Sunday, March 17, 2013

દ્રોણની ટેસ્ટમાં થિયરી નહોતી

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૭-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
દસમા બારમાની પરીક્ષા શરું થઈ ગઈ છે. પહેલાં છોકરાંને પરીક્ષા માટે મા-બાપ મેન્ટલી તૈયાર કરતાં હતાં. આજકાલ તો કાપલી બનાવવામાં, સુપરવાઈઝર સેટ કરવામાં અને ડમી રાઈટરની કાયદેસર ગોઠવણ કરવા સુધી મા અને ખાસ કરીને બાપ ચક્કર ચલાવે છે. કરિયર ઓપ્શન બહુ છે પણ એ માટે પહેલા બારમું પાસ કરવું પડે એ કરોડપતિ મા-બાપ ખુબ સમજે છે.

એટલે જ બાળકને તો નાનપણથી આ મહાભારત માટે તૈયાર કરવામાં આવે છે. શરૂઆતમાં તો મમ્મી બધું ‘મોઢે લે છે’. મતલબ કે બાબાએ ગોખવાનું અને મમ્મી આગળ ઓકવાનું. એ ઓકવામાં ફેરફાર થાય તો મમ્મી બગડે. એટલે બાબો બમણા જોરથી, કમને, ગોખવા લાગે. આ પરિસ્થિતિમાં અર્જુન પેદા થતાં નથી, માત્ર ગોખણીયા પેદા થાય છે જે રીઅલ લાઈફ પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકતા નથી. અત્યારની પરીક્ષા પદ્ધતિ આમ ઘણી વગોવાયેલી છે.

મહાભારતમાં ગુરુ દ્રોણની પરીક્ષાની રીત થોડી અલગ હતી. દ્રોણ થિયરીની પરીક્ષા લેતા નહોતાં, ખાલી  પ્રેક્ટિકલ જ લેતા હતાં. અત્યારે એવું થાય તો અમુક વાલીઓ ખુશ થાય કારણ કે પ્રેક્ટીકલમાં ધાર્યા માર્ક મુકાવી શકાય છે એવી એક સામાન્ય સમજ માર્કેટમાં માસ્તરોના અથાગ પ્રયત્નોને કારણે ફેલાયેલી છે. એટલે એકલી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય તો એ વાલીઓને ગમે. પણ દ્રોણ ખાલી પ્રેક્ટિકલ લેતા એનાંથી પાંડવ-કૌરવ પેરન્ટ્સ એક્ઝટલી ખુશ કે નાખુશ હતા એનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળતો નથી.

દ્રોણ પોતે બેસ્ટ ટીચર હતાં એ વાત નિશંક છે, પણ દ્રોણ આચાર્ય હતાં તો એમની સ્કૂલમાં બીજા ટીચર્સ હતાં કે કેમ એક સવાલ છે. હા, એક કૃપાચાર્ય હતા. કૃપાચાર્ય આમ તો દ્રોણના સાળા થાય કારણ કે દ્રોણ કૃપાચાર્યની જુડવા બહેન કૃપીને પરણ્યા હતાં. મતલબ આખી સ્કૂલ ઘરની જ હતી. ટ્રસ્ટી મંડળમાં ધૃતરાષ્ટ્ર અને એમનાં હેડ ક્લાર્ક તરીકે વિદુરજી સ્કૂલનો બધો વહીવટ ચલાવતા હતાં. દ્રોણનો ખુદનો છોકરો અશ્વસ્થામા કુમારો સાથે અન-ઓફિશિયલી ભણતો હતો. મોટા ભાગે ટ્રસ્ટીના છોકરાઓથી ચાલતી દ્રોણની આ સ્કૂલમાં સંખ્યાને જોરે કૌરવોનો દબદબો હતો, આમ છતાં દ્રોણ દુર્યોધન જેવાને ગાંઠતા નહોતા એ ધૃતરાષ્ટ્રને ગમતું નહોતું. પણ અત્યારે જેમ બારમાના સારા ટીચર મળતા નથી અને જે મળે એ જેટલા રૂપિયા માંગે એ આપવા પડે છે અને બોલાવે એ ટાઈમે જવું પડે છે એમ દ્રોણથી સારું કોઈ હસ્તિનાપુર અને ભારતવર્ષમાં કદાચ એ વખતે નહોતું એટલે દ્રોણને વાલીઓ ચલાવી લેતા હતાં.

સો કૌરવો અને પાંચ પાંડવોમાં દ્રોણને અર્જુન પ્રિય હતો કારણ કે અર્જુનની ધગશ જોઈને દ્રોણને પહેલેથી જ એ બોર્ડમાં નંબર લાવે એવો લાગ્યો હતો. દ્રોણ બહુ વિચિત્ર માણસ હતાં. અગાઉ કીધું એમ થિયરીને ઓછું મહત્વ આપતા હતાં કારણ કે એમણે કદી થિયરીની પરીક્ષા લીધી હોય કે જેમાં ‘ધનુષ્યના પ્રકારો લખો’, ‘ધનુષ્યને પકડવાની રીતો વર્ણવો’, ‘પણછની સ્થતિસ્થાપકતા અને બાણની ગતિનો સંબંધ સવિસ્તર વર્ણવો’ જેવા કોઈ પ્રશ્નો પૂછાતાં નહોતાં. એ તો સીધાં પ્રેક્ટિકલ લેતા. એમાં પાછો એક જ પ્રેક્ટિકલ હોય. ચકલીની આંખ વીંધો. ને આચાર્ય દ્રોણે આ સવાલ પણ સીધી રીતે નહોતો પૂછ્યો.

આ ચકલીની આંખ વીંધવા જેવા સવાલો પરીક્ષામાં હવે પૂછાય તો ઘણાંની લાગણી દુભાય. એક તો ધનુષ્યમાં પ્રાણીનું ચામડું વપરાય. પાછી ચકલીને વીંધવાની. આજકાલ તો પાછી ચકલીઓ લુપ્ત થતી જાય છે. કદાચ ચકલીઓ લુપ્ત થવાની શરૂઆત કદાચ મહાભારત વખતમાં થઈ હશે. આજકાલની વાત હોય તો ‘પેટા’ જેવી સંસ્થાઓ અને મનેકા ગાંધી જેવા આવી પરીક્ષાનો સખ્ખત વિરોધ કરે. મહાભારત તો એક મીનીટ ચાલવા ન દે. હાસ્તો, દ્રૌપદીના સ્વયંવરમાં પણ માછલી પાડવાની હતી. ને પેલા એકલવ્યએ  બિચારા ભસતાં કૂતરાના મ્હોમાં બાણ ઠોકી દીધાં હતાં! પશુ-પક્ષી પ્રત્યે કેટલી ક્રૂરતા વર્ણવી છે મહાભારતમાં?

પણ દ્રોણે પરીક્ષામાં ચકલી આંખ વીંધવાનો પ્રશ્ન પૂછ્યો હતો. એ પણ કમ્પલસરી. બોર્ડના બધાં નિયમો ઘોળીને એ પી જાય છે એવો વિરોધ વાલીમંડળના કચકચિયા પ્રમુખ શકુનિએ એ વખતે પણ કર્યો હતો. એક તો આખી પરીક્ષામાં એક જ પ્રશ્ન. કોઈ ઓપ્શન નહિ. એ પણ પ્રશ્ન સીધો ટેક્સ્ટ બુકમાંથી જ પૂછવો એ નિયમનું પણ સરેઆમ ઉલ્લંઘન દ્રોણે કર્યું હતું. ખરેખર તો ‘તમને શું દેખાય છે?’ જેવા પ્રશ્નના ઘણાં જવાબો હોઈ શકે. એટલે ભીમને બિલાડું દેખાયું અને દુર્યોધન વગેરેને ઝાડપાન કે ગુરુજન દેખાય એ બધા જવાબો સાચા જ ગણાવા જોઈએને? પણ દ્રોણને અર્જુન તરફ પક્ષપાત હતો એ જગજાહેર છે, આમ છતાં એમણે અર્જુન જેવો શ્રેષ્ઠ બાણાવાળી આપ્યો હતો. જો અર્જુન તૈયાર કરવા હોય તો પહેલાં દ્રોણ પેદા કરવા પડે, વિદ્યા સહાયકો અને એડહોક લેકચરરોથી અર્જુન પેદા ન થાય સમજ્યા સાહેબ?

ડ-બકા
કળાને બદલે એ સિક્સ પેક્સથી ઢેલને ઈમ્પ્રેસ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

 

1 comment:

  1. શુરુઆતનું આલેખન ખુબ જ ગમ્યું અને આખો લેખ ઘણો રોચક છે। ખુબ જ સુંદર .......
    પણ પેલો એકલવ્ય તો એની રીતે જ હોશિયાર નીકળ્યો હતો એને કઈ કેટેગરીમાં મુકીશું?
    દ્રોણ જેવા આચાર્યને ટ્રસ્ટીના દબાણ થી કોઈ બીજી શાળાના અથવા તો ઘરે બેઠા ભણનાર બોર્ડમાં મેદાન ન મારી જાય એનું પણ ધ્યાન રાખવું પડતું હશે

    ReplyDelete