Wednesday, May 11, 2016

રોગ, શત્રુ અને ધૂળને ઉગતાં જ ડામી દેવા

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૧-૦૫-૨૦૧૬
તાજેતરમાં અમદાવાદ ઉપર ત્રાટકેલા સેન્ડ-સ્ટોર્મે ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. જેમ કે જેમણે કોઈ ડોશી સામે ઉંચી આંખ કરીને જોયું ન હોય એવા ડોહાઓના ધોળામાં પણ ધૂળ પડી હતી. જે લોકો લાંબા વાળ-દાઢી ધરાવતા હતા એ લોકોનો દેખાવ ડાયરેક્ટ સિંહસ્થ કુંભમેળામાંથી આવ્યા હોય એવો થઇ ગયો હતો. પોપકોર્નના સ્ટોલ ધારકોનો તૈયાર માલ શબ્દશ: ધૂળધાણી થઇ ગયો હતો. જે લોકોની ગાડીઓ માત્ર દર ચોમાસે ધોવાતી હતી એવા લોકો ધૂળ ઝાપટતા જોવા મળ્યા હતા. બાકી હોય એમ છાંટા પડ્યા, જેના કારણે કાદવ થવાથી એમણે કમને ગાડીઓ જાતે ધોવી પડી હતી. આમ થવાથી અમુક ગાડીઓ તો ધ્રુસ્કે ચડી હશે. આવા કપરા સમયમાં પણ યોગનાં આરાધકોએ જે રીતે જોરશોરથી ભસ્ત્રિકા, અનુલોમ-વિલોમ અને કપાલ ભાતિ પ્રાણાયામ કરીને વાતાવરણની ધૂળ શોષી લેવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો એ બતાવે છે કે માનવતા હજી મરી પરવારી નથી!

રણમાં ડમરીઓ ઉઠી એમાં ગુજરાતનું વાતાવરણ ધૂળમય થઈ ગયું. આ ડમરીઓનું તો કામ જ ઊઠવાનું અને શમવાનું છે. પણ આ ધૂળ અને તડકાને કારણે આ શહેરની મહિલાઓ, અને હવે તો ફેરનેસ ક્રીમની જાહેરાતોથી પ્રભાવિત પુરુષો પણ, બુકાની બાંધીને ફરે છે. આમ તો અમદાવાદને અને ધૂળને જુનો સંબંધ છે. જહાંગીરે અમદાવાદને ગર્દાબાદ કહ્યું હતું. અમદાવાદ સાબરમતી નદીના તટ પર વસેલું રેતાળ શહેર છે. કવિ ‘આદિલ’ મન્સુરીએ અમદાવાદ છોડતાં વતનની ધૂળથી માથું ભરી લેવાની બહુ ભાવુક વાત કરી હતી. સવારે નીકળીને સાંજે ઘરે આવતો અમદાવાદી મુનસીટાપલીની કૃપાથી માથામાં એટલી ધૂળ સાથે પાછા ફરે છે કે શેમ્પૂ બનાવતી કંપનીઓ ખોડાને બદલે જો માથામાંની ધૂળ ધોવા માટે ખાસ શેમ્પૂ બહાર પડે તો કંપનીના શેરમાં તેજીની સર્કીટ લાગે. ગટરોનું ડીસિલ્ટીંગનું કામ કરતા કોન્ટ્રકટરોનું ગુજરાત ટેરીટરીનું અડધું ટર્નઓવર અમદાવાદીઓના માથામાંથી ગટરમાં ગયેલી ધૂળને કારણે આવે છે, એવી પણ અંદરની વાત મુનસીટાપલીના અમારા એક ઓળખીતા એન્જીનીયર કરતાં હતા. અમદાવાદી ધૂળમાંથી પણ ધંધો શોધી કાઢે એ વાત સાવ ખોટી નથી.

અમદાવાદ અને ખોદકામને જુનો સંબંધ છે. પણ અમદાવાદમાં ખોદકામ કર્યા વગર પણ ખાડા પડે છે જે ભૂવાના નામથી ઓળખાય છે. ઘણા અમદાવાદની ધૂળ માટે ભૂવાને જવાબદાર ગણાવે છે. પરંતુ અમે તે સાથે સહમત નથી. ભૂવા ધૂળ વિરોધી છે. એ પોતાની અંદર માટી ખેંચી લઇ વરસાદી ગટરો થકી નદીમાં ઠાલવી દે છે. જોકે મુનસીટાપલીને ભુવાની આ પ્રવૃત્તિ પસંદ ન આવતાં તે નવી માટી લાવી ભૂવા પુરવાનું કામ કરે છે. આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી આવે છે અને બીજા વર્ષો સુધી ચાલ્યા કરશે, તો આ અંગે કોઈએ હરખશોક કરવો નહીં. જોકે કામિનીની કમનીય કમર જેવા વળાંકો ધરાવતી અમદાવાદની સડકો પર પડેલા ભૂવાઓને અમદાવાદના ગાલ પર પડેલા ખંજન ગણતા કવિઓ આ પ્રવૃત્તિનો વિરોધ કરે તો નવાઈ નહિ.

એક વાયકા પ્રમાણે મુનસીટાપલીના અધિકારીઓ બાદશાહનો ખજાનો શોધવા માટે બારેમાસ ઠેર ઠેર ખોદકામ કરાવતા હોય છે, જેથી બજેટની ખાધ પૂરી શકાય. આ ખોદકામને કારણે ખાડાની ધૂળ રસ્તા ઉપર આવી જાય છે. વાહનચાલકો સાંકડા રસ્તા ઉપર પથરાયેલી આ ધૂળ પર બેરહમીથી પોતાના વાહનો ચલાવે છે. ધૂળ હલકી હોવાથી હવામાં ઉડે છે. અને લોકોના કપડા, આંખો, માથામાં પડે છે. આમાં વાંક ધૂળનો થયો કહેવાય. એટલીસ્ટ જો આ ઘટનાની વિજીલન્સ ઇન્ક્વાયરી થાય તો ચોક્કસ આવું કોઈ તારણ બહાર આવે. ખાડા ખોદનારને ક્લીનચીટ અને ધૂળ ‘હલકી’ હોવાને લીધે ઉડે છે એમાં ધૂળ દોષિત જણાય છે, એવું કંઈક તારણ નીકળે. કેમ, યુ.પી.ના દોંડિયા ખેરા ખાતે દટાયેલું સોનું શોધવા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કરેલા ખર્ચા બાબતે કોઈએ પૂછ્યું છે?

ધૂળના અનુભવ વિષે એક કવિએ કૈંક આ મતલબનું કહ્યું છે “ઉમ્રભર હમ યુંહીં ગલતી કરતે રહે, ધૂલ ચેહરે પે થી ઓર હમ આયના સાફ કરતે રહે”. અમને તો આ કવિ આળસુ જણાય છે. ચહેરા પર ધૂળ જામે તો તરત વોશબેસીન પર ધોઈ નાખવાની હોય. અરીસો હોય અને વોશબેસીન ન હોય એવું ભાગ્યે જ બને. જોકે ઉપરોક્ત શેરમાં કવિ અરીસો સાફ કરવાની મહેનત તો કરે છે એટલે એમને આળસુ ન ગણી શકાય. એવું બની શકે કે લખનાર જે વિસ્તારમાં રહેતાં હશે ત્યાં પાણીની તંગી હોય. આ ઘટનાનું મૂળ ટેન્કર માફિયાઓ હોઈ શકે જેમના કારણે માણસોના ચહેરા પર ધૂળના થર જામી જાય. સરકારે આ અંગે ઘટતું કરવું જોઈએ એવી સલાહ પણ કોઈ આપી શકે.

જોકે ધૂળ આંખોમાં પડતી હોય કે ધોળામાં, સૌ એનાથી બચવાના ઉપાયો કરે છે. ગૃહિણીઓ બારી-બારણાં બંધ કરે છે, ધૂળને બદલે પછી ગરમીની બુમો પાડે છે. રોગ, શત્રુ અને ધૂળ ઉગતી જ ડામી દેવામાં માનનારા કેટલાક લોકો ધૂળ પર પાણી છાંટી પોતે ધૂળની સમસ્યામાંથી બચી બીજાને કાદવની સમસ્યામાં અને દેશને પાણીની સમસ્યામાં ધકેલે છે. અમેરિકામાં તો ધૂળથી બચવા ખાલી પ્લોટમાં ઘાસ ઉગાડવાના નિયમો છે, આમ છતાં છોકરીના નામધારી સાયક્લોન અને હરિકેન અમેરિકાને અવારનવાર ધૂળમય કરી નાખે છે. અને એક આપણે છીએ જે તહેવારો ધૂળેટી જેવું નામ આપી ધૂળનો મહિમા વધારીએ છીએ. અને તોયે પાછાં લોકો અસહિષ્ણુતાની ફરિયાદો કરે છે !

મસ્કા ફન : ભારતમાં પ્લસ સાઈઝ કરતાં માઈનસ સાઈઝ સ્ટોર્સની વધારે જરૂરીયાત છે.

No comments:

Post a Comment