Wednesday, July 20, 2011

ક્રિકેટ અને રાજકારણના નવા નિયમો

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૧૭-૦૭-૨૦૧૧ |
મહાભારતમાં શકુનિએ પાંડવોને અનેક પ્રકારે હેરાન કર્યા હતાં, પણ ભીમે ખાય પોતે અને શૌચ શકુનિ કરે એવું વરદાન મેળવી સાટું વાળી દીધું હતું. મહાભારતમાં અર્જુન એકલો સ્વયંવરમાં આકરી પરીક્ષા પાસ કરે છે, પણ દ્રૌપદી પાંચે ભાઇઓને વરે છે. ચિત્રકૂટમાં તુલસીદાસ ચંદન ઘસે ને રઘુવીર તિલક કરે છે. કોયલ કાગડાના માળામાં ઈંડા મુકે છે અને કાગડો એ ઈંડા સેવે છે અને બચ્ચાં ઉછેરે છે. પરીક્ષાઓમાં મૂળ પરીક્ષાર્થીને બદલે ડમી વ્યક્તિ પરીક્ષા આપે છે. પણ ક્રિકેટમાં ફટકો બેટ્સમેન મારે અને રન એનાં બદલે રનર દોડે એવી જે સગવડ અત્યાર સુધી હતી તે હવે આઈસીસીએ પાછી ખેંચી લીધી છે. હવે બેટ્સમેન તાકાત હોય ત્યાં સુધી દોડશે, નહિતર પાછો પેવેલિયન ભેગો થઇ જશે. આ ઉપરાંત અમ્પાયર ડિસીશન રીવ્યુ, પાવર પ્લે જેવા ક્રિકેટના નિયમોમાં ઘણાં ફેરફાર થયાં છે. જો કે નિયમોની અસરથી બેટ્સમેન વધારે પ્રભાવિત થશે એ મામલે સુનિલ ગાવસ્કર બગડ્યો છે, અને એણે તો આની સામે બોલરને બાઉન્ડ્રી પર પાણી પીવા મળે છે તે બંધ કરવા હાકલ કરી છે. ક્રિકેટમાં નિયમોમાં સુધારા થાય છે તો રાજકારણમાં કેમ નહિ ? એવાં પ્રશ્નો અમારા જેવા ઉત્સાહી લોકો આજકાલ પૂછવા લાગ્યા છે.

પણ ક્રિકેટની જેમ રાજકારણનાં નિયમોમાં પણ અનેક ફેરફારો થતાં રહ્યા છે. મતદાનની ઉમરમાં ઘટાડો, ચૂંટણી આચાર સંહિતા, પક્ષપલટા સંબધિત ફેરફારો વિગેરે આમાં ઘણાં અગત્યના ગણાય છે. જો કે મહિલા અનામત સંબધિત બિલ બધી પાર્ટીઓ સંપીને સંસદમાં લાવતી નથી. આ અંગેના રાજકીય સમીકરણ જે હોય તે, પણ જો સંસદમાં ૩૩% મહિલાઓ જો આવે તો સંસદના રૂપરંગ બદલાઈ જાય. પછી ટીવી પર સંસદ સભ્યો એકબીજાને ફ્રાંસની નેઈલ પોલીશ, ઇટાલીનું પર્સ,  બેલ્જીયમનો ડાયમંડ સેટ, અને એવું બધું બતાવતા જોઈ શકશે. અને વધુ મહિલાઓ સંસદમાં આવે એટલે પછી નેઈલ પોલીશ, હેર ડાઈ, શેમ્પુ, મેકઅપનો સામાન સહિત ડુંગળીને રાંધણ ગેસનાં ભાવ નહિ વધે, એવી આશા તો કમસેકમ આપણે રાખી શકીશું

ટેસ્ટ ક્રિકેટમાં પાંચ દિવસની રમત હોય છે, અને સંસદમાં પાંચ વર્ષની ટર્મ હોય છે. પછી વન ડે ક્રિકેટ આવ્યું જેમાં એક દિવસની મેચમાં પચાસ ઓવર રમાય છે. મ્યુનિસિપલ  કોર્પોરેશનમાં મેયરની ટર્મ એક વરસની હોય છે. અને હવે ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યું, જેમાં વીસ ઓવરમાં બેટ્સમેન ફટકાબાજી કરી જાય છે. તો નવા નિયમ લાવી રાજકારણમાં પણ આવી લિમિટેડ ઓવરની ફટકાબાજી કરવાની તક સાંસદોને આપવી જોઈએ. જેમ કે - મહિના માટે ચૂંટાયેલા સાંસદ મહિનામાં જેટલું કરવું હોય એટલું દેશનું કરી નાખે. અને આઈપીએલની જેમ દરેક પક્ષ પછી ઓક્શનમાં ફટકાબાજ ખેલાડીની પછી પસંદગી કરી શકશે. આમાં પક્ષે ધુરંધર રાજકીય ખેલાડીઓને માત્ર કોન્ટ્રાક્ટની રકમ આપવાની રહેશે, અને પક્ષ ફ્રેન્ચાઈઝીની જેમ કમાણી કરશે. અને ભારત સરકારને તો આ બધી કમાણી પર કર મળશે. એટલે બધાં ખુશ. અમારા વિતર્ક વાંકદેખા જેવો કોઈ પૂછશે, કે આમાં આપણું પ્રજાનું શું ? અરે ભાઈ, પ્રજાને શું એ બધી ચિંતા કરવાની? ટેસ્ટમેચ હોય કે ૨૦-૨૦, પ્રેક્ષકોએ તો રૂપિયા ખર્ચીને મેચ જોવાની અને તાળીઓ પાડવાની! બસ મનોરંજન મળવું જોઈએ !

આઇસીસીમાં તો બીસીસીઆઈનું ચાલ્યું નહિ, પણ રાજકારણમાં તો જુના જોગીઓ હજુ ચાલે છે. એટલે ધોતિયા, ધોળા વાળ અને ધોળા કપડા હજુ ઇન છે. એનાં બદલે પ્રથમ તો આ ઉપરની વય મર્યાદા ૪૯ વર્ષની કરી દેવી જોઈએ. પચાસ ઉપરનો એક પણ બુઢિયો (કે બુઢિયણ) હોય નહિ પછી કેવી મઝા ? એમાં પાછું પેલું ૩૩% મહિલા અનામત સંસદમાં સુગંધની જેમ ભળે. પછી તો મુન્ની, શીલા, રઝિયા કે પછી રાખી, મારિયા, કની (એને જેલમાંથી રીકોલ કરવાની યાર), અને એવી બીજી બધી હનીઓ સંસદ ગજવે. કપડામાં પણ પછી ખાદી આઉટ થઇ જાય, એટલે મહિલા સાંસદો લો-વેસ્ટ જીન્સ પહેરીને આવે, અને પુરુષો તો ડિઝાઈનર વેર પહેરે છે. થરૂર જેવા ટ્વિટરિયા સાંસદો બર્મુડા ચડ્ડી ઉપર સલમાન પેરે એવું રંગબેરંગી શર્ટ પહેરીને ફરતાં જોવા મળશે. અને દસ સેકંડ પણ લોકસભાનું નીરસ ટીવી પ્રસારણ સહન ન કરી શકતી પ્રજા ચેનલ સર્ફ કરતાં લોકસભા ટીવી પર અટકી જશે. અને પછી તો એવું પણ બને કે ફેશન-ટીવી ચેનલવાળા સંસદનું વિન્ટર વેર સેશન અને સમર વેર સેશન લાઈવ ટેલીકાસ્ટ કરે!

અને સૌથી અગત્યનું કામ તો સંસદમાં લડવા માટેના હથિયારોમાં નાવીન્ય લાવવાનું થાય. હાલ તો હાજર તે હથિયાર એ દાવે ગૃહમાં ઉપલબ્ધ કુંડા, માઈક, ખુરશીઓ વગેરેનો ઉપયોગ સભ્યો (!)  મારામારીમાં કરે છે, તો તેનાં બદલે હવેથી લાકડી, ચપ્પા અને બંદુકો સભાગૃહમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી જે લોકો પાસે વક્તૃત્વ શક્તિ નથી, તે લોકો કાંડાનું કૌવત બંદુકથી બતાવી શકશે. કેમ ? આવી છૂટ આપીએ તો બધાં અંદર અંદર લડી મરશે એવો તમને ભય છે ? અરે, ડરવાની વાત નથી, એ તક છે એમ સમજો ને !

No comments:

Post a Comment