Sunday, February 19, 2012

સ્ત્રીઓની સમસ્યાઓ


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૯-૦૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

આ આરોગ્ય સંબંધિત કોલમ નથી, અને હું ગાયનેકોલોજિસ્ટ કે સેક્સોલોજીસ્ટ નથી. એટલે જે બહેનો, અને ખાસ કરીને ભાઈઓ, આ ટાઇટલ વાંચીને ભૂલમાં અહિં આવી ગયા હોય એ પાછાં જતા રહે. બાકીનાં આગળ વાંચે.

આ લેખ સ્ત્રીઓને રોજબરોજના જીવનમાં સહેવી પડતી હાડમારીઓ વિષે છે. બિચારી સ્ત્રીઓ વર્ષોથી સહન કરતી આવી છે. પરણિત સ્ત્રીઓ તો ખાસ. ‘બધાંને થાય કે કબાટ તો આનાં જ કપડાથી ભર્યા છે, પણ બેન તમે આવીને જુઓ તો ખબર પડે કે પહેરવા જેવું કશું નથી. પેલો ગ્રીન ડ્રેસ તો બહુ (ત્રણ વખત) પહેર્યો છે. અને આ પિંક તો સુષ્માની પાર્ટીમાં(વરસ પહેલાં જ) પહેર્યો હતો, અને આ રેડનું મેચિંગ પર્સ નથી, પણ લેવા જવાનો સમય નથી બોલો. આટલું બોલ્યા પછી એ જો તૈયાર થવામાં વાર કરે તો પતિ નામનો કાગડો કાં કાં કરી મૂકે, જાણે એ ન જાય ત્યાં સુધી રિસેપ્શન શરું જ ન થવાનું હોય ! પણ જો એ ઉતાવળે તૈયાર થાય તો પતિ બોલે જ કે ‘સાડી લપેટી, તું રેખાને જો, સાઈઠ વર્ષે પણ ફિલ્મના એવોર્ડ ફંક્શનમાં કેવી ગ્રેસફુલ લાગે છે’. પણ ભાઈ રેખા તૈયાર થવામાં સવારથી સાંજ પાડે ત્યારે રાતે એવોર્ડ ફંકશનમાં પહોંચે છે, એ પણ મોડી એ તો જુઓ!

પણ સ્ત્રીઓ ગમે તે કરે જાલિમ વજન, એમને જીવવા નથી દેતું. જો તળેલું, ગળ્યું ખાઈને બહેન જાડા થાય તો ‘ખાઈ ખાઈને ભાદરવાની ભેંસ જેવી થઈ છે’ એવી ટીકા થાય. બિચારી ભેંસ! હવે પતિ નામનાં પ્રાણીને તો બે ટાઈમ સારું ખાવાનું જ જોઈતું હોય છે. સ્ત્રી એ બનાવે તો પછી પોતે ચાખે પણ નહિ ? અને જો સ્ત્રી ન ખાય તો પણ પાછી ટીકા તો થાય જ. ડાયેટીંગ કરતી સ્ત્રીને ખવડાવવાના લોકો ભરપુર પ્રયત્નો કરે. એમાંય સ્ત્રી પોતાનાથી પાતળી હોય એવી સ્ત્રીઓને તો ખાસ આગ્રહ કરે. પણ જો એ ડાયેટીંગ કર્યા બાદ પણ પાતળી ન થાય તો પણ પાછી એની ટીકા થાય કે ‘જોયું, ડાયેટીંગ કરે છે, જીમ જાય છે, ટ્રેનર રાખ્યો છે, હજારો ખર્ચી નાખ્યાં પણ કંઈ ઘટે છે ?’ આથી વિરુદ્ધ સ્ત્રી જો પાતળી હોય તો તરત ‘સાવ સળી જેવી દેખાય છે, શું જોઈને સાઈઝ ઝીરોનાં સવાદ કરતાં હશે’ એવી ટીકા થાય છે.

સ્ત્રીઓને જો વાહન ચલાવતાં ન આવડે તો ‘તારા મા-બાપે તને કાંઈ શીખવાડ્યું નથી’ એવાં આક્ષેપો થાય છે, અને જો સ્ત્રી વાહન ચલાવે તો ‘કોણ આવા લોકોને લાઈસન્સ આપે છે?’ એવાં બખાળા પબ્લિક કરે છે. બિચારી સ્ત્રીઓ! એમાંય ટુ વ્હીલર હાંકતા નમણી અને અન્ય દરેક પ્રકારની સ્ત્રીઓએ હેલ્મેટ પહેરવી પડે છે, જેથી કેશરાશિ વિખરાઈ જાય છે. જો સ્ત્રી કાર ચલાવે તો સીટ બેલ્ટના લીધે સાડી કે ડ્રેસ ખરાબ થઈ જાય છે. એમાં કારમાં બેઠેલ બહેન જો મિરરમાં જુએ તો પણ લોકો ટીકા કરે કે ‘જુઓ તો ખરા, રીઅર વ્યૂ મિરરનો ઉપયોગ મેકઅપ માટે કરે છે’. હવે લોકોને કઈ રીતે સમજાવવા કે આ તો એક પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટ છે, સિગ્નલ પર બે મિનીટ નક્કામું ઊભા રહેવાનું હોય એ સમયનો ઉપયોગ કરી જો કોઈ મેકઅપ રિપેર કરી લે તો એમાં કયો મોટો ગુનો થઈ ગયો? પણ આ લોકો તો. એમણે સીતાજીને પણ ક્યાં છોડ્યા હતાં?

સ્ત્રી જો ચુપચાપ કામ કરે તો લોકો ‘રિસાઈ હશે, કાંઇ સેટ બેટ જોઈતો હશે’ એવાં અનુમાન બાંધે છે. સ્ત્રી જો ખપ પૂરતી વાત કરે તો ‘સ્વાર્થી બાઈ છે’ એવું લેબલ લાગે છે. સ્ત્રી જો વાચાળ હોય તો એ ક્યારે બોલવાનું બંધ કરશે એ વિષે અટકળો લગાવવામાં આવે છે. એનું નામ બસંતી કે એટીએન્ડટી (ઓલવેઝ ટોકિંગ એન્ડ ટોકિંગ) પાડવામાં આવે છે. હવે તમે જ વિચારો કે આમ નોનસ્ટોપ બોલવું સહેલું છે ? પ્રયત્ન કરી જોજો. અરે, નોનસ્ટોપ બોલવું એ કળા છે, જે દરેકને સાધ્ય નથી હોતી. એટલે જ તો શંકર મહાદેવનનું બ્રીધલેસ આટલું પ્રખ્યાત થયું. બાકી તમને કોઈ સ્ટેજ પર ચડાવી દે ત્યારે બે મિનીટ બોલવાનાય કેવા ફાંફા પડે છે એ યાદ છે કરજો, પછી સ્ત્રીઓની ટીકા કરજો !

ડ-બકા
તારી મહેંદીનો રંગ હજુ છે લાલ બકા,
ને સનમને પડવા લાગી છે ટાલ બકા.

 

No comments:

Post a Comment