Monday, April 01, 2013

બોસ ! માર્ચ એન્ડ છે !

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૩૧-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
ને હંમેશની જેમ વિક્રમે મડદાંને ખભે નાખ્યું એટલે મડદાએ વાત શરું કરી. અમદાવાદ નામે એક વાઈબ્રન્ટ શહેર હતું. આ નગરમાં એકવાર એક ચકચાર ભર્યું ખૂન થયું. એક યુવાન પરણીતાને કોઈએ ચપ્પાના ઘા મારી પતાવી દીધી હતી. બનાવનું કોઈ ચશ્મેદીદ ગવાહ નહોતું. આ કપલને પરણે ચારેક વરસ થયા હશે પણ કોઈ લડાઈ ઝઘડા હોય એવું લાગતું નહોતું. બન્ને ભણેલા ગણેલા હતાં. પત્ની  આઈટી એન્જીનીયર હતી ને એનો પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો, જે ઘટના સમયે કોઈ સામાજિક પ્રસંગે મુંબઈ ગયો હતો. એની ટ્રેઈનની ટીકીટ અને ગેરહાજરીના પુરાવા હતાં. એટલે પોલીસે પતિને પણ ક્લીન ચીટ આપી હતી. ઘરમાંથી થોડી કેશ ગુમ થઈ હતી. ઘટનાના આગલા દિવસે જ ઘરઘાટી હોળી કરવા ડુંગરપુર ગયો હતો. આજુબાજુના ઘરમાંથી હોળી માટે રૂપિયા લઈ ગયો હતો અને બધાએ હવે જાતે કામ કરવાનું હોવાથી સૌને એ ક્યારે ગયો તે બરોબર યાદ હતું. આમ નોકરને પણ ક્લીન ચીટ મળતી હતી. એવું જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલાં દૂધવાળા જોડેને મારનાર સાથે કંઈ માથાકૂટ થઈ હતી. સવારમાં વહેલાં બેલ ન મારવા બાબતે. ખૂન વહેલી સવારે થયું હતું પણ તકરાર કંઈ બહુ સીરીયસ વાત નહોતી કે જેના માટે ખૂન થાય. તો હે વિક્રમ, જો તને ખબર હોય કે ખૂન કોણે કર્યું હશે તો તને ગુજરાતની એન્કાઉન્ટર પ્રિય પોલીસના સમ જો તું ન જણાવે તો!

વિક્રમે નિશ્વાસ નાખ્યો.  ‘ખૂન એનાં પતિએ જ કર્યું હતું. હોળી પછીની વાત છે એટલે માર્ચ એન્ડ થયો. માર્ચ એન્ડમાં ક્યો સીએ સામાજિક પ્રસંગે બહારગામ જાય? એ પણ પત્નીને લઈ જવી જરૂરી ન હોય એવા પ્રસંગમાં? એ જૂઠું બોલે છે. એ અમદાવાદની ટીકીટ પર કોઈ ડમી વ્યક્તિને મોકલી અમદાવાદમાં જ મીટીંગો કરતો હશે. કોઈ કારણસર એનાં લફરાની ગંધ એની પત્નીને આવી ગઈ હશે એટલે એને પતાવી દીધી હશે. ને મડદું હમ્મેશની જેમ વિક્રમના બોલવાથી ઉડી સિદ્ધ વડ પર જતું રહ્યું.

--  

દુનિયામાં કેટલીય ઘટનાઓ દર વર્ષે ઘટતી હોય છે. સુનામી આવે છે. ધરતીકંપ આવે છે. પૂર આવે છે. સ્ત્રીઓના નામધારી વાવઝોડા આવે છે. એમ જ દર વર્ષે માર્ચ એન્ડ આવે છે. માર્ચ એન્ડ આવવાથી લોકોના કાર્યક્રમો વેરવિખેર થઈ જાય છે. તો માર્ચ એન્ડના ભારથી એકાઉન્ટ્સ કોમ્યુનીટીની કમર ભાંગી જાય છે, જોકે ઓર્થોપેડિક ડોક્ટર્સને એથી ખાસ ફાયદો નથી થતો. માર્ચ એન્ડમાં સીએ આર્ટીકલશીપ કરતાં ટાબરીયાઓથી માંડીને ખૂંખાર સીએશ્રીઓ બીઝી થઈ જાય છે. માર્ચ એન્ડ આવે એટલે બીજાં બધાં બહાના દવલા બની જાય છે અને માર્ચ એન્ડનું બહાનું વહાલું બની જાય છે કારણ કે ‘માર્ચ એન્ડ છે’ એ બહાનું એકાઉન્ટ્સ જમાતના વર્ષોના પ્રયત્નોથી હવે સર્વમાન્ય બની ગયું છે.

ભારતમાં ૩૧ મી માર્ચે ફાઈનાન્સિયલ વર્ષ પૂરું થાય છે. આ એક જાદુઈ તારીખ છે. ૩૧ મી ડિસેમ્બરે નવું વર્ષ શરું થાય ત્યારે કોઈ આટલી દોડધામ નથી કરતું. શૈક્ષણિક સંસ્થાઓમાં જુન-જુલાઈમાં એકેડેમિક ટર્મ ચાલુ થાય કે એપ્રિલ-મેમાં એન્ડ થાય ત્યારે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોવા છતાં આટલા ઘાંઘાં નથી થતાં જેટલા લોકો માર્ચ એન્ડમાં બાવરા થતાં જોવાં મળે છે. જેમ પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવે અને ગાંડાઓના ગાંડપણમાં વધારો કરે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને કંપની માલિકોમાં માર્ચ-એન્ડ આવતા જ ઉન્માદ છવાઈ જાય છે. માર્ચ એન્ડમાં જેટલું કામ અને ઓવરટાઈમ આ લોકો કરતાં દેખાય છે, એ જોતાં આખું વર્ષ એ લોકો કામ કરતાં હશે કે કેમ, એ સ્વાભાવિક પણે કોઈને પણ શંકા જન્માવે છે.

ઇતિહાસ તપાસો તો ૧૯૩૦નાં માર્ચની ૧૨મી તારીખે ગાંધીજીએ શરું કરેલી દાંડી માર્ચમાં એકપણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ભાગ નહોતો લીધો. અત્યારની વાત કરીએ તો કોઈ સીએનાં લગ્ન માર્ચ મહિનામાં થયા હોવાનું અમારા જાણવામાં નથી આવ્યું. જેમ ચોમાસામાં મેલેરિયાની કે વાઈરલ સીઝનમાં ડોક્ટર રજા નથી પાડતા, એમ જ માર્ચમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રજા નથી પાડતાં. અરે માંદા પણ નથી પડતાં. માર્ચમાં કોઈ સીએ સ્વીત્ઝરલેન્ડ ફરવા નથી જતાં. માર્ચમાં કોઈ કથા નથી ગોઠવતું. માર્ચની બોરિંગ સાંજે તમારા ઘેર કોઈ સીએ વગર બોલાવ્યે આવી નથી જતો કે ‘અહિંથી નીકળતો હતો તો થયું ચાલો ખબર પૂછતો જાઉં’. ને માર્ચ મહિનામાં જો કોઈ સીએ મહેમાન બને તો એ ટીવી જોતાં જોતાં પોતે મહેમાન છે અને અહિં રહેવા નથી આવ્યો એ ભૂલી નથી જતો. માર્ચ મહિના માં ... એક મીનીટ..  યાદ આવ્યું ... મારે પણ સીએને મળવા જવાનું છે. ચાલો ફરી મળીશું.

ડ-બકા
તારા માટે ફૂટશે
આજે એકવીસ લાખ કુંપળો,
વસંતનો આખ્ખો દિવસ
જા તને અર્પણ કર્યો !!!



No comments:

Post a Comment