઉપર એક એક પગ રાખીને ઉભા ઉભા ચાની લહેજત લેવાનું કહે તો કેવો હાલ થાય એવો જ હાલ કોન્સોલવાળાનો હોય છે. સ્ટેજવાળા મોનીટરના લેવલની મેથી મારતા હોય છે તો ખેલૈયાઓ ‘કંઈ જામતું નથી. જરા બાસ વધારો તો જરા પગ ઉપડે ...’ની ફરમાયેશ કરી જતા હોય છે. સરવાળે પહેલા જ કલાકમાં બપોરના બે વાગ્યાથી આદુ ખાઈને કરેલા સાઉન્ડ બેલેન્સીંગની માસીના વિવાહ સંસ્કાર કૂતરા સાથે થઇ જતા હોય છે.

હવે તો ગરબા આયોજકોએ સીસીટીવી લગાડવા પડે છે, પણ એથી ગઈકાલ રાત સુધી મજુરીકામ કરતાં અને રાતોરાત સિક્યોરીટીમેન બની ગયેલા પશાભાઈ જેવાઓનું મહત્વ ઓછું નથી થતું. જેમ ભૂત હોતું નથી, કોઈએ જોયું નથી, છતાં બધાં ભૂતમાં માને છે, તેમ હથિયારધારી સિક્યોરીટીની હાજરીમાં જ બેંકો લુંટાતી હોવા છતાં હથિયારનાં નામે ખાલી સિસોટી ધરાવનાર સિક્યોરીટીનું મહત્વ ઘટતું નથી. આવી સિક્યોરીટી અને સિસોટી બંનેમાં એક જ સામ્યતા હોય છે કે એ હવાથી ચાલે છે અને અવાજ કરવાથી વિશેષ કશું કરી શકતાં નથી. એમાંય હજારોની સંખ્યામાં લોકો આવતાં હોય અને એક નવરેશ એની સાથે દલીલમાં ઉતરે એટલામાં બીજાં અનેક વાહન પોતાની ઈચ્છિત રીતે અવ્યવસ્થિત પાર્ક કરીને હાલતા થાય છે.

અમને તો લાગે છે કે પાછાં આવેલા એવોર્ડઝ આ બધાં વંચિતોને આપવા જોઈએ.

મસ્કા ફન