Sunday, July 06, 2014

ડાહ્યો વાંદરો, ગાંડો વાંદરો



 

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી 
રવિવાર, ૦૬-૦૭-૨૦૧૪
વર્ષોથી કોણ કોને કરડે તો એ સમાચાર કહેવાય એ વિષય પર પત્રકારત્વના વિદ્યાર્થીઓને સ્પષ્ટ સમજ આપવામાં છે, એ આજે પણ કામમાં આવે છે. હમણાં જ અખબારોમાં સમાચાર હતા કે અમદાવાદમાં એક વાંદરો તોફાને ચડ્યો અને કેટલાય લોકોને બચકાં ભરી લીધાં. વાંદરો અહીં પોતાની મર્યાદા ભૂલ્યો. વાંદરા વાનરવેડા કરે તે સમજી શકાય. પણ વાંદરા કૂતરવેડા કરે એ યોગ્ય છે? છેવટે કાંકરિયા ઝુના સ્ટાફને આ વાંદરાને પકડવાની સોપારી, બોલે તો વર્ધી, અપાઈ. પણ સમાચાર મુજબ ઝુનો સ્ટાફ કરડકણા વાંદરાને બદલે બીજાં ડાહ્યા વાંદરાને પકડીને લઇ ગયો! આ આખી ઘટના જાણીતી લાગે છે ને? કેમ, એન્કાઉન્ટર શબ્દ નથી સાંભળ્યો? એમાં શું થાય છે? એન્ટીકરપ્શન બ્યુરો બસો-પાંચસો રૂપિયાનાં  લાંચકેસ પાછળ પેટ્રોલ બાળે એ શું છે?

જોકે અમને આ ડાહ્યા વાંદરાવાળી વાત ગળે ઉતરતી નથી. આપણામાં તોફાની છોકરાંને વાંદરાની ઉપમા આપવામાં આવે છે કારણ કે આપણે માનીએ છીએ કે વાંદરું ડાહ્યું હોઈ જ ન શકે. વાંદરા સાવ વાંદરા જેવા હોય છે અને વાંદરાવેડા કરવા એ એમની પ્રકૃતિ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે शाखा-मृगस्य शाखाया: शाखां गन्तुं पराक्रम:. વાનરો ઝાડની એક ડાળીથી બીજી ડાળી પર મૃગની ચપળતાથી વિહાર કરતાં હોય છે એટલે એમને શાખામૃગ પણ કહે છે એમના માટે કૂદકા મારવા એ નવાઈની વાત નથી. તો શું આપણાં બાહોશ ખબરપત્રીઓ આ કહેવાતા ડાહ્યા વાંદરાને કૂદકા કે ગુલાંટો મારવાને બદલે સ્માર્ટ ફોન પર ફેસબુક કરતાં કે પૂંછડું લટકાવીને શાંતિથી GATE, GRE કે JEEની તૈયારી કરતું જોઈ ગયા હશે? જો એમ હોય તો ડિસ્કવરી ચેનલવાળાને વાંદરાવેડા ન કરતું હોય એવા વાંદરાની નવી પ્રજાતિ મળી આવ્યાની જાણ કરવી જોઈએ.

જોકે અમે ઘટના સ્થળે હાજર નહોતાં. વાંદરું બચકા ભરતું હતું ત્યારે પણ નહિ અને ગાંડાને બદલે ડાહ્યા વાંદરાને પકડી ગયા એ વખતે પણ નહિ. પણ આમ થવાનું કારણ શું હશે? બહુ વિચાર્યા પછી અમે એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે બધાં જ વાંદરા કાળા મોઢાનાં હોય છે એ કારણે વાંદરાને ઓળખવામાં ભૂલ થઈ હશે. મિસ્ટેકન આઇડેન્ટિટી યુ સી. હિન્દી ફિલ્મોમાં આ થીમ બહુ ચવાયો છે. ઘણીવાર પાર્કિંગમાં આપણા જેવું જ બાઈક પડ્યું હોય એમાં આપણે ચાવી નથી ભરાવી દેતાં? ભલે જેનું બાઈક હોય એ સામે જ ઉભો હોય અને આપણને ચોર સમજે. આપણે પણ આવી ભૂલ કરીએ જ છીએ ને? પણ વાંદરાની મિસ્ટેકન આઇડેન્ટિટીની ઘટનાથી અમને ચીનની પોલિસની દશાનો વિચાર આવે છે. કારણ કે બધાં ચીનાઓ એક સરખા જ દેખાય છે! એમાંય પાછી ચીનની કોર્ટો કેટલાય આરોપીઓને બેનીફીટ ઓફ ડાઉટ આપીને છોડી મુકતી હશે.

આમ જુઓ તો આ કરડવાવાળી વાત પણ નવી નથી. ભૂતકાળમાં માઈક ટાયસન એના બોક્સિંગના હરીફ ઇવાન્ડર હોલીફીલ્ડને કરડી ચુક્યો છે અને વાંદરાવાળી ઘટનાના દિવસે જ ઉરુગ્વેનો ફૂટબોલ ખેલાડી લુઈ સુઆરેઝ ઇટાલીના ચીએલ્લીનીને કરોડો લોકોના દેખતાં કરડ્યો હતો. ફેર એટલો જ કે FIFA વાળાએ સુઆરેઝ સામે પગલાં લેવામાં પૂરા ત્રણ દિવસ બગાડ્યા જ્યારે આપણા તંત્રે ૨૪ કલાકમાં જ વાંદરાને ઝબ્બે કરીને દાખલો બેસાડ્યો છે. ભલે પછી કરડકણાને બદલે ડાહ્યા વાંદરાને પકડી લાવ્યા. વાંદરું સ્વેચ્છાએ પોતે જ કરડકણું વાંદરું છે એવું સીઆરપીસી ૧૬૪ નીચે નિવેદન આપી દે એટલે આખી વાત પર પડદો પડી જશે.

અમદાવાદમાં કૂતરા પછી હવે વાનરસેનાનો ત્રાસ વધી રહ્યો છે એ તાજેતરની ઘટનાઓ પરથી જણાઈ રહ્યું છે. કૂતરાને તો પકડીને ખસી કરીને એની વસ્તી ઘટાડવાની કોશિશ (હા, કોશિશ જ) થાય છે, પણ હડકાયા વાંદરાને પકડવા કેમના? એમની સાથે વાટાઘાટો કરવાનો કે ચીમકી આપવાનો તો સવાલ જ પેદા નથી થતો. એમને તો લલચાવીને પાંજરે પુરવા પડે કે બેભાન કરવા પડે. એ સિવાય તમે શોલેવાળા ઠાકુર બલદેવ સિંઘ ચિંધ્યા માર્ગે જઈ શકો. ઠાકુર માનતા હતાં કે ‘લોહા લોહે કો કાટતા હૈ’ અને એટલે જ એમણે ગબ્બર સાથે ટક્કર લેવા અઠંગ બદમાશ એવા જય-વીરુની ભરતી કરી હતી. વાંદરાને પકડવા એમના જેવા જ તોફાની તત્વોની ભરતી કરી શકાય. આ માટે અમદાવાદની જુદી જુદી સ્કૂલોમાં કેમ્પસ ઇન્ટરવ્યુ યોજી શકાય. એમાં પ્રેક્ટીકલ ટેસ્ટ તરીકે વડના કે અન્ય કોઈ પણ ઝાડ પર બેઠેલા વાંદરાને નીચે ઉતારવાનું ટાસ્ક આપી શકાય. આથી પણ આગળ વધીને જે છોકરો ટેસ્ટ અને ઇન્ટરવ્યુમા પાસ થાય એના મા-બાપને વાંદરા પકડવાની કમિટીના ચેરમેન પણ બનાવી શકાય. એમ કરતાં પણ આવી ઘટનાઓ રોકી શકાતી હોય તો કરી જોવું જોઈએ એવું અમારું માનવું છે. n

No comments:

Post a Comment