Wednesday, May 18, 2016

અસલી નકલી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૮-૦૫-૨૦૧૬ 


જાણીતા વ્યંગકાર રશિદુલ હસન નકવી ઉર્ફે સાગર ખાય્યામીનો એક જાણીતો શેર છે, 

   बनिये जब धनिये में घोड़े की लीद मिलायेंगे,
   वो दिन नहीं है दूर जब हम हिनहिनायेंगे|


અને તમે નહિ માનો પણ ફૂડ એન્ડ ડ્રગ્ઝ ખાતાએ પકડેલા મરી-મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના કિસ્સાઓમાં ધાણાજીરુંમાં ઘોડા-ગધેડાની લાદની ભેળસેળના કિસ્સાઓ સામેલ છે! જોકે અમે કોઈ જણ જેવા જણને હણહણતો કે ભૂંકતો સાંભળ્યો નથી, કદાચ લાદને પણ સુપથ્ય અને ખુશબોદાર બનાવીને ભેળવવામાં આવતી હશે. બાકી મરીમાં પપૈયાના બીયા, લાલ મરચામાં લાકડાનો વ્હેર, ચાની ભૂકીમાં લોખંડની કણીઓ, દળેલી ખાંડમાં સોજી કે સોડા, ચોખ્ખા ઘીમાં પ્રાણીજ ચરબી, ટોમેટો કેચપના નામે કોળાનો રંગેલો પલ્પ, રાઈમાં કોલસાની ભૂકી અને દૂધની અંદર સ્ટાર્ચની ભેળસેળ સામાન્ય છે, અત્યારે તો હવે ઝેર પણ અસલી મળતું હશે કે કેમ એ સવાલ છે.

સરકાર ઘેર બેઠા ભેળસેળ પકડી પડવા માટેના ટેસ્ટની યાદી બહાર પાડે છે, પણ નકલી માણસોને કેવી રીતે પકડવા? નકલી પોલીસ દ્વારા તોડ-પાણી કરવામાં આવ્યા હોય એવા કિસ્સાઓ છાપામાં છાશવારે છપાતા હોય છે. ગામડાઓમાં કંઈ કેટલાય ડીગ્રી વગરના ઉઘાડપગા ડોકટરો ‘પ્રેક્ટીસ’ કરતા હોય છે. તાજેતરના ડીગ્રી વિવાદ પછી અમને એ વિચાર આવે છે કે આ તો એક સર્ટીફીકેટ છે કે જેની ખરાઈ કરી શકાય છે, પણ આપણી આજુબાજુ કેટલાય ફેક માણસો ફરતાં હોય છે જેમને આસાનીથી ચકાસી શકાતાં નથી. કોઈના દાંત તો કોઈના વાળ નકલી હોય છે. કોઈના સ્માઈલ પ્લાસ્ટિકીયા તો કોઈના આંસુ મગરના હોય છે. કોઈની ગરીબી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ને કોઈની અમીરી લોન લઈ ભાગી જવા માટે હોય છે. સીલીકોન વેલીમાં તંગી સર્જાય એટલું સીલીકોન હવે માનવ અંગોમાં નખાય છે. પ્લાસ્ટીકના ફૂલ તો હોય છે જ, પણ હવે એના ઉપર નકલી મધમાખી બેસાડેલી જોવા મળે છે!

દમયંતીના સ્વયંવરમાં નકલી નળ રાજા બનીને આવનાર દેવો વચ્ચે અસલ નળ રાજાને દમયંતી આંખોનાં ભાવથી ઓળખી વરમાળા પહેરાવી દે છે. અત્યારે તો મોબાઈલ પર એક રીંગ મારીને કે પછી આઈ.ડી. પ્રૂફ માગીને ખાતરી કરી શકાય છે. કેશ પેમેન્ટ માટે આંગડીયા પણ આ જ રીત અપનાવે છે. પ્રભુ શ્રી રામ તો સમજતા હતા કે સુવર્ણનું મૃગ હોઈ જ ન શકે (न भूतपूर्वं न कदापि वार्ता हेम्न: कुरंग न कदापि दृष्ट) છતાં પણ એ સીતાજીના આગ્રહવશ દોડ્યા હતા! એમાં વાંક સોનાનો છે. આજે પણ ચમકાવી આપવાના બહાને સોનાના દાગીના કુકરમાં બાફવા મૂકી અને પછી સરકાવી લેનારા ફાવે છે. 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો ‘અસલી-નકલી’ નામની ફિલ્મ પણ બનેલી છે જેમાં દેવ આનંદ-સાધના હતા. આઈ. એસ. જોહરે રાજેશ ખન્ના અને શશી કપૂરના ડુપ્લીકેટ રાકેશ ખન્ના અને શાહી કપૂરને લઈને ફાઈવ રાઈફલ્સ નામની ફિલ્મ પણ બનાવી હતી. ખુદ રાજેશ ખન્નાએ ‘સચ્ચા જુઠા’ નામની ફિલ્મમાં હીરો અને વિલનનો ડબલ રોલ નિભાવ્યો હતો! એમાં ખલનાયક ખન્ના કલાઇમેકસમાં સરખા દેખાવનો લાભ લઇ હીરોને વિલન ઠરાવીને છટકી જ જાત, પણ હીરોનો કૂતરો એના માલિકને ઓળખી બતાવે છે. પછી કોર્ટ પણ આ ઓળખવિધિ માન્ય રાખે છે! કોઈ કોર્ટમાં કૂતરાએ સાક્ષી આપી હોય એવો કદાચ એ પહેલો કિસ્સો હશે.
ગમે તેમ પણ અસલી એ અસલી. અમને તો ફિલ્મોમાં પણ રીમેઈકના નામે અસલ ફિલ્મની થતી નકલ પ્રત્યે સુગ છે. નકલ કોઈ હિસાબે અસલનું સ્થાન લઇ શકે જ નહિ એવું અમારું દ્રઢ પણે માનવું છે. ‘ડોન’ એક એવી ફિલ્મ હતી જેમાં અમિતાભ અસલ ડોનના એન્કાઉન્ટર પછી પોલીસના બાતમીદાર તરીકે નકલી ડોન બને છે. એમાં અસલ ડોન જયારે કહે કે ‘ડોન કા ઇન્તજાર તો ગ્યારહ મુલ્કકી પુલીસ કર રહી હૈ’ ત્યારે અમારા જેવા બચ્ચનના પંખા તો કહે કે ‘ભઈલા, પાંચ પચ્ચી મુલ્ક વધારે કીધા હોત તો પણ અમને વાંધો નહોતો’ કારણ કે ફિલ્મમાં એનો એવો રૂઆબ હતો! એ કહે કે ‘ડોન કો પકડના મુશ્કિલ હી નહિ નામુમકીન હૈ’ તો લાગે કે એને પકડવો ખરેખર મુશ્કેલ હશે. હવે એની સામે રીમેઈકના નામે બબ્બે ‘ડોન’ બને, એમાં પણ ચોર-પોલીસ રમવા જાય તો સૌ પહેલા પકડાય એવો જમરૂખ ‘ડોન’ હોય અને એની પાછળ પાછી ઇન્ટરનેશનલ પોલીસ લાગેલી હોય! આ બધું ક્યાંથી ગળે ઉતરે પ્રભુ! તમે રીંછોલ ગામના આઉટ-પોસ્ટ જમાદાર પથુભાને વરધી આપો તો સાડા-ત્રણ કલાકમાં આવા અગિયાર ડોન પકડી લાવે! અમને જમરૂખ મળે તો કહેવું છે કે ”ડોન-બોનની ભગીનીના વિવાહ-સંસ્કાર કરવાનું પડતું મેલ અને તારાથી અડધી ઉંમરની છોડીઓ સાથે ગીતો ગાયા કર. આ બધું તો જે’નઅ શો’ભઅ ઈન જ શો’ભઅ”.

અસલી અને નકલી, ખોટું અને ખરું આ બે વચ્ચે ભેદ શોધવો આસાન નથી. જીંદગીનાં પ્રસંગો કંઈ હિન્દી ફિલ્મમાં જેમ હીરોની મૂછો નથી કે હિરોઈનનો બાપ જેને ઉખાડીને હાથમાં આપી દે. જિંદગી કોઈ ટીવી સીરીયલ નથી કે એક એસીપી અઠવાડિયામાં પાંચ કેસ સોલ્વ કરી નાખે. અહીં તો પોલીસ, વકીલો અને ન્યાયાધીશો વીસ-પચ્ચીસ વરસ મથામણ કરે ત્યારે નક્કી થાય કે ખૂન થયું હતું, પણ ગુનો સાબિત નથી થતો. માલવિકાગ્નીમીત્રની શરૂઆતમાં કવિ કાલિદાસ કહે છે કે ‘संत: परिक्ष्यांतरद भजन्ते, मूढ: परप्रत्ययेन बुद्धि:’ અર્થાત વિદ્વાનો પોતાની રીતે પરીક્ષણ કરીને સાચા ખોટાનો નિર્ણય કરે છે જયારે અલ્પમતિઓ બીજાના અભિપ્રાય ઉપર આધાર રાખે છે. આપણે પણ એમ જ કરવું.

મસ્કા ફન

તરે છે લોખંડ ને ડૂબે છે લાકડા બકા,
લે વાંચ, આ ભેળસેળના આંકડા બકા.

No comments:

Post a Comment