Tuesday, June 12, 2012

વેકેશન પૂરું થતાં


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૬-૨૦૧૨ |અધીર અમદાવાદી |

વેકેશન પૂરું થવા આવે એટલે જે હળવા થવા માટે પ્રવાસે જઈ આવ્યાં હોય એ લોકો જ થાકીને ઠૂંશ થઈ ગયાની ફરિયાદો કરતાં હોય છે. છોકરાઓ ઉનાળુ ક્રિકેટ અને ટેનિસ કોચિંગ કૅમ્પમાં તોડાઈને ઢીલાં થઈ ગયાં હોય એટલે જલદી વેકેશન પૂરું થાય એવું મનોમન ઇચ્છતા હોય. છોકરીઓને મમ્મી ઘરનાં જુદા જુદાં કામોમાં હોંશિયારીપૂર્વક જોતરી દેતી હોય છે, પણ એમને પણ આ શોષણની જાણ થતાં એ ફરી સ્કૂલ કૉલેજના મુક્ત વાતાવરણમાં જવા અને મિત્રોને મળવા તત્પર હોય છે. તો પપ્પા લોકોનું કેલેન્ડર આ વેકશનીયા સેનાનાં કાર્યક્રમોને કારણે મહિનાભરથી ખોરવાઈ ગયું હોવાથી એ પણ ક્યારે વેકેશન પૂરું થાય એની રાહ જોતાં હોય છે. અને મમ્મીઓ, ખાસ કરીને જેમનાં પતિ અમારી માફક પ્રોફેસર કે શિક્ષક હોય એવી, વેકેશન દરમિયાન વધી ગયેલા કાર્યભારથી કંટાળીને સ્કૂલ કૉલેજ ક્યારે ખૂલે તેની રાહ જોતી હોય છે.

આમાં પુરુષોની દશા અતિ ખરાબ હોય છે. એમ જ કહોને ગધેડાં જેવી. બોસ જ્યારે રજા આપે ત્યારે એ વેકેશન લઈ શકે છે, અને પત્ની કહે ત્યાં એ જાય છે. ત્યાં જઈ એ છોકરાં કહે તેવી બધી પ્રવૃત્તિઓ કરે છે. આમાં એની મરજી મુજબનું ખાવાનું અને પીવાનું મળી જાય એમાં એણે સંતોષ માણવાનો. ઘરનાં ભોજનથી છુટકારો મળે એટલે ભયોભયો. પણ એનો આ આનંદ પણ ક્ષણભંગુર હોય છે. સાઉથ ઇન્ડિયામાં જઈને કોપરેલમાં બનાવેલ પંજાબી સબ્જી ખાય એમાં ત્રણ દિવસમાં તો એનો પંજાબી ભોજન પરથી વિશ્વાસ ઊઠી જાય. કોઈક તો જિંદગીભર પંજાબી નહીં ખાઉ એવા શપથ પણ લઈ લે. પણ એક બાજુ આવા વિચિત્ર સ્વાદવાળું પંજાબી શાક અને ઘેર પહોંચીને પેલું આંતરે દિવસે બનતું સદાબહાર કોબીનું શાક આ બે વચ્ચે કયું સારું?’ એ નક્કી કરે ત્યાં સુધીમાં તો એ જ સ્ટીલની થાળીમાં એજ કોબીનું શાક અને ભાખરી હંમેશની જેમ પીરસાઈ જાય છે! 

વેકેશન પૂરું થાય એટલે લોકો એકબીજાને તમે આ વખતે ક્યાં ગયાં હતાં ?’ એવું પૂછે તેવો નવો રિવાજ આપણે ત્યાં છે. પણ પૌલ થેરોક્સનાં કહેવા મુજબ પ્રવાસની વાતો ભૂતકાળમાં કરવાની જ મઝા આવે છે. કદી હિલસ્ટેશન પર ફરવા ગયાં હોવ તો ઘોડેસવારી કરતાં લોકોને ધ્યાનથી જોજો. અડધાના મોઢા પર કોઈ ભાવ જ ન જોવા મળે. જોને હિલસ્ટેશને આવ્યાં એટલે ઘોડે બેસવું પડે તો બેઠાં. એમાં થોડા દાંત કઢાય છે?’ તો બીજાં અડધાના શ્વાસ ઘોડો ખીણની ધારે ચાલતો હોઈ અધ્ધર થઈ ગયાં હોય. એમાં ઘોડો પથરાળ રસ્તે ચાલતો હોય તો બેસનારના પાછળના ભાગે વાગતું હોય. એટલે એ પાછાં ઘોડાની પીઠથી થોડા અધ્ધર થઈને બેઠાં હોય. આમ, શ્વાસથી અને બેઠકથી બેઉ રીતે અધ્ધર અને હાલકડોલક મનુષ્ય ઘોડો ગંતવ્ય સુધી પહોંચે ત્યાં સુધી આજુબાજુનું સૌંદર્ય અને ઘોડેસવારીની મઝા લગીરેક નથી લઈ શકતો. પણ ઊતરવાનું આવે એટલે ટટ્ટાર થઈ, વાળ સરખાં કરી, કાઉબોય હૅટ ચઢાવી ફોટા પડાવી લે છે. આ ફોટા પછી ફેસબુક પર ચઢાવી વેકેશન ન ભોગવનારને જલાવવા વપરાય છે. વેકેશન અને હોલીડેમાં ખર્ચેલા નાણાનું પૂરું વળતર ત્યારે એને મળે છે.

વેકેશનમાં ફરીને પાછાં આવો ત્યારે જે તે સમયે ખૂબ ગમેલો આર્ટ પીસ આપણા ડ્રોઇંગરૂમમાં શોભતો નથી એવું ભાન થાય છે. જે કાઉબોય હૅટ ફોટામાં બહુ સરસ લાગતી હતી એ હૅટને કઈ ખીંટી પર લટકાવવી એ સમસ્યા બની જાય છે, અને છેવટે એ ઉકેલ માંગતા કોયડાને તિજોરી ઉપર ચઢાવી દેવામાં આવે છે જે અંતે ત્રણ દિવાળી સુધી સાફસૂફીની સાહેબી પામી ચોથી દિવાળીએ વપરાયા વગર કચરામાં નિકાલ પામે છે. પાછું આ વેકેશન પૂરું થવા આવે ત્યારે જ વેકેશનમાં કરવા ધારેલ કાર્યો પણ યાદ આવે છે. જૂની સીડીઓ અને ફ્લોપીઓનો નિકાલ, ચોપડીઓ ગોઠવવાનું કે જુનાં કપડાનો નિકાલ કરવાનું રહી ગયું એ વેકેશનના છેલ્લા દિવસે ખબર પડે છે. હશે, હવે રવિવારે રવિવારે કરીશું એમ એ પણ હંમેશની જેમ મુલતવી રખાય છે. 

વેકેશન પૂરું થતાં દીકરા દીકરીઓનો પરિવાર પાછો ફરે ત્યારે મા-બાપ એકલાં અટુલા પડી જતાં હોય એમની વ્યથા વાર્તાઓ અને કાવ્યોમાં બહુ સરસ રીતે ઝિલાઈ છે. પણ કાવ્યો અને વાર્તાઓમાં એ વાવાઝોડું જાય પછી મમ્મીજીને કેટલાં દહાડાનું કામ આપતું જાય છે એ નથી લખ્યું હોતું. કરિયાણું ખલાસ થઈ જવાથી લઈને રિમોટનાં સેલ સુધી બધું ફરી પૂર્વવત્ કરવામાં અઠવાડિયું નીકળી જાય છે. કેટલીય વસ્તુઓ ખોવાઈ ગઈ હોય, અને ગઈ દિવાળીએ ખોવાયેલી કેટલીય વસ્તુઓ જડી પણ હોય. અરે, દાદા દાદી માટે સોનાની ઈંટો એવી આ પૌત્ર-પૌત્રીઓની વાનરસેના અનઇન્સ્ટોલ થવાથી સોસાયટીની લોકલ વાનરસેના અને પડોશીઓ સુધ્ધાં નિરાંત અનુભવતા હોય છે. આમ, અનેક ખટમીઠાં સંભારણા સાથે વેકેશન પૂરું થાય છે. પણ અમારા જે વાચકો કોઈ કારણસર વેકેશન માણી શક્યા નથી એમનાં માટે એક અંગ્રેજી સુવાક્ય અમારા તરફથી સપ્રેમ. લાફ્ટર ઇઝ એન ઇન્સ્ટન્ટ વેકેશન’. જે તમે ગમે ત્યારે માણી શકો છો.

1 comment:

  1. ‘લાફ્ટર ઇઝ એન ઇન્સ્ટન્ટ વેકેશન’. જે તમે ગમે ત્યારે માણી શકો છો.
    માણ્યું.
    ગમ્મત ગમ્મતમાં ઘણું કહી દીધું. તમારું સૂક્ષ્મ અવલોકન બોલે છે.
    ધન્યવાદ.

    ReplyDelete