Sunday, June 03, 2012

કોણ ભયભીત નથી ?

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૩-૦૬-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ મેનજરથી ડરે છે. પણ એ જ મેનેજરને ઓફિસથી ઘેર જતાં મોડું થાય ત્યારે એ પત્નીના ગુસ્સાથી ડરે છે. પત્ની ઉંદરથી ડરે છે. ઉંદર બિલાડીથી ડરે છે. બિલાડી કૂતરાથી ડરે છે. કૂતરા જોકે કોઈથી ડરતા હોય એવું લાગતું નથી એટલે જ એ એરપોર્ટથી માંડીને ક્રિકેટના મેદાન સુધી મોજથી રખડે છે. કદાચ કૂતરાઓએ રામ ગોપાલ વર્મા ઉર્ફે રામુની ‘ડરના મના હૈ’ વાત બહુ સિરિયસલી લઈ લીધી હોય એવું લાગે છે. રામુએ ઘણી હોરર ફિલ્મો બનાવી છે, પણ એની અમુક ફિલ્મો જોઈને દર્શકો ધાર્યા ભયભીત નહોતાં થયાં. એની ‘ફૂંક’ ફિલ્મ માટે તો રામુએ જાહેર કર્યું હતું કે જે થીયેટરમાં આ ફિલ્મ એકલું જોશે એને પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. ઘણાં લોકો આ ચેલેન્જ સ્વીકારવા તૈયાર થયાં હતાં, પણ પછી પાંચ લાખ કોઈને મળ્યા કે કેમ એ ઘણી ખણખોદ કરવાં છતાં જાણવા નથી મળતુ. પરગ્રહવાસીઓ કે મોન્સ્ટર સિટી પર હુમલો કરે અને લોકો ભયભીત થઈને આમથી તેમ દોડતાં હોય કે હેલીકોપ્ટરો બઘવાયા થઈને ઉડતા હોય એવા ઘસાયેલા થીમની હોરર કે થ્રીલર ફિલ્મો અમેરિકામાં હજુ પણ બને છે. પણ ડરવાની બાબતમાં ભારતીય પ્રજા સ્વતંત્ર છે.

જરાસંધના આક્રમણના ભયને કારણે પ્રભુ પોતે સ્ટ્રેટેજીકલી મથુરા છોડીને દ્વારકા જઈ વસ્યા હતા, જેના કારણે એ રણછોડ તરીકે ઓળખાયા હતાં, અલબત્ત લાડમાં. ગીતામાં અર્જન સ્વજનોના મૃત્યુનાં વિચાર માત્રથી  ઢીલો પડી ગયો હતો ત્યારે ભગવાને ઉપદેશ આપી આ ભય દૂર કર્યો હતો. મૃત્યુનો ભય કોને નથી? પાકિસ્તાન અને અમુક દેશોમાં તો પ્રમુખ કે વડાપ્રધાન પદ પરથી ઉતરે કે તરત બીજાં દેશમાં રહેવા ચાલ્યા જાય એવો રિવાજ છે. આ રિવાજના મૂળમાં આ મૃત્યુનો ભય છે. અનેક હિન્દી ફિલ્મોમાં અમે જોયું છે કે જ્યારે લમણા પર પિસ્તોલ તાકવામાં આવે ત્યારે વિલનનો ફોલ્ડર વિલનના અડ્ડાનું પાકું સરનામું આપી દેતો હોય છે. ઘણી વખત પેશન્ટ દવાખાનામાં મૃત્યુ પામશે તેવો ભય લાગતાં ડોક્ટર પેશન્ટને ઉતાવળે ડિસ્ચાર્જ આપી દે છે, અલબત્ત એમ કહીને કે ‘આને મોટી હોસ્પિટલ લઈ જાવ’ કે ‘માજીને ઘેર લઈ જાવ, અહિં તમારે ખોટા રૂપિયા ચઢશે’.   

સામાન્ય રીતે પત્નીથી ડરી ગયેલા લોકો પલંગ નીચે સંતાતા હોય છે. પણ દુનિયાના સૌથી સલામત સ્થળ પેન્ટાગોન પર હુમલો કરનાર ઓસામા બિન લાદેન જ્યારે અમેરિકન સૈનિકોથી ઘેરાઈ ગયો ત્યારે ભયભીત થઇને પોતાની એક પત્નીની પાછળ સંતાઈ ગયો હતો. ડાકુઓએ નિર્ભય હોવું ઘટે એવો ઉચ્ચ સંદેશ આપનાર, અને આ સંદેશ સાથે પોતાના જ ત્રણ સાથીઓને ફક્ત ડરવા બદલ  ગોળીએ દેનાર ગબ્બર સિંગ ખુદ ‘ભયભીત’ પ્રકારનો ડાકુ હતો. શરૂઆતમાં જ્યારે ઠાકુર એની પાછળ પડે છે ત્યારે એ મારતે ઘોડે ભાગે છે. હોળીના સીન પછી અને મહેબુબા ગીત પછી, બબ્બે વાર એ જય અને વીરુના હુમલાથી ટોળકી સહિત જીવ બચાવીને ભાગે છે, એટલું જ નહિ એ ભાગે છે ત્યારે એના ઘોડાઓની પૂંછડી ઉંચી હોય છે એવું પણ અમે નોંધ્યું છે. છેલ્લા સીનમાં પણ એ ઠાકુર પાસે દયાની ભીખ માંગે છે. આમ, ‘જો ડર ગયા, સમઝો મર ગયા’ કહેનાર ગબ્બર હિપોક્રેટ હતો. જો ગબ્બરને રાજાની જેમ છેલ્લે જામીન મળી ગયાં હોત તો એ જેલમાંથી છૂટીને રાજકારણમાં ચોક્કસ જોડાઈ શકત. એમ થાત તો પ્રજાને જી.એચ. સિંગ નામનો એક નીડર સાંસદ મળત.  

પણ ભારતમાં બાળક જન્મે ત્યારથી જ એને ડરતા શીખવાડવામાં આવે છે. ‘ઉપર ન ચઢાય ભમ થઈ જવાય’, ‘એ ન ખવાય પેટમાં દુખે’, ‘બહાર ન જવાય, પોલીસ પકડી જશે’ વગેરે વગેરે. પછી મોટો થાય એટલે એ ભયભીત બને કે નહિ ? પછી એ પરીક્ષામાં ચોરી કરતાંય ડરે. અને ચોરી કરતાં પકડાયો હોય તો મા બાપ આગળ સાચું બોલતાં પણ ડરે. બધું વાજતું ગાજતું ઘેર પપ્પા સુધી પહોંચે ત્યારે પપ્પા બગડે કે ‘અલા પહેલા કીધું હોત તો મેનેજ કરત ને !’. આવો છોકરો આગળ જતાં છોકરીને પ્રપોઝ કરતાં પણ ડરે છે. કાળક્રમે જ્યારે એ Fast Food થી ધરાઈ જાય ત્યારે લાકડાનાં લાડુ ખાવા એ પરણે છે. પછી પત્નીના ડરને કારણે લાકડા જેવી મજબૂત ભાખરી ખાઈ જાય છે પણ ચૂં કે ચાં કરતો નથી!

સંસ્કૃતમા કહ્યું છે કે आहार निंद्रा भय  मैथुनम् च. सामान्यम् एतद् पशुभिर्नराणाम्. આહાર, ઊંધ, ભય અને મૈથુન એ માનવ અને પ્રાણીઓની બેસિક ઇન્સ્ટીનક્ટ છે. એમાં ભયના મૂળમાં 'जीवो जीवस्य भोजनम् છે. મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે એ સંસારનો નિયમ છે. નાની માછલીઓ મોટી માછલીઓથી ડરીને રહેતી હોય છે. ભયનો અણસાર આવે એટલે પક્ષી હોય તો ઉડી જાય છે અને પ્રાણી હોય તો ભાગવા માંડે છે. પ્રાણીઓને કોઈએ કહેવું નથી પડતું. આ જંગલનો નિયમ છે. કદી કોઈ વાંદરો એવું સ્ટેટમેન્ટ નથી આપતો કે ‘હું સિંહથી નથી ડરતો’. કોઈ હાથી ક્યારેય એમ જાહેર નથી કરતો કે ‘હું સિંહથી ભયભીત છું’. જંગલરાજમાં દરેક એકબીજાથી ડરીને જીવે છે.

પણ ભય, ભૂખ, અને ભ્રષ્ટ્રાચાર વગરના ગુજરાતની કલ્પના કરનારને કલ્પના નહિ હોય કે પાર્ટીમાંથી જ કોઈક આ ભય શબ્દને બહુ સિરીયસલી લઈ લેશે. પણ આ ભયભીત શબ્દને પ્રજાએ બહુ સિરીયસલી નથી લીધો એટલું સારું છે. આ ભારત છે, અને અહિં લોકો ડગલેને પગલે ભય સાથે રમે છે. એમને વધારે કઈ રીતે ભયભીત કરી શકાય? એટલે જ કેશુભાઈની ભયભીત હોવાની વાતથી પ્રજાને ભયનું લખલખું નથી આવી ગયું.


1 comment: