Thursday, April 11, 2013

ટાઈમપાસ ક્યાં નથી થતો ?

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૭-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારે ઉદ્યમ કરે છે. કોઈ પ્રમાણિકપણે મહેનત કરે છે. કોઈ રાતદિવસ વાંચે છે, ટ્યુશનમાં જાય છે, ગોખે છે અને પરીક્ષામાં છેલ્લે ઓકે છે. તો અમુક પેપર ફોડવા, ચોરી અને એકઝામીનર શોધવામાં સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બધાની વચ્ચે પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓની બોડી લેન્ગ્વેજ અભ્યાસ કરવા જેવી હોય છે. ટચાકા ફોડવાથી લઈને પેન્સિલ ચાવવા સુધીની વિવિધ શારીરિક ક્રિયાઓ દ્વારા ગોખેલું યાદ કરવા, યાદ કરેલું દિમાગમાંથી બહાર કાઢવા, બહાર કાઢેલું શબ્દોમાં ગોઠવવા અને આ બધું મેળ ન પડે તો કોઈ પણ રીતે ત્રણ કલાક પસાર કરવા યત્નો આદરે છે.

પરીક્ષાખંડમાં અમુક નોટો બેંચ પર પેન્સિલની ધાર કાઢતી હોય એમ આડા લીટા કરતી જોવા મળે છે. વધારે ફુરસદ હોય તો પાછી ઇરેઝરથી ભૂસે. અમુક એટલાં કન્ફયુઝડ હોય કે ગોળ કુંડાળા કરતાં હોય! એમ કરતાં કરતાં અણી બટકાઈ જાય એટલે સંચાથી ફરી અણી કાઢે. એમાં કંપાસ બોક્સમાં પહેલેથી ચાર પેન્સિલ પડી જ હોય, મમ્મીએ ધાર કાઢી હોય એવી ! કોક ખણવાનું કાર્ય કરતું જોવા મળે છે. વાંકા વળીને બેન્ચની સાંકડી ગલીમાં ઘૂસી, પગ કે પછી પીઠના દુર્ગમ પ્રદેશ સુધી એ ખણી આવે છે. આ સિવાય માથામાં ખણવાથી મગજમાં ઘૂસેલું જલ્દી નીકળે એ આશયથી વાળમાં આંગળીઓ ફેરવતા ઘણાં જોવાં મળે છે. છોકરીઓને રખડતી લટમાં વળ ચઢાવવાથી નક્કી ફાયદો થતો હોવો જોઈએ. પણ એને વળ ચઢાવતી જોવામાં કેટલાય છોકરાં બિચારા એન્જિનીયરીંગને બદલે બી.એસ.સી.માં પહોંચી જતાં હશે એ છોકરીઓને ખબર નથી હોતી.

અમુક તો જાણે મેડીકલમાં નહીં તો ડેન્ટલમાં જઈશું એવું પહેલેથી જ નક્કી કરીને આવ્યા હોય એમ દાંત પર ટુથપેસ્ટની જાહેરાતમાં આવે એમ આંગળી વડે ટકોરા મારતા જોવા મળે. આમ કરવાથી કદાચ મગજના ખૂણા-ખાંચરામાંથી જવાબો નીકળતાં હશે! અમુક જણ કાનમાં પેન કે પેન્સિલ નાખે તો એમના મગજમાંથી જવાબ બહાર નીકળતાં હશે. અમુક આંખો બંધ કરીને વિચારતા હોય. એકઝામીનરને પણ એ વિચારે છે, ધ્યાન કરે છે, કે ઊંઘે છે એ વિષયે કૂતુહલ થતું હોય છે. અમુક તો બેંચ પર હાથ મૂકી, પછી એનાં પર માથું મૂકી દે છે. અમારી માંગણી છે કે આપણી પરીક્ષા પદ્ધતિને લીધે  કેટલા વિદ્યાર્થીઓ માઈગ્રેન કે માથાના દુખાવાથી પીડાય છે એનાં સત્તાવાર આંકડાઓ સરકારે બહાર પાડવા જોઈએ. 

હાથની આંગળીઓથી હવામાં ગણતરી કરનાર ઉસ્તાદો પણ પરીક્ષાખંડમાં મોજુદ હોય છે. કાચા કામ માટે આપેલી જગ્યા અને કાગળ બચાવી એ દેશનો ફાયદો કરાવવા માંગતા હોય કે ગમે તેમ, એ હવામાં જ કેલ્ક્યુલેશન કરે છે. આવા હવાઈ કિલ્લા બાંધનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્લાનિંગ કમિશનમાં નોકરીની ઉજ્જવળ તકો રહેલી છે. અમુક નંગ ટ્યુબલાઈટની પાછળ ફરતી ગરોળીને તાકી રહે છે. બાયોલોજીમાં આમ કરવાથી કદાચ જવાબ મળતા હોય એ શક્યતા નકારી ન કઢાય.

કેટલાંક વિદ્યાર્થીઓ ઉદ્યમી હોય છે. એમને બેંચ ડગમગ થતી હોય કે બેન્ચનું ઉપરનું પાટિયું ડગતું હોય તે ખટકે છે, એટલે ઇરેઝરની આજુબાજુ વીંટાળેલો પૂંઠાનો ટુકડો કાઢી આ ડગમગને સ્થિર કરવા પોતાની શક્તિ અને વધારાના સમયનો સદુપયોગ કરે છે. આ એજ વિધાર્થી છે જેને પરીક્ષાના અંતે ‘પરીક્ષાખંડની વર્તમાન પરિસ્થતિ’ પર નિબંધ પૂછો તો કયો પંખો અવાજ કરે છે, કઈ દિવાલમાં તિરાડો છે, કઈ બારીની સ્ટોપર તૂટેલી છે જેવી વિગતો સહિત એવો માહિતીસભર નિબંધ લખે કે ચકાસનારને દસમાંથી દસ આપવા જ પડે!

બીજા યથાશક્તિ આજુબાજુ ડાફોળિયાં મારતાં હોય છે. સુપરવાઈઝર્સમાં પણ એવી ગેરમાન્યતા પ્રવર્તતી હોય છે કે ડાફોળિયાં મારનાર હંમેશા ચોરી કરવાનો પ્રયાસ કરે છે. એમાં સુપરવાઈઝર ટેબલ ફેન થિયરી પર કામ કરે છે. ટેબલ ફેનની એક રેન્જ હોય છે. એકંદરે એવા વિદ્યાર્થી કે જેની ડોક પેપરને સામે રાખો તો જમણી કે ડાબી તરફ ૩૦ ડીગ્રી કરતાં વધારે એન્ગલથી ફરે છે તે સુપરવાઈઝરની કિન્નાશાહીનો ભોગ બને છે. એટલે જ ચોરી કરનાર સુપરવાઈઝરની પોઝીશન પર ચાંપતી નજર રાખે છે. આવા વિદ્યાર્થીના રીફ્લેક્સીસ કમાલના હોય છે, સુપરવાઈઝરની પીઠ ફરતાં જ એનામાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. એ ચોરીની ક્રિયા હપ્તે હપ્તે કરે છે. જોકે એને ભાગ્યે જ કોઈ લાફિંગ બુદ્ધા જેવા બેઠાડું સુપરવાઈઝર મળે છે.

જે ઉદ્યમી અને વધુ સાહસિક હોય છે તે કપડાં, અંત:વસ્ત્રો, કોલર, બાંય જેવી જગ્યાઓ કે જ્યાં ગુગલ સર્ચ નથી કરી શકતું એવી જગ્યાઓ પર માહિતી સંગ્રહ કરે છે, પછી મોકો જોઈ બહાર કાઢે છે. જયારે અન્ય આળસુ પ્રકૃતિના વિદ્યાર્થીઓ બીજાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ડોકાચિયા કરે છે. પણ વિજ્ઞાન જે ભણ્યો છે, પણ ગણ્યો નથી એવો એ મૂર્ખ છાત્ર મલ્ટી-ટાસ્કિંગ કરી નથી શકતો. એને કોપી કરવા ઉપરાંત સુપરવાઈઝર પર નજર રાખવાની હોય છે, જયારે સુપરવાઈઝરે એને એકવાર ડાફોળિયાં મારતાં જોઈ લીધો હોઈ એનું સમગ્ર ધ્યાન એનાં પર કેન્દ્રિત હોઈ આવા નમૂનાઓ જલ્દી પકડાઈ જાય છે.

એક જમાનામાં બોર્ડની પરીક્ષાનો હાઉ હતો. હવે તો બાળકને કિન્ડર ગાર્ટનમાંથી પરીક્ષાઓ આપતો કરી દઈ શિક્ષણ કંપનીઓએ છોકરાઓને પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર કરી દીધાં છે. એટલે ઘેર મમ્મી પપ્પાની અપેક્ષાઓનું પ્રેશર એને પરીક્ષા ખંડ સુધી તો લાવે છે પણ પેલા પ્રોવર્બીયલ ઘોડાની જેમ નદી સુધી ગયા પછી પાણી પીવાનું કામ તો ઘોડાએ જ કરવું પડે છે. પણ આપણો આ ઘોડો તો અહિં ત્રણ કલાક ટાઈમ પાસ કરે છે. હાસ્તો, વહેલો બહાર નીકળે તો ખુલાસા આપવા પડે, એનાં કરતાં રીઝલ્ટ વખતે ખુલાસા કરવા સારા! 

No comments:

Post a Comment