Sunday, March 08, 2015

બુટ- ચંપલ સસ્તા થયા

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૩-૨૦૧૫ | અધીર અમદાવાદી |
એવું કહે છે કે સરકારી યોજનાઓનો લાભ તો હવે ઘર બેઠા ક્લિક કરવાથી મળે છે. બેંક અધિકારીઓ ફોર અ ચેન્જ ઘેર ખાતું ખોલવા આવે છે. પહેલા તો એકવાર ખાતું ખોલાવવું હોય તો ઓછામાં ઓછું ચાર-પાંચ વાર તો ધક્કા ખાવા જ પડતા. પહેલી વાર જાવ એટલે ફોર્મ મળે. બીજી વાર ફોર્મ આપવા જાવ ત્યારે ઝેરોક્સ હોય પણ ઓરીજીનલ ન હોય એટલે, ત્રીજી વાર ઓરીજીનલ હોય પણ ઝેરોક્સની ટ્રુ કોપી ન હોય એટલે, અને ઓરીજીનલ અને ટ્રુ કોપી બેઉ લઈને જાવ ત્યારે કહે ડ્રાઈવિંગ લાઈસન્સ નહિ ચાલે, આમાં ફોટો બરોબર નથી દેખાતો ! એમાં એક-બે વાર તો નિર્ધારિત સમય કરતા અડધો કલાક પહેલા સાહેબે સમય-સમાપ્તિની ઘોષણા કરી દીધી હોય! પણ આપણો મૂળ મુદ્દો બજેટમાં બુટ-ચંપલ સસ્તા થયા નો છે. જે પ્રજાના નસીબમાં ધક્કા લખાયેલા હોય તેમનું બુટ–ચંપલ સસ્તા થવાથી ખુશ થવું વાજબી છે.

ટાંટિયા ઘસવા એ આપણી પ્રજાની રાષ્ટ્રીય મજબૂરી છે. ખાલી સરકારી કામ માટે જ નહિ, ઉઘરાણીવાળા પણ ધક્કા ખાવા ટેવાયેલા હોય છે. ‘કોને આપ્યા અને તમે રહી ગયા’ એ વાક્યને જીવનમાં ઉતારીને તો ઘણાએ બંગલા બનાવ્યા હશે. બંગલા તો બનાવ્યા હશે, પણ સાથે કેટલીય બુટ-ચંપલ, ટેલીકોમ અને પેટ્રોલીયમ કંપનીઓનાં શેરોમાં તેજી લાવ્યા હશે. આ સિવાય પસ્તી-પેપર એવી બુમો પાડી લારી હાંકતા એસ.એમ.ઈ. પણ ટાંટિયા ઘસતાં જોવા મળે છે. પદયાત્રામાં ભાગ લેનારા પણ ટાંટિયા ઘસે છે પણ કોઈ વારંવાર પદયાત્રા નથી કરતું. પગપાળા સંઘ બુટ-ચંપલ કંપનીઓની બેલેન્સશીટમાં પ્રાણ ફૂંકે છે. ગાંધીજીની દાંડીયાત્રા વખતે રસ્તામાં કોઈ બુટ-ચંપલની કંપનીનાં બેનર લાગેલા હતા કે નહિ તે આપણને ખબર નથી. જોકે આ ટાંટિયા ઘસવાની વાતમાં ખરેખર ટાંટિયા નહિ, જૂતાં ઘસાય છે.

આપણે ત્યાં ફિલ્મી ગીતોમાં ચાલવાનો મહિમા ગવાયો છે. જેમ કે ‘જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ...’, ‘ફકીરા ચલ ચલા ચલ ...’ વગેરે. વાત બરોબર છે. એમના કહેવા પર ફકીરો ચાલી પણ નાખે, પણ ચાલવાથી જોડા ઘસાશે તો નવા જોડાના રૂપિયા ફકીરાને કોણ આપશે એનો ખુલાસો ગીતમાં ક્યાંય નથી આવતો. આપણને તો એવી સલાહ પણ આપવામાં આવે છે કે ‘ચાલીસ પછી ચાલીશ નહિ તો નહિ ચાલે’. જો કે અમને એ સૂત્ર ડોકટરોએ નહિ પણ કોઈ સ્પોર્ટ્સ શુઝ બનાવતી કંપનીએ આપ્યું હોય એવું વધુ લાગે છે. એ જે હોય તે પણ બુટ સસ્તા થવાથી બુટની પર કિલોમીટર કોસ્ટ ઘટશે એનાથી હાલી નીકળેલા ફકીરાઓને નાણાકીય ફાયદો થશે એ નક્કી છે, અને ચાલવાથી શરીર અને હ્રદય તંદુરસ્ત, અને બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ કાબુમાં રહેશે એ બોનસમાં. 

બેભાન વ્યક્તિને ભાનમાં લાવવા જોડા સુંઘાડવાનો નુસખો બહુપ્રચલિત છે. આમાં ટેલ્કમ પાવડર છાંટેલા બુટ ન ચાલે. એમાં તો જે પરસેવાયુક્ત મોજા કાયમ પહેરતું હોય એના બુટ ચાલે. બુટ-ચંપલ પોલીટીકલ સભાઓમાં પણ ઉછળતા હોય છે. પગમાં પહેરવા સિવાય મારવા માટે એનો ઉપયોગ થાય છે. પહેલાના જમાનામાં છોકરીઓ સાથે અભદ્ર વાત કરનારને છોકરી ખાલી આંખ નીચે કરી સેન્ડલ બતાવતી, અને કેટલાય મજનુઓ એવી છોકરીઓના વેઇટિંગ લીસ્ટમાંથી સ્વેચ્છાએ ખસી જવામાં સાર સમજતાં. હવે છોકરીઓ દોરીવાળા બુટ પહેરે છે એટલે મજનું લોગને ખબર છે કે બુટ ઉતારતા વાર થશે એટલે છૂટછાટ લે છે. પણ છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયામાં આવી હસ્તીઓની પટ્ટી પાડી તેમને સબક શીખવાડે છે. કોક કોક જગ્યાએ છોકરીઓએ ઢોલ-ધપાટ કર્યાના વિડીયો પણ જોવા મળે છે.

જોકે બુટ-ચંપલ સસ્તા થયા એટલું જ, બુટ-ચંપલ સંબંધિત અન્ય કોઈ પ્રોત્સાહક યોજનાઓ સરકારે જાહેર નથી કરી. અમારી માંગણી છે કે
સરકારે બુટ-ચંપલ એક્સચેન્જ યોજનાઓ જાહેર કરવી જોઈએ. જેમાં તમે જુના આપી નવા લઇ જઈ શકો. પૂરે દેશ કે બદલ ડાલો ! અમારા વતન મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર ખાસડા યુદ્ધ થાય છે. આવી પરમ્પરાને સરકારે બિરદાવવી જોઈએ અને એક્સચેન્જ યોજનામાં મળેલા બુટ-ચંપલ વિસનગરની પ્રજાને ખાસડાં યુદ્ધ માટે ફ્રી પુરા પાડવા જોઈએ. સ્પોર્ટ્સ શુઝ સંબંધિત બીજી એક સમસ્યા તમને ખબર હશે કે સ્પોર્ટ્સ શુઝ વેચતી મોટાભાગની મોટી કંપનીઓ દોરી નથી વેચતી, કદાચ એમનો એ આશય હશે કે દોરી ખરાબ થાય તો લોકો એ બુટ બદલી નાખવા જોઈએ. પણ આપણી પ્રજા જુના બુટના સોલ પેકિંગ તરીકે વાપરે એવી છે, એટલે સરકારે ઘેર ઘેર દોરી પહોંચતી કરવી જોઈએ. આ ઉપરાંત સરકારી ઓફિસ બહાર ફ્રી બુટ-ચંપલ નિદાન કેમ્પ તથા જરૂરિયાતવાળા કિસ્સામાં સ્ટ્રેન્ધનીંગ કેમ્પ પણ યોજી શકે.

સરકારી કચેરીમાં ધક્કો ખાઈ બહાર જતી વખતે નિરાશ માણસના બુટ-ચંપલનું નિરીક્ષણ અને નિદાન અતિ-આધુનિક, ભારતમાં પહેલીવાર હોય એવા કોમ્પ્યુટરાઈઝ્ડ મશીન દ્વારા કરી આપવામાં આવે તો કેવું? હા, કોમ્પુટરાઈઝ્ડ હોય તો જ ભાર પડે. મશીન ગમે તેટલું આધુનિક હોય, કોમ્પુટરાઈઝ્ડ ન હોય તો બધું નકામું. એવી જ રીતે ભારતમાં પહેલીવાર હોવું એ પણ ઉચ્ચતમ ટેકનોલોજીનું પ્રમાણ છે. જાહેરાતો વાંચીને અમે એ જ શીખ્યા છીએ. પછી ભલે એ જ છાપામાં બાજુબાજુમાં આવી અઢાર જાહેરાતો હોય ! તો કેમ્પમાં મશીન તમારા બુટનું એનાલિસીસ કરીને રીપોર્ટ આપે. કારના વ્હીલ બેલેન્સીંગમાં હોય છે એવો જ. સોલ કઈ તરફથી કેટલું ઘસાયેલું છે, મોજાને જમીન સાથે ટચ-ડાઉન થવામાં કેટલા મીમીનું અંતર છે, વગેરે બધું જ એ રીપોર્ટમાં હોય. એ પછી બુટ-ચંપલ મજબૂતીકરણ કાર્યક્રમ હેઠળ કોક મોટ્ટી કંપનીનાં કર્મચારીઓ તમારા ચંપલનાં ઉખડેલા સોલમાં સોલ્યુશન અને ઘસાયેલા તળિયા નીચે એક બીજું તળિયું ફીટ કરી આપે. પોલીશ તો એવી કરી આપે કે તમે બુટમાં જોઈ માથું ઓળી શકો.

આવા કેમ્પમાં નિરીક્ષણથી માંડીને રીપેર સુધીનું સઘળું કામ કર્મીઓ ગ્લવ્ઝ પહેરીને જ કરે. મોઢા ઉપર માસ્ક પણ પહેર્યું હોય, કેમ બુટમાં વાસ ન આવતી હોય? શહેરના રસ્તા ઉપર ફરીને દુનિયાભરનો કચરો, છાણ-પોદળા તળિયામાં ચોંટયા હોય. હવે તમે એમ કહેશો કે, આપણે મંગળ ઉપર પહોંચી ગયાને તમને પોદળાની પડી છે? ઉખાડી નાખવાનો ભાઈ.

કેમ્પમાં સૌથી છેલ્લે તમને નવા બુટ ખરીદવા લોનના ફોર્મ આપી ઇઝી ઈએમઆઈ ઓપ્શન રૂપાના ઘંટડી જેવા અવાજમાં કોક ટાઈ પહેરીને સમજાવે. આ માટે મળતી સરકારી સહાય તમારા જન ધન યોજના હેઠળ ખોલાયેલા ખાતામાં કઈ રીતે સીધી જમા થાય તે પણ સમજાવે. આવું ખાતું ન ખુલ્યું હોય તો બેન્કિંગનાં કેમ્પનું ટોકન તમને ત્યાં જ મળી જાય. ધક્કા ખાઈને નિરાશ થયેલા લોકોના જીવનમાં ખુશી ઉમેરવાના આ પ્રયાસો કેવા લાગ્યા?

No comments:

Post a Comment