Monday, October 24, 2016

ચાઇનીઝ માલ


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૯-૧૦-૨૦૧૬

દેશ વિદેશમાં બનતી ઘટનાઓ અને એના મીડિયામાં નિરૂપણને પગલે આપણા લોકોની દેશભક્તિમાં ભરતી-ઓટ આવે છે. અત્યારે ચાઇનીઝ માલનાં વેપારીઓને બાદ કરતાં ભારતના બાકીના લોકો ચીનથી નારાજ છે અને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. એ પણ ચાઇનીઝ બનાવટના મોબાઈલ દ્વારા. અમે પણ બોન-ચાઈનાનાં કપરકાબીમાં ચા પીતાં પીતાં ચાઇનીઝ કી-બોર્ડ વડે આ લેખ ટાઈપી રહ્યા છીએ. આ મજબૂરી છે.

પ્રોડક્ટની ઉતરતી ક્વોલીટી વિષે ચીન નામચીન છે. ચાઇનીઝ વસ્તુઓ સસ્તી હોય છે પણ ટકાઉ નથી હોતી એવું મનાય છે. ચાઇનીઝ વસ્તુઓની લાઈફ એના વોરંટી પીરીયડ કરતાં એકાદ-બે અઠવાડિયા જેટલી જ વધારે હોય છે. અમને તો શક છે કે ચાઇનીઝ મોબાઈલ કે લેપટોપમાં અંદર વોરંટી પતે એટલે ફાટે એવો કોક ટાઈમબોમ્બ મૂકતા હોય તો નવાઈ નહિ. ચાઇનીઝ પ્રોડક્ટ પર વોરંટી માગનાર માણસ જાણે બીજા ગ્રહ પરથી આવ્યો હોય એવો એની સાથે વ્યવહાર કરવામાં આવે છે. અમદાવાદમાં અમુક માર્કેટમાં તો સ્પષ્ટ કહીને જ ચાઇનીઝ વસ્તુ વેચે છે કે દુકાનના પગથીયા ઉતર્યા એટલે અમારી કોઈ જવાબદારી નહી. એટલે જ ચાઇનીઝ માલ માટે માર્કેટમાં કહેવાય છે કે ‘ચલે તો ચાંદ તક, વર્ના શામ તક’! એ જ ધોરણે આપણે ત્યાં લગ્ન પછી ઉભયપક્ષે મા-બાપ પણ પોતાના હાથ ખંખેરી નાખતા હોય છે, એમ કહીને કે હવે આને ચલાવવાની જવાબદારી તમારી!


હવે તો નબળી, ઉતરતી ગુણવત્તાની કે તકલાદી વસ્તુને ચાઇનીઝ કહી દેવાનો રીવાજ છે. અમેરિકન લગ્નો પણ ચાઇનીઝ વસ્તુઓ જેટલા જ તકલાદી હોય છે. આપણી પાણીપુરી વિષે કોઈ વિદેશીને પૂછો તો કદાચ આવો જ જવાબ આપે. પેન્સિલની અણી અને ચોક પણ તકલાદી હોય છે. ઉત્તરાયણ પર પતંગ ચગાવીએ છીએ એનો કાગળ કેટલો તકલાદી હોય છે? જોકે ચાઇનીઝ દોરી લોકોના ગળા કાપી નાખે એવી મજબુત હોય છે અને સરકારે યોગ્ય રીતે જ એના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે. જોકે એનો ખરા અર્થમાં અમલ થાય તો સારું. અત્યારે અહીં પ્લાસ્ટિક વિરુદ્ધ પણ પર્યાવરણવાદીઓ ઝુંબેશ ચલાવે છે કારણ કે પ્લાસ્ટિકની તકલાદી વસ્તુઓને કારણે કચરો વધે છે. જોકે અમારું સંશોધન કહે છે કે કાચની વસ્તુઓ પણ તકલાદી જ હોય છે. દિવાળીની સફાઈમાં પતિને જોડવામાં આવે ત્યારે કાચની આઈટમ્સનો સૌથી પહેલો ભોગ લેવાય છે. કામવાળાના હાથે તૂટી જશે એમ કહી કાચની વસ્તુઓ જાતે ધોતી ગૃહિણીઓ વધારે તોડફોડ કરે છે, પરંતુ વાઘને કોણ કહે કે તારું મ્હો ગંધાય છે?

ચીન માસ પ્રોડક્શનનો દેશ છે. અહી વસ્તીથી લઈને વસ્તુઓ સુધી બધું જથ્થાબંધ છે. ચીનાઓના ચહેરા પણ જાણે એક જ ડાઈમાં ઢાળ્યા હોય એવા એક સરખા હોય છે. એટલે જ કદાચ કન્ઝ્યુમર ગુડ્ઝનું માસ પ્રોડક્શન કરવામાં ચીનાઓને મહારત હાસિલ છે. એક અંદાજ પ્રમાણે ચીનમાં નવો ધંધો શરુ કરવા માટે ૩૮ દિવસ લાગે છે પણ ૬૪% નફો ટેક્સમાં જતો રહે છે! છતાં પણ ફક્ત આપણા જ નહિ પણ દુનિયાના બજારમાં ચાઇનીઝ માલ બીમારીની જેમ ફેલાયો છે.

ત્યાં વસ્તી પર તો એક બાળકના કાયદાને કારણે ધીમે ધીમે અંકુશ આવી રહ્યો છે પરંતુ એ પ્રજાએ ઉત્પાદિત કરેલી વસ્તુઓ સસ્તી હોવાના લીધે દુનિયાના ગમે તે છેડા પર એની સતત માંગ રહે છે અને એના લીધે સ્થાનિક ધંધા ઉપર અસર થતી રહે છે. અમારા મતે તો ત્યાંથી કંઈ આયાત જ કરવું હોય તો કામવાળા આયાત કરવા જેવા છે; આમ પણ ત્યાં વસ્તી વધુ છે. પાછા એ લોકો ઓછા બોલા અને હસમુખા હોય છે. જયારે આપણા કામવાળા તો જરા કામ વધુ આપો તો મોઢું ચઢાવે એવા અને ચાઇનીઝ માલની જેમ ગમે ત્યારે દગો દે એવા હોય છે. તો પછી ચાઇનીઝ કામવાળા જ કેમ નહિ? તમારા ઘરે શંકર કે ડુંગરના બદલે ચેંગ શેન લી કે તાઓ તુંગ વાઈ કામ કરવા આવે તો કેવો મોભો પડે? અને આમ પણ ચોકડીમાં વાસણ માંજતી વખતે આવા જ અવાજો આવતા હોય છે ને? થોડા વધારે!

બીજું એક ક્ષેત્ર છે જેમાં ચીનનો પગ પેસારો આપણે ધારીએ તો પણ ખાળી શકીએ તેમ નથી અને એ છે ફૂડ ઇન્ડસ્ટ્રી! આજકાલ આપણી લગભગ બધી જ વાનગીઓનું ચીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત કરનારમાં મહેમાનોને કૈંક નવું ખવડાવીને ચકિત કરી દેવા થનગનતા યજમાનો અને એમને અવનવી વાનગીના ચાળે ચઢાવનાર કેટરર્સના નામ આવે. ગયા લગનગાળામાં અમે ચાઇનીઝ ખાંડવી ખાધી, લો બોલો! હજી આપણા દેશ અને દુનિયાના લોકોએ હજી ઓથેન્ટિક ગુજરાતી ઢોકળા, હાંડવો અને ખાંડવીનો સ્વાદ હજી ચાખ્યો નહિ હોય ત્યાં તો એના ચાઇનીઝ વર્ઝન આવી ગયા છે! પંજાબી સમોસાની સામે ચાઇનીઝ સમોસા આવી ગયા છે. હવે ચાઇનીઝ ગુલાબ જાંબુ, ચાઇનીઝ રસમલાઈ અને ચાઇનીઝ જલેબી ક્યારે આવે છે એની જ રાહ જોવાય છે. અમે પણ તૈયાર છીએ. જ્યાં સુધી અમારે ચોપસ્ટીક વડે ચાઇનીઝ રોટલી તોડીને મંચુરિયન દાળમાં બોળીને ખાવાનો વારો ન આવે ત્યાં સુધી અમે બધું જ અજમાવી જોવા માંગીએ છીએ. કમ સે કમ આ વાનગીઓ પાછળ ખર્ચેલો પૈસો ચીનાઓના ખિસ્સામાં તો નથી જતો ને!

મસ્કા ફન
જાન હોલમાં જતી રહી હોય છતાં બેન્ડવાળા વગાડ્યા કરતા હોય
તો કાં પેમેન્ટ કરી દેવું કાં એમને જમવા બેસાડી દેવા.

No comments:

Post a Comment