Tuesday, January 21, 2014

આ ઉત્તરાયણમાં શીખવા મળેલ ૨૧ સત્યો

by Adhir Amdavadi 
January 16, 2014
અમદાવાદ ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ વખતે પવન સારો રહેતા સૌ કોઇએ પતંગોત્સવની મોજ માણી. પણ હંમેશા કાંઇક નવુ કરવા તત્પર રહેતા આપણા અધીર અમદાવાદી આ ઉત્તરાયણમાંથી કેટલીક મહત્વની બાબતો શિખ્યા છે, તો તમે પણ જાણો શું શિખ્યા અધીર અમદાવાદી....

  1. જે પતંગ પાછળ તમે દોડો છો એ તમારા હાથમાં જ આવશે એની કોઈ ખાતરી નથી.
  2. ઝાડુથી પતંગ પકડવામાં તમે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરો તેવી છાપ ઊભી થઈ શકે છે.
  3. જે પત્તંગ છાશ/છાપ ખાય તેવો હોય, તેનો ઢઢ્ઢો કિન્ના બાંધતા પહેલાં વાળી લેવો નહીંતર કિન્ના  બાંધવાની મહેનત માથે પડે છે.
  4. એડવાન્સમાં જથ્થાબંધ કિન્ના બાંધનાર દિવસના અંતે ‘તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર’ કહેવત યાદ કરે છે. 
  5. જુનાં પતંગ સાચવી રાખનાર આવતી સાલ આ સાલના નવા પતંગ જુનાં કરી ચગાવવા પામે છે. 
  6. કિન્ન બાંધવાના કામ કોઈ તમારા માથે પરાણે થોપે તો તેમાંથી બચવા ખરાબ કિન્ના બાંધવાથી અકસીર ઉપાય કોઈ નથી.
  7. પતંગ કપાયા પછી ચીકી ખાવાથી ડીપ્રેશનમાં રાહત મળે છે.
  8. મોટાભાગના લોકો માટે ‘કેટલાં પતંગ કપાયા’ કરતાં મહત્વનો પ્રશ્ન ‘કોણે કાપ્યા’ એ હોય છે.
  9. નવા હિન્દી ગીતોમાં દમ ન હોવાથી આ વખતે ધ્વનિ-પ્રદુષણમાં રાહત જોવા મળી હતી.
  10. ગુંદરપટ્ટીનું વજન જેમાં પતંગના વજન કરતાં વધું હોય તેવો પતંગ ચગતો નથી.
  11. પવન ન હોય તેવા સમયમાં અધીર અમદાવાદી જેવા ડાહ્યા માણસો આરામ કરે છે અને બાકીના રાત્રે બાવડા ઉપર માલીશ.
  12. દર વર્ષે ‘ગઈસાલની દોરી આનાં કરતાં સારી હતી’ એવો વિચાર આવે છે.
  13. પતંગ ચગાવવો એ કળા છે. મધ્યમથી સારા પવનમાં આ નિયમ લાગુ નથી પડતો.
  14. ‘હવેલી લેતા ગુજરાત ખોયું’ કહેવત ચાલુ પતંગે કપાયેલ પતંગ પકડવા જનારને યાદ નથી હોતી.
  15. છૂટ અપાવવા માટે કહેનાર શીખાઉમાં ખપે છે.
  16. ‘ગઈ સાલ બહુ કાપ્યા હતાં’ એવું કહેનારની વાત માનવી નહી.
  17. પવનની દિશા કાયમ અવળી જ હોય છે.
  18. ફિરકી પકડાનારનું ધ્યાન વોટ્સેપ અને ફેસબુકમાં હોય તો પતંગ કપાઈ જાય છે.
  19. પતંગ ચગાવનારનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુકમાં હોય તો પણ પતંગ કપાઈ જાય છે. અન્યથા ભરાઈ તો અવશ્ય જાય છે.
  20. પતંગ ચગાવનાર અને ફિરકી પકડનાર બંનેનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુક પર હોય તો બેઉ એક જ જાતિના (બેઉ પુરુષ અથવા બેઉ સ્ત્રી) હશે.
  21. સલમાન ખાન અને અમિતાભ બચ્ચન અમદાવાદમાં આવી પતંગ ચગાવે એનાંથી અમદાવાદમાં ઉત્તરાયણના ઉત્સાહમાં કોઈ ફેર નથી પડતો. એ તો કાયમ ફુલ્લ ટુ ટોપ પર જ હોય છે !

1 comment:

  1. Full to top observation. Adhir chhe etale magaj bahu tej dode chhe.

    ReplyDelete