Saturday, July 16, 2011

જાડાંઓનાં ગામ ન વસે ...

|અભિયાન| હાસ્યમેવ જયતે| ૦૨-૦૭-૨૦૧૧ |

અધધધ કાળું નાણું વિદેશોમાં જમા થાય એટલે એ પાછું લાવવા રામદેવો ઉપવાસ અને ભ્રષ્ટાચાર વધે એટલે પ્રજા અંદોલન કરે છે. પેટ્રોલના ભાવ ખુબ વધી જાય એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહિમા બધાને સમજાય છે. છોકરી ભાગી જાય પછી મા-બાપનેઆના કરતાં આપણે લગ્ન કરાવી આપ્યા હોત તો ?’ એવાં વિચારો આવે છે. દેવું વધી જાયે એટલે ઘણાં આપઘાત કરી લે છે. શિયાળામાં વરસાદ પડે અને ચોમાસામાં ગરમી એટલે લોકોને પર્યાવરણ જાળવવાનો મહિમા સમજાય છે. અને ઈમારત ધસી પડે પછી મ્યુનિસિપાલિટીને ખબર પડે છે કે, આ ઈમારત તો ગેરકાયદેસર બની હતી, સારું થયું આપણે પાડવી પડી ! આવી રીતે જાડા થયાં પછી જાડા થયા હોવાનું અને એનાં ગેરફાયદા અમુક લોકોને સમજાય છે. પણ જેમ તમે એકવાર મોબાઈલ કંપનીના પોસ્ટ પેઈડ સબસ્ક્રાઈબર બનો પછી એમાંથી છૂટવું કપરું હોય છે, એમ જાડા થયાં પછી ફરી પાતળા થવું એ ડોનને પકડવા જેટલું મુશ્કેલ નહિ નામુમકીન હોય છે !  


જાડું કોણ કહેવાય ? આમ તો આનો જવાબ આપવા માટે બોડી માસ ઇન્ડેક્સ અને એવું બધું સાયન્સમાં શોધાયું છે. એ રીતે જોઈએ તો જાડો વ્યકિત પોતાના વજનનાં પ્રમાણમાં એકાદ ફૂટ નીચો હોય છે. પણ સાવ સામાન્ય ભાષામાં કહીએ તો જાડીયો એ છે કે જે ન્યુટનનાં ગુરુત્વાકર્ષણનાં નિયમને સ્કુલ પત્યા પછી પણ ધિક્કારે છે. આવો જાડીયો જો ઈલેક્ટ્રોનિક્સમાં ભણતો હોય તો પણ એને સીલીકોન ચીપ્સ કરતાં પોટેટો ચીપ્સ વધારે ગમતી હોય છે. આમ બીજી બધી રીતે સારા હોવા છતાં જાડા માણસો પૃથ્વી પર બોજ વધારે છે. ગાંડાની જેમ આવાં જાડીયાઓનાં અલગ ગામ નથી વસતા, એ દરેક સ્કૂલ, કૉલેજ, ઓફિસ અને સોસાયટીમાં વિસ્તરેલા હોય છે. પણ જાડિયા હોવું એ ખાતા-પીતા ઘરના હોવાની નિશાની ગણાય છે.  તો દૂબળા પાતળા લોકો બળેતરા હોય એવું દૂબળા ન હોય એવાં ઘણાં લોકો માને છે. આ જાડું શરીર ભિખારી થવા માટે જાડિયાઓને ગેરલાયક ઠેરવે છે.

એવું કહેવાય છે કે અમુક લોકોની વાતમાં વજન હોય છે. જોકે જાડીયાઓ ખુદ વજનદાર હોવાથી ખુરશીઓ અને અન્ય ફર્નીચર વધારે ભાંગે છે. મેડિકલ સાયન્સ મુજબ જાડા લોકોને હ્રદય રોગ અને બ્લડ પ્રેશર વધારે થાય છે. અમેરિકામાં જાડીયાઓ વિમાનમાં ડબલ ટીકીટ કપાવે છે, અને એ લોકો સારું કરે છે એવું વિમાન કે ટ્રાવેલ્સની બસમાં જાડિયાની બાજુની સીટમાં બેસી મુસાફરી કરતાં આપણને લાગે છે. અહીં ઘર આંગણે જાડી સ્ત્રીઓને પીપડાની ઉપમા આપવાની જૂની ફેશન છે. આ પીપડા શબ્દનો જેની સાથે પ્રાસ બેસે છે એ પીપળાની પૂજા કરવા આવાં કહેવાતા પીપડા જતાં જોવા મળે છે. પણ જો પીપળાનાં થડ કરતાં પાતળી સ્ત્રીઓ પીપળાની પૂજા કરી શકે એવો કોઈ કાયદો હોય તો ઘણાં પીપળા અપૂજ રહી જાય એવું પણ બને. 

પણ આવાં અમુક અપવાદ બાદ કરતાં જાડા હોવાના ઘણાં ફાયદાઓ છે. શાહબુદ્દીન ભાઈએ કહ્યું એમ જાડા માણસો હસમુખ હોય છે, આનંદી હોય છે કારણ કે એ કોઈની પાછળહડી કાઢીનેમારવાધોડીનથી શકતા. જાડીયા છોકરાઓના કદી અપહરણ પણ થતાં નથી, સાંભળ્યું છે કદી ? છોકરીઓ પણ જાડા છોકરાઓ પર વધારે વિશ્વાસ કરે છે. જાડા-પાડા માબાપનાં છોકરાઓએ સંતાકૂકડી રમતી વખતે જગ્યા શોધવા જવું નથી પડતુંજાડા લોકોએ બાથટબ અને સ્વીમીંગ પુલમાં ઓછું પાણી ભરવું પડે છે. અને જાડીયાઓ માટે કપડાના સ્પેશિયલ પ્લસ સાઈઝ સ્ટોર હોય છે, કદી દુબ્બ્ડ લોકો માટેના અલગ સ્ટોર હોય એવું સાંભળ્યું છે ?

અમેરિકામાં નવરા લોકો અવનવાં સંશોધનો કરતાં રહે છે. હમણાં ડાયેટ અને ન્યુટ્રીશન અંગે થયેલા સર્વેમાં જેનીફર લોપેઝનાં પગ અને પૃષ્ઠ ભાગ સૌથી વધારે લોકોએ પસંદ કર્યો હતો. આ રીતે ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાના હાથ અને જેસિકા અલ્બાના એબ્સ લોકોએ પસંદ કર્યા હતાં. પણ અહિ ભારત વર્ષમાં એક જમાનામાં હિન્દી ફિલ્મોમાં ફાંદવાળા સંજીવ કુમાર જેવા પણ હીરો તરીકે ચાલતા હતાં. વિલન તરીકે અમજદ ખાન તો શોલેનાં જમાનાથી ભારેખમ હતો. અને અમુક અપવાદને બાદ કરતાં હીરોઈનોમાં પણ વજનદાર હિરોઈનોનો સિક્કો વર્ષો સુધી ચાલ્યો હતો. અને અત્યારે પણ આપણા છોટે નવાબ સૈફ કોઈ પણ રીતે સાઉથ ઇન્ડિયન ન હોવા છતાં એને કરિનાની ઝીરો સાઈઝ ક્યાં પસંદ છે ?  

દુનિયામાં ઘણાં લોકો જીવવા માટે ખાય છે, તો બાકીના બીજા ખાવા માટે જીવે છે. પહેલા પ્રકારના લોકોને જોવા હોય તો યોગની શિબિરોમાં જજો. બીજાં પ્રકારના લોકો ફાસ્ટફૂડ સ્ટોર અને આઈસ્ક્રીમ પાર્લર પર મળી જશે. જોકે અમારા જેવા ઘણાં બેઉ જગ્યાએ મળી જાય. પહેલા પ્રકારના લોકોમાં પાછાં બે પ્રકારનાં લોકો હોય છે. આમાં પહેલા-પહેલા પ્રકારનાં લોકો દ્રઢ મનોબળવાળા હોય છે, એકવાર એ જો કમિટમેન્ટ કરે તો ખુદ સલમાન ખાન ગુલાબજાંબુ ખાવાનું કહે તો એની વાત પણ એ નથી સાંભળતા. પહેલા-બીજાં પ્રકારના લોકો સવારે શિબિરોમાં ડોકા ધુણાવે છે અને સંકલ્પો કરે છે, પણ સાંજે દાળવડાંનો ઘાણ જોતાં એમનાં સંકલ્પોનો કચ્ચરઘાણ વળી જાય છે. ધ્યાન, યોગ, મનોબળ આવાં પહેલા-બીજાં પ્રકારનાં માનવીનાં વજનને વધવા દેતું નથી, અને દાળવડા અને બર્ગર એને ઘટવા નથી દેતું. આમ એ ૯૫ કિલો કે એવાં કોઈ એક ના એક આંકડા પર બિરબલની બકરીની જેમ ટીંગાઈ રહે છે !


એવું કહેવાય છે કે એક જમાનામાં ભારતમાં ઘી દુધની નદીઓ વહેતી હતી. એ જમાનામાં લોકોમાં સમજદાર  હશે એટલે ઘી ખાવાને બદલે નદીઓમાં વહાવતા હશે. પણ એક વાત તો માનવી પડે. આજે પણ ગાય ભેંસ આટલા વર્ષો પછી ચોખ્ખું દૂધ અને ઘી આપે છે. હા, આપણે એમાં ભેળસેળ કરી પ્રાણી ચરબી ચોખ્ખા ઘીને બદલે લોકોને ખવડાવીએ છીએ. આજના ગ્લોબલ ઇન્ડિયામાં ઘી-દુધની નદીઓને બદલે સમોસા, કચોરી અને મીઠાઈરૂપે ફેટ ફેક્ટરીઓ ઠેકઠેકાણે જોવા મળે છે. અરે, આપણાં ઘરોમાં ગણપતિ બાપા અને ઠાકોરજીના પ્રસાદમાં પણ ઘીથી ભરપુર લાડવા બને છે. એટલે ડાયેટીંગ કરવાને બદલે વ્યક્તિ જો વરસ બે વરસ ઠાકોરજીની ભક્તિ છોડી શંકર ભગવાનની ભક્તિ પર આવી જાય તો પણ પોતાના વજન પર કાબુ મેળવી શકે. કમનસીબે આપણા ત્યાં ભગવાન અને ભક્તોનાં વજનને સાંકળી લેતા (કોરીલેશન) સંશોધનો થતાં નથી નહિતર આવાં ઘણાં ચોકાવનારા તથ્યો બહાર આવે.

ડાયેટિંગમાં ઘી-તેલ ત્યજનીય છે. આથી ઘણાં લોકો કાર્બોહાઈડ્રેટ યુક્ત ખાખરા ખાય છે. ચા સાથે નાસ્તામાં ખવાય એવાં બિસ્કીટ પણ બજારમાં મળે છે. આવાં ડાયેટ ફૂડની એક ખાસિયત એ છે કે ઘાસમાં અને આવાં ડાયેટ ફૂડના ટેસ્ટમાં ખાસ ફરક નથી હોતો. મને તો આવાં બિસ્કીટ કે ખાખરા ચા સાથે ખાતી વખતે ઘણી વખત ગાય હોવાનો અહેસાસ પણ થાય છે. પણ ગાય શરીર પરથી માખી ખંખેરી નાખે તેમ હું વજન ઉતારવા ટેસ્ટના વિચારો ખંખેરી કાઢું છું. ખાખરા, બિસ્કીટ ઉપરાંત સેલડ પણ આ ઘાસના લીસ્ટમાં આવે. વજન વધુ હોય એટલે મીઠું ખાવાની પણ પાબંદી હોય એટલે કાકડી, કોબી વિગેરે કોરી આઈટમો મીઠું ભભરાવ્યા વગર ખાવી પડે. એટલે એ પણ ઘાસની કેટેગરીમાં આવી જાય. એમાં છાપામાં અવારનવાર જાતજાતનાં સેલડની રેસિપી આવે, પણ જે રશિયન સેલડ ફોટામાં સારો લાગે એ ખાવ ત્યારે દહીં કાકડી ખાતા હોવ એવું લાગે. એમાંય મોટેભાગે દહીં ખાટું હોય. એટલે પછી આવું બધું ખપાવવા સેલડ ડ્રેસિંગનો આઈડિયા ડાયેટીંગનું માર્કેટિંગ કરવા લાવ્યા હશે. પણ આવાં ડાયેટ પર પરાણે જતાં લોકોને છેવટે તો ટપાલ ટીકીટ પાછળ લગાડેલા ગુંદરનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે.

વજન ઉતારવા માટે કસરત શ્રેષ્ઠ ગણાય છે. પણ કસરતની સલાહ આપનાર એ ભૂલી જાય છે કે જાડા લોકો કસરત કરવાથી પાતળા લોકો કરતાં વધારે જલ્દી થાકી જાય છે. આમ છતાં દ્રડ મનોબળ રાખીને જો એ કસરત કરે તો સ્વાભાવિક છે કે એમને વધારે ભૂખ લાગે છે. પછી ખોરાક વધે છે અને પરિણામે વજન વધે છે! આ જાડા લોકો જો કસરત કરે કે ચાલવા જાય તો નગુણા લોકો એમને કોઈ ક્રેડિટ આપતાં નથી, એમને કસરત કરતાં કે ચાલતા જોનારકરે ને, વજન આટલું હોય પછીઆવાં મનોમન કે જાહેરમાં ઉદ્દગાર કાઢે છે. પણ જો કોઈ પાતળિયો દોડતો જતો હોય તો એની પ્રશંસા થાય છે, કેજોયું કેવો ફીટ રહે છે જોગિંગ કરીને ?’.

પણ જો તમે સ્થૂળકાય હોવ, વજન ઘટાડવાનાં સંકલ્પ કર્યા પછી સંકલ્પ ભૂલી જતાં હોવ, અને કોઈ યાદ કરાવે તો તમને બહુ ગુસ્સો આવતો હોય, તો ડાહ્યા-ટીશીયન અધીર તમને અમુક ઉપાયો બતાવે છે એ ધ્યાનથી વાંચો અને અમલમાં મુકો. પહેલું તો તમે એક અરીસો ખરીદી ડીપ-ફ્રીજની અંદર લગાડી દો. આઈસક્રીમ લેવા માટે જેટલી વખત બારણું ખોલો એટલી વખત અંદર એક જાડીયો દેખાશે. બીજો ઉપાય એ છે કે વજન કાંટામાં ૭૫ કિલો પર ભેંસ, ૮૦ કિલો પર હિપોપોટેમસ અને ૮૫ કિલોનાં આંકડાની જગ્યા એ હાથીનો મીનીએચર ફોટો મૂકી દો, કદાચ કામ કરી જાય. આ ઉપરાંત દિવસમાં ઓછામાં ઓછું ચોવીસ ગ્લાસ પાણી પીવાનું રાખો. આમાં મહિમા પાણી પીવાનો નથી, બાથરૂમ જવાનો છે. વારેઘડીએ બાથરૂમ જવાથી જે કસરત થશે એનાથી કદાચ વજન ઘટે. પાણી ઉપરાંત ઘી પીવાથી પણ વજન ઘટાડી શકાય છે. કઈ રીતે ? અરે ચાર્વાક ઋષિનું સુત્રદેવું કરો અને ઘી પીવોસાંભળ્યું નથી ? બસ, દેવું કરો એટલે પછી દેવું ચૂકવવા કાર વેચી દેવી પડશે, એટલે પછી તમે સાઈકલ પર આવી જશો, એટલે કસરત થશે, એટલે વજન ઉતરશે. એટલે સમજી ગયા ? અને આમ વિવિધ ઉપાયો કરવા છતાં વજન ન ઘટે તો ખાવામાં મેંદુવડા કે દહીવડાનો પ્રયોગ કરી શકાય. બસ એમાં આજુબાજુની કિનારી નહિ ખાવાની, ખાલી વચ્ચેનો કાણાં વાળો ભાગ ખાવાનો !

ડેઝર્ટ
------
ભિખારણ : મેં ચાર દિવસથી કાઇ ખાધું નથી બેન
સ્થૂળ હોમમેકર : સખ્ખત વિલ પાવર છે તારો તો ....

2 comments: