Wednesday, October 12, 2016

રાવણ ખરાબ નહોતો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૨-૧૦-૨૦૧૬

રાવણ ઋષિ-પુત્ર હતો અને એના દાદા બ્રહ્માજીનાં માનસપુત્રો પૈકીના એક હતા. એના કાકા પણ ઋષિ હતા. એ મહાદેવનો પરમ ભક્ત હતો. એટલે અત્યારે ભક્ત શબ્દ પ્રચલિત છે એ અર્થમાં નહિ. રાવણ ખરેખર વિદ્વાન હતો. આવા રાવણના પુતળા બાળવામાં આવે છે એ ક્રૂરતા નથી તો શું છે? રાવણદહન આપણી પ્રજાનું ઇન-ટોલરન્સ લેવલ દર્શાવે છે. શું કામ મરેલાને દર વર્ષે મારવો જોઈએ? શું કામ એ જોવા આપણા સંતાનોને લઈને આપણે જઈએ છીએ? આંખનો બદલો આંખ હોય તો આખું જગત આંધળું થઈ જાય એ સાંભળ્યું છે તમે? એક રાવણને મારવાથી શું બુરાઈ ખત્મ થઈ ગઈ? અને રાવણને માર્યો ત્યાં સુધી ઠીક છે, એના ઢોલ પીટવાની શી જરૂર છે આટલા વર્ષો સુધી? એનાથી લંકાના યુવાનો તો શું કદાચ અયોધ્યામાં રહેતાં અમુક લોકોમાં પણ સહાનુભુતિ ઉભી થાય, અને અયોધ્યામાં બખેડો ઉભો કરે તો? 

હા, ખબર છે. રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું અને ભગવાન રામ સામે યુદ્ધ કર્યું હતું. આ પ્રકારનું વર્તન વખોડવા લાયક છે. પણ એ તો એનો અવતાર હતો. એ શાપિત હતો. જો આપણે પણ રાવણ જેવું જ વર્તન કરીશું તો આપણામાં અને રાક્ષસોમાં ફેર શું રહ્યો? એટલું જ નહિ, હજુ તો એ પણ પ્રશ્ન ઉભો જ છે કે રાવણે આ બધું ખરેખર કર્યું હતું એના પુરાવા શું? જો એ જમાનામાં વિમાન હતા તો પછી અપહરણનાં સીસીટીવી ફૂટેજ કે એવું કંઈ કેમ નથી રજૂ કર્યું કોઈએ? એનું વિમાન રડારમાં કેમ ન દેખાયું? છે જવાબ? પ્લીઝ. આ અમારા શબ્દો છે, કોઈ સત્તા માટે મથતા નેતા કે વર્ચસ્વનાં અભરખા ધરાવતા પત્રકારના ન સમજતા યાર તમે !

એમાય રાવણ તો પહેલેથી જ દુખી હતો. એને દસ માથા હતા એટલે ઋતુફેરમાં શરદી થાય ત્યારે એને બે-ત્રણ-ચાર નાકમાં છીંક આવતી અને ચાર-પાંચ નાક સાથે દદડતા હોય. એના રાજવૈદ્ય સુષેણની સુચના મુજબ રાત્રે સુતી વખતે નાકમાં નવશેકા દિવેલના ટીપા નાખવામાં સવાર પડી જતી હતી. પડખું ફરીને સુવાનું તો બિચારાના નસીબમાં જ નહોતું. ઉઠ્યા પછી પણ સવારે એને બ્રશ કરતા પચાસ મિનીટ થતી એટલે વોશબેસીન રોકાયેલું રહેતું. પોતાનો વારો આવે એની રાહમાં કુંભકર્ણ પથારીમાં પડ્યો રહેતો અને એમાં ને એમાં એ ઊંઘણશી બની ગયો! રાવણના માથા દબાવવા માટે રાખેલ માણસો દસ-દસ માથા દબાવવાનાં કામથી કંટાળીને નોકરી છોડીને જતાં રહેતાં હતા. ઉપરથી મહેલના બારી-બારણાં એટલા મોટા હતા કે આખો દિવસ ઘરમાં ધૂળ ભરાઈ જતી હતી અને મંદોદરી કામચોર દાસીઓ પાસે કચરા-પોતા કરાવતા થાકી જતી હતી. બિચારા નોકર-ચાકરનો પણ વાંક નહોતો કારણ કે રાવણ પાસે ઓર્ડર આપવા દસ મોઢાં હતા પણ પગાર-બોનસ આપવા માટે બે જ હાથ હતા!

આમ છતાં એની ખાનદાની જુઓ કે જયારે મેઘનાદના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થયાં અને લંકાના રાજવૈદ્ય સુષેણને બોલાવવામાં આવ્યા, ત્યારે રાવણે એનો વિરોધ કર્યો નહોતો. એના બધા રહસ્યો જાણનાર ભાઈ વિભીષણ જયારે એને છોડીને શ્રીરામને જઇ મળ્યો ત્યારે પણ એણે રોક્યો નહોતો. આખરે એની હારનું નિમિત્ત પણ વિભીષણ જ બન્યા હતા ને? બાકી અત્યારે તો રાજકારણમાં આવા વિભીષણોને કેવાં શબ્દોથી નવાજવામાં આવે છે એ તમે જોયું હશે.

રાવણને વિષ્ણુનાં અવતારને હાથે મોક્ષ પામવાનો હતો એટલે એણે આખો બખેડો ઉભો કર્યો હતો. બાકી એને કંઈ ભારત આવવાની જરૂર નહોતી. એને કંઈ તામિલનાડુમાં કે અયોધ્યામાં લંકાનો ઝંડો લહેરાવવાનો ઈરાદો નહોતો. એને કંઈ દિલ્હી કે આગ્રામાં શ્રીલંકન કંપનીઓને કોન્ટ્રાકટ અપાવવાની નેમ નહોતી. એને ભારતની સ્ટીલ કે સિમેન્ટ કંપની પર કબજો કરી સસ્તા ભાવે લંકા માટે ખરીદવાની જરૂર નહોતી કારણ કે લંકા પહેલેથી જ સોનાની હતી અને એને શું કામ એ લોખંડની કરે? રામ અને એમની સેના પાસે પોતાના અસ્ત્રો-શસ્ત્રો હતા અને વધુ જરૂર પડે તો એ કંઈ મંદોદરીના ભાઈની કંપની પાસેથી ખરીદવાનાં નહોતા કે એને કારણ વગર યુદ્ધ કરાવવામાં રસ હોય. એને ભારતના તેલના કુવાઓમાંથી સસ્તું પેટ્રોલ લેવું નહોતું કારણ કે એનો રથ વગર પેટ્રોલે હવામાં અને જમીન પર ચાલતો હતો. ઘોડા માટે માત્ર ઘાસની જરૂર હતી જે લંકામાં પુરતું ઉગતું હતું કારણ કે રાવણ પોતે લંકા માટે પનોતી નહોતો. એ લંકાનરેશ હતો તે દરમિયાન કોઈ કુદરતી આપત્તિઓ જેવી કે દુકાળ, ધરતીકંપ, સુનામી વગેરે લંકા પર ત્રાટકી નહોતી!

શનિની પનોતી હાથી જેવા માનવને સસલા જેવો બનાવી દે છે એ આપણે જોયું છે. આ સંદર્ભમાં રાવણ વિષેની એવી પણ એક ઉપકથા છે કે એણે અમરત્વ મેળવવાના પ્રયાસોમાં શનિ દેવ ફાચર ન મારે એ માટે એને હરાવી અને કેદ કર્યા હતા. એટલું જ નહિ પણ એ જયારે દરબારમાં સિંહાસન પર બેસતો ત્યારે શનિના દર્પને તોડવા માટે એને પગ આગળ ઉંધા મોઢે સુવાડી અને એ એની ઉપર પગ મુકીને બેસતો. આમ જ ચાલ્યું હોત તો એનો ખરાબ સમય આવ્યો જ ન હોત પણ એની ખાનદાની ફરી નડી અને એની પનોતી બેઠી. થયું એવું શનિની અવદશા જોઇને નારદજીએ રાવણને કહ્યું કે દુશ્મનને હરાવ્યાનો આનંદ લેવો હોય તો એનો મ્લાન ચહેરો નજર સામે રહેવો જોઈએ. અને રાવણે પણ પછી શનિ દેવ પર દયા ખાઈને એમને ચત્તા કર્યા. બસ, ચત્તા થયા પછી શનિની દ્રષ્ટિ સીધી રાવણનાં દેહ ભુવન પર પડી અને એની પનોતી બેઠી! બાકી રાવણ ખરાબ નહોતો!

મસ્કા ફન : કામવાળો સૂર્યવંશમ જેટલો નિયમિત આવવો જોઈએ.

No comments:

Post a Comment