Sunday, July 20, 2014

આદમના ડ્રેસમાં ખીસું નહોતું


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૦-૦૭-૨૦૧૪ | અધીર અમદાવાદી |
સાયન્સ એવું કહે છે કે આપણે વાંદરામાંથી ઉતરી આવ્યા છીએ. આ થીયરી ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ તરીકે પણ જાણીતી છે. આમ વાંદરા અપગ્રેડ થતાં થતાં માણસ બન્યા છે. જોકે કમ્પ્યુટર અને મોબાઈલ ફોન અપગ્રેડ થાય તો નવા વધારે સારા વર્ઝન આવે છે, પણ આવું માણસ જાત માટે કહી શકાય એવું નથી. પ્રમાણિક માબાપનો છોકરો ભ્રષ્ટ પાકે છે. આપબળે ભણેલાં મા-બાપના છોકરાંને ડોનેશન આપી એડમિશન લેવા પડે છે અને છતાં એમને પાસ થવાના ફાંફા હોય છે. વાંચવાના શોખીન મા-બાપના છોકરાને ચોપડી હાથમાં લે તો માથું દુખવા મંડે છે. અસલી પોલીસવાળાના છોકરાં નકલી પોલીસ બનીને લોકોને છેતરે છે.


જોકે અમુક ધર્મ અને માન્યતા એવું કહે છે કે આપણે આદમ અને ઇવ નામના સ્ત્રી-પુરુષમાંથી ઉતરી આવેલા છીએ. ભગવાને આદમને બનાવ્યો. આદમને ઇડન ગાર્ડનમાં એકલું એકલું લાગતું હતું એટલે ભગવાન આદમની પાંસળીમાંથી ઇવને બનાવી. પણ બગીચામાંથી એપલ ખાવાની મનાઈ કરી જે ઈવે ખાધું અને આદમને ખવડાવ્યું. એમાંથી આખી માણસજાત ઉતરી આવી. આદમ-ઇવ સમયની પરિસ્થિતિ રસપ્રદ હશે એવું અમને લાગે છે.

આદમ પાસે ઇવ હતી અને ઇવ પાસે પણ ક્યાં ઓપ્શન્સ હતાં? એટલે જ એણે ઇવને ઈમ્પ્રેસ કરવા કળા કરવી પડે, બાઈકના સ્ટંટ કરવા પડે કે અમુક ચોક્કસ બ્રાન્ડના ડીઓ છાંટવા નહોંતા પડતાં. આદમને ઇવને કોફીશોપ લઇ જવાના ખર્ચા પણ નહોંતા કરવા પડતાં. એમાંય બેઉ જણા પાંદડાના કપડાં પહેરતા હતાં. હા, ક્યારેક ઇવ આદમને પૂછતી હશે કે ‘આ પીપળાના કુમળાં રેડ પાનમાં હું કેવી દેખાઉં છું?’ અને ત્યારે આદમ આંખ મીંચકારીને કહેતો હશે કે ‘આ પાન એક સાઈઝ મોટા આવી ગયા છે, આમાં તું થોડીક જાડી લાગે છે.’ જોકે આવી મજાક પછી બંને જણાએ ઝાડ પરથી ફળ તોડીને જ ખાવાના હોઈ આદમને ભૂખ્યા રહેવું પડે તેવી નોબત નહિ આવતી હોય.

ઇવ સીધી જ પરણવા લાયક ઉંમરે જ જન્મી હતી અને આદમ એક જ હતો એટલે પપ્પા-મમ્મીની ખુશી ખાતર કોક પૈસાદાર પણ રીંછ જેવા છોકરા સાથે પરાણે લગ્ન નહોતાં કરવા પડ્યા. આદમ સાથે એનું લીવ-ઇન કહી શકાય. પણ ખર્ચો શેર કરવાની અને ઘરકામમાં વહેંચણી અને વારા પાડવાની જરૂર નહોતી પડી. આમ તો માત્ર આદમને જ ઈમ્પ્રેસ કરવાનો હોવા છતાં ઇવ ઝરણાના મીનરલ વોટરથી જ મોઢું ધોતી હતી, જેનાં માટે એણે સવારે થોડું ચાલવું પડતું હતું. જોકે ચાલવાથી ઇવનાં પગ નહોતાં દુખતા કે એણે રાત્રે પગે બામ ઘસીને સુવું નહોતું પડતું. એ રાત્રે સુતી વખતે એક જાતની માટીનો લેપ ચહેરા ઉપર લગાડતા શીખી હતી જેનાથી એની ત્વચા મુલાયમ રહેતી હતી. ક્યારેક એ મોઢા ઉપર મધ પણ ચોપડતી. પણ આદમ ભુખ લાગી હોય તો મધ ચાટી જતો. વેલા પર ઉગતું ખિસકોલી જેવા ચટપટા ધરાવતું શાક કે જેને ઇવ સ્ક્વીરલ વેજી કહેતી હતી તેના ચકતાં કરીને આંખ ઉપર મુકવાથી ડાર્ક સર્કલ્સ દુર થાય છે એવું ઇવ અનુભવથી શીખી હતી.

આદમ સુખી હતો. એને કોઈ નોકરી નહોતી કરવાની. એને બોસ પણ નહોતો. બોસ નહોતો એટલે એણે ખુશામત નહોંતી કરવી પડતી. ઓફિસ જ નહોતી એટલે એને ચુગલીખોર સહકર્મીઓ ન હતાં. ઓવરટાઈમ અને અપ્રેઈઝ્લ શબ્દો એણે સાંભળ્યા જ નહોતાં. આમ તો એની પાસે ડોક્ટર, એન્જીનીયર કે સીએ જેવી કોઈ ડીગ્રી પણ નહોંતી. ખરેખર તો આપણો જે વડવો ગણાય છે, એ આદમ પાસે કહેવા જેવી કોઈ આવડત પણ નહોંતી. ઓફિસ જવા-આવવામાં એનાં દિવસના ત્રણ-ચાર કલાક બગડતા નહોતાં. એકંદરે ઓફિસ કે ઓફિસમાં લફરા કરવાની શક્યતા ન હોઈ ઇવને ઈર્ષ્યા કે શંકા કરવાનું કોઈ કારણ નહોતું.

આમ છતાં ઘણાં પુરુષો આજેય આદમની ઈર્ષ્યા કરે છે. કારણ કે આદમને સાસુ નહોતી. ન એને પોતાનાં જમાનાની વાતો કરીને બોર કરે એવા સસરા હશે. વાર-તહેવારે રક્ષાબંધન અને ભાઈબીજ પર એણે સાસરે જમવા જવું નહિ પડતું હોય. આદમને સાળો કે પરણેલી સાળી નહોતી કે જેમના તોફાની અને ઓવરસ્માર્ટ છોકરાંની બર્થ ડેમાં એણે પરાણે જવું પડતું હોય. ન એને સાળાના કૂતરાને પરાણે રમાડવું પડતું હશે. એનીવર્સરી પર ઇવને જાતે તોડેલું ફૂલ કે પછી દુરના વિસ્તારમાં થતી વેલના કોઈ હાર્ટ શેપના પાંદડા ડ્રેસ તરીકે પહેરવા ભેટ આપે તો ચાલી જતું હશે. આદમે ઇવને ખુશ કરવા એનીવર્સરી પર ફાઈવસ્ટાર હોટલ લઇ નહિ લઇ જવી પડતી હોય. આદમ જે પાંદડાનો ડ્રેસ પહેરતો એમાં ખીસું જ નહોતું એટલે એ સુખી હતો.

ઘણી સ્ત્રીઓ ઈવની ઈર્ષ્યા કરે છે. ઇવને પણ સાસુ, સસરા, આળસુ દિયર અને વારેતહેવારે પિયરમાં ધામા નાખતી નણંદ નહોતી. રોજરોજના કંકાસથી કંટાળીને એમણે અલગ ઘર લેવું પડે તેવી જરૂરિયાત ઊભી નહોતી થઈ. આદમને દોસ્ત નહોતાં જે એને રાતે દસ વાગ્યે બેચલર પાર્ટીમાં ખેંચી જાય. ઘરમાં ટીવી પણ નહોતું કે આદમ ફૂટબોલ કે ક્રિકેટ મેચ જોવા જામી પડે અને મેચ જોતાં જોતાં ‘જોને ઇવ ડાર્લિંગ મેચ મસ્ત જામી છે, અને બહાર વરસાદ પડે છે, ભજીયા ખાવા મળે તો મઝા પડી જાય’ એવી ફરમાઇશ કરે.

ખરેખર તો એ વખતે સ્ત્રીઓએ ઘરકામ કરવું અને પુરુષે કામધંધો એવા વાડા પડ્યા નહોતાં એથી બેઉ જણ ખભેખભો મિલાવીને ફળ તોડીને ખાતા અને સ્વૈરવિહાર કરતાં હશે. ઇવને રોજ કુકર ચઢાવવાની ઝંઝટ નહોતી. કામવાળો જ નહોતો એટલે કામવાળાનાં નિયમો નહોતાં કે ‘આટલું જ સાફ કરીશ’ કે ‘નવ વાગ્યે વાસણ નહિ થયા હોય તો જાતે કરી લેવા.’ કામવાળો મોબાઈલ ન ઉપાડે તો ઈવનું બ્લડપ્રેશર હાઈ થવાનો સવાલ જ નહોતો. અહીં તો જ્યાં એ લોકો પડ્યા રહેતા એ જગ્યા ગંદી થાય તો સાફ કરવાને બદલે બીજાં દિવસે જગ્યા બદલી નાખતા હતાં. પથારીમાં ચાદર તરીકે પણ મોટા પાંદડા જ હતાં એટલે એકંદરે પહેરવા, પાથરવા અને ઓઢવામાં પાંદડા જ હોઈ કપડાં એટલે કે પાંદડા ધોવાની ઝંઝટ નહોતી, બધું ડિસ્પોઝેબલ હતું. હા, પાંદડામાં ઈયળ હોય તો સાચવવું પડતું અને એકબીજાના પાંદડામાંથી ઇયળો શોધી કાઢવામાં એમનો સારો એવો ટાઈમપાસ પણ થઈ જતો હતો.

સૌથી મોટું સુખ તો આખો દહાડો બેઉ આમને સામને રહેતા હતાં એટલે એમને મોબાઈલ, ફેસબુક અને વોટ્સેપ જેવા સોશિયલ નેટવર્કિંગના ટુલ્સની જરૂર પણ નહોંતી. પન્નાલાલ પટેલની ક્લાસિક નવલકથા માનવીની ભવાઈમાં ‘બાવાજીની લંગોટી’ વાતમાં આવે છે એમ જેમ જેમ આ સંસાર રચાતો ગયો તેમ તેમ તકલીફો ઊભી થતી ગઈ. શું કરીએ તકલીફ તો રહેવાની!

No comments:

Post a Comment