Sunday, March 11, 2012

કાપલી શાસ્ત્ર


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૦૩-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણ જ મુખ્ય સિઝન છે એવું તમે માનતા હોવ, તો તમે લગ્ન અને પરીક્ષાની સિઝન ભૂલી ગયાં. શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે એ રીતે લગ્નની સિઝન ખરીદી કરવી પડે છે, ચાંલ્લા વ્યવહાર સાચવવા પડે છે અને હાજરી આપવી પડે છે. પરીક્ષાની સીઝનમાં પણ આવી જ રીતે બેસ્ટ ઑફ લકકહેવાને બહાને છોકરાં ડીસ્ટર્બ કરવા પડે છે. છોકરાની સાથે મા-બાપોએ પણ જાતજાતની તૈયારીઓ કરવી પડે છે. મમ્મીઓએ  પોતાનાં દીકુઓ માટે ચાર વાગ્યે ઊઠીને ચા બનાવવી પડે છે. અને પપ્પાઓએ પણ ઍડ્મિશન માટેના ડોનેશનનાં આગોતરા સેટિંગ કરવા પડે છે. બાકી બધાં તો ઠીક, પણ ભૂલથી મહેમાન પણ જો ઘરમાં આવી જાય તો એમણે ચુપ રહેવું પડે છે!

જો કે આ બધા વચ્ચે પરીક્ષાવાન્ચ્છુકો માટે એક સમાચાર આવકારદાયક છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં હવે તૈયાર કાપલીઓ મળે છે. (ટૂંક સમયમાં મળતી હતીથઈ જશે !). એક વિષયનો કમ્પ્લીટ સેટ પાંચસો રૂપિયામાં. કેવું સરસ અને સગવડભર્યું નહિ ? વિદ્યાર્થીઓએ, અને હવે તો મા-બાપોએ પણ, કોઈ મહેનત જ નહીં કરવાની. અપેક્ષિત પ્રશ્નોના જવાબોની પ્રિન્ટેડ માઈક્રો ઝેરોક્સ સ્ટેશનરીની દુકાન પર વેચાતી મળે છે. આ માઈક્રો કાપલીઓ ઓછી જગ્યામાં વધારે મેટરનો સમાવેશ કરે છે. કેટલો બધો સમય અને કાગળ બચે નહિ ? આ કાપલીનો એક ફાયદો એ છે કે એ ખોવાઈ જાય તો એનો બીજો સેટ આસાનીથી ખરીદી શકાય છે. અને ખરાબ અક્ષરવાળા વિદ્યાર્થીઓ માટે તો આ પ્રિન્ટેડ કાપલીઓ આશીર્વાદ સમાન છે. આવી કાપલી સાથે જો પકડાયા તો કાપલીના અક્ષર (ફોન્ટ) અને તમારા અક્ષરો મળે નહિ. આ ખરાબ અક્ષરથી યાદ આવ્યું કે એક જમાનામાં જેમણે સ્કૂલ ઇન્સ્પેક્શનમાં માસ્તરના કહેવા છતાં ચોરી નહોતી કરી એ ખરાબ અક્ષર ધરાવનાર મહાત્મા ગાંધીજીએ આ નવસારીના દાંડી ખાતે જ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આમ નવસારી કાપલીની બાબતમાં વરસો પછી ફરી એક વખત નામ કાઢી બીજા જિલ્લાઓ માટે પ્રેરણાદાયક બન્યું છે. અલબત્ત અલગ રીતે.

પણ અન્ય જિલ્લાઓમાં આ કાપલી બનાવવાનો કુટિર ઉદ્યોગ હજુ જોઈએ એટલો પ્રચલિત નથી. કદાચ આ ઉદ્યોગને સરકારનું સમર્થન નથી મળ્યું એ કારણે. વિદ્યાર્થીઓએ એટલે હજુ પણ ભણવાના સમયના ભોગે, રીવીઝન પડતું મૂકી, કાપલીઓ બનાવવી પડે છે. હાથથી લખેલી કાપલીમાં પાછું અક્ષર સારા હોવા જરૂરી છે નહિતર છતાં કાપલીએ અક્ષર ન ઊકલે એટલે પેપર અધૂરું મૂકીને આવવું પડે એવું પણ બને. આ ઉપરાંત દરેકને કાપલી બનાવવાનો મહાવરો હોય એ જરૂરી નથી. ઘણાંને તો પૂરો અભ્યાસક્રમ પણ ખબર નથી હોતી, તો પછી મોસ્ટ આઈ.એમ.પી. સવાલો, અને એ સવાલોના સાચાં જવાબો ક્યાંથી શોધે ? અને જો દરેક વિદ્યાર્થી આમ કાપલી બનાવવા બેસે તો દેશના કેટલાં બધાં વિદ્યાર્થી-અવર્સ બરબાદ થઈ જાય એ ખબર છે ? દાદ આપવી જોઈએ જેણે આ આઇડિયા આપ્યો. હું તો કહું છું એનું રાજ્યકક્ષાએ સન્માન થવું જોઈએ. પણ ખાટલે મોટી ખોડ એ છે કે હું કહું એ બધું સરકાર સાંભળતી નથી. હશે, કોનું સાંભળે છે ને મારું નથી સાંભળતી ?

કાપલી બની જાય એ પછી એને સંતાડવાની જગ્યા શોધવી એ ઘણું અગત્યનું કામ છે. અમારો પ્રોફેસર તરીકેનો અનુભવ એવું કહે છે કે ટી-શર્ટમાં કાપલી સંતાડવી અઘરી હોવાથી ટી-શર્ટ ધારી વિદ્યાર્થીઓ અપવાદરૂપે જ કાપલી રાખતા હોય છે. મોજામાં, શર્ટની બાંય વાળીને એમાં કે પછી પેન્ટની અંદર ચોરખીસામાં કાપલી રાખવાનો રિવાજ પ્રચલિત છે. એ પછી વધારે ખીસાવાળા પૅન્ટનો વારો આવે. હવે તો જેમાં કાપલી છુપાવવા માટેના ચોરખાના હોય એવા પરીક્ષા શર્ટ અને પરીક્ષા પેન્ટ પણ બજારમાં મળે છે કે સિવડાવી શકાય છે. બૅન્કના લૉકરની જેમ આમાં ચોરખાનાને નંબર આપી શકાય છે. એથી કઈ કાપલી કયા ખીસામાં છે એ ભૂલ ન પડે. ચોરખાના અંગે સુપરવાઈઝર કે ફ્લાઈંગ સ્કવોડને જલદી અંદાજ આવતો નથી એટલે ક્યારેક જો જડતી લેવામાં આવે તો પણ કાપલીઓ બચી જાય છે. 

છોકરાં કાપલી રાખતાં હોય કે પરીક્ષામાં સુપરવાઈઝર ખુદ પેપર લખાવતા હોય, ચીટીંગના કિસ્સા બનતા જ રહે છે. અને એ પણ આજનું નથી. આ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણે સુપરવાઈઝર ખુદ પેપર લખાવતો હોય એવું જ કંઈક કર્યું હતું. જરાસંઘ વધ વખતે એમણે ભીમને દાતણ ચીરવાનો ઇશારો કર્યો હતો. અને ભીમે જરાસંઘને બે ભાગમાં ચીરી નાખ્યો હતો. દુર્યોધન અને ભીમના યુદ્ધ વખતે પણ એમણે બીલો ધ બેલ્ટપ્રહાર કરવાની સૂચના ભીમને આપી હતી. જયદ્રથને પાડવા એમણે સૂર્યનો બેલ વહેલો પડાવી દીધો હતો. દ્રોણ માટે અશ્વત્થામા હણાયો એવું ગતકડું કર્યું તો ભીષ્મને પાડવા એમણે શિખંડીને સામે ધર્યો હતો. છળકપટ કરી એમણે દ્રૌપદીને ગાંધારી પાસે અખંડ સૌભાગ્યવતીઆશીર્વાદ અપાવ્યા હતાં. દાનવીર કર્ણના કવચ કુંડલ પણ એમણે મુકાવ્યા હતાં. આ આપણા કૃષ્ણ મુરારિ. કેટકેટલાં છળકપટ એમણે કર્યા ત્યારે પાંડવો મહાભારતનું યુદ્ધ જીત્યા હતાં. પણ કહે છે કે એ ધર્મયુદ્ધ હતું. અને કૃષ્ણ ધર્મના પક્ષે હતાં. હવે તમે જ વિચારો કે આ બોર્ડની પરીક્ષા પણ કંઈ મહાભારતના યુદ્ધથી કમ છે ? છોકરાઓને મદદ કરવાના ઉમદા હેતુથી જો કોઈ તૈયાર કાપલીઓ વેચે એમાં આટલો હોબાળો મચાવી દેવાનો હોય ? બિચારાં છોકરાં ! બિચારાં મા-બાપ !

1 comment: