Tuesday, February 12, 2013

રોબો સાથે લગ્ન



 | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૦-૦૨--૨૦૧૩ | અધીર અમદાવાદી | 



એ દિવસ દૂર નથી કે જયારે માણસ રોબો સાથે લગ્ન કરશે. આવું અમે નથી કહેતા. ડેવિડ લેવી નામના સંશોધનકર્તાએ એવું ભાખ્યું છે કે સન ૨૦૫૦માં માણસ-રોબો વચ્ચેના લગ્નો કાયદેસર હશે. યુનિવર્સીટી ઓફ માસ્ટ્રીક નેધરલેન્ડ્સનાં ડેવિડ લેવી હ્યુમન-રોબો સંબંધો પર પીએચડી કરે છે. ભારતમાં જ્યોતિન્દ્ર દવેથી લઈને લાલુ પ્રસાદ યાદવ જેવાઓ પર પીએચડી અને સંશોધનો થાય છે. પણ હજુ સુધી આપણે રોબો સુધી પહોંચ્યા નથી. આપણે ત્યાં ટેકનોલોજી હજુ ચાડિયા ખેતરની રક્ષા કરે ત્યાં સુધી જરૂર પહોંચી છે, પણ આ ચાડિયા સાથે લગ્ન કરવા અંગે હજુ કોઈએ વિચાર કર્યો નથી.

ખરેખર તો ભારત અને ગુજરાત સંશોધનમાં બહુ માનતું નથી. ગુજરાતીઓ ધંધામાં માને છે. વિદેશમાં સંશોધન થાય એનો આપણે લાભ લેવાનો. વિદેશમાં સોફ્ટવેર શોધાય એનાં ક્રેક વર્ઝન શોધી આપણા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાના. આ બાબતે આપણે ચાઈનાને ટક્કર આપીએ એમ છીએ. એટલે રોબો સાથે લગ્ન પણ થાય છે એવું દક્ષિણ-પશ્ચિમ ગુજરાતનો આપણો બિઝનેસમેન વિદેશમાં જોઈ આવશે એટલે પાછો આવી આપણે ત્યાં રોબોની ફેક્ટરી નાખી દેશે. પછી તો ‘રજની રોબો મેન્યુફેક્ચરર પ્રા. લી.’ જેવી કંપનીઓ ખુલશે અને રાજકોટ તો રોબોસીટી તરીકે દેશવિદેશમાં પ્રખ્યાત થઈ જશે!

અને પછી જોઈએ તેવા દેખાવના, ઊંચાઈના, વ્યસનરહિત, ઘરરખ્ખુ, સાંજે ઓફિસેથી સીધાં ઘેર આવી જાય એવી લાયકાતો ધરાવતા પુરુષ અને મૂંગા, અને શોપિંગ ન ગમતું હોય એવા સ્ત્રી રોબો (રોબી?) બનવા લાગશે. પછી તો રેડીમેઈડ અને કસ્ટમ મેઇડ બન્ને પ્રકારના રોબો માર્કેટમાં મળવા લાગશે. વેબસાઈટો ઉપર રોબો અને રોબીનાં સ્પેસીફીકેશન જોવાં મળશે અને તમે મોલમાં જઈ શોપિંગ કાર્ટમાં રોબો નાખી ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરી શકશો. ગુજરાતમાં તો અત્યારે અમુક કોમમાં કન્યા ન મળતા છેક કેરાલાથી લગ્ન કરી વહુ ઘરમાં લાવે છે, એ લોકોએ પછી ભાણે-ખપતી કન્યા રોબો વેબસાઈટ પર પણ ઓર્ડર કરી શકશે.

જીવનસાથી તરીકે રોબો કેવા નીવડશે એ તો સમય બતાવશે. પણ અત્યારે અમુક પુરુષો પાસે પત્નીઓ રોબોની જેમ કામ કરાવે છે એવા આક્ષેપો થતા રહે છે. પિયર જવા કે સાસરિયાને લેવા-મૂકવા જતી વખતે પતિએ ડ્રાઈવર બની જવાનું હોય છે. ઘરમાં પણ પત્ની બોલે ત્યારે સ્કૂલમાં પ્રિન્સીપાલના ભાષણ વખતે બેઠેલા વિદ્યાર્થીની જેમ એને સાંભળવાનું કામ હોય છે. પત્ની શોપિંગ કરવા જાય ત્યારે એણે કેશિયરનો રોલ કરવો પડે છે. તો બહારગામ જવાનું થાય ત્યારે સામાન ઉચકવા પતિ કુલીનો રોલ કરે છે. આમ રોબો પતિ સમાજમાં આસાનીથી ભળી જશે, અને પતિસમાજનું સ્ટેટ્સ રોબો થકી ઘટે એવો ભય અસ્થાને છે.

પણ વિચારો કે પત્નીનું સ્થાન રોબો લેશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? ઘણાં એવું માને છે કે એવું પ્રોગ્રામિંગ કરી શકાશે એટલે રોબો પત્ની સાંજે મોડા આવેલ પતિની આકરી ઉલટતપાસ નહિ કરે. અમુક એવી પણ આશા સેવે છે કે રોબી પતિની સ્ત્રી મિત્રો કે ઓફિસની સહકર્મચારીની ઈર્ષ્યા નહિ કરે. કેટલાંક ઉત્સાહીઓ એમ માને છે કે રોબી પોતાની વાત સ્પષ્ટ રીતે કરશે અને પેટમાં દુખતું હોય તો પેટમાં દુખે છે એમ જ કહેશે, માથામાં દુખે છે એમ નહિ કહે. પણ જો પતિનું કામ રોબી છણકો કર્યાં વગર કરી આપે તો શું એ પતિને ગમશે? આ ઉપરાંત તકરારનાં કિસ્સામાં રોબી જો વાસણો ઉછાળે તો ધાર્યા નિશાન પાડે, આ સંજોગોમાં પતિઓની સલામતીનું શું? આમ પણ પત્ની નામનું પ્રાણી માણસ હોય કે રોબી, પતિને એ આડે હાથે લે તો જ રીયલ લાગે ને? એટલે આ લેવીના ભરોસે બહુ લાંબી આશાઓ રાખવી નહિ. 2050 માં પણ પતિઓનું ભવિષ્ય આજ કરતા ખાસ વધારે ઉજ્જવળ નહિ જ હોય, એવું અમારા નિરાશાવાદી મિત્રો માને છે.

આ લેવીએ તો રોબોનાં ઉપયોગથી સેક્સ રિલેટેડ ક્રાઈમ ઘટશે એવી પણ આશા વ્યક્ત કરી છે. એ તો સમય બતાવશે કે રોબો પતિ કે પત્નીની કેટલી જગ્યા લેશે, પણ એક આશા રાખી શકાય કે થાકેલો પતિ બેડરૂમમાં જશે ત્યારે આપણી આ રોબી માથે સ્કાર્ફ બાંધી ‘આજે માથું દુખે છે’ એવું કહી પતિની તમન્નાઓ પર બામ તો નહીં જ ફેરવે!

ડ-બકા
ન ઈ-મેઈલ, ન એસએમએસ, ન કાગળ ગમે છે;
મને તો ફરવું બસ તારી આગળ પાછળ ગમે છે.


No comments:

Post a Comment