Saturday, March 24, 2012

બોસને તપાવવાના નુસખા

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૫-૦૩-૨૦૧૨ | અધીર અમદાવાદી |    બૉસ નામનું પ્રાણી સોળ સોમવાર ઓવરટાઈમ કરો તો પણ રીઝતું નથી. તમે ખૂબ મહેનત કરો તો એ તમારી મહેનતને ગદ્ધાવૈતરું નામ આપે છે. તમે ઉત્સાહમાં આવી આખા દિવસનું કામ બે કલાકમાં પૂરું કરી દો તો એ તમને બીજા આઠ કલાકનું એક્સ્ટ્રા કામ આપે છે. તમે રાત દિવસે એક કરીને ટાર્ગેટ પૂરા કરો તો એ જશ ખાટી જાય છે. અને આ તો કઈ નથી, પણ તમને ખૂબ ગમતી રિયા બૉસથી એવી અંજાઈ ગઈ છે કે તમને ઘાસ જ નથી નાખતી. જો તમારી જિંદગીમાં આવું કંઇક થઈ રહ્યું હોય તો તમારા માટે ખાસ આ બૉસને તપાવવાના નુસ્ખાઓ. બૉસ તમારું આથી વધારે શું ઉખાડી લેવાનો છે ?   
(આ નુસ્ખાઓ માત્ર પુરુષ બૉસ-પુરુષ કર્મચારી માટે જ)


 1. બૉસ તમને કામ બતાવે અને તમે બૉસને કામ બતાવો. જેમ કે... એ કહે કે મિ. અધીર, આ પાર્ટીના ઑર્ડરનું ડિલિવરીનું ફોલોઅપ કરો...તો કહો...સર, ચોક્કસ,  પણ તમે પ્રોડક્શનમાં મહેતાને જરા કોલ કરી દેજો ને, એમાં એવું છે ને કે એ મારું સાંભળતો નથી...
 2. અઠવાડિયામાં એક દિવસ બૉસ કરતા ઓફિસ લેટ પહોંચો, માત્ર દસ મીનીટ. તમે પહોંચશો ત્યારે એની કૅબિનમાંથી ધુમાડા નીકળતા હશે. અને તમે તો ગાળો ખાવા માનસિક રીતે તૈયાર જ હશો.
 3. જ્યારે બૉસના ધુમાડા નીકળતા હોય ત્યારે વધારે ખુશ હોવાનો દેખાવ કરો. એમને તમારી તરફ આવતા જુવો કે તરત ગીત ગણગણવાનું શરુ કરો.
 4. બૉસ અગત્યની સૂચના આપતાં હોય ત્યારે ઓડકાર ખાવ. પછી મો પર હાથ ઢાંકી દો.
 5. બૉસને તમારી તરફ આવતાં જુઓ એટલે ટુથપિકથી દાંત ખોતરવાનું ચાલુ કરો.
 6. બૉસનું પ્રેઝન્ટેશન ચાલતું હોય ત્યારે વચ્ચે સીલી ક્વેશ્ચન પૂછો, એ પણ બગાસું ખાતાં ખાતાં.
 7. વોશરૂમમાં બૉસ અને તમે ભેગાં થઈ જાવ તો બહાર નીકળતા પહેલાં વાળ ઓળવા રોકાવાનું ભૂલતા નહિ. (ટાલિયા લોકોએ ખાસ)
 8. બૉસને સ્ટેટમેન્ટ આપો તો ટોટલ બાકી રાખો. જે કામ કોમ્પ્યુટર પર થઈ શકે એ બૉસના કહેવા પછી એમની સામે બેસી કેલ્ક્યુલેટરથી કરો.
 9. બૉસ જે દિવસે ગુસ્સામાં દેખાય એ દિવસે કાનમાં ઈયરફોન્સ લગાડી રાખો. એ વાત કરે એટલે સાચવીને ફોન્સ કાઢી એમને પૂછો હેં, શું કીધું?’
 10. બૉસની સાથે વાત કરતાં કરતાં હંમેશા પેનનું ઢાંકણું ખોલ બંધ કરો. ટક ટક ટક ટક. 
 11. વાત કરતાં કરતાં બૉસ એમનો ચાલુ મોબાઈલ તમને આપે કે લો પાર્ટીને જવાબ આપોતો મોબાઈલ બે મીનીટ સુધી ઘસીને પછી જ કાને લગાડવો. પણ પાછો આપતી વખતે એમનેમ પાછો આપી દો.
 12. કાયમ તમારી આગળની નોકરીમાં તમે કઈ રીતે કામ કરતાં હતાં, અને ત્યાં કેવું સરસ ટીમવર્ક હતું એની વાત કરો.
 13. બૉસ એમની કૅબિનમાં ચર્ચા કરવા બોલાવે તો રિવોલ્વિંગ ચેર પર વિજય દીનાનાથ ચૌહાણની અદાથી બેસો. વાત કરતાં કરતાં ખુરશી સ્વિંગ કરવાનું ભૂલતા નહિ.
 14. બૉસ કોઈ સૂચન કે હુકમ આપે તો તરત પણ....કરીને મમરો મૂકો. શક્ય હોય તો મારી વાઈફે કહ્યું છે...કરી ને મમરો મૂકશો તો વધારે તપશે.    
 15. બૉસના દુશ્મનના વખાણ કરો. મહેતા સાહેબ બહુ ઇન્ટેલીજન્ટ હોં, એમના જેવું કોઈ નહિ’.
 16. બૉસ જ્યારે સૂચના આપી રહે અને પૂછે કે સમજ્યા ?’ એટલે માથું અંગ્રેજી આઠડો પાડતા હોવ એમ ડાબે ઉપરથી જમણે નીચે અને પછી ફરી જમણે ઉપરથી ડાબી બાજુ નીચી તરફ ઘુમાવો. તમે ના કીધી કે હા એ બાબતે સરસ મઝાનો ગૂંચવાડો ઊભો થશે.
 17. બૉસ જો ૪૨-૪૫ વરસના હોય તો એમને ઝીણા અક્ષરની પ્રિન્ટ આઉટ આપો.
 18. બૉસના ફેવરીટ સપ્લાયરને ખૂબ ખખડાવો અને બે ધક્કા વધારે ખવડાવો. એ બૉસને ફરિયાદ તો કરશે જ.
 19. કામ અઘરું હોય તો બૉસની ફેવરીટ રિયા સાથે ખાલી ચર્ચા કરો. અને પછી જ્યારે બધી બાજુથી ફસાઈ જાવ ત્યારે કહો કે રિયાએ મને આમ કરવા કીધું હતું’. બૉસની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ જશે.
 20. જો કોઈ કામ અંગે બૉસ એનાં ઘેર બોલાવે તો આંખોમાં મેશ આંજીને જાવ. એ પૂછે તો ખુલાસો કરો કે આ તો નજર ના લાગેને એટલે’.
ડિસ્ક્લેમર : આ નુસ્ખાઓ પોતાના હિસાબે અને નોકરીના જોખમે વાપરવા.

1 comment:

 1. અધીરભાઈ, ખુબ રમુજી, આપનો આ લેખ મોજેમોજ.કોમ ઉપર મૂકી રહ્યો છું, ઓરીજીનલ લીંક સાથે,

  ReplyDelete