Sunday, June 01, 2014

મોરના ઈંડા - ડીઝાઈનર ચિલ્ડ્રન


 કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૦૧-૦૬-૨૦૧૪ રવિવાર 




જેમ પોપટ પોપટી, જાંબુ જાંબુડિયા, કોફી કોફી, ચોકલેટ ચોકલેટ અને નારંગી નારંગી કલરની હોય છે એમ મોર મોરપીંછ કલરનો હોય છે. અમે એના ઈંડા તો જોયા નથી પણ કહે છે કે મોરના ઈંડા ચીતરવા નથી પડતા. આમાં મોર કશું નથી કરતો. એ તો સવારે ઉઠે છે. ટહુકા કરે છે. દાણા ચણે છે. ઈંડા મુકે છે. સુઈ જાય છે. ઉઠે છે અને ફરી દાણા ચણે છે. પણ સમાજમાં જેઓ એકવાર મોર જાહેર થાય છે એવા લોકો ધરાર એમના ઈંડાને ચીતરવા બેસે છે. આમ તો આની શરૂઆત સ્કુલથી થાય છે પણ દસમું-બારમું આવે ત્યારે આ ચિત્રકળા સોળેકળાએ ખીલે છે.

જૂતાં પોલીશ કરનાર મોચી પોતાનું બાળક બુટપોલીશ કરનાર બને એ માટે કોઈ પ્રયાસ નથી કરતો. સફાઈ કર્મચારી પોતાનું સંતાન સફાઈ કર્મચારી બને એ માટે ઉત્સુક નથી હોતો. પણ ડોક્ટર, સીએ અને એક્ટર્સ જેવા પોતાના ઈંડા પોતાના જેટલા જ કલરફુલ બને તે માટે સદૈવ પીંછી હાથમાં લઇ ઈંડાની પાછળ પાછળ દોડતાં હોય છે. મોચીનું કંઈ કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું કે એને પોતાનો ‘બિઝનેસ’ કોણ સંભાળશે એની ચિંતા હોય. પણ દસ કરોડની હોસ્પિટલ બાંધી હોય એને હોસ્પિટલ કોણ ચલાવશે એની ચિંતા ઓપરેશન થિયેટરનું હેપા-ફિલ્ટર સમયસર બદલાવ્યું કે નહિ તેનાથી વધારે હોય છે.

Image Courtesy: www.chezchiara.com
એમાં હવે તાકોડીઓની એક નવી જમાત નીકળી છે. IIT.નું નિશાન પાડનારાઓની! એ લોકો વળી બધા કરતાં વહેલા જાગે છે. બાળલગ્નની જેમ તેઓ ચોથા-પાંચમાં ધોરણથી જ એમના વછેરાને ઘોડો બનાવવા CBSEના સ્પર્ધાત્મક વાતાવરણમાં ઝોકી દે છે. વછેરો પણ પછી બારમું આવતાં સુધીમાં તો JEE, AIEE, CAT, કટ-ઓફ માર્ક્સ, સ્ટેટ ટોપર અને નેશનલ ટોપરની વાતો કરતો થઇ જાય છે. આમાંના મોટાભાગના મા-બાપ પરિણામ પછી દેખાતા નથી.

જે ઈંડાના કલર માટે કોમ્પ્લીમેન્ટ મેળવવા મા-બાપ ઝૂરતા હોય છે, તે ડીઝાઈનર ઈંડામાંથી ફૂટેલા બાબાઓ બે પ્રકારના હોય છે. આ બેઉ પ્રકારના બાબાના લક્ષણ પારણામાંથી નહિ તો દસમાંથી તો સમજદાર પપ્પાઓનાં ધ્યાનમાં આવી ગયા હોય છે. પહેલા પ્રકારના બાબા ખુબ કોન્ફિડન્ટ હોય છે અને ફલાણી મેડીકલ કોલેજ કે આઇઆઇટીમાં આપણી સીટ પાકી એવું બબડતા જોવા મળે છે. તો બીજા પ્રકારના બાબાઓને ડોનેશનથી એડમિશન લેવાનું હોઈ એ માટે મીનીમમ પચાસ ટકા આવશે કે પાસ થશે કે કેમ? એ પ્રકારની અવઢવમાં હોય છે. ડોનેશન એડવાન્સમાં આપવાનું હોય છે એવા સમયે આવી અવઢવ લાખોમાં પડે છે. આવા બાબાઓ માટે ફિલ્મ શરાબીમાં પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી બચ્ચન બાબા એ કહ્યું છે કે 'પૂત સપૂત તો કયું ધન સંચય? ઔર પૂત કપૂત તો કયું ધન સંચય?'. એ ન્યાયે જેમના સપૂતો ટ્યુશનની વિકેન્ડ ટેસ્ટમાં ૯૯% લાવતા હોય અને પ્રિલિમ્સમાં સપ્લીમેન્ટરીઓ ચેક કરી, ક્લાસ ટીચર સાથે ઝઘડી અને જેમના ૯૩% ના ૯૫% કરાવ્યા હોય એમના મા-બાપે બોર્ડની પરીક્ષા વખતે ખાસ કંઈ કરવાનું રહેતું નથી. પણ તોયે એ સખણા બેસી શકતા નથી. બોર્ડની પરીક્ષા સુધી કેમેસ્ટ્રીમાં કપાયેલા ત્રણ માર્ક માટે ટ્યુશનના ટીચર સાથે રોજ પોણો કલાક ચર્ચા કરીને મેડીકલમાં એમીશન માટેનો પાયો મજબુત કરે છે. આવા લોકોને કોઈ કહે કે ચકલાંને ચણ નાખવાથી મેડીકલમાં એડમિશન મળે છે તો એ હરખપદુડા લોકો ચકલાના માળામાં હજાર હજારની નોટો પણ ભરાવી આવે!

આની સામે પ્રિલિમ્સમાં મેઈન ત્રણ સબ્જેક્ટમાં ફેઈલ થનારને વધુ નાસ્તા, વધુ સ્ટડી મટીરીયલ અને ઠોઠ નિશાળિયામાંથી ડોલરાધિપતિ બનનાર બિલ ગેટ્સના દાખલા આપવામાં આવે છે. તત્વત: એમના મા-બાપની હાલત ઘોડાની રેસમાં ગધેડું લઈને ઉતરેલા જોકી જેવી હોય છે; ન એને રેસમાંથી હટાવી શકે છે કે ન એને લાયક એવા માટી-રેતી વહન કરવાના મૂળભૂત આવડત અને લાયકાતવાળા કામમાં જોતરી શકે છે. છેવટે એ ય નભી જતા હોય છે.

કમનસીબે જેમ ખેતીમાં બિયારણમાં જીનેટિક મોડીફીકેશન કરી વધારે ઉપજ અને સ્વાદ આપે એવા મોટા દાણા લેબમાં બનાવી શકાય છે એમ માણસો મનોવાંછિત- અક્ષય કુમાર જેવી હાઈટ-બોડી, સલમાન જેવા મસલ્સ, તેન્દુલકર જેવું ક્રિકેટ કે ફેડરર જેવું ટેનીસ રમે એવા ડિઝાઈનર બાળક પેદા નથી કરી શકતા. આવું થતું હોત તો છોકરીના મા-બાપ પણ કોઈ છોકરાના માબાપે મનમોહન જેવું આજ્ઞાંકિત બાળક પ્લાન કર્યું હોય તો પોતાની છોકરી માટે એડવાન્સ બુકિંગ કરાવી શકત. એવું કદાચ થઈ પણ શકે તો સાયન્ટિસ્ટસ એથીકલી એવું નથી કરતાં. એટલે છેવટે સમર્થેશ્વર મહાદેવ પાસે લારીમાં મકાઈ-ડોડાને ઉંધો ચત્તો કરીને પકવતી મેનામાસીની જેમ છોકરાને પકવવાની જવાબદારી મા-બાપના માથે આવી પડે છે.જે એ લોકો હોંશે હોંશે પૂરી કરે છે.

No comments:

Post a Comment