Saturday, February 16, 2013

સાહેબ બીબી ઓર હમ

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |

વધારે જૂની આ વાત નથી, અને કદાચ ગામડાઓમાં તો હજુ પણ ચાલતું હોય. એક જમાનામાં પત્ની પતિને ‘કહું છું સાંભળો છો?’ એવું કહીને વાત શરું કરતી હતી. પતિનું નામ (જાહેરમાં) ન બોલાય એવું આકરું વ્રત ધારણ કરેલી પત્નીઓ પતિને જુદાજુદા સંબોધનોથી બોલાવતી હતી. એમાં ‘એ’, ‘ટીકુના પપ્પા’, ‘તમારા ભાઈ’ જેવા સંબોધનો ઘણાં પોપ્યુલર હતાં. ઘણાં પતિઓ આ પ્રથાને પોતાનો હક સમજતાં. એમાં અમુક, કે જેમના બજારભાવ ખાસ ન હોય તેવા પતિઓ પત્ની તેમને ‘સાહેબ’ કહીને સંબોધે એવું પણ કરતાં હતાં. આપણે એમનાં ઘેર ફોન કરીએ તો ‘સાહેબ બહાર ગયા છે’ એવો જવાબ મળે. આપણને એમ થાય કે નવી નોકરાણી રાખી હશે!

પુરુષ માટે સાહેબ તો સ્ત્રી માટે સાહેબા શબ્દ વપરાય છે. ગુજરાતી કવિતા, ગઝલ અને હિન્દી ફિલ્મોમાં સાહેબા અને સાયબો શબ્દ સારો વપરાયો છે. ગુજરાતીમાં ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ અને મંદાકિનીનું ‘સુન સાયબા સુન’ જેવા ગીતો હજુ પણ પોપ્યુલર છે. સાયબાને ભાગે સાંભળવાનું લખાયું છે, એ આ આપણને ગીતમાં ખબર પડે છે. જોકે વ્યવહારમાં પત્નીની ધાક હોવા છતાં કોઈ પોતાની પત્નીની ઓળખાણ સાહેબા તરીકે નથી આપતું કે ‘આ મારી સાહેબા, અમારા ઘરમાં એ કહે એમ જ થાય.’ મોટે ભાગે તો ‘આ મારી વાઈફ’ કે હવે ‘માય બેટર હાફ’ એવી રીતે જ ઓળખાણ આપે છે. ‘મારી પત્ની’ કે ‘મારાં પતિ’ એવું કહેવું હવે ‘ડાઉન માર્કેટ’ ગણાય છે!

અંગ્રેજીમાં એવું કહે છે કે ‘રીસ્પેક્ટ કેન નોટ બી ડીમાન્ડેડ ઇટ મસ્ટ બી કમન્ડેડ’. સન્માન માંગે ન મળે. આમ છતાં ઘણાને પોતાને જાતે સાહેબ કહેવડાવવાની ટેવ હોય. પત્ની સિવાયના લોકો દ્વારા પણ. સુરતમાં મારો એક મિત્ર છે, એની અટક જાદવ. એને ઓફીસના નંબર પર ફોન કરો તો એ ફોન ઉઠાવીને કહે કે ‘હું જાદવ સાહેબ બોલું છું’. એટલે હું સામે સુરતી સંભળાવું કે ‘અલા, તું સાહેબ તારા ઘરનો, શેનો સાહેબ સાહેબ કરે છે’. જોકે વર્ષોથી એ જાદવ સાહેબ બની બેઠો છે, અને ઘણાં એને સાહેબ માને પણ છે! શિક્ષક છે ને એટલે!

આમ તો અધિકારીઓ અને શિક્ષકોને લોકો સાહેબ કહેતા હોય છે. આ શિક્ષકોને એક પ્રિન્સીપાલ નામે મોટા સાહેબ હોય છે જયારે અધિકારીઓને પણ ઉપરી-અધિકારી સ્વરૂપે મોટા સાહેબ હોય છે. સરકારી કચેરીમાં તો પટાવાળા સિવાય દરેક સાહેબ જ હોય છે, અને એ દરેક પોતાના સાહેબની ગેરહાજરીમાં સાહેબની જેમ જ વર્તે છે. સરકારી નોકરીમાં કાયમી થવાથી સાહેબ બની જવાય છે. ગરજે ગધેડાને પણ સાહેબ કહેવો પડે છે એ કહેવત આવા સાહેબો સાર્થક કરે છે.

સાહેબ થવાથી શીંગડા નથી ઊગતા. નથી ખુરશી જમીનથી એક વેંત અધ્ધર રહેતી. સાહેબના ગામ પણ નથી વસતાં, આમ છતાં સાહેબ બન્યા એટલે સાહેબગીરી કરવી પડે છે. સરકારી સાહેબ ને મળવા જાવ અને સાહેબ અંદર બેઠાબેઠા કોમ્પ્યુટર પર પત્તા રમતાં હોય તો પણ અડધો કલાક કેબિનની બહાર બેસાડી રાખે. સાહેબ દરેક વાતનો વિચાર કરીને જવાબ આપતા હોય એમ જવાબ આપતા વાર લગાડે. મળવા માટેની તારીખ આપવાની હોય તો અઠવાડિયા પછીની જ આપે. સાહેબ ખીસામાં હાથ ન નાખે. સાહેબના હાથ નીચે કામ કરતાં કર્મચારીઓ પછી સાહેબની આવી ખૂબીઓની નકલ કરતાં શીખે છે. પણ એમ બધાં થોડાં સાહેબ થઈ શકે?

આપણે ત્યાં શિક્ષકને સાહેબ કહેવાનો રીવાજ છે. પછી સારા શિક્ષકોની સાથેસાથે માવાખાઉં, લંપટ, અને લબાડ શિક્ષક પણ સાહેબ જ કહેવાય છે. સ્કૂલ-કોલેજોમાં હાજરી ભરાય તેમાં વિદ્યાર્થીને ‘યેસ સર’ બોલતાં શીખવવામાં આવે છે, જે પછી જિંદગીભર ચાલુ જ રહે છે. સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સરકાર મફત ભણાવે એ ઉપકાર બદલ આવા સાહેબો છોકરાને માવા અને પડીકીઓ લેવા ચાલુ ક્લાસે પાનના ગલ્લે મોકલે છે. સાહેબ થવાના આ નાના નાના ફાયદા! છોકરાઓને આમાં લેવડ-દેવડ અને હિસાબ શીખવાનો મોકો મળે છે એવો આત્મસંતોષ સાહેબ લઈ શકે છે.

અમેરિકામાં પ્રોફેસર્સને સર કે સાહેબ કહેવાનો રીવાજ નથી. બોસને પણ ત્યાં સર નથી કહેતા. ત્યાં નામથી બોલાવવાનો રીવાજ છે. પ્રોફેસર હોય તો અટકની આગળ પ્રોફેસર વપરાય. એટલે જ ત્યાં કોઈ સાહેબની જેમ વર્તતું નથી. અરે યુકેમાં કે જ્યાંથી આ સર કલ્ચર ભારતમાં આવ્યું છે ત્યાંના વડાપ્રધાન આજકાલ ટ્રેઈનમાં મુસાફરી કરતાં જોવાં મળે છે તો કદીક કોફીશોપની લાઈનમાં.

પણ આપણે ત્યાની વાત કરીએ તો કોંગ્રેસના દિગ્વિજય નામના બહુચર્ચિત સિંહે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ કહેવાતાં હાફીઝ સઈદને સાહેબ કરીને સંબોધ્યા. આમ તો અંડરવર્લ્ડમાં ગુંડાઓ ભાઈ કહેવડાવવાનું વધારે પસંદ કરે છે. પણ દિગ્વિજય કોને કીધાં! આ દિગ્વિજ સિંહે ભૂતકાળમાં ઓસામા બિન લાદેનને ઓસમાજી જેવું સન્માનનીય સંબોધન કર્યું હતું. જોકે અમને તો ગર્વ છે. ખરેખર આ જ ભારતીય સંસ્કૃતિ છે. ‘મહેમાન જો હમારા હોતાં હે વો જાન સે પ્યારા હોતાં હે’ એવું રાજકપૂર ‘જિસ દેશમે ગંગા બહેતી હૈ’ ફિલ્મમાં ગયેલું છે. એ રીતે જોઈએ તો આતંકવાદીઓ આપણા મહેમાન જ કહેવાયને? મુંબઈ ભલે એ હુમલો કરવા આવ્યા, કહેવાય તો અતિથિ જ ને? એ થોડા જાણ કરીને આવ્યા હતાં? એમને માનથી જ બોલાવવા પડે ને? આમેય શ્રી દિગ્વિજયજી સાહેબનાં બોલવાથી બહુ ઈમોશનલ ન થવાય, એમણે ભૂતકાળમાં રાહુલ બાબાના વખાણ ક્યાં નથી કર્યા?  

No comments:

Post a Comment