Wednesday, February 15, 2017

રેઈનકોટ પહેરીને સ્નાન સહિત ન નહાવાની રીતો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૫-૦૨-૨૦૧૭

અત્યારે દેશ આખો ‘શું રેઈનકોટ પહેરી ને નહાવું’ યોગ્ય છે કે કેમ? એ ચર્ચામાં પડ્યો છે. હકીકતમાં આ પ્રકારની ટીકા કરવી યોગ્ય છે કે નહિ તે ચર્ચાઈ રહ્યું છે. અલબત્ત મોટા ભાગના કિસ્સામાં તો ચર્ચા કરનારાઓની યોગ્યતા પણ તપાસવા જેવી છે. દાખલો જુઓ. આપણા પ્રવાસશુરા લોકો હોટલોમાંથી શાવર કેપ્સ ઉઠાવી લાવતા હોય છે એ તો ખબર હશે. શાવર કેપ એ એક પ્રકારની રેઈનકોટની ટોપી છે જે પહેરીને લોકો બાથરૂમમાં નહાતા હોય છે. તકલીફ એ છે કે આવા શાવર કેપ ચોરનારાઓએ પણ આ ચર્ચામાં ઝંપલાવ્યું છે.

સ્થૂળ રીતે જુઓ તો રેઈનકોટ પહેરીને નહાવામાં કેટલાક પ્રેક્ટીકલ પ્રોબ્લેમ્સ ઉભા થાય એમ છે. સામાન્ય રીતે રેઈનકોટ તો માણસ સિઝનમાં બે-પાંચ વખત પહેરાતો હોય છે, પરંતુ નહાવાનું રોજ હોય છે. હલકી કવોલીટીના ચાઇનીઝ રેઈનકોટ તો બે-ચાર વખત પહેરો એટલે બગલમાંથી ફાટી જાય છે. આ સંજોગોમાં નહાનાર, અથવા તો રેઈનકોટ પહેરીને ન નહાનારને પાણીના અનઅપેક્ષિત બગલપેસારા (પગપેસારો હોય તો બગલપેસારો કેમ નહીં?) માટે સજ્જ થવું પડે છે. ઘણી જગ્યાએ નહાનારની દાનત પર કડક મમ્મી કે દાદીને શંકા હોય તો નહાનાર નાહ્યું છે કે નહિ તે બાથરૂમમાં પાણીના અવાજ, બાથરૂમમાં ગાળેલો સમય, સાબુના વપરાશ વગેરેને આધારે પ્રમાણિત કરવામાં આવે છે. અમુક કિસ્સામાં ગળામાં કે ખભે લટકાવેલા દોરા-તાવીજ-પવિત્ર સૂત્રો પર પાણી-સાબુના અવશેષોની હાજરી પણ ચકાસવામાં આવતી હોય છે. આ સંજોગોમાં રેઈનકોટ પહેરીને નહાનારે સાબુનો વ્યય રેઈનકોટ થકી કઈ રીતે કરવો અને દર્શાવવો તે અંગે યુવાવર્ગને માર્ગદર્શનની તાતી જરૂરીયાત જણાય છે. જોકે આવી સમસ્યાઓ સામે રેઈનકોટ પહેરીને નહાનારને નહાવા ઉપરાંત નીચોવવાનું પણ કશું નથી હોતું એ ફાયદો ધ્યાને લેવા જેવો છે.

નહાવાની સમસ્યાના નિવારણ અર્થે અમારા મિતુભાએ એમના અભ્યાસના નીચોડ રૂપે કંકરસ્નાનની વિધિ વિકસાવી છે. જેમાં કંકરના સ્વરૂપે પોતાની જાતને પાટલા ઉપર સ્થાપિત કરીને જલાભિષેક તથા ફેનીક મર્દનાદી વિધિથી તેને સ્નાન કરાવવામાં આવે છે. ફેનીક એટલે સાબુ. ચોખવટ સમાપ્ત. કેટલાક સાહસિકો બતક-સ્નાન અથવા કાગસ્નાન કરતા હોય છે, જેમાં કાગડાની જેમ ક્ષણમાત્ર માટે પાણીના સંસર્ગમાં આવવાનું કે પછી બતકની જેમ પાણીમાં તરવા છતાં પીંછા કોરા રાખવાનો કસબ અજમાવવામાં આવતો હોય છે. આમ, એકંદરે શરીરને પાણીનો સ્પર્શ પણ કરાવ્યા વગર નહાઈને બહાર નીકળવાની આ રીતો રેઈનકોટ પહેરીને નહાવા કરતા ખાસ અલગ નથી. ફક્ત રેઈનકોટવાળા પકડાયા એટલે એ ચર્ચામાં છે, બાકી કલાકારો તો બીજા પણ ઘણા છે.

ગાંધીજીએ કહ્યું છે કે લોકો નીતિવાન થવા ઇચ્છતા હોય, છતાં ન થઈ શકે ત્યારે તેઓ દંભનું શરણું લેતા હોય છે. જેમ કે ધાર્મિક વિધિમાં આમ તો વારંવાર સ્નાન કરવાનું આવતું હોય છે, પણ આજની ફાસ્ટ લાઈફ અને યજમાનો દ્વારા થતી ઉતાવળને લઈને આચમનીમાં પાણી ધરી, મંત્રોચ્ચાર સહ છાંટા નાખીને નહાવાની ક્રિયા સંપન્ન કરવામાં આવતી હોય છે. એટલે જ આપણા સંતોએ કહેવું પડ્યું છે કે ‘ન્હાયે-ધોયે કયા હુઆ, જો મન મેં મૈલ સમાય; મીન સદા જલ મેં રહૈ, ધોયે વાસ ન જાય’. મતલબ કે મન નિર્મળ હોવું જોઈએ. અમે આવા દંભમાં માનતા નથી અને એટલે જ અમે મનથી નહાવાની પદ્ધતિ વિકસાવી છે. આ પ્રકારના સ્નાનમાં તમારે નહાવા માટે શરીર પલાળવાની તો ઠીક પણ પાણી અને સાબુની પણ જરૂર નહિ પડે. અત્યારે જ નહાવું હોય તો આંખો બંધ કરો અને મનોમન બાથરૂમ તરફ જાવ. અહી માત્ર કલ્પના જ કરવાની છે એટલે તમે બ્રુન્નેઇના સુલતાનના બાથરૂમની કલ્પના કરશો તોયે બાપુજી લઢવાના નથી. રોજ તમે ભલે કૂકડા છાપ સાબુથી નહાતા હોવ, પણ આ સંકલ્પાત્મક સ્નાનવિધિમાં તમે હીરા, સુવર્ણ રજ, ઓલીવ ઓઈલ તથા શુદ્ધ મધયુક્ત સાબુ કે જેની કિંમત અઢી લાખ રૂપિયા છે, એ ‘કતાર રોયલ સોપ’થી સસ્તા સાબુથી નહાયા તો તમારી સાસુના સમ. એકવારના સ્નાનમાં આખો સાબુ ઘસી મારજો. કોઈ વઢે તો અમે બેઠા છીએ. આ સ્નાનની ખૂબી એ છે કે શરદીના કોઠાવાળા અને અમારા જેવા પાણીની એલર્જીવાળા જાતકો પણ એનો લાભ લઇ શકે છે.

અને જે સંદર્ભમાં આ લેખ લખાયો છે તે પર આવીએ તો એવું કહી શકાય કે મહાપુરુષો રોજ નહાય છે કે નહીં તે અંગે કશું ચોક્સાઈપુર્વક કહી ન શકાય. સચિન તેંદુલકર ભલે ભારતમાં ગોડ ઓફ ક્રિકેટ મનાતો હોય, પરંતુ એ રોજ સ્નાન કરે છે કે ખાલી અંજલી-સ્નાન કરે છે તે તો સચિન જ જાણે ! ગાંધીજી સાબરમતીમાં સ્નાન કરતા હતા એવા ઉલ્લેખો તો મળી આવે છે, પરંતુ એ સિવાયના મહાપુરુષો રોજ સ્નાન કરતા હશે કે કેમ એ અંગે અમને શંકા છે, એ વાજબી છે અને એનું નિવારણ કોઈ કરી શકે એમ નથી.

બાકી તો બધું પ્રારબ્ધને આધીન છે એવું માનનારા લોકોએ પણ જાતે જ નહાવું પડે છે. અલબત્ત શેરબજાર એમાં અપવાદ છે. ખરેખર જો નહાવાનું ભાગ્યને આધીન હોત તો પણ આપણે નહાવાની જરૂર ન પડત. કારણ કે એક સુભાષિતમાં કહ્યું છે કે दैवमेवेह चेत् कर्तृपुंस: किमिव चेष्टया. અર્થાત જો ભાગ્યથી જ કાર્યો પૂર્ણ થતા હોત તો સ્નાન, દાન, ધર્મ, ઉઠવું-બેસવું અને બોલવું આદિ તમારા ભાગ્યથી જ થઇ જાત. પણ કમનસીબે એવું નથી. ઇસી લિયે નહાના જરૂરી હૈ. લેકિન કિન્તુ પરંતુ બટ, કેવી રીતે નહાવું એ તમારા હાથમાં છે, કારણ કે બાથરૂમમાં સીસી ટીવી કેમેરા હોતા નથી. હા, કોઈ ડોકિયું નથી કરતુ ને એનું ધ્યાન રાખવું !

મસ્કા ફન

બોય : બી માય વેલેન્ટાઇન ...

ગર્લ : પણ મારે મંગળ છે 


No comments:

Post a Comment