Wednesday, April 27, 2016

ગરમીથી બચવાના ઉપાયો

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૭-૦૪-૨૦૧૬
માથા ઉપર સુરજ તપે અને ચામડી દાઝે, તપેલી ટાંકીના પાણીથી બપોરે મોઢું ધોવા જતાં ફેશિયલ થઇ જાય, કારમાં બેસો અને ઓવનમાં બેઠા હોવ એવો અનુભવ થાય, અને આવા અનુભવ થકી ગરમી શરુ થઇ એવી આપણને જાણ થાય એ પહેલાં તો જાણે પેપર પેપર ફોડી લાવ્યો હોય એમ કોઈ હરખપદૂડો (HP) ‘ગરમી વધી ગઈ છે’ એવા વધામણાં આપવા આવે ત્યારે સાલું લાગી આવે! અલ્યા, મને ગરમી લાગે છે કે નહીં એ હવે તું નક્કી કરીશ? અને આટલું બોલીને મૂંગો મરતો હોય તો ઠીક છે, પણ પાછો ગરમીની ચર્ચામાં આપણને ખેંચી જઈ દઝાડશે. જેમ કે ‘લ્યો, હજી તો સવારના દસ વાગ્યા છે, પણ જાણે બાર વાગ્યા હોય એવું લાગે છે’. કે પછી ‘હજુ અઠવાડિયા પહેલા તો બા સ્વેટર પહેરીને ફરતા હતા અને આજે જુઓ, પંજાબી પહેર્યું છે તોયે ફોલ્લા પડે છે બોલો’. આમ ગરમીના નામે આપણા મોઢામાં આંગળા નાખીને બોલાવવાનું જાણે કોઈ કાવતરું કર્યું હોય એવું લાગે છે.

જરા યાદ શક્તિને ઢંઢોળશો તો ખબર પડશે કે છેલ્લા કેટલાક સમયથી કોઈપણ ઋતુ એનો પૂરો રંગ બતાવતી નથી! ના શિયાળામાં કડકડતી ઠંડી પડી કે ના ચોમાસામાં સળંગ વરસાદ! ગરમી વિષે પણ અન્યો પાસે સાંભળીએ, છાપામાં આંકડા વાંચીએ, ટીવી પર ઠંડા પીણાની જાહેરાત જોઈએ અને પછી આપણી બગલ-બોચી સાથે તાળો મેળવીએ ત્યારે થાય કે ‘ના હાળી ગરમી તો પડે છે’. આમ ગરમી પડે એટલે સામાન્ય માણસ ગરમીથી બચવાના ઉપાયો કરવા લાગે છે. ગરમીથી બચવા સૌથી પહેલો ઉપાય છે હિલસ્ટેશન જતા રહો. અમેરિકા કે સ્વિત્ઝરલેન્ડ જતા રહો. આમ કરવું પોસાતું ન હોય, કે રજા મંજુર થતી ન હોય તો એસી નખાવો. એસી પણ પોસાતું ન હોય તો આગળ વાંચો.

સૌથી પહેલા તો આપણને જે ગરમીનો અહેસાસ કરાવે છે તેવા HP લોકો અને સમાચારોને દુર રાખો. ઉપર જણાવ્યા મુજબ ગરમી-ગરમી કરતા લોકોને બોલવાનો મોકો જ ન આપો. એ બોલવા જાય તો એમના મ્હોમાં બરફ ઠોંસી દો. અથવા બરફ લઈને પોતાના અને સામેવાળાના ગાલ પર ઘસવા લાગો. છતાં બોલીને રહે તો એમ કહો કે ‘હજુ ક્યાં ગરમી પડી જ છે તે તમે ગરમી ગરમી કરો છો, લાગે છે તમારી ઉંમર થઇ ગઈ’. ઉંમરનું સાંભળીને મોટે ભાગે સામેવાળી પાર્ટી ગરમીની વાત માંડી વાળશે. એ મહિલા મંડળમાંથી હશે તો તો ખાસ. આ દાવ પણ ખાલી જાય તો શર્ટ કાઢી નાખો. ગરમીનો કકળાટ કરનારને અહેસાસ કરાવો કે એના કહેવાથી તમને ગરમી લાગવાની શરૂઆત થઇ છે. સાચુ કહીએ તો અમારું મગજ ગરમી કરતાં ગરમી ગરમીની બુમો પાડનારાથી વધારે તપી જાય છે.

ગરમીથી બચવાનો અન્ય ઉપાય કપડા છે. કપડા ઓછા પહેરવા. વિદેશમાં તો ગરમી પડે એટલે લોકો બીચ પર બિકીની પહેરીને પહોંચી જાય. આમાં ચડ્ડા પહેરીને પુરુષો પણ જતાં હોય છે, પણ એમના ફોટા છાપવામાં ભાગ્યે જ કોઈને રસ પડે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિરોઈનોએ પણ ગરમી ભાંગવાનો આ ઉપાય અપનાવ્યો છે. જોકે ગુજરાતમાં આ ઉપાય હિરોઈનને બદલે હીરો એટલે કે આપણા ગુજ્જેશોએ અપનાવ્યો છે. ઉનાળો આવે એટલે ગુજ્જેશ લુંગીધારી અને ગુજીષા ગાઉનમય થઇ જાય છે. ગરમ થઈને પાતળી બનેલી હવા ઉપર જાય અને ઠંડી હવા લે એની જગ્યા છે એ સિધ્ધાંતના આધારે લુંગી અને ગાઉન મિલની ચીમનીની જેમ ગરમ હવાના નિકાલનું કામ કરે છે. જોકે લુંગી પહેરવા માટે આજકાલ ઘરમાં પરમીશન નથી મળતી એટલે એનું સ્થાન ચડ્ડીઓએ લીધું છે. કન્યાઓ પણ એમાંથી બાકાત નથી. આગળ ઉપર ૫૦-૫૫ વર્ષની કન્યાઓ પણ આમાં જોડાશે એવું એમણે ફેસબુક પર અપલોડ કરેલા ટુરિસ્ટ પ્લેસીસ પર પડાવેલા ફોટા પરથી જણાય છે.

પછી તો લોક સાહિત્યમાં કહે છેને કે ‘જેડા જેડા માનવી, હેડી હેડી વાતડિયું...’ એમ જેવા જેવા માણસો એવા ગરમીથી બચવાનાં કુદરતી ઉપાયો પણ મળશે. કાઠીયાવાડી ‘છાશ પીવો’ કહેશે. ભલું હશે તો ગાંઠિયાનો પ્રયોગ બતાવનાર પણ મળશે. સુરતી મરચાના ભજીયા ખાવાનું કહેશે. અમદાવાદી દિવસમાં આઠ વાર ચા પીવાનું કહેશે કારણ કે ગરમી ગરમીને મારે છે. જેમ ગણિતમાં નેગેટીવ નેગેટીવ પોઝીટીવ થાય, એમ ગરમી ગરમીને મારે. થોડું જોગીંગ કરીને પરસેવો પાડી અને પછી લેખકો જેનું વર્ણન કરતાં હોય છે તેવો મંદ મંદ સમીર વાતો હોય તેવી ખુલ્લી જગ્યામાં ઉભા રહેશો તો પણ મસ્ત કુલીંગ થઇ જશે એવું અમે કહીએ છીએ. અમુક HP સલાહ આપશે કે ‘સુંઠ ગંઠોડાનું પાણી કરીને પીવો, મારા સાઢુભઈને તો ઉનાળો આવે એટલે હાથની ચામડી ઉતરી જતી હતી, પછી મેં એમને કીધું કે આ સુંઠ ગંઠોડાનું પાણી ઉકાળીને પીવો’. જોકે એ પાણી પીવાનું ચાલુ કર્યાનાં ત્રણ મહિનામાં સાઢુભાઈ યમરાજા સાથે પાડા ઉપર ડબલ સવારીમાં હાલી નીકળ્યા હતાં એ વાત વડીલ નહીં જણાવે.

ઠીક છે આ બધું. બાકી જો તમારી શરમ રાખીને કોઈએ તમને કહ્યું ન હોય તો અમે ચોખ્ખું કહી દઈએ છીએ કે તમે પેંગ્વીન નથી કે તમને બરફની પાટો વચ્ચે રાખવા પડે. બહુ ગરમી લાગતી હોય તો ઝૂમાં રહેવા જતા રહો, એ લોકો સાચવશે તમને. આ શું વળી! અને અહીંની ગરમીમાં ન જ ફાવતું હોય તો PK ફરીવાર પૃથ્વી ઉપર આવે ત્યારે એની જોડે જતા રહેજો. હમાર ગોલે પે તો ઐસન હી રહેગા.

મસ્કા ફન

IPLની મેચ જોવી એ બગલમાં 'ડીઓ' છાંટવા જેવું છે!
એ રમત છે કે ધતિંગ એ ભગવાન જાણે, પણ હાળી એમાં મજા બહુ આવે છે!

No comments:

Post a Comment