Sunday, July 27, 2014

પાંખોવાળા મંકોડાની ડાયરી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૭-૦૭-૨૦૧૪ | અધીર અમદાવાદી |

અમારામાં એક ક્ત્તુ કરીને આઇટમ છે. એનું મગજ થોડું ઓવરસાઈઝડ છે. એ ભારે જાણકાર છે અને પાછું યાદ પણ રહે છે. મને એટલું બધું યાદ નથી રહેતું. એણે ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતું કે અમે વરસાદ સમયે વધુ એક્ટીવ થઈએ છીએ. તો ઘણાં સ્ટ્રીટલાઈટ નીચે સમાધિગ્રસ્ત થઈ જાય છે. આ તો સારું છે કે અમે ગુજરાત અને અમદાવાદ જેવા પ્રોગ્રેસીવ સિટીમાં છીએ નહીંતર ઉત્તરભારતમાં હોત તો ફાનસ ને મીણબત્તી પણ જોવા ન પામત. આ પણ ક્ત્તુ એ જ કહ્યું હતું.

આજે સવારે ચારે બાજુ પુર આવ્યું હોય એવું લાગતું હતું. ઉપર આકાશમાંથી ચાર-પાંચ ખાંડના દાણા ભેગા કરો એટલી સાઈઝના મોટ્ટા મોટ્ટા ટીપાં પડતાં હતાં. અમારી આખી જમાત થોડીક ગભરાયેલી હતી. મારા મોટાભાગના જાતભાઈઓ કુંડાની બાહર પ્રોજેક્ટ થતી ધારનાં નીચેની તરફ લટકેલા હતાં. અમુક બેવકૂફો કુંડાની નીચે ઘુસેલા હતાં. પણ કુંડામાંથી વરસાદનું પાણી છલકાય એમાં કેટલાય તણાઈ જતાં હતાં. અમુક તો કુંડાના તળિયામાંથી કાદવવાળું પાણી નીકળતું એમાં ચોંટી જતાં હતાં. જે તણાઈ જાય એનાં વિષે અમને ફરી સાંભળવા મળતું નહોતું.

જેમ જેમ જેની જેની પાંખો આવે એમ ફ્લાઈટ લઈને અજવાળા તરફ ઉડવા લાગે એ અમારી ખાસિયત. મને હજુ પાંખ ઉગુ ઉગુ થતી હતી. એવું મને અંદરથી લાગતું હતું. મારા સમુ અંકલની લીડરશીપમાં શરૂઆતમાં એક જૂથ ગ્રાઉંડફ્લોરનાં ફ્લેટમાં ઘુસ્યું હતું એવા લેટેસ્ટ સમાચાર અને એ સમાચારની પૂર્તિ રૂપે એ ફ્લેટમાંથી કોઈ બેબાકળી સ્ત્રીની ચીસો સંભળાઈ રહી હતી. ધડાધડ બારીઓ બંધ કરવાના અવાજ આવી રહ્યા હતાં. અમે આગળ જનારને ચેતવ્યા હતાં કે બધાને પાંખો ફૂટે એની રાહ જુઓ તો સારું. પણ મારા સેકન્ડ કઝીન વત્તુને ઉતાવળ હતી. કારણ કે સીત્તીને પાંખો આવી ચુકી હતી અને એ સમુ અંકલના જૂથમાં ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટની બાલ્કની સુધી પહોંચી ચુકી હતી. વત્તુને રોકવો એ ખાંડની ફેક્ટરીમાં મંકોડાને મોંઢું બંધ રાખવાનું કહેવા જેવું કામ હતું. હવે ગ્રાઉન્ડ ફ્લોર અમારા માટે બંધ થઈ ચુક્યો હતો. એટલે અમારે પાંખો આવે ત્યારે પહેલાં માળ જવાનું નક્કી થયું હતું.

- અને મને પાંખો ફૂટી! બાયોલોજીકલી શું થતું હશે તે રામ જાણે, પણ પડખામાં ગલીપચી થતું હોય એવું મને લાગ્યું. ને ધીમેધીમે પાંખો પ્રગટ થઈ. પાંખો આવવાની રાહ જોઈને બેઠેલા મારા કેટલાક જાતભાઈઓ મને ઈર્ષ્યાથી જોઈ રહ્યા. જેમને પહેલેથી પાંખો આવી ચુકી હતી એ પહેલાં માળનું જૂથ તૈયાર થાય તેની રાહ જોતું હતું. કેટલાક ઉતાવળિયા અને નિરાશાવાદીઓ ફ્લેટમાં ઘુસવા નહિ મળે એમ માની સ્ટ્રીટલાઈટ તરફ જવા લાગ્યા હતાં. મને તો પહેલેથી જ બીજાં માળે ફ્લેટમાં જવાની તમન્ના હતી, પણ પહેલાં માળ સુધી જવાય તો પણ જીવન ધન્ય છે એવું મને લાગતું હતું. કારણ કે પાંખો વગર ચોવીસ પગથિયા ચઢી અથવા તો પાણીની પાઈપલાઈન મારફતે બાથરૂમના રસ્તે ઘરમાં ઘૂસવું અમારામાં ઘણું અઘરું ગણાતું હતું. હા, અમારામાંનાં બે-ચાર જણ પાંખો આવતાં પૂર્વે લીફ્ટમાં ઘુસવામાં સફળ થયા હતાં પણ છેલ્લા માળ સુધી પહોંચી બે જણા ઉતરવા જતાં છેક અંધારિયા ભોંયરા સુધી લીફ્ટ લીધાં વગર ક્રેશ-લેન્ડ થયા હતાં. બીજાં બે જણા ઉતરી ન શક્યા તે હજુયે લીફ્ટમાં અપ-ડાઉન કરે છે, એવા સમાચાર જાણવા મળ્યા છે.

મને પાંખો ફૂટી એટલે મેં પાંખો હલાવવાનો પ્રયત્ન કર્યો. આ મંકોડાસહજ ચેષ્ટા છે. એનાથી હું ઉપરની તરફ ઉડ્યો. થોડીવાર પ્રયત્ન કરવાથી મને ધારી દિશામાં ઉડવાની ફાવટ આવી ગઈ. અમારું જૂથ તૈયાર હતું, ચોથી બેચમાં અમે દોઢસો-બસો જણા થતાં હતાં. બસ, અમારા મીથાકાકાની સરદારીમાં અમે ઉપરની બાલ્કની કે જેમાંથી પ્રકાશ આવતો હતો એ તરફ પ્રયાણ શરુ કર્યું. ઉપર અમને ડરાવવા માટે મોટી સિસોટીઓ વાગતી હતી. જોકે ચાર સીસોટી પછી અંદરથી કોઈ સ્ત્રીનો ‘હની ગેસ બંધ કર’ એવો અવાજ સંભળાયો. એ પછી સીસોટી સિસકારામાં ફેરવાઈ ગઈ. ઉપર પહોંચ્યા પછી મીથાકાકાએ કહ્યું ત્યારે અમને ખબર પડી કે આ કિચન છે. દોઢસોમાંથી અમે સિત્તેર-એંશી જણા ઉપર પહોંચ્યા હોઈશું. કિચનનું બારણું અમને આવકારવા ખુલ્લું હતું.

બાલ્કનીની લાઈટ અમને લલચાવી રહી હતી. પણ ત્યાં ગરોળી નામનું એક વિકરાળ પ્રાણી દીવાલ ઉપર આંટા મારતું હતું. આટલું મોટું પ્રાણી અમારા અમુક સાથીઓને ન દેખાયું અને બલ્બની લાઈટના મોહમાં એ ઉડ્યા અને ગરોળીનો કોળિયો બની ગયા. મીથાકાકાએ અમને દરવાજામાંથી અંદર ઘુસવા સુચના આપી. અંદર જતાં જ અમારામાંથી દસબાર જણા ગેસ નામના ઉપકરણની બ્લ્યુ ફ્લેમ તરફ તો પાંચ દસ માટલાની પાછળ ઠંડકમાં ભરાઈ ગયા. અમે ઉડતાં ઉડતાં એક વિશાળ રૂમમાં પહોંચી ગયા. ત્યાં અમે ટ્યુબલાઈટ પાસે અગાઉની બેચમાં આવેલ એક-બે જણને ઉડાઉડ કરતાં જોયા. અહા, જો પૃથ્વી પર કોઈ સ્વર્ગ હોય તો એ અહીં જ છે. રૂમમાં ટીવી ચાલુ હતો અને એક માણસ ચડ્ઢી અને ટી-શર્ટ પહેરીને ટીવી ઉપર મેચ જોતો હતો, એ અમારી ગતિવિધિઓથી બેખબર અને બેફીકર હતો. અમે ટીવીની ફ્લેટ પેનલની બદલાતી લાઈટસને અથડાઈને પાવન થઈ આવ્યા. આ ઉડાઉડમાં અમુક મહાવિનાશક પંખામાં અથડાઈને ફેંકાઇ ગયા.

પણ ત્યાં અચાનક અંદરનું બારણું ખુલવાનો અવાજ આવ્યો. પવનનો સુસવાટો રૂમમાં ફેલાઈ ગયો. કોઈ રૂમમાં આવ્યું અને થોડા સમય પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર પર થઈ હતી તેવી જ ચીસાચીસ સંભળાઈ. અમને સમજ ન પડી, પણ થયું એવું હતું કે આવનાર સ્ત્રીના હાથમાં મોબાઈલની લાઈટ જોઈ અમારા ચાર-પાંચ સાથીઓ ત્રાટક્યા હતાં. એમાં નિશાનચૂક થતાં સ્ત્રીના ગળામાં અને અન્ય અંગો ઉપર અમુક અથડાયા હતાં. અમે તો ટ્યુબલાઈટની આસપાસ ઉડતાં રહી મગજને તર કરવાનું ચાલુ રાખ્યું હતું. પણ સ્ત્રી ટીવી જોતાં પુરુષને ‘શું ભૂંડની જેમ પડ્યો છે, આ જીવડા ઘુસ્યા દેખાતાં નથી? લાઈટ બંધ કર, અને બહાર કાઢ’. એવું બોલી. બસ, પછી કિચનની બાલ્કનીને બાદ કરતાં ઘરની બધી લાઈટ બંધ થઈ ગઈ. અમે ઇન્સ્ટીન્ક્ટીવલી બાલ્કની તરફ ઉડ્યા. ઉડતાં ઉડતાં ઘરની બહાર નીકળી હું નજીકનાં સ્ટ્રીટલાઈટ પોલ તરફ પહોંચી ગયો. ત્યાં અમારા જાત ભાઈઓ મને આશ્ચર્ય અને અહોભાવથી જોઈ રહ્યાં. પછી તો એમને મેં ટીવી અને ગેસની બ્લ્યુ ફ્લેમની વાત કરી. બસ એ વાતો કરતાં કરતાં ક્યારે મારી પાંખો ખરી પડી એ ખબર ન પડી. હવે જમીન પર પટકાઈ આ ડાયરી લખી રહ્યો છું. આગળ શું થશે એ ખબર નથી, પણ મારું જીવન ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે ! 




1 comment:

  1. હાહાહાહ ખૂબ જ સરસ અને દુખદ !! પણ સંઘર્ષ માય જીવન રહ્યું છે આ પાંખું વાળા માકોડા નું !!

    ReplyDelete