Wednesday, August 24, 2016

જિંદગી એક જુગાડ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૪-૦૮-૨૦૧૬

‘શોર્ટકટ’ એ આપણા દેશનો જૂનામાં જુનો રોગ છે. લાંચ, લાગવગ અને ખુશામત વડે કાઢવામાં આવતા રસ્તા એ શોર્ટકટનો અધમ પ્રકાર છે. જયારે કોઈપણ કામને મફતમાં, સસ્તામાં, ઓછા સમયમાં અને ઓછી મહેનતે ‘પતાવવા’ના હેતુસર વૈકલ્પિક, તાત્કાલિક કે કાયમી ઉપાય તરીકે જે નિર્દોષ યુક્તિ, ઉપાય, હિકમત, તદબીર, ઇલમ કે કીમિયો અજમાવવામાં આવે કે પછી તોડજોડ કરીને કોઈ કામને અંજામ આપવામાં આવે તેના માટે હિન્દી ભાષામાં ‘જુગાડ’ શબ્દ વપરાય છે. Urban Lingoમાં એને ‘સેટિંગ પાડવું’ પણ કહે છે. રંછોડભ’ઈના અંદાજ મુજબ દેશના દર દસમાંથી અગિયાર નાગરિકો કોઈને કોઈ તબક્કે આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાયા છે. અહીં રંછોડભ’ઈ કોણ એ પૂછવું નહિ. અમે રંછોડભ’ઈના સંશોધનના અધિકૃત ડીસ્ટ્રીબ્યુટર છીએ.

અમે સૌથી પહેલીવાર ‘જુગાડ’ શબ્દ કન્સ્ટ્રકશન સાઈટ પર સાંભળ્યો હતો. સાઈટ પર સાર્વત્રિક રીતે ઈલેક્ટ્રીકલ કનેક્શન માટે પ્લગને બદલે વાયર સીધા સોકેટમાં નાખી લાકડાની ઠેસીઓ ઘુસાડવામાં આવે છે. એવી જ ઠેસીઓ પાવડાના હાથાને પાના સાથે સજ્જડ બેસાડવા માટે વાપરવાનો શિરસ્તો છે. પાણી છાંટવાની પાઈપમાં છિદ્રો પડ્યા હોય કે જોઈન્ટમાંથી લીકેજ થતું રોકવા પ્લાસ્ટિકની કોથળી અને કાપડના ચીંથરા વડે બાંધવામાં આવે છે. એમાં પાછું આ લીક થતી પાઈપ નીચે કાણું તગારું પણ મુકાય છે. રાજકારણ અને કન્સ્ટ્રકશનમાં આવા થુંકના સાંધા કરીને એના ઉપર મણ મણનાં વજન લટકાવવાનું સહજ છે. ‘ચાલે ત્યાં સુધી ચલાવો’ આ મંત્ર આપણી પ્રજાએ ભાષા અને ભૌગોલિક સરહદોનાં વિવાદ વગર સાર્વત્રિક રીતે અપનાવી લીધો છે.

જુગાડ તો આપણા ગુજરાતી લોકોની ગળથુથીમાં છે સાહેબ. નાની નાની બાબતોમાં આપણે ત્યાં વર્ષોથી જાતજાતના જુગાડ થતા આવ્યા છે. આપણી મમ્મીઓને આપણા ફાટેલા ગંજી અને જુના ટી શર્ટને પોતું કરવા માટે વાપરતી જોઈ જ હશે. એ જુગાડ નહિ તો શું હતું? જૂની સાડીના પડદા, જુના પેન્ટ કે લેંઘામાંથી થેલી કે ફાટેલી ચાદરમાંથી ઓશિકાના ગલેફ બનાવવામાં આવતા. એ તો ઠીક છે પણ એક જમાનામાં કેલિકો મિલ દ્વારા નવા વર્ષની ભેટ તરીકે આપવામાં આવતા પ્રિન્ટેડ કાપડના કેલેન્ડરમાંથી બનાવેલા શર્ટ પહેરેલા લોકોને પણ અમે જોયા છે. તેલના ટીનના ડબ્બા કેરોસીન ભરવા માટે વપરાતા. તારથી બાંધેલા ડાલડા ઘીના ડબ્બામાં પાણી ભરીને એક પેઢી આંટા મારી ચુકી છે! છૂંછા ખરી ગયા હોય એવા ટાલીયા ટૂથબ્રશની દાંડી ચણીયા કે લેંઘામાં નાડુ નાખવા માટે વાપરતી આવી છે. પેન્સિલ કે સ્કેચપેનના ઢાંકણાથી કેસેટને રીવાઈન્ડ કરતા એ યાદ હશે જ. ઉત્તરાયણ વખતે ફીરકી લપેટવા માટે આજે પણ ઉંધી કરેલી સાયકલનો ઉપયોગ થાય છે. 
 
અમદાવાદીઓ જુગાડમાં એક્સપર્ટ છે. સાઈડકારવાળા સ્કુટર અમદાવાદ સિવાય વિશ્વમાં બીજે ક્યાંય કદાચ જોવા નહિ મળે. ટુ-વ્હીલરમાં સાઈડકાર નખાવી એમાં માલસામાન, બરફની હેરફેર શું છે? જુગાડ. સાયકલ પર તો ઠીક છે પણ સ્કૂટરમાં અનિવાર્ય એક્સેસરી તરીકે આગળ ફોલ્ડીંગ બેબીસીટ નાખાવવામાં આવતી. પંચર અને રફ્ફું એ પણ એક જુગાડ છે. નવરાત્રી કે ક્રિસમસની પાર્ટીનાં પાસનું સેટિંગ એ અમદાવાદની જુગાડુ ઇકોલોજીનો ભાગ છે કે પછી સાબરમતીમાં વહીને અમદાવાદી થઇ ગયેલા નર્મદાના પાણીની કમાલ છે એ સંશોધનનો વિષય છે.

આજકાલ એસાઈનમેન્ટ કે ટ્યુટોરીયલ લેવા માટે કોલેજમાં જવાને બદલે મોબાઈલના કેમેરા વડે એના સ્નેપ લઈને વોટ્સેપ કે પછી ક્લાસના ફેસબુક ગ્રુપમાં શેર કરવાના સેટિંગ થઇ જતા હોય છે. ઘણા પાસે મોબાઈલમાં જ નોટ્સ હોય છે અને ઘણા તો પરીક્ષા વખતે પણ એમાંથી જ વાંચતા હોય છે. પરીક્ષામાં તૈયારી ન હોય ત્યારે કાપલી બનાવવા માટે અને સંતાડવા માટે જબરજસ્ત ટેકનોલોજીકલ ઇનોવેશન થાય છે કમનસીબે સ્ટાર્ટઅપ પોલીસીમાં આવા ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં નથી આવતું.

હિલ સ્ટેશન પર ગયેલા દરેકને સ્લીપર-ચંપલમાં સેફટી પીન ભરાવી હોટલ રૂમ પાછા જવાનો અનુભવ હશે. હોટેલમાં નાઈટ લેમ્પ પર નાઈટ ડ્રેસ સુકાવવાનું એકદમ સ્વાભાવિક છે. હેરડ્રાયરનો ઉપયોગ અન્ડરવેર સૂકવવા અને રૂમ ખાલી કરતી વખતે હોટેલના ટુવાલ વડે બુટ સાફ કરવા એ એકદમ માનવસહજ પ્રવૃત્તિ છે. ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં દુપટ્ટાનું ઘોડિયું બનાવવું અને થેલાનું ઓશીકું બનાવવું એટલું સહજ છે જેટલું સવારની રોટલીના સાંજે ખાખરા બનાવવા. લુંગીને પહેરવા ઉપરાંત ઓઢવા, પાથરવા, હવા ખાવા તથા શરીર લુછવાના કામમાં પણ લેવામાં આવે છે. કાનનો મેલ સાફ કરવા દિવાસળીની સળી ઉપર રૂ ભરાવી કોઈ મલ્ટીનેશનલ કંપનીની પ્રોડક્ટને જાકારો આપવો એ બધું ‘માઈક્રો જુગાડ’ છે.

આ પ્રકારની તજવીજો કંઈ હમણાંની નથી. યુદ્ધ દરમિયાન રથના પૈડાની ખૂંટી નીકળી ગઈ હતી તો કૈકયીએ પોતાની આંગળી ખૂંટીની જગ્યાએ નાખી દઈ, રાજા દશરથ પાસે વરદાન મેળવ્યા હતા. હનુમાનજીને જયારે રાવણના દરબારમાં બેસવા માટે સ્થાન આપવામાં ન આવ્યું ત્યારે એમણે પૂંછડીને લાંબી કરી એની બેઠક બનાવી દીધી હતી. દ્રૌપદીએ પોતાનું ઉત્તરીય ચીરીને કૃષ્ણ ભગવાનની આંગળી ઉપર પાટો બાંધ્યો હતો એવી કિવદંતી છે. કદાચ એની યાદગીરી રૂપે આજે પણ ઘા ઉપર ધોતિયા કે દુપટ્ટામાંથી ફાડેલી ચીંદરી પાટા તરીકે બંધાય છે.

જુગાડ એ ટેમ્પરરી ઉપાય છે. સપના અને નશો એ સુખ માટેનો કામચલાઉ જુગાડ છે. જોકે અંગ્રેજીમાં ‘ટેમ્પરરી ફોરએવર’ એવું ક્વોટ પણ છે, જેનો મતલબ થાય છે કે હંગામી સમજી કરેલા અનેક કાર્યો કાયમી બની જાય છે. ગુજરાતીમાં એને થૂંકના સાંધા કહે છે અને આપણે ત્યાં અમુક જગ્યાએ કાયમી ઉપાય તરીકે થૂંકના સાંધા કરવામાં આવતા હોય છે પણ એમાં કોઈને વાંધા જેવું જણાતું નથી.

મસ્કા ફન
નોટ ફાટેલી હતી પણ ગાંધી બાપુના મોં પર એ જ નિર્દોષ હાસ્ય હતું!
(એમણે ઘણી ફાટેલી નોટો હસતા મોઢે સ્વીકારી હતી!)

No comments:

Post a Comment