Sunday, June 15, 2014

ગરબા ક્યાં નથી થતાં ?



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૬-૨૦૧૪ | અધીર અમદાવાદી |

જ્યાં જ્યાં વસે એક-બે ગુજરાતી ત્યાં ત્યાં સદા થાય ગરબા ...
--
ચંદ્ર ઉપર જયારે માણસોની રેગ્યુલર અવર-જવર ચાલુ થશે ત્યારે પૃથ્વી પરથી ચન્દ્ર પર ગરબાનાં લાઉડસ્પીકરોની ફરિયાદો જરૂર ઉઠશે. ગુજરાતીઓ પ્રવાસી તરીકે તો દુનિયામાં પ્રખ્યાત છે જ, એટલાં જ એ કોઈપણ દેશ કે પ્રદેશમાં ધંધા માટે સેટલ થવા માટે પ્રખ્યાત છે. એટલે જયારે પણ ચંદ્ર પર જવા ટીકીટો ફાટતી હશે ત્યારે એ ટીકીટોની લાઈનમાં ટેવ પ્રમાણે ઘૂસ મારીને આપણા ગુજ્જેશો ટીકીટ લઇ આવશે. પછી ત્યાં પહોંચી, પાસપોર્ટ બાઈનોક્યુંલરથી પૃથ્વી ઉપર બરોબર અભ્યાસ કરી, નિશાન તાકી, પોતાના ગામના મેદાનમાં,પૂર્વનિર્ધારિત સમયે પડે એમ નાખી ચન્દ્ર પર અન્ય પ્રજા સાથે ભળી જશે. ચોમાસામાં વરસાદ પડવાથી જેમ પાંખોવાળા મંકોડા ફૂટી નીકળે એમ નવરાત્રી આવે એટલે આ ગુજ્જેશો અને ગુજીષાઓ ચન્દ્રની ધરતી ઉપર ફૂટી નીકળશે અને ગરબા ચાલુ કરી દેશે.પછી આ ગરબાથી થતાં ધ્વની-પ્રદુષણની ફરિયાદ પૃથ્વી પરના કહેવાતાં પર્યાવરણવાદીઓ કરશે!

ચન્દ્ર ઉપર જો ગરબા થાય તો એ અનોખા થાય. કારણ કે ચન્દ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું છે. એટલે જો આપણા તળ કાઠીયાવાડના કલાકારો ગરબી કરતાં કરતાં ઠેકડો મારે તો તેઓ પાછા ચંદ્રની ધરતી ઉપર આવે ત્યાં સુધીમાં ગરબો પુરો થઈ ગયો હોય! તો સનેડા જેવામાં જો ખેલૈયાઓ જોશમાં દુપટ્ટા ઉડાડે તો એ દુપટ્ટા અવકાશમાં તરતાં થઈ જાય અને કોક ઉપગ્રહને ગાંડો કરી ઉપગ્રહ સહીત પૃથ્વી ઉપર પાછાં આવે! જોકે ચન્દ્ર ઉપર દીકરી કે પુત્રવધુની ડીલીવરી કરવા ગયેલી માજીઓ, કે જે ગરબા કરતી વખતે અમારા અવલોકન મુજબ કોકાકોલાના બોટલિંગ પ્લાન્ટમાં બે લીટરની બોટલો સરતી હોય ટેવો આભાસ ઉભો કરે છે, તેઓ હળવી ઠેસ લે તો પરણવા લાયક છોકરીઓ કરતાં વધુ જોશથી ગરબા કરતી હોય એવો દેખાવ સર્જાય! પણ ચંદ્ર ઉપર ગરબાનું એક ભયસ્થાન છે. પૃથ્વી પરથી જોતાં ચન્દ્ર ઉપર ખાડા દેખાય છે. આપણા ત્યાંના ઘણાં ગરબા ગ્રાઉન્ડની હાલત પણ આવી જ હોય છે એ જોતાં ચંદ્ર ઉપર ગરબા કરવામાં આપણા ખેલૈયાઓને ખાસ તકલીફ ન પડે એવું અમને જણાય છે.


અમેરિકામાં જોકે આથી વિરુદ્ધ છે. ગરબા માટે ત્યાં મોટે ભાગે ઇન્ડોર એર-કન્ડીશન્ડ હોલ હોય છે જ્યાં  નીચે સરસ કાર્પેટ પાથરી હોય. ન્યુ જર્સીના જર્સી સીટીની ઇન્ડિયન સ્ટ્રીટમાં વળી નવરાત્રીમાં બાકાયદા રસ્તા ઉપર ગરબા થાય છે એ પણ રાત્રે જ. જ્યાં આવી રીતે ન થઈ શકે ત્યાં વીકેન્ડમાં ગરબા થાય છે. અમેરિકામાં મોટાભાગના તહેવારો તિથી પ્રમાણે નહીં, પણ અનુકુળતા પ્રમાણે ઉજવાય છે. અમુક વિસ્તારમાં ગાનાર ગ્રુપ એક જ હોય તો દિવાળી આવે ત્યાં સુધી વિકેન્ડ ઉપર ગરબા ચાલતા હોય છે. આવી રીતે પણ અમેરિકામાં પણ ગુજરાતીઓ આપણા ગરબા અને સંસ્કૃતિ ઉજાગર રાખે છે. કેમ પગમાં કાંકરા ન વાગે કે પરસેવો ન ગંધાય તો એ ગરબાને ગરબા ન કહેવાય એવું થોડું શાસ્ત્રોમાં લખ્યું છે?

વોશિંગ્ટનવાસી અમેરિકાનરેશ ઓબામા જે ઘટનાથી ચોંકી ઉઠ્યા છે, એ સોળમી લોકસભાના સભ્યોનો શપથવિધિ હમણાં યોજાઈ ગયો. ભાજપ સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપુરા, કે જે ચૂંટણીને સુંટણી કહે છે,એમણે તો નવા સભ્યોના સંસદ પ્રવેશને રંગીન પ્રવેશોત્સવ બનાવી દીધો. દેવજીભાઈ ટ્રેડીશનલ પરિધાનમાં આવ્યા હતાં અને રાસ-ગરબા જેવા દેખાતા કોઈક સ્ટેપ કરી એમણે બધાને ચોંકાવી દીધા હતાં. દેવજીભાઈએ હાથમાં છત્રી લઈને થતાં હોય છે એવી એકશનમાં ગરબા કર્યા હતાં. ન્યુઝ ચેનલોએ એ દસ સેકન્ડની ક્લીપ ટેવ મુજબ અને પ્રથા મુજબ દસ વાર બતાવી, એથી દેવજીભાઈએ ગરબાના ઘણાં રાઉન્ડ માર્યા હોય એવો દેખાવ થયો હતો. જોકે ઘણાએ આ માટે દેવજીભાઈની ટીકા પણ કરી છે. ગુજરાતના કોક અખબારમાં આ માટે દેવજીભાઈની ખબર લઇ નાખતો કડક તંત્રી લેખ પણ આવશે. આમ જુઓ તો હેમા માલીની જેવા અચ્છા ડાન્સર પણ સાંસદ બન્યા છે, પણ એમણે સંસદની બહાર કોઈ ડાન્સ ન કરીને બધાને નિરાશ કર્યા હતાં. હાસ્તો, દેવજીભાઈ કરતાં હેમાજીનો ક્લાસિકલ ડાન્સ જોવાની ચોક્કસ વધારે મઝા આવે.

આમ સંસદ સહિત ગરબા ગમે ત્યાં થઈ શકે છે. વરઘોડામાં ગરબા કરવાની ફેશન ઘણી જૂની છે, પણ હજુ પણ એટલી જ હોટ છે. શિયાળો હોય કે ઉનાળો, વિસનગર હોય કે વડોદરા, બેન્ડવાજાવાળા હિન્દી ગીતોથી શરુ કરી ઝડપથી ગરબા પર આવી જાય છે. કારણ કે ગરબા સુડાન્સ્ય છે. હા, સુડાન્સ્ય. જેમ અમુક ખોરાક સુપાચ્ય, પચવામાં હલકા કે આસાન હોય છે એમ ગરબા, એમાંય લગનમાં થતાં ગરબા સીધા ફાસ્ટ પીચથી શરુ થતાં ન હોઈ, ગમે તે એમાં જોડાઈ શકે છે એટલે સુડાન્સ્ય હોય છે. આ ઉપરાંત સાંકડા રસ્તા ઉપર ભીડમાં થતાં ગરબાની ઓડિયન્સ આવા શિખાઉ, મોટે ભાગે, પુરુષોને જોવામાં રસ ધરાવતી ન હોઈ આપણી ભૂલો ચાલી જાય છે. હા, વિડીયો જોતી વખતે થોડીક હાંસી ઉડે એ અલગ વાત છે!

અમારે એન્જીનીયરીંગમાં ચાર વર્ષનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધીમાં છોકરાઓ બચારા નીચોવાઈ ગયા હોય. એક તો કોલેજમાં સબમીશન અને એકઝામ્સનું જોર વધારે. ઉપરાંત કોઈ મનોરંજક વિષય ના મળે. કોલેજમાં છોકરીઓનું પ્રમાણ પણ ઓછું હોય. એમાં જે કલ્ચરલ એક્ટીવીટીમાં ભાગ લે એને રાસ-ગરબામાં ભાગ લેવા મળે. બાકીના બધાંએ એમના પ્રેક્ટીસ સેશનની વાતો સાંભળવાની. હા, જયારે છેલ્લા સેમિસ્ટરનું છેલ્લું પેપર પતે ત્યારે કોલેજ બહાર બેન્ડ મંગાવ્યું હોય. જેવી છેલ્લી એક્ઝામ પત્યાની ઘંટડી વાગે એવા બેન્ડવાજા વાળા મચી પડે. પછી જેમ કાયમ બને છે એમ હિન્દી ફિલ્મી ગીતો, પંજાબી ભાંગડા અને છેલ્લે જેમને નાચતા ન આવડતું હોય એવા માટે ખાસ ગરબા થઈ જાય! નિરાંતના ગરબા. હાશ ના ગરબા. જાન છૂટી ગરબા. છુટકારાના ગરબા! 

એક વરસના ટેણીયાથી લઈને નેવું વરસના દાદાજી સુધી આપને ત્યાં ગરબા કરતાં જોવા મળે છે. મૂળભૂત રીતે ગરબા ગુજરાતીઓના લોહીમાં છે. આપણે ત્યાં બહુ સંશોધન થતાં નથી નહીંતર આવું સાયન્ટીફીક રીતે સાબિત કરી શકાત. કોઈ એવું ઈસીજી મશીન શોધે કે જે ગુજ્જેશ કે ગુજીષાના બાવડે બાંધી એક બાજુ ગરબા વગાડી બીજી તરફ કાર્ડિયોગ્રામ લેવાથી કાર્ડિયોગ્રામમાં ગરબાના સ્ટેપ દેખાય. આ ગરબા કરવા કોઈ ઋતુ, સ્થળ કે સમયની મર્યાદા નથી હોતી. ગરબા કરનારને રાતે બીજા સુઈ ગયા હોય કે પરીક્ષાનો સમય હોય તો પણ પગ છુટો કરી લેવામાં ખચકાટ નથી થતો, અફકોર્સ પ્રસંગ પોતાનો હોય તો! બાકી પારકા ઘેર પ્રસંગ હોય તો આપણા દેશમાં કાયદા કાનુન બધું કાગળ પર છે એવી કાગારોળ કરાય. હાઈકોર્ટ ઓર્ડર કરે, અંગ્રેજી મીડિયા દરેક નવરાત્રી ઉપર હોહા કરે પણ ગરબા થઈને રહે છે. આવા ગરબા ઘણા માટે શક્તિનો નહિ, સહનશક્તિનો પ્રસંગ બની રહે છે.

No comments:

Post a Comment