Sunday, March 01, 2015

પોલીટીક્સમાં વસ્ત્રો અને વસ્ત્રોમાં પોલીટીક્સ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૩-૨૦૧૫ | અધીર અમદાવાદી |

હમણાં અમે શિયાળું વસ્ત્રો વિષે લખ્યું એમાં મફલર અને સુટનો સમાવેશ ન કરવા બદલ અમને મિત્રોએ ટપાર્યા હતાં એટલે આજે કેટલાંક પોલીટીકલ વસ્ત્રો વિષે વાત કરીએ. આજકાલ પોલીટીક્સમાં વસ્ત્રોનો મહિમા વધી ગયો છે જયારે વસ્ત્રોમાં પોલીટીક્સ ઘૂસી ગયું છે. સુટ અને મફલર એનાં અનુક્રમે મોંઘા અને સફળ ઉદાહરણ છે. પોલીટીક્સમાં વસ્ત્રોનું મહત્વ ન જ હોવું જોઈએ, અને એટલે જ કદાચ વર્ષો પહેલાં ખાદીને રાજકારણીઓનાં વસ્ત્ર તરીકે અપનાવવામાં આવી હશે.

ખાદીના પ્રણેતા અને પ્રોત્સાહક એવા ગાંધીજી માટે વિન્સ્ટન ચર્ચિલે ‘હાફ
Source: Wikiquote
નેકેડ ફકીર’ જેવો નિમ્ન શબ્દપ્રયોગ કર્યો હતો. જોકે બાપુને ફકીર અને અર્ધનગ્ન ગણાવામાં આવે એ ગમ્યું હતું. કારણ કે ફકીર હોવું અને નગ્ન, બેઉ અઘરી વાત છે. આજકાલ ફાઈવસ્ટાર ફકીર જોવા મળે છે. અને પોલીટીક્સ ટોપ ટુ બોટમ નાગા લોકોથી ભરેલું છે. જોકે ગાંધીજી પૂર્વાર્ધમાં ઈંગ્લેન્ડ હતાં ત્યારે શરૂઆતમાં ત્યાંનો પહેરવેશ અપનાવ્યો હતો, ત્યાં સુધી કે એમણે ૧૯ શિલિંગ ની હેટ (અત્યારના ૪૦,૦૦૦ રૂપિયા !) અને ૧૦ પાઉન્ડનો ઇવનિંગ સુટ (અત્યારના આશરે સાડા ત્રણ લાખ રૂપિયા !) ખરીદ્યા હતા. હમમમ.... થઈ ગયું ને મ્હોં પહોળું? પછી આફ્રિકા ગયા ત્યાં વેસ્ટર્ન કપડાં પહેરતાં હોવાં છતાં, અને ફર્સ્ટ ક્લાસની ટીકીટ હોવાં છતાં ટ્રેઈનમાંથી ધક્કો મારવામાં આવ્યો અને બાપુ સાઉથ આફ્રિકાથી ઇન્ડિયા અને સુટમાંથી પોતડી પર આવી ગયા ! પણ રાજકારણનું હવે કોર્પોરેટાઈઝેશન થઈ ગયું છે. એટલે સુધી કે અમુક ચીફ મીનીસ્ટરર્સ પોતાને હવે સીઈઓ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. રાજકારણીઓ હવે લેંઘા-ઝભ્ભાને બદલે સુટ-પેન્ટમાં ચમકવા લાગ્યાં છે.


સુટ : બજારમાં હજાર રૂપિયામાં નવા નક્કોરથી માંડીને ૪.૩૧ કરોડ રૂપિયામાં સેકન્ડ-હેન્ડ સુટ મળે છે. પોતાનું નામ લખેલા ફેબ્રિકવાળો સુટ દસ લાખમાં તો બીજાના નામ લખેલો સુટ કરોડોમાં ખરીદી શકાય છે. જોકે આમ ખાલી અમુક નામ લખવાથી કિંમત આટલી વધી જાય એ એમ ધારી કોઈએ વિઝીટીંગ કાર્ડ લઈ દરજીને ત્યાં ખોટી દોડાદોડી કરવી નહી. પારસમણીનો સ્પર્શ લોખંડને સોનામાં ફેરવી શકે છે. સુટની કિંમત લાખોમાં હતી, જે પહેરનારને કારણે કરોડો થઈ. આ કરોડોના સુટનું સુરત શહેરમાં ફૂલેકું ફેરવવામાં આવ્યું હતું. જૂની હિન્દી ફિલ્મોમાં હીરો સુટ પહેરીને બગીચામાં ગીતો ગાતાં, જોકે હવે હિન્દી ફિલ્મો વધારે રીઆલીસ્ટીક થતી જાય છે અને પોલીટીક્સ અન-રીઆલીસ્ટીક.

મફલર: લક્ષ્મણનો કોમનમેન ધોતિયું પહેરતો. આમ આદમી અરવિંદ કેજરીવાલ પેન્ટ-શર્ટ અને મફલર પહેરે છે. મફલર અરવિંદ કેજરીવાલનું બ્રાન્ડ એમ્બેસેડર છે. કેજરીવાલ વિનાનું મફલર અને મફલર વિનાના કેજરીવાલ વિચારી શકાય એમ નથી. ઉનાળામાં કેજરીવાલ શું કરશે તે અંગે ટીવી ચેનલો સંશોધન કરી રહી છે. એકેના મફલરનો રંગ ડાર્ક બ્લ્યુ છે. ડાર્ક કલરમાં જલ્દી ડાઘ પડતાં નથી તે સ્વચ્છતાનાં મુદ્દે રાજકારણમાં પોતાનો પગ જમાવનાર એકે માટે યોગ્ય છે. એકે પાસે એક જ રંગનું એક મફલર છે કે એક કરતાં વધારે એ બાબતે હજુ કોઈએ ખણખોદ નથી કરી. જો એક જ હોય, તો હાઈજીનનાં મુદ્દે મફલરની તપાસ થવી જોઈએ. વાંરવાર બિમાર થઈ જતાં કેજરીવાલની બીમારીનો રાઝ કદાચ મફલરમાં મળી આવે ! આ મફલર સુટ જેટલું જ ફેમસ છે, છતાં હજુ સુધી એની હરાજી માટે કોઈ આગળ નથી આવ્યું એટલું સારું છે. દિલ્હી ઇલેક્શનમાં કહેવતો ભાગ ભજવનાર સુટ તો થાળે પડી ગયો, હવે મફલરને પણ મ્યુઝિયમ ભેગું કરવું જોઈએ તેવી માંગ સોશિયલ મીડિયામાં ઉઠી છે.

ખેસ : ખેસ ઉપવસ્ત્ર છે. એ હોય કે ન હોય ખાસ ફેર નથી પડતો. અમુક કલરના ખેસ નાખેલા સમુહમાં અલગ તરી આવે છે. ખેસ શક્તિ પ્રદર્શનમાં વપરાય છે. નીચે કંઈ પણ પહેર્યું હોય, ખેસ આસાનીથી ઉપર ઓઢી શકાય છે. આજકાલ જે આસાનીથી દિગ્ગજ નેતાઓ પાર્ટી બદલે છે એ જોતાં ખેસ એ યોગ્ય ચોઈસ છે. તિલક કરી ખેસ નાખી કોઈની પણ ઘર વાપસી અથવા ગૃહ પ્રવેશ કરાવી શકાય છે. આવા નિર્ણયો સમજી વિચારીને ગણતરી પૂર્વક ઠંડા કલેજે લેવાતાં હોઈ એને શુરવીરતાનાં પર્યાય એવા ‘કેસરિયા કરવા’ સાથે સરખાવી શકાય નહી.

ધોતી અને સાડી : દિલ્હીમાં રાજકારણીઓ પેન્ટ-શર્ટ અને ૪-૫ કરોડનાં સુટ સુધી પહોંચી ગયા છે, પણ સાઉથમાં હજુ પણ ધોતી અને સાડીનું ચલણ છે. અભિનેત્રીમાંથી સીએમ સુધી પહોંચેલા જયલલિતાનાં વોર્ડરોબમાંની સાડીઓ અને સેન્ડલની કિંમત વગર હરાજી કર્યે કરોડોની થાય. સાઉથમાં ધોતી અને સાડીનું પહેરવા જેટલું જ મહત્વ વહેંચવાનું છે. આ વર્ષે તામિલનાડુમાં પોંગલ નિમિત્તે ૪૮૬ કરોડ રૂપિયાની ધોતી-સાડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પણ અહીં થોડાં સમય પહેલાં ક્રિકેટ સ્ટેડિયમમાં એક જજને ધોતી પહેરીને એન્ટ્રી ન અપાતાં હવે ધોતીને નવા ધોતી બિલ હેઠળ ‘આવરી લેવામાં આવી છે’. આ બિલ અનુસાર ધોતી પહેરેલી વ્યક્તિને મોલ-મલ્ટીપ્લેક્સ, કે અન્ય કોઈપણ જાહેર સ્થળ પર પ્રવેશતા રોકવો એ હવે કાનૂની અપરાધ છે અને એની સજા એક વર્ષની કેદ અને ૨૫,૦૦૦ જેટલો દંડ છે. જોકે રાજકારણી તરીકે ધોતિયું પહેરવું એ હિંમતનું કામ છે તે ગુજરાતના રાજકારણીઓ તો કમસેકમ જાણે જ છે.

ઝભ્ભા : પોલીટીકલ ઝભ્ભા લાંબી અને ટૂંકી બાંયના એમ બે પ્રકારના આવે છે. જેમ મોટાને ઉંદરડો અને નાની હોય એને ઉંદરડી કહેવામાં આવે છે, એમ લાંબાને કુર્તો અને ટૂંકાને કુર્તી કહેવામાં આવે છે. કુર્તી અડધી બાંયની હોય છે. ઘણાં લાંબી બાંયના ઝભ્ભા પહેરી પછી બાંયો ચડાવતા હોય છે. પણ લાંબા ઝભ્ભામાં ટૂંકી બાંયની ફેશન લાવવાનું શ્રેય તો આપણા પ્રધાનમંત્રીને આપવું જ રહ્યું. ગોલમાલના અમોલ પાલેકરની જેમ અહીં મહત્વ કાપડ બચાવવાનું નથી. ટૂંકી બાંય ગરમીમાં સારી પડે છે. એવું નરેન્દ્રભાઈએ એસી સ્ટુડિયોમાં બેસી આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, એ પછી બધાને ખબર પડી ! જોકે અડધી બાંયનો ઝભ્ભો પહેર્યો હોય તો કોઈની સામે બાંયો ચડાવી ન શકાય.

ટોપી: લેંઘો-ઝભ્ભો, ધોતિયું-ઝભ્ભો, અને હવે પેન્ટ-શર્ટ પર પણ ટોપી પહેરાય છે. પોલિસ પણ ટોપી પહેરે છે પણ રાજકારણીઓ અને ટોપીનો સબંધ જુનો છે. પોલિસ અને રાજકારણીઓ વચ્ચે પણ જુનો સંબંધ છે - ઔપચારિક અને અનૌપચારિક. ટોપીઓ ધીરેધીરે વિલુપ્ત થતી જાય છે. જોકે અન્નાએ જીર્ણોધ્ધાર કરેલી ટોપી દિલ્હીમાં રાજ કરે છે. અન્ના પણ દિલ્હીના આંટાફેરા કરે છે. ખેસની જેમ ટોપી સિમ્બોલિક છે. એટલે જ ટોપી કરતાં ‘ટોપી કે નીચે ક્યા હૈ ...’ એ વધું અગત્યનું છે. ટોપીનાં હાઈજીન વિષે પણ સમાજ જોઈએ એટલો જાગૃત નથી, એટલે જ ટોપી સુંઘાડો કે ટોપી ભાષણ આપતી હોય તો લોકો બેભાન થઈ શકે છે!

લુંગી : લુંગી નોર્થ ઈન્ડીયન અને સાઉથ ઈન્ડીયન બે મુખ્ય પ્રકારની હોય છે. મીલીઝુલી સરકારમાં સાઉથ ઇન્ડિયન પોલીટીશીયનોનો ઘણો હિસ્સો રહ્યો છે. કેન્દ્રમાં નિરુપદ્રવી મનાતા આ પોલીટીશીયનોનું ખરું રૂપ પોતાનાં ક્ષેત્રમાં જોવા મળે છે. બીજાં પ્રદેશો કરતાં તેઓ લુંગી, ત્યાંના ટ્રેડીશનલ ડ્રેસને વધું વળગી રહ્યાં છે. પંજાબમાં લુંગી હવે ભાંગરા ડાન્સમાં જ બચી છે. લુંગી પહેરી થતાં ઘણાં અભદ્ર ડાન્સ સેન્સર બોર્ડે પાસ પણ કરી દીધાં છે. પણ આપણે એ બધી રંગીન લુંગીની વાત નથી કરવાની. આપણે સફેદ લુંગીની વાત કરવાની છે. સફેદ લુંગી પણ શક્તિ પ્રદર્શનમાં કામ આવે છે. લુંગી પણ જાતજાતના કાપડમાંથી બનતી હશે, પણ આપણે એ તરફ ઝાઝું ધ્યાન નથી આપ્યું. ખોટું શું કામ કહેવું ?

No comments:

Post a Comment