Monday, April 01, 2013

એપ્રિલ ફૂલ તો રોજનું થયું !

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૧-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
માની લો કે તમારી પાસે એક કામ છે. એ કામ ચાર જાતના માણસ કરી શકે એમ છે તો તમે કઈ જાતના માણસ પાસે એ કામ કરાવશો? પહેલો માણસ ઇન્ટેલીજન્ટ પણ આળસુ છે. બીજો ઇન્ટેલીજન્ટ અને મહેનતુ છે. ત્રીજો મૂર્ખ અને આળસુ છે. અને ચોથો મૂર્ખ અને અતિ મહેનતુ છે. સૌનો જવાબ હશે મહેનતુ અને ઇન્ટેલીજન્ટ માણસ પાસે. પણ જો કયા માણસ પાસે બિલકુલ ન કરાવવું એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો? તો એનો જવાબ છે મહેનતુ મૂર્ખ પાસે કામ હરગિજ ન કરાવવું. કારણ કે એ કામ એવું બગાડશે કે જેને સુધારવામાં ચાર ગણી મહેનત થશે, એનાં કરતાં આળસુ મૂર્ખ સારો.
--


‘જો તારી પાછળ ગરોળી’ થી સ્કૂલમાં શરું થતું એપ્રિલ ફૂલ માણસ મરે ત્યાં સુધી ચાલુ રહે છે. મરણની છેલ્લી ઘડીમાં ‘ડોસા ગયા કે નહિ?’ એ બાબતે લોકો ઉલ્લુ બનતાં રહે છે. ફરક એટલો જ કે પહેલી એપ્રિલે મૂર્ખ બનો તો તમે મૂર્ખ બન્યા એવું કાયદેસર જાહેર થાય છે, પણ તમે જે રોજ રોજ ફૂલ બનો છો એ તમને બનાવનાર જ જાણે છે! ડોક્ટર બિનજરૂરી વિટામિન્સની ગોળીઓ લખી આપે છે. કંપનીઓ ભ્રામક જાહેરાતો દ્વારા આપણને મૂર્ખ બનાવે છે. વકીલો કેસ લટકાવીને તો કોન્ટ્રાક્ટર અને બિલ્ડર અધવચ્ચે ભાવ વધારીને ખિસ્સા ખાલી કરે છે. વેપારીઓ ચીજવસ્તુના ભાવ બમણા કરી પછી એજ વસ્તુ પચીસ ટકા ડિસ્કાઉન્ટ સેલમાં વેચે છે. અધિકારીઓ એક દિવસમાં થાય એવા કામમાં એવી ગૂંચો કાઢે કે રૂપિયા આપ્યે જ એ ઉકલે. અને મોટી મોટી કંપનીઓ તગડી કમાણી કરે ને પાછા ટેક્સ બચાવવા ડ્રાઈવરને ડાયરેક્ટર બનાવી દે!

એપ્રિલફૂલના દિવસે લોકોને સ્થૂળ રીતે મૂર્ખ બનાવાય છે. મિત્રોમાં નિર્દોષ ગમ્મત થાય છે. ઓફિસમાં પણ સહકર્મીઓને, ખાસ કરીને સીરીયસ ટાઈપના હોય કે પછી બહુ દિલફેંક હોય એવાને નિશાન બનાવાય છે. ખોટા ઇન્ક્રીમેન્ટ લેટર વહેંચી સાથીઓ એપ્રિલફૂલ બનાવે પણ જયારે સાચો લેટર મળે ત્યારે ફરી વાર બન્યા જેવું લાગે. પત્નીઓ પતિને ‘હું પિયર જાઉં છું’ કહીને ઉલ્લુ બનાવે, પેલો ખુશ થઈને ઓફિસમાં પાર્ટી આપે અને રાત્રે મોડો ઘેર પહોંચે ત્યારે લાઈટો ચાલુ જૂએ એટલે ધ્રાસ્કો પડે! કોલેજના મિત્રોમાં ‘પેલી ઈશિતા તારો નંબર માંગતી હતી’ એટલું કહે એમાં ભાઈ ભૂલી જાય કે ઈશિતાએ વરસ પહેલાં કેવી હવા ટાઇટ કરી નાખી હતી!

પોલીટીશીયનો બારેમાસ આપણને મૂર્ખ બનાવે છે. નેતાઓ હવે બ્રાન્ડ બની ગયા છે. એમનું માર્કેટિંગ એડવર્ટાઈઝીંગ એજન્સીઓ કરે છે. અને જાહેરાતો તો કેવી મૂર્ખ બનાવે છે એ તો ખબર જ છે ને? છેલ્લા કેટલાંક વર્ષોથી એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. જે કામ જુનાં કાયદા અનુસાર ગેરકાયદેસર હોય એ કાયદાઓમાં સુધારાવધારા કરી કાયદેસર કરી દેવું. જમીનો હેતુફેર કરી ઓળખીતાં પાળખીતાઓને પધરાવી દેવી. વચનો આપે અને પુરા ન કરે એ તો જૂનું થયું. 

અને આપણા રીટાયર્ડ જસ્ટીસ કાત્જુ! એમનાં હિસાબે ભારતના ૯૦% લોકો મૂર્ખ છે. જો કાત્જુની વાતને આપણે સાચી માનીએ તો અમે જે આગળ કહ્યું એમ આપણે રોજ મૂર્ખ બનીએ છીએ એ વાતમાં  જરાય અતિશયોક્તિ નથી.
--

આમ તો મૂરખની વ્યાખ્યા આપવી જરૂરી નથી, છતાંય જો કોઈને જાણવું હોય તો એમ કહી શકાય કે મૂર્ખ એ પ્રાણીઓમાં ગધેડું છે. પાત્રમાં એ અડવો છે. રસ્તા પર એ ડોબું છે. એક્ટ્રેસમાં એ રાખી છે. દેશમાં એ પાકિસ્તાન છે. ગતિમાં ન્યુટનનો એ ચોથો નિયમ છે. મંત્રીઓમાં એ દિગ્વિજય છે. કેરેક્ટરમાં એ મી. બિન છે. લગ્નપ્રસંગમાં એ મરસિયા છે. હવામાં એ પ્રદુષણ છે. વરઘોડામાં એ સ્ત્રી અવાજમાં ગાતો પુરુષ છે.  

થીયેટરમાં મૂર્ખ મળે તો એ પૂછે છે ‘તમે અહિં ક્યાંથી?’ આપણને કહેવાનું મન થાય કે અમે થપ્પો રમતાં રમતાં સંતાવા માટે અહિં આવ્યા છીએ, અંધારું હોય ને એટલે? તૈયાર થઈને નીકળીએ એટલે પૂછે ‘ક્યાં લગ્નમાં જાવ છો?’ જવાબ આપવાનું મન થાય કે ‘ના, એક દુશ્મન મરી ગયો છે, એનાં બેસણામાં જઈએ છીએ’. મુર્ખાઓ નાના છોકરાને પણ નથી છોડતાં, યુનિફોર્મ પહેરી તૈયાર થઈ સ્કુલે જતાં બાળકને પૂછશે ‘કેમ સ્કૂલે ચાલ્યો?’ તારી ભલી થાય! ‘ના અંકલ હું તો મારા ટીચરના રિસેપ્શનમાં જાઉં છું, લાઈટીંગનો ખર્ચો બચેને એટલે દિવસે રાખ્યું છે, અને છોકરાઓની એ હાજરી પુરવાના છે અને યુનિફોર્મ કમ્પલસરી છે’.

અંગ્રેજીમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું એક ક્વોટ છે. હાઈડ્રોજન એન્ડ સ્ટુપિડીટી આર યુનિવર્સલ, બટ આઈ એમ નોટ સ્યોર અબાઉટ ફોર્મર. ગાંડાની જેમ મૂરખના પણ ગામ નથી વસતાં. એ માણસ જેવા માણસ હોય છે. એ વસ્તી વચ્ચે રહે છે. જે મૂર્ખ હોય એને મૂર્ખ બનાવવો નથી પડતો. મૂર્ખ સહજ હોય છે. એનાં વાણી, વર્તન, વ્યવહાર, આચરણમાં મૂર્ખતા ફાટફાટ થતી હોય છે. એ બીજાની વાત કાપીને પોતાની વાત કરવામાં માને છે. એ લાઈન તોડીને અલગ પડે છે. એ સિગ્નલ બ્રેક કરે છે. મૂર્ખ રોંગ સાઈડમાં વાહન ચલાવે છે. એ બીજાને અગવડ રૂપ વાહન પાર્ક કરે છે. મૂર્ખ નોકરીમાં મહેનતથી નહિ ખુશામતથી આગળ વધે છે. મૂર્ખ પોતાના માટે નહિ બીજાને દેખાડવા ખરીદી કરે છે. આપણી આજુબાજુ આવા અસંખ્ય મુર્ખાઓ બારેમાસ ફરતાં હોય ત્યારે એમનાં માનમાં વરસમાં ખાલી એક દિવસ ઓછો નથી લાગતો?
 

1 comment:

  1. "મૂર્ખ એ પ્રાણીઓમાં ગધેડું છે .........વરઘોડામાં એ સ્ત્રી અવાજમાં ગાતો પુરુષ છે." લેખક માં 'તું' છે અને વાચકમાં 'હું" છું,
    આટલું બધું બ્રહ્મજ્ઞાન ક્યારે લાધ્યું પ્રભુ?
    સુંદર ...... અતિસુંદર લખાણ,

    ReplyDelete