Tuesday, January 21, 2014

બગાસું ખાતાં પતાસું પડે એ પ્રોબ્લેમ છે

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૧-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

હમણાં જ વડોદરા પાસે પાવીજેતપુરમાં એક બેન બગાસું ખાવા ગયા એમાં જડબું લોક થઈ જવાથી એમનું મ્હોં ખુલ્લું રહી ગયું એવા સમાચાર અમે વાંચ્યા. બેનને બગાસું ટીવીની કઈ ચેનલ જોતાં આવ્યું હતું એ સમાચાર છાપામાં ન વાંચવા મળ્યા, એ ટીવી ચેનલની કાર્યદક્ષતા દર્શાવે છે. સમાચારમાં આ બેનનું મ્હોં બંધ કરવા ઓપેરેશન કરવું પડશે એવું પણ લખ્યું હતું. આગળ શ્લેષ જાણીને કરેલ છે. અમારા જેવા ઘણા આ સમાચાર વાંચીને ચોંકી ઉઠ્યા છે. આમ ઓપેરેશન કરાવવાથી મ્હોં બંધ થતું હોય તો કેવું સારું નહીં?

પણ આ તો આડવાત થઈ. મૂળ વાત બગાસાની છે. જીવતો માણસ બગાસું ખાય છે. માણસનો આ એક અગત્યનો જૈવિક ગુણધર્મ છે. અમીર ગરીબ બંને બગાસું ખાય છે. ભૂખમરો વેઠતો માણસ પણ બગાસું ખાતો હોય છે. આ બગાસાની સોશિયલ સાઈડ છે. વર્કોહોલિક પણ ખાય છે અને આળસુ માણસ પણ ખાય છે. આ બગાસાની કોર્પોરેટ સાઈડ છે. પણ આ બગાસું સાયન્ટીફીક કારણોસર આવે છે. એવું જાણવા મળે છે કે જયારે મગજમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય ત્યારે બગાસું આવે છે. એવરેજ બગાસું છ સેકન્ડ ચાલે છે. માણસ બેઠો હોય કે આડો પડ્યો હોય ત્યારે વધારે બગાસાં આવે છે. ચાલતો કે દોડતો માણસ બગાસું ખાતો જોવા મળતો નથી.
 
બગાસું સાયન્ટીફીક કારણસર આવતું હોવા છતાં વિદ્યાર્થીઓ બગાસાં ખાય એ માટે પ્રોફેસરોને જવાબદાર ઠેરવવામાં આવે છે. અમે પણ પ્રોફેસર છીએ એટલે આ વાતથી અમે સખ્ખત નારાજ છીએ. (પ્રૂફરીડર શ્રીને વિનંતી કે આગળ ‘ખ’ ઉપર જે વજન મુક્યું છે તે સુધારે નહિ!) પ્રોફેસરોને બદનામ કરવામાં આવે છે પણ વિદ્યાર્થીઓ ‘પુરતી ઊંઘ લઈને ક્લાસ ભરવા આવે છે કે કેમ?’, ‘રાત્રે પાર્ટી કરી હતી કે કેમ?’, ‘ક્લાસ સિવાય પણ એ ઊંઘે છે કે કેમ?’ જેવા પ્રશ્નો પર કોઈ વિચાર જ કરતું નથી. ટૂંકમાં અમે એમ કહેવા માંગીએ છીએ કે પ્રોફેસરો કાયમ વિદ્યાર્થીને બોર કરવા માટે જવાબદાર નથી હોતા. અથવા બધા પ્રોફેસરો એવા નથી હોતા. પ્રાણીઓ પણ બગાસાં ખાય છે. સિંહને પણ અમે બગાસું ખાતાં જોયો છે. હવે પ્રાણીઓમાં તો પ્રોફેસર હોતા નથી ને? અરે, બાળક જયારે ગર્ભમાં હોય ત્યારે પણ એ બગાસું ખાય છે. આમ, પ્રોફેસરો બગાસાના કારક છે તે માન્યતા ખોટી સાબિત થાય છે.

જોકે બગાસું એ કંટાળાની નિશાની છે એ વાત સાચી છે. મઝાની વાત એ છે કે જે માણસ પોતે બોરિંગ હોય છે એ પણ બગાસું ખાય છે. એ પણ બીજાની વાત પર. ઘણાં સામેવાળાની વાતમાં પોતાને ઈન્ટરેસ્ટ નથી એવું દર્શાવવા નકલી બગાસા પણ ખાતાં જોવા મળે છે. વક્તા હદબહાર જુલમ કરે ત્યારે શ્રોતાઓ બગાસાં ખાય છે. કવિ સંમેલનોમાં બગાસા વ્યાપકપણે ખવાય છે. આમ છતાં કોઈ કવિએ નારાજ થઈને કવિતા ટૂંકાવી હોય કે સભાત્યાગ કર્યો હોય તેવું નથી જાણવા મળતું. બગાસા ખાવાની મેનર્સ મુજબ બગાસું આવે તો મ્હો આડે હાથ ધરી અન્ય લોકોને પોતાના ટોન્સિલનાં દર્શન ન થાય તેની તકેદારી રાખવાની હોય છે. જોકે અમુક લોકો બગાસું આવે તો પોતાના મ્હોં આગળ ચપટી વગાડી અન્યોને પોતે કંટાળ્યા છે તેની જાણ દ્રશ્ય-શ્રાવ્ય એમ બંને માધ્યમો થકી કરે છે. 

વાત સાંભળતા સાંભળતા બગાસું ખાનારની જમાતને ટક્કર આપે એવી જમાત વાત કરતાં કરતાં બગાસું ખાનારાની હોય છે. આ ક્રિયામાં કર્તા જયારે બગાસું ખાતાં ખાતાં વાત કરે ત્યારે ઘણીવાર વાક્ય અડધું છૂટી જતું જોવા મળે છે. આમ થવાથી સાંભળનારને આગળની વાત શું હશે તે ધારી લેવાની છૂટ હોય છે. આવી રીતે વાત કરતાં કરતાં બોલનાર જવલ્લે જ બગાસાગ્રસ્ત થઇ ગયેલા વાક્યને ફરી બોલવાની તસ્દી લે છે. સામે પક્ષે સાંભળનાર પણ બગાસું ખાતાં ખાતાં વાત કરનારની નિષ્ઠાથી વાકેફ હોઈ બગાસું ખાનારને ભાગ્યે જ વાત દોહરાવવા માટે વિનંતી કરે છે. એકંદરે વાત કરનાર અને સાંભળનાર બેઉને વાતમાં રસ ન હોઈ મીટર વગર આવતા પાણીની જેમ શબ્દો અનંતમાં વહી જાય છે.

બગાસાનો પ્રાસ પતાસા સાથે મળે છે એ યોગને કારણે બગાસું ખાતાં પતાસું પડ્યું જેવી ગુજરાતી કહેવત આપણને મળી છે. આ કહેવતનો મતલબ તો કોઈ પણ ઉદ્યમ વગર કશુંક પ્રાપ્ત થાય એવો કૈંક થાય છે. બાકી અમને તો બગાસું ખાતાં પતાસું પડે એમાં કશું હરખાવા જેવું નથી લાગતું. તમે વિચારો કે તમે કંટાળ્યા હોવ, ઊંઘ આવતી હોય, સામે કોઈ તમને બોર કરતુ હોય એવામાં તમે જો બગાસું ખાવ, એ પણ અર્ધજાગ્રત અવસ્થામાં, તેવામાં આ પતાસું પડવાથી શું આનંદ થાય? ખરેખર તો મોઢું ખુલ્લું હોય અને પતાસા જેવો સુકો અને પથ્થર જેવો કઠણ પદાર્થ મ્હોમાં પડે તો ચોંકી ઉઠાય. આ ઉપરાંત જો આમ પડેલું બગાસું ખાસી ઊંચાઈ પરથી પડ્યું હોય તો દાંત પર વાગે એવું પણ બને. મોઢામાં પડ્યું છે એ પતાસું જ છે એવી જાણકારી કંઈ આપોઆપ તો આવે નહિ એટલે મ્હોમાં પડેલ પદાર્થ ચાખો નહિ ત્યાં સુધી કોઈ નિર્ણય ન લઇ શકાય. પણ આવી ફોરેન મેટર મોઢામાં આવી પડે તે સંજોગોમાં ભાગ્યે જ કોઈ મૂરખનો સરદાર જોયા વિચાર્યા વગર ચાવવાનું ચાલુ કરી દે. આવામાં કોઈનું પણ પહેલું રીએક્શન થૂંકી નાખવાનું અને બીજું રીએક્શન જેણે આવી કુચેષ્ટા કરી હોય તેને ટીચી નાખવાની ઈચ્છા થાય.

બગાસું ચેપી હોય છે. કોઈને બગાસું ખાતાં જોઇને એકથી પાંચ મીનીટમાં અન્ય વ્યક્તિને બગાસું આવે છે. જોકે આવું આવું છીંક કે ઉધરસમાં નથી થતું. હવે છેલ્લે તમને એક જાદુઈ વાત કહું, આ વાંચતા વાંચતા તમને એકાદું બગાસું તો ચોક્કસ આવ્યું હશે. આથી અમારો લેખ બોરિંગ છે એવું સાબિત નથી થતું. આમ થવાનું સાયકોલોજીકલ કારણ છે. આ લેખ વાંચવાથી બગાસું યાદ આવે છે અને સબકોન્શિયસ માઈન્ડ માણસને બગાસું ખાવા પ્રેરે છે. ટૂંકમાં આ લેખને કારણે નહિ, ‘બગાસું’ શબ્દ આટલી બધી વખત વાંચીને તમને બગાસું આવ્યું છે એમ જાણજો. અને જો તમે આ લેખ વાંચીને ખડખડાટ હસ્યા હશો તો ચોક્કસ બગાસું નહિ આવે, કારણ કે હસવાથી ફેફસાને ઓક્સિજન મળે છે. હસતા રહેજો! •

No comments:

Post a Comment