Wednesday, February 06, 2013

ચાંદલો કેવી રીતે વસૂલ કરશો ?

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૩-૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |

ઉત્તરાયણ જાય અને કમુરતાં પુરા થાય. પછી લગ્નની સિઝન બેસે. ચારે તરફથી કંકોત્રીઓનો વરસાદ થાય. ક્યાંક રીસેપ્શન, ક્યાંક લગ્ન તો કોઈને ત્યાંથી ગરબા સહિત ‘બધા દિવસે આવવાનું છે હોં’ એવા આમંત્રણ મળે. પછી સમય, સ્થળ અને સંબંધની લોજીકલ એનાલિસીસ કરી, જવું કે ના જવું, એક દિવસે બે લગ્ન હોય તો કયાં જવું વગેરે નક્કી થાય છે. અમારા જેવા આ નિર્ણય લેવામાં ક્યાં કેવું મેનુ હશે તે પણ ચકાસે છે. ‘તમે ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાવ છો?’ એવા વાહિયાત સવાલો જયારે લોકો આપણને રિસેપ્શનમાં પૂછતાં હોય ત્યારે જો તબિયતથી ખાવું હોય તો આવા લોકોને ઇગ્નોર કર્યા સિવાય કોઈ રસ્તો નથી.

લગ્નમાં મેનુ બે જાતના હોય છે. એક કે મેનુ નક્કી કરનારને પસંદ હોય એવું અને બીજું ખાનારને પસંદ આવે એવું. એકવાર આવી મેનુ નક્કી કરવાની મિટીંગમાં મારે બેસવાનું થયું હતું. મારા મિત્રના કાકા એમાં કર્તાહર્તા હતાં. એમાં શાકની વાત આવી એટલે એમણે પોતાને પ્રિય એવા ‘સરસ છાલવાળા બટાકાનું રસાવાળું શાક’ સજેસ્ટ કર્યું. અમારા ઘરમાં તો જે દિવસે શાક બનાવવાની આળસ આવે એ દિવસે આ છાલ ઉતાર્યા વગરનું શાક બને, પણ કાકાને એવું કહેવાય થોડું? એ પછી પંજાબી શાક કાકાને પેટમાં તકલીફ કરતાં હોવાથી એક પણ ન હોવા જોઈએ એવું એમણે નક્કી કર્યું. અને મીઠાઈમાં એમનાં અપ્રતિમ ગુલાબજાંબુ પ્રેમને લીધે ‘ગુલાબજાંબુ તો જોઈએ જ’ એવું અનેક લોકોના ‘હવે કોઈ નથી કરતું’ એવાં સજ્જડ અને સર્વાંગી વિરોધ છતાં નક્કી કર્યાં. આ ઉપરાંત કાકીના સદગત નેચરોપેથ પપ્પાને પસંદ હોવાથી ચાર જાતના સલાડ પણ મેનુમાં ઘુસી ગયા.

પણ માણસ આ સિઝનમાં લગ્નસ્થળે, ખાસ કરીને રિસેપ્શનમાં પહોંચે એટલે એની પાસે બે જ કામ હોય છે. ચાંદલો-ગિફ્ટ યોગ્ય ઠેકાણે જમા કરવા અને જમવું. એમાં મોટી પાર્ટીઓ આજકાલ ચાંદલા સ્વીકારતી નથી એટલે હાજરી પુરાવી જમવાનું એક જ મુખ્ય કાર્ય રહે છે. જુનાં અને અનુભવી ખેલાડીઓ આવા સ્થળે પહોંચી સૌથી પહેલાં જમવાના સ્થળનું વિહંગાવલોકન કરે છે. ક્યાં સૂપ છે, ક્યાં પંજાબી છે, ક્યાં પિઝા અને ક્યાં સ્વીટ મળે છે એની મનોમન નોંધ લેવાય છે. આ ઉપરાંત ડેઝર્ટમાં બ્રાઉની કે આઈસ્ક્રીમ કેવી ક્વોલિટીનો છે એનો બહાર નીકળતાં ઓળખીતાંને પકડીને એક્ઝીટ પોલ પણ થાય છે. આ પોલના પરિણામોનો ઉપયોગ ‘સૂપ પીવો કે નહિ?’, ‘ચાટ ખાવામાં ઈટિંગ કેપેસીટી વેડફવી કે નહિ?’ અને ‘મેઈન કોર્સ પછી ડેઝર્ટ માટે જગ્યા રાખવી કે નહિ?’ જેવા અગત્યના નિર્ણયોમાં થાય છે. 

જોકે લગ્નમાં અમુક લોકો માત્ર સામજિક કારણે જ આવતા હોય છે. મોટે ભાગે દૂબળા પાતળાં અને ફિક્કા દેખાતાં આવા લોકોમાં જમવાનું કોઈ મહત્વ નથી હોતું. એ લોકો સૂપ, કોરો સલાડ, કોરી રોટલી, લીલું શાક એવી બે ત્રણ આઇટમ થાળીમાં મૂકી અન્યો માટે પ્રેરણાદાયક બનવાની કોશિશ કરતાં ફરે  છે. તો સામી તરફ અમુક આળસુ લોકો, કે જે લાઈનમાં ફરી ઊભા રહેવા ન માંગતા હોય તે અથવા તો કાઉન્ટર સુધીનો ફરી ધક્કો ન ખાવા માંગતા હોય એવા લોકો થાળીમાં બધી આઇટમ્સનો ઢગલો કરીને ચરતાં હોય છે. આ ખાલી અને ભરેલી થાળીવાળા ભેગા થાય ત્યારે ભરેલીવાળો ખાલીવાળાને અચૂક ‘કેમ ડાયાબિટીસ છે?’ જેવા અપેક્ષિત સવાલ પૂછે છે, જેના જવાબમાં ‘ના, આપણે પહેલીથી ખાવાનું કન્ટ્રોલમાં હોં’ એવો જવાબ મળે એટલે આવી વ્યક્તિ સાથે ઊભા રહેવાનું જોખમ સમજાતાં થાળીમાં પડેલી ખાલી જગ્યા ભરવા ભરેલી થાળીવાળો અગાઉ જ્યાંથી ત્રણ વખત ક્રીમસલાડ ભર્યો હતો તે સિવાયના કાઉન્ટર તરફ સરકી જાય છે. વાડકી ભર્યા પછી ‘વારેઘડીયે ધકા શું કામ ખાવા?’ એવું વિચારી છેવટે કાઉન્ટરથી નજીક જ જામી પડે છે.

એવું નથી કે લગ્નમાં આમ ઊંધું ઘાલીને ઝાપટતા લોકોએ આવું ખાવાનું ક્યારેય જોયું કે ખાધું જ નથી. પણ પત્ની અને ડોક્ટરનો સહકાર ન મળતા આવી ગળી અને તળેલી આઇટમ્સ ઘણાં સમયથી ઘેર બનતી બંધ થઈ ગઈ હોય છે. અને બહાર કોઈપણ દુકાનમાં આ બધું એકસાથે મળે નહિ. જેમ કે ઢોંસાને બાસુદીમાં બોળીને ખાવો હોય તો કોઈના રિસેપ્શનમાં જવું પડે. કે પછી પિઝા પર મઠ્ઠો સ્પ્રેડ કરીને ખાવો હોય તો એ પણ લગ્નમાં જ બને. આમ ઘણાં અમારી જેવા મજબુરીના માર્યા રિસેપ્શનમાં ખાતાં જોવા મળે છે.

બુફે અર્થાત ઊભા ઊભા ખાવાની પ્રથા શરુ થઈ ત્યારે એનો ભારે વિરોધ થયો હતો. પછી એનાં ફાયદા લોકોને સમજાયા. સૌથી મોટો ફાયદો એ કે એંઠવાડમાં બેસી ખાવાનું બંધ થયું. પંગત પડવાની રાહ જોવાના સમયમાં બચાવ થયો. આ બધાથી મોટો ફાયદો એ થયો કે આમાં જે ઈચ્છો તે જેટલું ખાવું હોય તેટલું ખાઈ શકાય છે. ને કોઈની હાજરીમાં ખાતાં શરમ આવે તો ‘એક્સક્યુઝ મી’ કહી સરકી જવાય. એકલા ઊભા રહીને પણ તબિયતથી ઝાપટી શકાય છે. કોઈ એકાદ આઇટમનો ખુરદો પણ બોલાવી શકાય છે. કાઉન્ટર પરથી પ્રસાદની જેમ હળવો આપનારને હિંમતથી ‘હજુ નાખો, હજુ નાખો’ કહી શકાય છે. ટૂંકમાં ચાંલ્લાના ૫૦૧/- રૂપિયા વસુલ કરતાં તમને કોઈ રોકી શકતું નથી. ચાલો, લેખ પુરો કરું છું, એક રિસેપ્શનમાં જવાનું છે!

No comments:

Post a Comment