Sunday, March 15, 2015

રીમોટ કન્ટ્રોલની આત્મકથા

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૩-૨૦૧૫ | અધીર અમદાવાદી |
 
દેશનો કન્ટ્રોલ નેતાઓના હાથમાં છે. નેતાઓને ઉદ્યોગપતિઓ કન્ટ્રોલ કરે છે. ઉદ્યોગપતિઓને એમની પત્ની કંટ્રોલ કરે છે. જોકે પત્નીઓનો રીમોટ શોધાયો નથી એટલે એ કોઈના કન્ટ્રોલમાં નથી હોતી ! આજકાલ રીમોટ કન્ટ્રોલની બોલબાલા છે, અને જેના હાથમાં રીમોટ છે તે સર્વસત્તાધીશ છે. મજાની વાત એ છે કે સિત્તેર હજારના ટીવીને બસો રૂપિયાનો રીમોટ કન્ટ્રોલ કરતું હોય છે. આવામાં રીમોટ કુળમાં જનમવું એ ખરેખર ગર્વની વાત છે.

મારો જન્મ ચીનના હુઆંગ પ્રાંતમાં આવેલી કોઈ ફેકટરીમાં થયો હતો. પ્લાસ્ટિકનું બોડી, સર્કીટ તેમજ બીજા ભાગ ભેગા કરી મને બનાવવામાં આવ્યું હતું. ચીનમાં બધા પુરુષો અને સ્ત્રીઓ એકબીજા જેવા દેખાય છે, તો ત્યાં બનતી વસ્તુઓમાં ફેરફાર કઈ રીતે હોઈ શકે? મારા જેવા લાખો રીમોટ ભાઈઓનો એ ફેકટરીમાં જન્મ થયો હશે. આટલા બધા હોવાથી અમારું નામ પાડવું શક્ય ન હોઈ, અમે જે કંપનીનાં ટીવી સાથે વપરાઈએ એ કંપનીનું નામ અમારી ઉપર છાપવામાં આવ્યું. જોકે આવું નામ બધા ઉપર હોઈ અમને સીરીયલ નમ્બર પણ આપવામાં આવે છે. પેલું કહે છે ને કે ‘બરે બરે દેશોમેં ...’ આટલી તકલીફ તો રહેવાની જ.

મારા જન્મ પછી પ્લાસ્ટીકમાં વીંટી અમને કોઈ અન્ય ફેકટરીમાં મોકલવામાં આવ્યા હતા. નવી ફેકટરીમાં અમને એક બીજા બોક્સમાં મુકવામાં આવ્યા. પછી તો અમે ચીનથી ઇન્ડિયા અને ત્યાંથી ફરતા ફરતા અમદાવાદના કોઈ ગોડાઉનમાં પહોંચ્યા. ત્યાં બે ત્રણ મહિના પડ્યા હોઈશું ત્યાં મજુરોને વાત કરતા સાંભળ્યા કે વર્લ્ડ કપ આવે છે એટલે ટીવી વેચાશે. અમને અજવાળું જોવાની આશા બંધાઈ. આખરે એ દિવસ આવ્યો. અમને એક ખખડેલી લોડીંગ રીક્ષામાં નાખવામાં આવ્યા. એ રીક્ષા પણ અજીબ હતી. દરેક ચાર રસ્તે એ ઉભી રહી જતી. પછી ડ્રાઈવર વક્તાજી પોલીસવાળા સાથે દુર જઈને વાત કરે એટલે પાછી બીજા ચાર રસ્તા સુધી ચાલતી. આમ કરતા કરતા ત્રણ કલાકે અમે કોક જીતેશભાઈના ઘેર પહોંચ્યા.

ખોખું ઉતારી, પાણી પી, ભાડું લઇ, વકતાજી જતાં રહ્યા. ઘરમાં દોડધામ
મચી ગઈ. સૌથી વધુ ખુશ રાહુલ હતો. એણે ટીવીનું બોક્સ ખોલીને પાવર સપ્લાય ચાલુ કરી દીધો. મારા ખાનામાં બે સેલ પણ નાખ્યા. મારામાં જીવ આવ્યો. જોકે રાહુલની મમ્મી રેખાને આ બધું ખાસ ગમ્યું હોય એવું લાગ્યું નહિ અને એ રાહુલને ધમકાવવા લાગ્યા. એટલામાં રીચા આવી. રાહુલની બેન. એને પણ રાહુલનો ઉત્સાહ ગમ્યો હોય એવું લાગ્યું નહિ. આમેય કેબલ જોડ્યા વગર કશું આવતું નહોતું અને હતપતીયો રાહુલ અત્યારથી સેલ ખલાસ કરવા મચ્યો હતો. પણ ત્યાં ટેકનીશીયન આવ્યો અને સેટિંગ કરી ગયો.

સાંજે જીતેશભાઈ આવ્યા. એ બહુ ચીકણા માણસ લાગ્યા. એક કલાક સુધી તો એમણે મેન્યુઅલ વાંચ્યા કર્યું. રાહુલ અને રીચા ટ્યુશન ગયા હશે એટલે શાંતિ હતી. પણ એ શાંતિ ક્ષણભંગુર હતી. એ રાત્રે મને ટેબલ પર મુકવામાં આવ્યો ત્યાં સુધીમાં રાહુલ, રીચા, જીતેશભાઈ અને રેખાબેન સૌએ વારાફરતી મારા બટન દબાવીને ચેક કર્યા. જોકે જીતેશભાઈ ચોપડીમાં જોઇને બધું કરતા હતા એટલે જરૂર વગરના બટન એ દબાવતા નહિ. મફતમાં હોય છે એટલે જરૂર વગર બટન દબાવવાનો આપણો રાષ્ટ્રીય રોગ છે. લીફ્ટની રાહ જોતાં હોવ તો ધ્યાનથી જોજો. લીફ્ટનું બટન દબાવવા દર વખતે ક્રેડીટકાર્ડ ઘસવું પડે તો કેટલાય લોકો દાદરા ચઢીને ઓફીસ જતાં થઇ જાય !

પહેલા જ દિવસે એકબીજાના હાથમાંથી મને ઝૂંટવવાનું શરુ થઇ ગયું. આવી ખેંચાખેંચમાં એકવાર રીચાનો મોબાઈલ રણક્યો, અને એ ઉપાડવા જતાં એણે મારો ત્યાગ કર્યો. આમ તો ટેકનીકલી એ મને ટેબલ પર મુકવા ગઈ, તકલીફ એટલી જ હતી કે જ્યાં એણે મને છોડ્યો ત્યાંથી ટેબલની ધાર માત્ર ત્રણ ઇંચ દૂર હતી. પણ હું ન્યુટનનાં ગુરુત્વાકર્ષણનાં નિયમને અવગણી શકું નહિ. આમ મારી જિંદગીમાં પ્રથમ વખત હું ભૂમિસાત થયો. તરત જ રેખાબેને રિચાને મારા પાડવા બાબતે નહિ, પરંતુ મોબાઈલ બાબતે કૈંક લાંબુ લેકચર આપ્યું. રાહુલે મને ઉઠાવી મારામાં ક્રેક પડી નથી તે ચેક કર્યું. જોકે ક્રેક ન જોઈ એ થોડો નિરાશ થયો હોય એવું લાગ્યું. કદાચ રીચા સાથે એને ૩૬ નો આંકડો હતો.

બીજો દિવસ ચોકલેટ ડે હતો. પહેલા રાહુલના હાથમાં ચોકલેટ આવી, એ પછી મારા ઉપર ચોંટી. જોકે મને ગળ્યું ભાવતું નથી. પણ આ તો માત્ર શરૂઆત હતી. જોતજોતામાં મારા બોડી ઉપર મેગી, ચવાણું, સૂપ, દાળ, ચા, પરસેવો, લેંટ વગેરેનો ભોગ ચઢવા લાગ્યો. ક્યારેક રસોઈ શો જોતા જોતા રેખાબેન જાતજાતની ગ્રેવી અને સોસ પણ મને લગાડતા હતા. જોકે આ બધું ઉપરથી જ હતું. એકવાર નાસ્તો કરીને હાથ ધોવા જતાં રાહુલના હાથમાંથી છટકીને હું સિન્કમાં પડ્યો. પાણી સર્કીટ સુધી પહોંચતા રહી ગયું. પણ રાહુલે તરત જ એની ચડ્ડીથી મને લુછી નાખ્યો. પાછો ટીવી પાસે જઈ એણે હું ચાલુ છું કે નહિ તે પણ ચેક કરી લીધું. એકવાત મેં જોઈ, બધા મારો દુરુપયોગ ભલે કરતા હોય પણ હું ચાલુ રહું તે સહુ ઈચ્છતા હતા.

જીતેશભાઈની ઈચ્છા તો મારા ઉપર પ્લાસ્ટિક ચડાવવાની હતી. પણ ઘરના બધાએ સખ્ત વિરોધ કર્યો. પાછું ચારેયના ટેસ્ટ જુદા હતા. એટલે અંદર અંદર ટીવી પર શું જોવું એના માટે ઝઘડા થયા કરતા હતા. રીચાને રેખાબેને એકવાર કંઇક કહ્યું હશે તો એ સોફામાં મારો છુટ્ટો ઘા કરીને સ્ટડી રૂમમાં ઘુસી ગઈ. સોફાનાં ડનલપે એનો ગુણ બતાવતા હું ઉછળીને નીચે પડ્યો. મારું સેલ મુકવાનું ઢાંકણું ઉડીને ખૂણામાં જઈ પડ્યું. જે સાવરણીની મદદથી સોફા નીચેથી બહાર કાઢવામાં આવ્યું. જોકે ચાઇનીઝ મેન્યુફેક્ચરર જો એમ ક્વોલીટી પ્રોડક્ટ આપે તો એમનો માલ એક જ વાર ન વેચાય? સોફાની નીચેથી ઢાંકણું નીકળ્યું પણ એની ઠેસી ઉડીને બીજા ખૂણામાં ગઈ, જે બપોરે કચરામાં વળાઈ પણ ગઈ. રેખાબેન તો બિચારા ‘આ ઢાંકણું ખબર નહિ કેમ બંધ નથી થતું’ એવું પૂછતાં રહ્યા. છેક સાંજે ફાંદ નડતી હોવા છતાં જીતેશભાઈએ સોફાની નીચે ખૂણેખૂણામાં મોબાઈલની લાઈટ મારી મારીને ઠેસીની શોધખોળ ચાલુ કરી. પણ એમને હું કહી શકું તેમ નહોતો કે ઠેસી તો ગઈ !

આ તો પછી રોજનું થયું. જીતેશભાઈ સિવાય સૌ મને ફેંકાફેંક કરતા. રેખાબેન રસોઈ કરીને આવે એટલે ગરમીથી કંટાળેલા હોય અને ખણ આવે તો મને બરડામાં ખણવા માટે પણ ઉપયોગ કરી લેતાં. એમાં પડવાથી મારા બોડીનો ઉપરની તરફનો જોઈન્ટ એક ખૂણામાંથી થોડોક ઉંચો થઇ ગયો હોય એ ભાગનો ઉપયોગ ખાણવા હેતુ કરવામાં એમની માસ્ટરી આવી ગઈ હતી. એ ભાગમાંથી પરસેવો સર્કીટ તરફ ઘુસવા પ્રયત્ન પણ કરતો હતો. જોકે પરસેવાનાં મીઠાથી શોર્ટસર્કીટ થાય તે પહેલા, બે મહિનાનાં ટૂંકા ગાળામાં, ભારે વપરાશથી સેલ જ પુરા થવા આવ્યા. દુનિયામાં ઘણી શોધ થઇ હશે પણ સેલ હવે વાપરવા લાયક રહ્યા છે કે નહિ તેવા ઈન્ડીકેટરવાળા સેલ સુલભ નથી. એટલે મારો ઉપયોગ કરી ટીવી ઓન ન થાય તો જાતકો ધીમેધીમે કરી ટીવીના સેન્સરથી ત્રણ ઇંચ સુધી પહોંચી જતા જોવા મળે છે. મારી સાથે પણ એમ થવા લાગ્યું. પછી મારી ધોલધપાટ ચાલુ થઇ. આમેય પાછળ ઠેસી હતી નહિ એટલે ત્યાં ટેપ મારી હતી, કોન્ટેક્ટ આમેય લુઝ હતા અને એમાં સેલ પુરા થયા. એટલે મારી ઉપર અત્યાચાર વધતો ગયો. હવે હું ચાહું તો પણ સહકાર આપી શકું એમ નહોતો.

એકંદરે જીતેશભાઈએ ત્રણ મહિનામાં મને બેકાર જાહેર કરી દુકાનમાંથી મારો જાતભાઈ લઇ આવ્યા. મને જોઇને એ હસતો હતો. પછી મને પાછળની ગેલરીમાં એક પેટીમાં નાખવામાં આવ્યો. રેખાબેન મારા માટે ‘ભંગારમાં આપી દઉં ?’ એવું પૂછતાં હતા, પણ જીતેશભાઈએ ‘સંઘર્યા સાપ પણ કામમાં આવે’ એવું કંઇક બોલીને મને ઘરમાંથી વિદાય ન આપવા દીધી. ત્યારનો હું બાલ્કનીમાં પડ્યો પડ્યો ધૂળ ખાઉં છું. સિત્તેર હજારના એ ટીવીને હવે કોઈ બીજો રીમોટ કન્ટ્રોલ કરે છે. n


No comments:

Post a Comment