Sunday, March 24, 2013

પેપર ટાઈગર

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૪-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
પરીક્ષામાં પેપર આવે એટલે વિદ્યાર્થીના મનમાં જાતજાતના ભાવ જગાવે છે. ‘અહા, બધ્ધું જ આવડે છે’, કે ‘પંદર હાજર ખર્ચીને જે પેપર ખરીદ્યું એમાંથી દસ માર્કનું પણ નથી પુછાયું’ થી લઈને ‘ત્રણ કલાક કેમના કાઢીશ, વે’લો નીકળીશ તો મમ્મી પાછી બે કલાક કચકચ કરશે’ સુધીના પ્રથમદર્શીય પ્રતિભાવો પેપર જગાવી જાય છે.

ફીલોસોફીકલી વિચારીએ તો પેપર એ કાગળનો એક ટુકડો છે. એટલે જ કદાચ એક્ઝામ પેપર્સ એકદમ બોરિંગ લાગે છે. એનો સફેદ રંગ અને એમાં ભેંસ બરાબર કાળા અક્ષર જોઈને જ અમુકને તો પરીક્ષા આપવાનું મન થતું નથી. સરકારી કે યુનિવર્સીટી પ્રેસ પાસે વધારે આશા પણ શું રાખી શકાય? પણ આજકાલ જે રીતે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે એ જોતાં જો કોઈ પિઝા કંપનીને પેપર સ્પોન્સર કરવા કહ્યું હોય તો આપણને છાપાં સાથે જેમ ‘એક લાર્જ પિઝા પર ચીઝ ગાર્લિક બ્રેડ મફત..’ એ ટાઈપના લખાણવાળા ગ્લોસી પેપર પર લાલ-ભૂરા અક્ષરે છપાયેલા ઓફરના કાગળિયાં આવે છે એવા કાગળિયાં પર પેપર છપાઈ શકે. પછી કેવી આતુરતા હોય વિદ્યાર્થીઓમાં પેપર હાથમાં લેવાની? પેપરની સાથે પાછળ ફ્રી પિઝાની કુપન પણ હોય. આવું કશુક થાય તો વિદ્યાર્થીઓનો પેપરનો ડર ઓછો થાય. પિઝા કંપનીઓ અને મનોચિકિત્સકોએ આ અંગે બોર્ડને માર્ગદર્શન આપવાની તાતી જરૂર છે એવું અમને જણાય છે.

પરીક્ષાની તૈયારી ઘણી રીતે થતી હોય છે. બારમાની પરીક્ષા માટે અમુક અગિયારમાંથી ટ્યુશન રખાવી તૈયારી કરે. અમુકને મમ્મી પપ્પા સાથે રહીને તૈયારી કરાવે. અમુક દોસ્તારો સાથે પ્રેક્ટીસ માટે પેપર લખી પરીક્ષા માટે સજ્જ થાય. તો અમુકની તૈયારી પેપર ક્યાંથી (સેટ થઈને)આવે છે અને (તપાસવા માટે) ક્યાં જાય છે એ માટે હોય છે. શિક્ષકો, અનુવાદકો, પ્રેસ કર્મચારીઓ, પેપરની હેરફેર કરનાર વાહનના ડ્રાઈવર સહિત કોઇપણ જગ્યાએથી પેપરના ખબર મળે તો સો કામ છોડીને પેપર સૂંઘતા સૂંઘતા પહોંચી જાય છે. આ માટે રૂપિયા ખર્ચવાની પૂરી તૈયારી પણ રાખે છે. કાચની વસ્તુ હોય ને ફૂટે તો જીવ બળે, પણ આ પેપર એક એવી વસ્તુ છે કે જે ફૂટવાથી લોકો ખુશ થાય છે! પણ બનતાં બધાં પ્રયત્નો કરવા છતાં જો સાચું પેપર હાથમાં ન આવે તો ભાઈ પેલા ‘કરતાં જાળ કરોળિયો’ની માફક પેપર કોની પાસે તપાસવા માટે ગયું છે તેના સગડ મેળવવા સીઆઇડીના એસીપી પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે ખંતથી મહેનત કરે છે. ત્યાં પણ જો નિષ્ફળ મળે તો કરોળિયો છેવટે નકલી માર્કશીટ છાપવા પ્રેરાય છે.

પેપર સેટ કરનાર માટે પેપર સેટ કરવું કદાચ એક માથાકૂટનું કામ હશે. ખાસ કરીને જે સરકારી નિયમોનું પાલન કરી ટ્યુશન ન કરતાં હોય એમનાં માટે. આવા લોકોને પેપર સેટ કરવાનો કંટાળો આવે ત્યારે જુનું પેપર બેઠું પૂછી મારે છે. આમાં વિદ્યાર્થીને તો બિચારાને બીજાં દિવસે છાપામાં વાંચે ત્યારે ખબર પડે કે આ તો ૨૦૦૭ નું ‘સેમ ટુ સેમ પેપર’ પૂછયું હતું. ગરીબ વિદ્યાર્થી બિચારા આવા લોલીપોપ પેપરનો લાભ પણ નથી લઈ શકતો. અને થયું પણ એવું હોય કે એણે દસ પેપર પ્રેક્ટીસ માટે લખ્યા હોય એમાં આ ૨૦૦૭ નુ  પેપર જ ન હોય! 

અમુક શિક્ષકો બારમાં સાથે સીએ/એન્જીનીયરીંગ વગેરેના ટ્યુશનો પણ કરતાં હોય છે. આવા ટીચરો  પેપર સેટ કરે ત્યારે પોતાની વ્યસ્તતા વચ્ચે કયા ધોરણનું કયા વિષયનું પેપર સેટ કરે છે એ પણ ભૂલી જતાં હોય છે. આમ પેપરમાં કોર્સ બહારનું પણ પૂછી નાખે છે. પણ પરીક્ષા ચાલુ થાય એટલે અમુક શિક્ષકો ટાંપીને બેઠાં હોય છે. જેવું પેપર હાથમાં આવે એટલે વિપક્ષના હાથમાં કેગનો રીપોર્ટ આવે એમ ‘શું ભૂલ છે?’ અથવા ‘કેટલું કોર્સ બહારનું પૂછ્યું છે?’ એવું બધું શોધી કાઢે છે. એટલેથી અટકતા હોય તો ઠીક છે પણ આ શોધ જાણે નોબલ પારિતોષિકને લાયક હોય એમ ભૂલોની વધામણી ટ્યુશનીયા વાલીઓ આગળ ખાય છે. બિચારા વાલીઓને બાળકના ખરાબ રિઝલ્ટના કારણો એડવાન્સમાં મળી જતાં રાજી રાજી થઈ જાય છે.

પેપર સબંધે આપણી મહાન યુનિવર્સીટીઓ હકથી ગાળો ખાય છે અને એનાં છબરડાં અવારનવાર આપણને વાંચવા મળે છે. હમણાં જ એક યુનિવર્સીટીમાં સોલ્યુશન પણ પેપર સાથે આપી દીધું હતું. પછી પાછું લઈ લીધું, અંતે પરીક્ષા ફરી લેવાઈ. ક્યારેક બીજાં વિષયનું પેપર કે જેની પરીક્ષા બાકી હોય એ આપી દેતાં હોય છે. ક્યારેક માર્કનું ટોટલ સો કરતાં ઓછું કે વધારે હોય એવું બને છે. આ બધાનો સાર એ જ છે કે માણસમાત્ર ભૂલને પાત્ર, શિક્ષક કે પ્રોફેસર પણ છેવટે માણસ જ છે. પણ તો પછી બચારો ગરીબ વિદ્યાર્થી સપ્લીમેન્ટરીની સાથે પચાસની નોટ મૂકે તો એનો ઉહાપોહ શેનો કરતાં હશે આ માસ્તરો? રૂપિયા ઓછા મૂક્યા એનો? n

ડ-બકા
ગરોળી એટલે ભીંતને ઓટલે મૃદુતાનાં ભાવભીના પગલા !





 

1 comment:

  1. અધીરભાઈ, આ પરીક્ષામાં જો સ્પોન્સરશીપ રાખી હોય અને પાણી, ચા, કે પિત્ઝા વાળાને સ્પોન્સોર્શીપ આપવામાં આવે તો કેવું? એકવા ફીના નું પાણી, અત્યારે ડોલમાં લઈને આવે છે એવું નહિ, બોટલમાં, કે પછી સ્ટાર બાકસની કોફી, જો કોઈને પીવી હોય તો ઉપરાંત દોમીનોનો પિત્ઝા, ભૂખ લાગે તો અને નિરીક્ષકને ફરી પિત્ઝા, આની આડમાં જે લઈને આવતો હોય તે ચિટ્ઠી પણ સરકાવી શકે અને કોઈને ખબર ન પડે, ----- આવું બધું પણ પરીક્ષા વખતે રાખવું જોઈએ.

    ReplyDelete