Tuesday, August 27, 2013

કેટલાક રીવાજ અને માન્યતાઓ : સાતમે ઠંડું ખાવું

કેટલાક  રીવાજ અને માન્યતાઓ : સાતમે ઠંડું ખાવું  : અધીર અમદાવાદી


ઘણા સમય પહેલાની આ વાત છે. અમદાવાદ નામે એક એકદમ ફની ગામ હતું. આ ગામમાં ફેરિયાઓ રસ્તા ઉપર બેસતા હતા અને વાહનો ફુટપાથ પર પાર્ક થતા હતા. અહીં ચોવીસ કલાક નળ ખુલ્લો રાખો તો માંડ એક ડોલ ભરાય તેટલુ પાણી આવતું હતુ. જોકે વરસાદ દરમિયાન અહીં એટલા બધા ભુવા પડતા હતા કે કેટલાક ભડવીર લોકો એક ભુવામાંથી બીજા ભુવામાં અંડરગ્રાઉંડ પણ જતાં હતાં. તો રાજ્ય સરકારે પણ ભુવાઓ પર ફ્લાયોવર બાંધવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્તો મોકલી હતી. ગામની સ્ત્રીઓ ભુવે પાણી ભરવા અને કપડા ધોવા જતી હતી. અમુક લોકો ભુવા કિનારે મહેફિલો પણ યોજતા હતા. સરકારે પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપ મોડમાં ભુવા ડેવલપ કરવા દરખાસ્તો મંગાવી હતી. ભુવાઓને જોવા અને પોતાના શહેરમાં આવા અર્વાચીન ભુવાઓ સર્જવા માર્ગદર્શન લેવા છેક હૈદ્રાબાદથી નિષ્ણાતો અહીં આવતા હતા. આવા ભુવાઓના રીપેરીંગમાં પાલિકાના અધિકારીઓની સાત પેઢી તરી ગઇ છે એવી વાત પણ અમુક ટીવી ચેનલોએ વહેતી કરી હતી. તો કેટલાક કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ ભુવાની સમસ્યાના સમાધાન માટે ઓક્ટોપસ પૉલ બાબાના શરણે ગયા હોવાનુ પણ આધારભુત સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ, પરંતુ ઓક્ટોપસ બાબા ત્યારે ફુટબૉલમાં વ્યસ્ત હોવાથી સમય આપી શક્યા નહોતા.

આમાંથી અમુક ભુવાઓ તો એટલા જુના હતા કે દાદાઓ પોતાના પૌત્રોને હોંશે હોંશે ભુવા કિનારે ફરવા લઇ આવતા અને પોતાના ચોખઠા મમળાવતા કહેતા કે : “જો હર્ષ, આ ભુવો છે ને એને કાંઠે હું સાવ તારા જેવડો હતો ને, ત્યારનો આવતો હતો, તો ગણ, આ ભુવો કેટલો જુનો હશે?” અને હર્ષને પણ આ પ્રશ્ન ગણિતનો હોવાનો અને અઘરો લાગતા જવાબ આપવાના બદલે એ ભુવામાં કાંકરા નાખી પુરવાના પાલિકાના તંત્ર જેવાજ વ્યર્થ પ્રયાસોમાં લાગી જતો ! તો આવા ભુવાઓ શહેરની ઐતિહાસિક ધરોહર છે એમ પ્રસ્થાપિત કરી ભુવાની નામકરણ વિધિ હાથ ધરાઇ હતી. શહેરના મેયરના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રીના વરદ હસ્તે ભુવાના નામની તકતીની અનાવરણ વિધિ યોજાઇ હતી.

આ દરમિયાન યુનિવર્સિટીમાં રજા હોવાથી નવરા યુવા કાર્યકરોનો ધસારો આ કાર્યક્રમમાં વધી જતા મંચ સહિત બધા નેતાઓ ભુવાગ્રસ્ત થઇ ગયા હતા. અને ફાયર બ્રિગેડની ચોવીસ કલાકની જહેમત બાદ પણ કોઇ હાથમાં આવ્યુ નહોતુ. પ્રજા શોક્ગ્રસ્ત થઇ ગઇ હતી અને એમણે રાંધેલુ ખાવાનું ઢાંકી મુક્યુ હતુ. લોકોમાં એવી પણ ચર્ચા જામી હતી કે હવે તો ભુવાની સમસ્યાનો જરૂર અંત આવશે. જોકે નેતાઓ તો તરત જ બીજા ભુવામાં થઇને બહાર નીકળી, કપડા ખરાબ થવાથી ‘હવે આવા કપડે થોડું ઉદઘાટન થાય ?” એમ વિચારી ઘર ભેગા થઇ ગયા હતા.
--
બીજા દિવસે એક ચેનલ પર નેતાઓ એ રાબેતા મુજબ દેખા દીધી હતી અને લોકોને હાશ થતા તેમણે આગલા દિવસનું વાસી ખાવાનું ખાઇને દવાખાનાઓ છલકાવી દીધા હતા. આ દિવસ પછી આજ લગી લોકો ભુવાસાતમ ઉજવે છે અને આગલા દિવસનું વાસી ખાય છે.

by Adhir Amdavadi

3 comments:

  1. એક લેખ મેં પણ લખેલો.....

    http://wp.me/pqkxq-gk

    ReplyDelete
  2. ભુવા ની સમસ્યા ને માર્મિક રીતે રીવાજ સાથે વણી લીધી તે બદલ અભીનંદન પણ ભાઈ અધીર તમારા દરેક લેખ માં જરૂર થી "ચેતવણી" આપવી કે આ લેખ "ઘરવાળી" ને વંચાવવો કે નહિ પ્રોફેસર વાઈફ નું લેકચર લેખ મને એટલો પસંદ આવેલો કે નવા નિશાળીયા ની જેમ મેડમ ને હોસે હોસે વાચી સંભળાવ્યો એના જલદ પરિણામ માં તમને ગણા ખરા ઉપનામ મળી ગયા અને દિવસ રાધનછઠ નો હતો એટલે એનું રીયેક્સ્ન સીધું સાંજની રસોઈ ઉપર આવ્યું અને આજે ભુવા સાતમ છે આ બધાની માઠી અસર મારા "ગોરી" જેવડા પેટ ઉપર થઈ છે પેટને ચોરતા ચોરતા કોમેન્ટ આપું છુ અને નવા લેખ ની રાહ જોવું છુ ...

    ReplyDelete