| અભિયાન | હાસ્યમેવ જયતે | ૧૬-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |
કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને ઇ-મેઇલ તો આપણે બધા જ આજકાલ વાપરીએ છીએ. આ ઇ-મેઇલ દ્વારા આપણને જાતજાતની લલચામણી ઓફર્સ રોજ મળતી રહે છે. જેમ કે, પોતાનાં એરિયાની રૂપવતીઓ સાથે ડેટિંગની, વેબ કેમ ધરાવતી રૂપાળી છોકરી સાથે ચેટિંગની, દસ જણને ઇ-મેઇલ ફૉર્વર્ડ કરવાથી મફતના ભાવે લેપટોપની, ક્યાંક મફત મોબાઈલ ફોનની, તો કરોડો અબજો ડોલરની લોટરી જીતવાની તક અંગેની ઇ-મેઈલ્સ આપણે રોજ વાંચીએ છીએ અને અમુક લોકો તો એ ઇ-મેઇલમાંથી થોડા સપનાં ડાઉન લોડ પણ કરે છે. આમાં સૌથી વધારે સમયથી નાઈજીરિયન ફ્રોડનાં નામે ઓળખાતી ઓફર્સ ચાલે છે. આમાં કોઈ બિનવારસી ધન છૂટું કરવા તમને મદદ માટે પોકાર કરે છે અને તમે એ કરોડો રૂપિયા મેળવવાની લાયમાં તમારી પાસે હોય તો, લાખો રૂપિયા ખોઈ બેસો છો.
પણ આ વિષે વિચારતાં અમને થયું કે દુનિયાના લોકો આપણને ઠગી જાય એટલાં આપણે ભોટ છીએ ? શું આપણી પાસે કોઈ આવા કલાકાર જ નથી ? શું આપણે દુનિયાને સામું કશું જ ન આપી શકીએ ? હા જાડેજા, ગાંધી, પંચાલ, સૈયદ જેવા થોડા તિલસ્મીઓ જરૂર છે આપણી પાસે જે સામી છાતીએ રૂપિયા લઈ જાય છે. એટલે અમે અમારા કઝીન જૈમિન જાણભેદુંને આ મામલામાં તપાસ કરવા કહ્યું તો, એણે તરત જ નાઈજીરિયા ફોન લગાવ્યો. પછી તો એણે બીજાં ચાર પાંચ દેશમાં ફોન કર્યા, અને એ જાણી લાવ્યો કે બોસ આપણી ગળી ગુજરાતણનાં નામે પણ બીજાં કેટલાય દેશોમાં આવા જ ઇ-મેઇલ ફરે છે. અને એવી જ એક ઇ-મેઇલ જૈમિનીયો શોધી લાવ્યો છે, જે અક્ષરશઃ તમારા માટે નીચે રજૂ કરું છું.
વહાલા જ્હોન,
તમને થશે કે દુનિયાના લાખો જ્હોનમાંથી મેં તમને એકલાંને જ કેમ આટલાં પ્રેમથી અને કારણ વગર પસંદ કર્યા હશે ? પણ એવું નથી. મને કહેતા સંકોચ નથી થતો કે હું તમારી અને મારી બંનેની જીંદગી બદલાઈ જાય એવું કંઈક કહેવાની છું. કારણ કે તમે લકી છો. સૌથી પહેલા તમને હું મારી ઓળખાણ આપી દઉં, કારણ કે આ ઈન્ડીયા નથી કે ઓળખાણ પિછાણ વગર કોઈ કોઈના પર ભરોસો કરે? હું સ્વર્ગસ્થ ધુરંધર તારાચંદ રાજકોટવાળાની વિધવા પત્ની છું. ના, એમનો પેંડાનો બિઝનેસ નહોતો, એ સરકારી અધિકારી હતાં. વહાલા, તમારું ઇ-મેઇલ મને એક વિશ્વાસપાત્ર મિત્ર પાસેથી આપ્યું છે. આ મિત્ર સંશોધનનું કાર્ય કરે છે. શેનું સંશોધન ? વેલ, એને ઇ-મેઇલ ભેગાં કરવાનો શોખ છે. જુદા જુદા લોકોના ઇ-મેઇલ. કેટલી વરાઇટી હોય છે નહિ ઈ-મેઈલ્સમાં નહિ ? જોને મારું ઇ-મેઇલ બબલી.બંટી@ધુતારા.કોમ પણ અહિ બધાને ઘણું જ ગમે છે. તો જ્યારે મારા આ મિત્રને મેં કહ્યું કે મારે એક વિશ્વાસ પાત્ર વ્યક્તિની જરૂર છે. એણે ક્ષણનાં પણ વિલંબ વગર મને તમારું ઇ-મેઇલ શોધી આપ્યું. કેટલું સરસ ઇ-મેઇલ છે તમારું, લોભિયા.જ્હોન@બેવકૂફ.કોમ મને તો ઇ-મેઇલ એડ્રેસ વાંચીને જ તમારી વિશ્વસનીયતા વિષે વધારે સવાલ કરવાનું મન ન થયું. તો હવે આપણે મૂળ મુદ્દાની વાત કરીએ તો કેવું ? પણ તમે આગળ વાંચો એ પહેલા મારી તમને જણાવી દેવાની ફરજ છે કે આપણી વચ્ચે જે આ પત્રવ્યવહાર થાય છે તે અતિશય ખાનગી પ્રકારનો છે, જે ઇન્કમ ટૅક્સ, સેલ્સ ટૅક્સ, સર્વિસ ટૅક્સ, બીટેક્સ, નીટેક્સ કે ટેરરીસ્ટ એટેકસ એવા કોઈ પણ ટૅક્સની નજરમાં ન આવે એટલું ધ્યાન રાખશો. નહિતર ધંધો કરવાની મઝા તો નહિ જ આવે, પણ હાથમાં આવેલું પંખી પણ ઊડી જશે !
જ્હોન તમારો, મારો, અને સૌનો ઈશ્વર એક છે, ને એ જ સૌનો માલિક છે. આ હું નથી કહેતી, પણ એવું મારી જનની કે જેની જોડ અખિલ બ્રહ્માંડમાં નહિ જડે એણે ક્યારેક કહ્યું હતું. હા, એજ બ્રહ્માંડ કે જેમાં કરોડો તારા પણ છે. જોકે અમુક તારા જમીન પર પણ હોય છે. અને આકાશ અને જમીનવાળા બધાં તારા અમારા ગુજરાતમાંથી કમ્પ્લીટ દેખાય છે, કોક વખત તો ધોળે દા’ડે પણ દેખાય છે. પણ ભારતીય અધ્યાત્મમાં માનનારા આ તારા-મારામાં માનતા નથી પરંતુ આપણામાં માને છે. આપણું એટલે મારું પણ નહિ, તારું પણ નહિ, પાડોશીનું પણ નહિ અને સરકારનું પણ નહિ. તમે સમજો છોને વહાલા જ્હોન ? એટલે જ તમને મારા સમજીને આપણાં બેઉના ફાયદા માટે આ મેઇલ કર્યો છે.
વહાલા, અમારા ભગવાન કહે છે કે કર્મ કરો અને ફળની આશા ન રાખો. મારા સ્વર્ગસ્થ પતિ પતી ગયાં ત્યાં સુધી કર્મ કરતાં રહ્યા. એ સરકારી નોકરીમાં હતાં પણ એ કાયમ ઓવર ટાઈમ કરતાં હતાં. સરકાર આ ઓવર ટાઈમના રૂપિયા પણ નહોતી ચૂકવતી. એ ઑફિસની ફાઈલોને નકશા ઘેર લાવતા હતાં. મારા એ ઑફિસમાં કરે તેટલી જ મીટીંગો હોટલોમાં કરતાં હતાં. પણ, છતાં એ એટલાં સાદાં હતાં કે ફાઈવ સ્ટાર હોટલમાં આવી મીટિંગ થાય તો પણ કોફી તો ખાંડ વગરની જ પીતા હતાં. ગુજરાતમાં હોય ત્યાં સુધી તો એ સાવ સસ્તી કારમાં ફરતાં હતા, હા, પણ અમે બહારગામ જઈએ ત્યારે મારા પતિ એકાદ બે ફોનથી કરી ક્યાંયથી અગડમ બગડમ (બળ્યું, નામ પણ લખતા નથી ફાવતું) કંપનીની કાર અમારી સેવામાં મંગાવી લેતાં હતાં. એમની ઑફિસનો સ્ટાફ પણ અમારા ઘેર અવરજવર કરતો હતો. આ સ્ટાફ એટલો વિશ્વાસુ હતો કે સ્ટાફના રૂપિયા અમારે ત્યાં વગર વ્યાજે પડ્યા રહેતા હતાં. બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને જમીનનાં દલાલોને મારા હાથની ચા બહુ ભાવતી એટલે એ ચા-પાણી માટે અમારે ત્યાં આવતા હતાં, અને જતી વખતે ચા-પાણીના રૂપિયા બૅગમાં ભરીને આપી જતાં હતાં. હા, મોંઘવારી કેટલી વધી ગઈ છે નહિ ? પણ મોંઘવારી તો બધાને નડે છે, એટલે જ મારા એ ઘણી વખત મંત્રીજીનાં પત્નીના હાથની ચા પીવા જતા અને ફોરેન જવામાં વપરાય એવી સૂટકેસ ભરીને રૂપિયા આપી આવતાં. હાસ્તો, મોટા માણસો વધારે મોંઘી ચા ના પીવે ?
પણ મારા પતિ ઘણાં ઉદ્યમી હતાં. એ પ્રધાનોના હમરાઝ, બિલ્ડરોના હમદર્દ અને અમુક લોકો માટે સરદર્દ હતાં. એમની સ્કીમોનો વ્યાપ અત્ર, તત્ર, અને સર્વત્ર એમ ઘણો વિશાળ હતો. એકવીસ જિલ્લાઓમાં તો એમણે બેતાલીસ એજન્સીઓ આપી હતી. આ એજન્સી તૃણમૂળ બોલે તો ગ્રાસ રૂટ લેવલે કામ કરતી હતી. સોરી, ગાંધીજીના ગુજરાતમાંથી કાગળ લખું છું પણ ખબર નહિ વચ્ચે મુન્ના ભાઈ ક્યાંથી ઘૂસી જાય છે. પણ તમને એ બધી સમજ નહિ પડે. હા, તો મારા પતિની સરકારી અને બિનવારસી મોકાની જમીનો શોધી એનાં કાગળોમાં જરૂરી સુધારા વધારા કરી આપવાની સેવાઓમાં એમની હથોટી હતી. હથોટી સમજો છોને ? હથોટી મીન્સ, જેમ લખોટીની ગેમ્સમાં તાકવાની આવડત હોય એમ જ એમને રૂપિયા પાડવાની આવડત હતી.
તો આમ ખૂબ આકરી મહેનત કરી, પરસેવો પાડીને મારા પતિએ ઘણાં રૂપિયા બનાવ્યા હતાં. તો પણ એમનાં વિરોધીઓ તો એમને નોટો છાપે છે કહી બદનામ પણ કરતાં હતાં. બનવાવા અને છાપવામાં શું ફેર છે એ તો તમને ખબર હશે જ. પણ એમનાં વિભાગમાં ભારે સંપ હતો. સંપ ત્યાં જંપનાં સૂત્રો એમની ઓફિસમાં ઠેર ઠેર લાગેલા હતાં. આ સંપના કારણે પટાવાળાથી લઈને મંત્રી સુધી સૌ બે પાંદડે થયા હતાં. એમનાં વિભાગમાં જે હજારપતિ હતાં એ જંપ મારીને વરસ બે વરસમાં લખપતિ, લખપતિઓ જંપ મારીને કરોડપતિ અને કરોડપતિઓ જંપ મારીને અબજપતિ બન્યા હતાં, અને આમ સંપ ત્યાં જંપનું સૂત્ર સાર્થક કર્યું હતું. પણ કૉમન વેલ્થ ગેમ્સ પછી એક વખત બહુ હાઈ જંપ મારવામાં આખી ટોળકી ભેખડે ભરાઈ ગઈ. સરવાળે ઘણાં પ્રયત્ન છતાં બંદૂકવાળા, ટોપીવાળા, ટાલવાળા, અને દાઢીવાળા અનેક લોકો જેલમાં ગયાં, પણ મારા પતિને તો માનવામાં જ ન આવ્યું કે કરોડો રૂપિયા હોવા છતાં અને એ વેરવાની તૈયારી હોવા છતાં પતાવટ કેમ ન થાય. એટલે જ એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, પછી એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા, ત્યાં એ ડોક્ટરો અને સાથીઓને આશ્ચર્યમાં મૂકી એ હેવન ડોટ કોમની સફરે ચાલ્યા ગયાં. આ વાતને આશરે છએક મહિના થયા હશે. છેક હવે, હું એમના શોકમાંથી બહાર આવી છું. હા, અમારા ઇન્ડિયામાં આ શોકને બધું બહુ લાંબું ચાલે, તમારે ત્યાં તો અત્યાર સુધીમાં બીજા લગન થઈ ગયા હોય નહિ ?
તો વહાલા જ્હોન તમને ખબર પડી ગઈ હશે કે આ મારા પતિએ ભેગાં કારેલા બધાં દલ્લાની માલિક હું જ છું, મારા પતિના પીએફને અત્યારે ન ગણું તોયે અંદાજે સાડી સુડતાલીસ કરોડ રૂપિયાનાં આઠ ફ્લૅટ, ત્રણ બંગલા, ચાર પ્લૉટ અને બે શો રૂમ મારા પિયરના નામે લીધેલાં છે. પિયર તો તમને ખબર જ હશે, અમારી ગુજરાતી સ્ત્રીઓ પિયર બહુ જાય, અને ન જાય તો જવાની ધમકીઓ પણ બહુ આપે, અને અમુક સ્ત્રીઓ તો પિયર ગયાં પછી પાછી આવવાની ધમકીઓ પણ આપે બોલો ! તમે પણ શું જ્હોન, પિયર યાદ કરાવીને રડાવી દીધીને મને? હા, મારું પિયરનું નામ જ આ બબલી છે. તમારામાં પેલી બબલ ગમ હોયને એમ હું બબલી, ફુગ્ગા જેવી જ છું, અરે ફુગ્ગા જેવી હવા ભરેલી કે ગોળ નહિ, નાજુક ડિયર. તો આ બધી પ્રૉપર્ટી છે અને નથી. છે એટલાં માટે કે એ છે, અને નથી એટલા માટે કે એ હું વાપરી કે વેચી શકતી નથી એટલે.
તો તમને આ સ્કીમ સંભળાવવાનો હેતુ એટલો જ કે તમે આ પ્રૉપર્ટી છોડાવવામાં મને સહાય કરો. હવે આ સાડા સુડતાલીસ કરોડ રૂપિયા કે જેને પિસ્તાલીસ વડે ભાગશો એટલે તમને કેટલા અમેરિકન ડોલર થશે એ પણ ખબર પડી જશે. ભૂલચૂક લેવી દેવી. તો આ પ્રૉપર્ટી મારે તમારા નામે ટ્રાન્સ્ફર કરવી છે. અમારા ગુજરાતમાં આજકાલ ફોરેન ઇન્વૅસ્ટમેન્ટ બહુ બધું થાય છે. એટલે તમે અહિ બે ચાર પ્રૉપર્ટી ખરીદશો તો કોઈને આશ્ચર્ય નહિ થાય. એટલે વાત બહુ સિમ્પલ છે. તમે એક વાર મને હા કહો એટલે હું પ્રોપર્ટીના કાગળ તૈયાર કરું. તમારે આમાં ખાલી સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો કરવાનો છે, બસ એટલી મામૂલી રકમમાં પ્રૉપર્ટી તમારા નામે, અને પછી એ વેચીને ૩૦% હિસ્સો લઈ તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. તો તમને આ સ્કીમ મંજૂર હોય તો તમારું સંપૂર્ણ નામ, સરનામું અને બૅન્કના પાસવર્ડ મને મોકલી આપશો. હા, અમારે ત્યાં પ્રૉપર્ટી રજિસ્ટર કરવા એ જરૂરી છે, કારણ કે અહિ આજકાલ એટલાં ફ્રોડ વધી ગયાં છે એટલે સરકાર ખૂબ સાવચેતીથી કામ કરે છે. હવે હસો નહિ, અમારા ત્યાં સરકાર ખરેખર કામ કરે છે, એટલે જ તો એક પચાસ હજારનો પગારદાર માણસ સાડી સુડતાલીસ કરોડ ભેગાં કરી શકે ને ? તો નિશ્ચિંત થઈ તમારી વિગતો અને ટેલિફોન નંબર મોકલી આપો, એટલે હું તમને વળતી ઇ-મેઈલે આગળની કાર્યવાહી અંગે માહિતી આપું.
એજ લી.
તમારી મદદ થકી
કરોડપતિમાંથી અબજપતિ
થવા મથતી
વિધવા બબલી
Good! See to day's cartoon on internet scam!
ReplyDeleteNailed it!!!!!!!!!!!
ReplyDeleteloved each and every line of it...you discussed a bitter truth in hilarious way...
So intelligent man.....great job.
Nailed it!!!!!!
ReplyDeleteGreat job...enjoyed each and every word of it..
you discussed bitter truth in hilarious way...
very intelligent bro...Thanks.
Mira.
superb...
ReplyDelete@m1r4 appropriately said... bitter truth in hilarious way..
ReplyDeleteThis is the true height of a satirist's way to convey the message to the society..
Excellent writting, as usual you do !
ધુરંધર તારાચંદ રાજકોટવાળા..!
ReplyDeleteવાહ અધિરભાઈ વાહ
thank you all for your love !
ReplyDelete