Sunday, January 08, 2012

ઉત્તરાયણ સ્પેશિયલ જાહેરખબરો


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૮-૦૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

કોમ્પ્યુટરાઈઝ્ડ કિન્ના સર્વિસ
જર્મનીથી આયાત કરેલાં લેટેસ્ટ મશીનથી પતંગમાં કાણાં પાડી આપવામાં આવશે. પાકી બેવડા દોરીથી ઘેરબેઠાં કિન્ના બંધાવો. કોમ્પ્યુટરાઈઝ્ડ પતંગ બેલેન્સિંગ પણ કરી આપવામાં આવશે. અમારી કિન્ના બાંધેલા પતંગ ઓછી હવામાં ચઢે છે અને વધારે હવામાં ફસકી પડતાં નથી.

ફીરકી પકડનાર
દરેક હાઈટનાં લેડિઝ તેમજ જેન્ટ્સ ટ્રેઇન્ડ ફીરકી પકડનાર સપ્લાય કરવામાં આવશે. પેચ દરમિયાન ફીરકી પકડનાર બીજે ક્યાંય ફાંફાં મારે કે ખણશે નહિ તેની કંપની ગેરંટી. અમારો સ્ટાફ પતંગ ચગાવનારની પાછળ પાછળ આખા ધાબામાં ફરશે, બુમો પાડવામાં સાથ આપશે તેમજ પતંગ કપાતાં દોરી નીચે નમીને આજુબાજુના ધાબાવાળાને ખબર ન પડે તેમ ઝડપથી લપેટી લેશે. બહુ તડકો છેકે બહુ ઠંડી છેજેવા બહાનાં કાઢી ચાલુ પેચે ભાગી નહિ જાય એની ગેરંટી.

એક પતંગ પર ૫૧ પેચ
ખાસ હિમાલયથી મંગાવેલા અશ્વગંધાના તાજા લીલા નાગોરી પાન દોરીની લૂગદીમાં નાંખો અને વિજયી થાવ. લખનૌનાં પપ્પુ ઉસ્તાદ અને રાયપુરના સિકંદર ઉસ્તાદની પહેલી પસંદ.

પતંગ લૂંટવા મેનપાવર
શું તમને કિન્ના બાંધવાનો કંટાળો આવે છે ? શું તમારા પતંગ જલદી જલદી કપાઈ જાય છે ? ઘરનાં છોકરાં આળસુ છે ? તમારે જરૂર છે તમારા પોતાનાં કહી શકાય એવા પતંગ લૂંટનારની. તમારા કપાયેલા પતંગ પાછાં લાવવા, ઝાડમાં ખલાયેલા પતંગ કાઢી આપવા, દુશ્મનના પતંગ પર લંગીસ નાખવા જેવી અનેકવિધ સેવાઓ માટે અમારા ટ્રેઇન્ડ ઈમ્પોર્ટેડ ઝંડાધારી માણસોની સેવા સુર્યોદયથી સૂર્યાસ્ત સુધી મેળવો. પતંગ ફાટે નહિ તેની ગેરંટી.

જોઈએ છે
સારું કમાતા આધેડ નિઃસંતાન ડાઈવોર્સીને ફીરકી પકડનાર જોઈએ છે. જ્ઞાતિબાધ નથી.

યુપીએ ગૂંચ સર્વિસ
કોઈ પણ ગૂંચ ઓછામાં ઓછાં વેસ્ટેજ સાથે ઉકેલી આપવામાં આવશે. પકડેલી દોરી અને ઉકેલેલી ગૂંચના લચ્છા તેમજ પિલ્લાં પણ વાળી આપવામાં આવશે. કોઈપણ પ્રકારની ગૂંચ સ્વીકારવામાં આવે છે.

પતંગ ચગાવતાં શીખો
માત્ર સાત દિવસમાં. થિયરી અને પ્રૅક્ટિકલ બંને શીખો. ઓછી દોરીમાં પતંગ ચગાવતાં અને આગળનાં ધાબાવાળી છોકરીનાં મંગેતરનો પતંગ હાથોહાથમાંથી ઘસી આપવાની થિયરી નાસામાં ટ્રેઇન થયેલા એરોનોટીકલ એન્જિનિયર શીખવશે. પ્રેક્ટીકલ ટ્રેનિંગ ખાડિયાની પોળોમાં ચાલીસ વરસ પતંગ ચગાવવાનો અનુભવ ધરાવતાં કોચ આપશે.

ગાંડું બામ
ઉત્તરાયણની રાતે ખભા, કમર અને પગની પિંડી પર લગાડવા માટે અસરકારક ગાંડું બામ. બોલિવુડમાં વખણાયેલ એકમાત્ર બામ. રાત્રે બામ લગાડો, સવારે પતંગ ચગાવો.

અખિલ અમદાવાદ ઝંડાધારી સંઘની વાર્ષિક બેઠક
ઝંડાધારી સંઘના માનવંતા સભ્યોને જણાવવાનું કે આગામી ૨૦૧૨ની સામાન્ય સભા રવિવાર તારીખ ૮મી જાન્યુઆરીના રોજ રાખવામાં આવેલ છે. આ સભામાં ગત વર્ષના હિસાબોની મંજૂરી, આગામી વર્ષ માટે કારભારીનાં  સભ્યોની ચૂંટણી, તથા નવા સભ્યોની શપથવિધિ યોજાશે. સભ્યોએ આવનાર ઉત્તરાયણ દરમિયાન માત્ર પતંગ પકડવાની અને લૂંટવાની કાર્યવાહી જ કરશે તે મુજબ શપથ લેવાના રહેશે. ખાસ જણાવવાનું કે સંઘમાં ચાલુ વર્ષમાં જોડાયેલ સભ્યોનો ટ્રેનિંગ પ્રોગ્રામ નવમીનાં રોજ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ટ્રેનિંગ બાદ નવા સભ્યોને કીટનું (એક ઝંડો, ચાઈનીઝ દોરીનું લંગીસ, બાઈનોક્યુલર અને હેલ્મેટ) વિતરણ માજી સંસદ સભ્ય દ્વારા કરવામાં આવશે. લી. સેક્રેટરી, અ.અ.ઝં.સં. 

ઉત્તરાયણ સ્પેશિયલ ટુર
શું તમને પતંગ ચગાવતા નથી આવડતું ? શું તમને ઉત્તરાયણ પર ધાબામાં ચઢવાનો કંટાળો આવે છે ? શું કાયપો છેબુમો પાડતાં લોકોને જોઈ  જ તમને ચીડ ચઢે છે ? શું તમને એવું લાગે છે ધાબા પર ચઢનાર બધાં બેવકૂફ છે ? જો આ બધાં સવાલોનો જવાબ હાહોય તો અમારી નાસિક-ત્ર્યંબક-શિરડીની ટુરમાં જોડાઈ જાવ. ચોક્કસ ઊપડે છે ૧૩મી તારીખે.

કાલીચરણ જ્યોતિષ
ઝેરીલાં પાડોશીની પતંગ ઝાડમાં ફસાય, પેચ દરમિયાન દુશ્મન પર વશીકરણ, દુશ્મનની ફીરકીમાં ગૂંચ, સામેવાળાનાં ધાબા પર અંદર અંદર પેચ, મંત્ર જાપના જોરે પતંગ કાપો, માત્ર રૂપિયા એકાવન.

લેડિઝ/જેન્ટ્સ મસાજ
ઉત્તરાયણનો થાક ઉતારવા સ્પેશિયલ તલના તેલનો ફૂલ બોડી મસાજ.

જુનાં પતંગ લે-વેચ માટે
૨૦૧૨નાં મોડલ ચીલ, ઢાલ, ઘેશિયા મળશે. એક હાથે વપરાયેલા પતંગ લેવા માટે પધારો. કંપની દ્વારા રિપેરિંગ અને સર્વિસ કરાયેલા ચગવાની ગેરંટીવાળા પતંગો. જુનાં પતંગ આકર્ષક ભાવે ખરીદવામાં આવે છે. બજરંગ રીઅલ વેલ્યૂ સર્વિસ.

મેજિક ગુંદરપટ્ટી
ઉખાડીને ફરી વાપરી શકાય તેવી ઇકોફ્રેન્ડલી ગુંદરપટ્ટી. છૂટક તથા જથ્થાબંધ મળશે. ડીલર નીમવાના છે.

ગાયોને ઘાસ
કચ્છથી મંગાવેલું સ્પેશિયલ ઘાસ આ ઉત્તરાયણ પર ગાયોને ઘેર બેઠાં ખવડાવો અને પુણ્ય કમાવો. લોગ ઓન ટુ વવવ.ગાયોનેઘાસ.કોમ

( કોમેન્ટ્ આપી ???? )

10 comments:

  1. hilaarrouussss!!!! :D :D :D

    ReplyDelete
  2. સારું કમાતા આધેડ નિઃસંતાન ડાઈવોર્સીને ફીરકી પકડનાર જોઈએ છે. જ્ઞાતિબાધ નથી લોલમ લોલ

    ReplyDelete
  3. bosss salute tu your humorous thoughts

    Great keep it up

    ReplyDelete
  4. કાલીચરણ જ્યોતિષ (દેશ અને વિદેશ માં પ્રખ્યાત, ગોલ્ડ મેડાલીસ્ટ) :
    ઝેરીલાં પાડોશીની પતંગ ઝાડમાં ફસાય,
    પેચ દરમિયાન દુશ્મન પર વશીકરણ,
    દુશ્મનની ફીરકીમાં ગૂંચ,
    સામેવાળાનાં ધાબા પર અંદર અંદર પેચ,
    મંત્ર જાપના જોરે પતંગ કાપો,
    માત્ર રૂપિયા એકાવન (તમારો પતંગ કપાય તો પૈસા પાછા).

    ReplyDelete
  5. હહાહાહા....એની માસી ને (કોઈ ફીરકી પકડનાર ના મળે) ;)
    બાપુ, એકદમ મસ્ત - બોલે તો ઝક્કાસ

    ReplyDelete
  6. "સારું કમાતા આધેડ નિઃસંતાન ડાઈવોર્સીને ફીરકી પકડનાર જોઈએ છે." આમાં નિર્દોષ ડાયવોરસી લખવું જોઈએ, અને આજકાલ ખબર નહિ, ફીરકી પકડનાર કોઈ કેસ ઠોકી ન દે એની ગેરેંટી પણ હોવી જોઈએ, --- એક સુધારો,

    ReplyDelete