Wednesday, April 20, 2016

તુલસી તહાં ન જાઈયે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦-૦૪-૨૦૧૬

આમ તો આયોજન કરનારા તો દિવાળી વેકેશન માણી પાછાં ફરતાં હોય ત્યારે જ ‘ઉનાળામાં ક્યાં જઈશું?’ એ નક્કી કરી લેતાં હોય છે. પરંતુ આ નિર્ણય એટલો સહેલો નથી. વેકેશનમાં ક્યાં ફરવા જવું એ નક્કી કરવામાં પોતાનાં જેવું ફાઈનાન્સિયલ સ્ટેટ્સ ધરાવનાર ક્યાં જતા હોય છે એ જોવાનો રીવાજ છે. ગુજરાતી ફરવાનો શોખીન છે, અને દુનિયાના કોઈ પણ પર્યટનના સ્થળે જાવ અને ત્યાં કોઈને ગુજરાતીમાં વાતચીત કરતા સાંભળો તો ચોંકી જવાનો રીવાજ નથી. એટલે જ પેલા રવિ-કવિમાં ફેરફાર કરીને અમે કહ્યું છે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. પણ ગુજરાતી ગમે ત્યાં પહોંચે પછી એને જમવામાં ખીચડી કે રોટલી ન મળે તો એ ઘાંઘો થઈ જાય છે. આમ તો ગુજરાતી કવિઓ પણ ફરવા જાય છે, જો વિદેશમાં કવિ સંમેલન હોય તો. ગુજરાતી કવિ અમેરિકા ફરતો જોવા મળશે પણ કુલુ-મનાલી કે આંદામાન-નિકોબારમાં ઓછો જોવા મળશે. કારણ કે આંદામાન-નિકોબારમાં ગુજરાતી કવિ સંમેલનો થતા નથી,અથવા ત્યાં સ્વખર્ચે જવાનું હોય છે.

અમુક બાબતો માણસ અનુભવથી શીખે છે અને અનુભવ, ખાસ કરીને ખરાબ અનુભવ પછી ગુજરાતી અમુક નિર્ણય લે છે, પછી એને ચુસ્ત રીતે વળગી રહે છે. દા.ત. હર્ષદ મહેતા અને કેતન પારેખના પરચા પછી આપણે ત્યાં શેરબજારના પગથીયા ચઢનારની સંખ્યા ભારતમાં બચેલા શેર જેટલી જ થઇ ગઈ છે. સિનેમા, રેસ્ટોરાં અને ટુરીસ્ટ પ્લેસીઝના કિસ્સામાં આવું મોટા પાયે બનતું આવ્યું છે. મુવીના કિસ્સામાં તો અમુક લોકો થીયેટરમાંથી જ ટ્વીટ કરીને કહી દેતા હોય છે કે ‘પૈસા ના બગાડતા’. પાપડ આપીને અડધો કલાક બેસાડી રાખનારી રેસ્તરાંની ‘સર્વિસ’ ફરી લેવામાં આવતી નથી. ચટણી-કઢી-મરચાં આપવામાં કંજુસાઈ કરનાર ગાંઠીયાવાળાએ માખીઓમારવાનો વારો આવે છે.

તુલસીદાસજીએ કહ્યું છે કે તમારા આવવાથી જેના હૈયે હર્ષ ન હોય કે આવકારતી વખતે આંખોમાં સ્નેહ ટપકતો ન હોય ત્યાં સુવર્ણ વર્ષા થતી હોય તો પણ ન જવું. ટુરીસ્ટ પ્લેસીસ બાબતમાં ગુજરાતી ગોસ્વામી તુલસીદાસજીને અનુસરે છે, અલબત્ત અવળા અર્થમાં. કોઈ ફિલ્મસ્ટાર આબુ, દીવ અને દમણના બ્રાંડ એમ્બેસેડર નથી, તો પણ ત્યાં ગુજરાતીઓની અવરજવર મોટા પાયે રહે છે. કારણ સૌ જાણે છે. આ જગ્યાઓએ દારૂબંધી જાહેર થાય તો ત્યાંના ધંધાર્થીઓના છોકરાં રાખડી પડે. બિહારના શોખીનો પણ હવે વાઈન ટુરીઝમ પર નીકળતા થશે.

સંસ્કૃત માં તો એટલે સુધી કહ્યું છે કે

​दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः॥

જે ઘરમાં ઘરધણીની પત્ની દુષ્ટ હોય, મિત્ર ધુતારો હોય, ભૃત્ય એટલે કે નોકર એટલે કે રામલો સામું ચોપડાવનારો હોય કે ઘરમાં સાપનો વાસ હોય તો એવા ઘરમાં જવાનું ટાળવું. અમે તો જ્યાં ચા કે કોફીના નામે ગરમ દૂધ પકડાવી દેવામાં આવતી હોય ત્યાં જવાની પણ ના પાડીએ છીએ. ચામાં ચા અને કોફીમાં કોફી હોવી જ જોઈએ એવું અમારું દ્રઢપણે માનવું છે, અને આ અંગે અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. એવી જ રીતે વેઢમી એટલે કે ગળી રોટલી પણ ગળી જ હોવી જોઈએ. ઘણાને ત્યાં એ મોળી બને છે. પાછી કહે પણ ખરી કે ‘મારા સસરાને ડાયાબીટીસ છે એટલે મારા સાસુ વેઢમી પેલ્લેથી મોળી જ બનાવે’. તારી સાસુનો શીરો દાઝે! એટલે જેના સસરાને ડાયાબીટીસ હોય એ ઘરમાં જમવા ન જવું. બીજું, શીરો ખાતા જો આંગળીમાં ઘી ન ચોંટે તો તેવો શીરો બનાવનાર સ્ત્રીને શીરા વિષયમાં એ.ટી.કે.ટી. આપવી જોઈએ. જોકે જમાઈઓને સાસરે જાય ત્યારે આવું બધું ખાવું પડતું હોય છે અને એમને આવું ભલીવાર વગરનું ખાવાના બદલામાં શીખના નામે અગિયાર, એકવીસ કે એકાવન રૂપિયા કોમ્પનસેશન તરીકે આપવાનો રીવાજ અમ્લ્લમાં આવ્યો હોઈ શકે. તમે આવા ઘરના જમાઈ ન હોવ તો ત્યાં જમવા ન જવું.

જોકે ક્યાં જવું એ નક્કી કરવા કરતાં ક્યાં ન જવું એ નક્કી કરવું ગુજરાતી માટે સહેલું છે કારણ કે એ યાદી ટૂંકી છે. આ માટે એના માપદંડો પણ જુદા છે. જે પ્રવાસન સ્થળની દુકાનો ‘બાર્ગેઈન’ કરવાની તક નથી આપતી એ ગુજરાતી ગ્રાહક ગુમાવે છે. અત્યારે વિદેશ ફરવા જવાનો પણ ટ્રેન્ડ છે, એટલે એના માટે લોથલ કરતાં લંડન વધુ નજીક છે. ‘કેરલા જવા જેટલા ખર્ચમાં તો દુબઈ જઈ અવાય’ એવું કોઈ કહે એટલે ‘વિદેશ એટલે વિદેશ’, એમ કહીને ગુજેશ કોઈ ટ્રાવેલ એજન્ટને પકડશે. પણ વિદેશની ધરતી પર પગ મુક્યા પછી બીજા દિવસે સાંજ સુધીમાં તો બ્રેડ-બટર અને ફ્રુટ ખાઈને કંટાળેલ ગુજ્જેશ ફરી ત્યાં ન જવાની તથા કોઈને ન જવા દેવાની સોગંધ ખાય છે.

આપણે ત્યાં ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો વધુ છે. ત્યાં મોટેભાગે મહેલો, કિલ્લા અને મ્યુઝીયમો જોવાના હોય છે અને ફત્તેપુર સિક્રી કે તાજ જોવા જનાર ગુજ્જેશને શાહજહાં જહાંગીરનો બાપ હતો કે દીકરો એ જાણવાનીય પડી નથી હોતી. અમને ખબર છે કે જહાંગીર બાપ હતો કારણ કે જહાંગીરમાં ‘જહાં’ પહેલા આવે છે. પણ બધા અમારા જેટલા જાણકાર હોતા નથી હોતા. ગુજરાતી એ અન્ય કોઈએ ન જોયું હોય એવું જોઈ આવનારી પ્રજા છે. આવા જ કોઈ ઐતિહાસિક સ્થળે મહેલો, કિલ્લા અને પેઈન્ટીગ્ઝ જોઈ આવનાર એક ભાઈને અમે પૂછ્યું કે ‘શું શું જોયું ત્યાં?’ તો કહે કે ‘એ જમાનાના લોકો ખાસ કામ સિવાય ઘોડા કે હાથી ઉપરથી નીચે નહિ ઉતરતા હોય!’ આવા લોકો ઘેર રહે એ જ સારું!

મસ્કા ફન

સાહિત્યમાં આજકાલ ખેડાણ કરતાં ભેલાણ વધી રહ્યું છે.


No comments:

Post a Comment