Tuesday, February 28, 2012

મહાન ભારતની વાતો

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |


કુંતીની અગમચેતી

અને બધાં પાંડવો જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં જવા રવાના થઈ ગયાં એ પછી કુંતી કામકાજમાં પરોવાઈ. બધું આટોપી એ ઓટલા પર જઈ બેઠી જ હતી ને ત્યાં એનાં પડોશી કાન્તાબેન ખુશખુશાલ હાલતમાં આવતાં દેખાયા. ‘કુંતીબેન અભિનંદન, ટીવી પર સાંભળ્યું કે તમારો અર્જુન સ્વયંવરમાં લક્ષ્યવેધ કરીને દ્રૌપદીને પામ્યો’.

‘ખબર હતી, કે આ કામ અર્જુન કરશે જ. પણ મારે અહિં નવા પ્રૉબ્લેમ ઊભા થશે એનું શું ?

‘કેવાં પ્રૉબ્લેમ?’

‘અરે, અર્જુન પરણ્યો એટલે યુધિષ્ઠિર તો સમજુ છે પણ પાછળ ભીમ, અને પછી નકુળ સહદેવ પણ પરણવાની જીદ કરશે.’

‘ઓહ, એમાં શું છોકરાં ઉંમરલાયક થાય એટલે પરણે જ ને ?’

‘અરે, એ જ તો રામાયણ છે. એ પાંચે પરણે એટલે ઘરમાં પાંચ પાંચ વહુઓ આવે, એમને સંભાળવી એ સહેલું થોડું છે?’

અને પછી કુંતીએ પાંચ વહુઓ ઘરમાં ન ઘૂસે એ માટે જે રસ્તો કાઢ્યો એ તો જગજાહેર છે.

લાક્ષાગૃહ
અને પછી વગર ટેન્ડર મંગાવે લાક્ષાગૃહનું બાંધકામ સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ શકુનિના સાળાને ફાળવી દેવામાં આવ્યું. મકાનમાં સિમેન્ટની જગ્યાએ રેતી, લાકડાની જગ્યાએ લાખ અને સળિયાની જગ્યાએ ઘાસ વાપરવામાં આવ્યું. પાંડવોને તો બચારાને મકાન એલોટ થયું ત્યારે વિદુરજીએ કહ્યું પણ હતું કે ‘તમે સાચવજો, આ શકુનિનો સાળો બ્લેકલિસ્ટ થવાનો હતો એ શકુનિની દખલને કારણે બચી ગયો છે. પણ એનાં બાંધેલા મકાનનો ભરોસો નહિ’. પણ ભોળા પાંડવો સરકારના વિશ્વાસે રહેવા જતાં રહ્યા. સારું મુર્હુત જોઈ બધાં ઘરમાં પ્રવેશ્યા, જેમાં છેલ્લા ભીમ અંદર ઘૂસ્યો. ભીમનો ઘરમાં પગ પડતાં જ ફલોરીંગ બેસી ગયું અને ત્યાં એક ભૂવો પડ્યો જેમાં છએ જણા ધસી ગયાં. એ ભૂવો ચારસો ફૂટ દૂર સ્ટોર્મ વોટર લાઈનમાં જોડાઈ ગયો. એ નીકળ્યા એની પાછળ આખું મકાન ધસી પડ્યું અને શૉર્ટ સર્કિટના કારણે આગ પણ લાગી. પાંડવો તો જીવ બચ્યો એ માટે ભગવાનનો પાડ માનતા જંગલ ભણી નીકળી પડ્યા. આ તરફ લાક્ષાગૃહમાં ગરીબ પાંડવો દબાઈ ગયાં છે એ મામલે ગામમાં ઊહાપોહ થઈ ગયો. સરકાર પર દબાણ આવ્યું એટલે આગ અને ઇમારત ધસી પડવાના કારણોના તપાસ માટે શકુનિની અધ્યક્ષતામાં જ એક કમિટી રચાઈ છે. જેનો રિપોર્ટ આવે તેની હજુ પ્રતીક્ષા થઈ રહી છે.

સોયની અણી પર આવે એટલી જમીન પણ નહિ મળે
અને સમાધાનના પ્રયાસરૂપે યુધિષ્ઠિરે દુર્યોધન પાસે માગણી કરતાં કહ્યું કે ‘હે ભાઈ, અમને પાંચ ભાઈઓ જોગ પાંચ ગામ આપી દે એટલામાં અમે ખુશ રહીશું’

‘ના, તમને તો હું સોયની અણી પર આવે એટલી જમીન પણ નહિ આપું.’ દુર્યોધને પ્રોપોઝલને સાવ રીજેક્ટ કરી દીધી.

થાકેલા અને નિરાશ પાંડવો પાછાં ફરતાં હતાં ત્યાં રસ્તામાં એક મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ કમ દલાલની ઑફિસનું પાટિયું જોયું. પાંચે જણા અંદર ગયાં. દલાલે બધી વાત સાંભળી અને એક અઠવાડિયા પછી આવવા કહ્યું. ફી પણ નક્કી કરી, અને ભીમની કચકચથી ફી કામ થયાં બાદ આપવી એવું પણ ઠરાવ્યું. એક અઠવાડિયા પછી પાંડવો વતી એ દલાલ એક રિપોર્ટ લઈ ઉદ્યોગ વિભાગના મંત્રી દુર્યોધનને મળી આવ્યો. આ મીટિંગના ત્રીજા દિવસે હસ્તિનાપુર ટાઈમ્સમાં સમાચાર આવ્યાં કે ‘ઇન્દ્રપ્રસ્થ એસ્ટેટ અને શસ્ત્ર ફૅક્ટરી બાંધવા માટે પાંડવોના સરકાર સાથે એમ.ઓ.યુ., સરકારે સાત હજાર હેકટર જમીન એક પૈસાના ટોકન ભાવે ફાળવી’.


દ્રોણનું રાજીનામું ? 

ને ધનુર્વિદ્યાના પ્રેક્ટિકલમાં ‘તમને શું દેખાય છે ?” એવો વિચિત્ર સવાલ પૂછી દ્રોણે બધાંને ચકિત કરી દીધા હતાં. સવાલ કોર્સની બહારનો હતો એવું નહોતું, પણ મુદ્દે અર્જુન સિવાય કોઈને સવાલ શું છે એ ખબર જ નહોતી પડી. એટલે જ તો એક માત્ર અર્જુન પાસ થયો. કર્ણને તો ફોર્મ જ ભરવા નહોતું દીધું. એટલે જ આજે શકુનિની આગેવાનીમાં વાલીમંડળની બેઠક મળી હતી. દ્રોણનું વલણ પક્ષપાત ભર્યું હતું. અર્જુન એમને પ્રિય હતો એ તો સૌ જાણતા હતાં, પણ આ હદે દ્રોણ એની તરફદારી કરશે એની કોઈને કલ્પના પણ નહોતી. એટલે જ મીટિંગમાં સૌએ એક અવાજે દ્રોણને હાંકી કાઢવા અને પરીક્ષામાં ગેરરીતિને મામલે દ્રોણની સામે કેસ કરવા ઠરાવ કર્યો. શકુનિ પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી ધૃતરાષ્ટ્રને મળવા ગયાં. મુખ્યમંત્રીને કશું જ દેખાતું નહોતું પણ શકુનિના આવ્યાનું પ્રયોજન એ જાણતાં હતાં. અને એમ પણ સીએમના પોતાના સો છોકરાં નાપાસ થયાં હતાં એટલે ઘરમાં ગાંધારીનો કકળાટ ચાલતો હતો કે ‘ટ્યુશન રાખવા છતાં છોકરાં ફેઈલ થતાં હોય તો ટ્યુશનના રૂપિયા શું કામ ખર્ચવા?’. શકુનિએ વાલીમંડળના અધ્યક્ષ તરીકે દ્રોણને હાંકી કાઢવા અસરકારક રજૂઆત કરી. આ દરમિયાન સ્ટુડન્ટ્સ યુનિયને પણ સીએમ ઓફિસની બહાર સુત્રોચ્ચાર ચાલુ કરી દિશા હતાં. બધી વાત સાંભળ્યા બાદ ધ્રુતરાષ્ટ્રે શકુનિને ખાનગીમાં કહ્યું, ‘ હે વત્સ, તારી વાત તો સાચી છે, પણ આપણે આ છોકરાંઓને ભણાવીને ક્યાં નોકરી કરાવવી છે કે તું આટલો ક્ષોભ કરે છે ? એમણે તો છેવટે રાજકારણમાં જ આવવું છે ને ? અને તને તો ખબર જ છે કે દ્રોણ આચાર્યમંડળના પ્રમુખ છે. આપણી સભાઓ અને મેળાઓમાં કાયમ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પુરા પડવાનું કામ પૂરી નિષ્ઠાસહિત એ કરે છે, માટે તમે એની ટ્રાન્સ્ફરની વાત પડતી મુકો’. અને શકુનિ માથું ખણતો ખણતો અને વાલીમંડળ અને સ્ટુડન્ટ યુનિયનને કઈ રીતે ઉઠા ભણાવવા એ વિચારતો ત્યાંથી રવાના થઈ ગયો. ■

2 comments: