Sunday, April 12, 2015

કોઈ કામ સહેલું નથી હોતું

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી |

રોજ સવારે મોબાઈલ થકી આપણા ઉપર પ્રેરણાદાયક મેસેજનો વરસાદ વરસે છે. એમાં તમે જરૂર વાંચ્યું હશે કે ‘કોઈ કામ છોટા નહિ હોતા’. સાચે જ, કોઈ કામ એટલું નાનું કે સહેલું નથી હોતું કે એ ખોટી રીતે ન કરી શકાય! ૨૦૦૬-૦૭માં અમેરિકા ભણવા ગયા ત્યારે પહેલું અઠવાડિયું અમારે અન્ય ગુજરાતી/હિન્દી છોકરાઓ સાથે એપાર્ટમેન્ટ શેર કરવાનો આવ્યો હતો. એમાં ખાવાનું બનાવવા બાબતે બધા અમારા જેવા શીખાઉ હતા. એમાં અમારો ગુજરાતી પાર્ટનર તો એટલો ડોબો હતો કે એને મેગી બનાવતા પણ નહોતી આવડતી. કોઈ વાર પાણી વધુ પડી જાય તો નુડલ સૂપ અને ઓછું પડે તો ખીચડી જેવી બની જતી. અમે કંટાળીને એને અન્ય કામ કરવાનું કહી કિચનથી દુર રહેવા મનાવી લીધો હતો.

બુટની દોરી બાંધવાની જ વાત લઇ લો. અમે પાંત્રીસ વરસના થયા ત્યાં સુધી ઠેબા ખાધા છે. ઘરેથી બુટની દોરી બાંધીને નીકળીએ પણ દિવસમાં ચાર-પાંચ વાર તો ફરી બાંધવી જ પડે. રોજ રોજ ફરી દોરી બાંધવાની આવે એટલે સ્વાભાવિક છે કે કંટાળો પણ આવે. એટલે જે દિવસે કસ્સીને બાંધીએ તે દિવસે ઘેર ગયા પછી ખોલતા અડધો કલાક થાય ! એમાં આપણે ત્યાં કેટલીય ઓફિસોમાં બુટ ઉતારીને જવું પડે છે, એટલે અમે અન્ય લાખો પુરુષોની જેમ દોરીવાળા બુટનાં મ્હોનો ત્યાગ કર્યો છે. આમ તો આમાં દોરીનો પણ વાંક કાઢી શકાય કે આવી તે કેવી દોરી બનાવતા હશે?

આવી જ આવડત ટાઈ બાંધવામાં જોઈએ. ટાઈ આપણને ઠંડા પ્રદેશમાં રહેતા અંગ્રેજોએ આપી છે. અમદાવાદના ગરમ અને મુંબઈના ભેજવાળા વાતાવરણમાં પણ એ પહેરવી પડે છે. મોટા-નાના સૌ ટાઈ પહેરે છે. સ્કુલમાં જતા બચ્ચાઓ પણ ટાઈ પહેરે છે. પણ બચ્ચાઓની ટાઈમાં ઈલાસ્ટીક હોઈ એમાં ગાંઠ બાંધવી નથી પડતી. અમીર ગરીબ સૌ ટાઈ પહેરે છે. રેસ્ટોરાંમાં દોઢસો રૂપિયા રોજ પર કામ કરતો વેઈટર અને ઘેર ઘેર જઈ કમિશનથી વસ્તુ વેચતો ફેરિયો પણ ટાઈ પહેરે છે. જોકે કોઈ કવિ કે ગુજરાતી કાર્યક્રમ સંચાલકને ટાઈની ગાંઠ બાંધતા આવડતું હોય તો એને ચન્દ્રક આપવો જોઈએ.

ટાઈની ગાંઠ બાંધવાનું સૈધાંતિક રીતે સાવ સહેલું છે. ટાઈનો પહોળો ભાગ ડાબી તરફ અને સાંકડો ભાગ ડુંટીથી થોડો ઉપરની તરફ રાખી શરુ કરવું. પહોળા છેડાને હવે સાંકડા છેડાની ઉપર જમણી તરફ લઇ જાવ. એ પછી એને પકડીને ગળામાં ગાળિયામાં નીચેની તરફથી સરકાવો અને જમણી તરફ ફેંકો. આ પછી પહોળા પટ્ટાને સાંકડા પટ્ટાની પાછળથી ડાબી તરફ લઇ જાવ. એ પછી એ પટ્ટાને ઉપર ઉઠાવી ગાળિયાના વચ્ચેના ભાગમાં મધ્યમાં ઝીંકો. હવે એ પટ્ટાને નીચેની તરફથી ડાબી બાજુ લઇ જાવ. હવે આગળની તરફથી આ પહોળા પટ્ટાને જમણી બાજુ સરકાવો. હવે એ છેડાને ગાળિયાની નીચેથી કાઢી ઉપરની તરફ લઇ જાવ અને અગાઉ બનાવેલ અધડુકી ગાંઠના વચ્ચેના ભાગમાંથી નીચેની તરફ સરકાવો. હવે ગાંઠને બરોબર કસી ઉપર તરફ સરકાવો. તમારી ટાઈ બંધાઈ ગઈ છે. છે ને સાવ સહેલું?

જો મેન્યુઅલમાં લખ્યા મુજબ કરવાથી તમને બધું આવડી જતું હોત તો જોઈતું તું જ શું? ઉપર ટાઈ બાંધવામાં સુચના પ્રમાણે કરવા જતા બે ત્રણ સ્ટેપ કર્યા પછી પ્રશ્ન થાય કે આમાં ડાબી તરફ એટલે આપણી ડાબી તરફ કે જોનારની ડાબી તરફ?

આટલું જ સહેલું રેસિપી પ્રમાણે ભોજન બનાવવાનું અને ચોપડીમાં સુચના વાંચીને યોગાસન કરવાનું છે. રેસિપી પ્રમાણે વ્યંજન બનાવવામાં સૌથી પહેલી તકલીફ રસોઈમાં નાખવાની ચીજ-વસ્તુને ગુજરાતીમાં શું કહે છે તે શોધવાનું છે. એ પછી બેવકૂફ રેસિપી લખનારે પાઉન્ડ અને ઔંસમાં વજન આપ્યા હોય એને સમજવાનું કામ આવે. એમાં હસબન્ડો ગુગલ કરવા ધંધે લાગે. "કરવા ગઈ કંસાર ને થઈ ગઈ થુલી" કહેવતમાંની બાઈ ચોક્કસ પાકશાસ્ત્ર વાંચીને જ રસોઈ કરવા બેઠી હશે. સમાજમાં વ્યાપક રીતે ચાલતાં રસોઈના પ્રયોગોના ભોગ બનેલ વ્યક્તિ તરીકે અમે એટલું ચોક્કસ કહીએ કે રેસિપીની મદદ વગર બનતી રસોઈ ઓછી કષ્ટદાયક હોય છે. પણ મહિલાઓનો શીખવાનો ઉત્સાહ !

યોગાસનમાં પણ આવા જ અનુભવ થાય છે. છાપામાં કે ચોપડી વાંચીને યોગાસન કરવામાં ફોટો કોક આસનનો જોતા હોઈએ અને આસન કરવાની રીત કોઈ અન્ય આસનની વાંચવામાં આવે એવું બને છે. એટલે જ ચોપડી વાંચીને યોગાસન કરતા હોવ તો મોબાઈલ હાથવગો રાખવો, કારણ કે ક્યાંક અવળી-સવળી આંટી ભરાઈ જાય તો કોઈને છોડાવવા માટે બોલાવી શકાય. ગુરુનું મહત્વ પણ એટલે જ ઓછું આંકવું ન જોઈએ. કારણ કે જાતે કરવામાં કોક વખત પોતાનાં ટાંટિયા પોતાના જ ગળામાં ફસાઈ જાય. પોલીટીક્સમાં તો આવું બહુ થતું હોય છે.

--

આપણે ત્યાં તો સ્વીમીંગ પુલ લક્ઝરી છે. સામાન્ય લોકોને ડોલ ભરીને પાણી નહાવા મળે તો રાજી રહે છે. એટલે જ ઉનાળામાં વોટરપાર્ક જાવ તો હૈયેહૈયું દળાય એટલી ભીડ જોવા મળે. એવામાં જે ત્રણ-ચાર કલાક મળે, એમાં આપણા ગુજ્જેશો સ્વીમીંગ શીખવા મથતા જોવા મળે. અમદાવાદ-મહેસાણા વિસ્તારમાં આવેલા વોટર પાર્કમાં આવા સંવાદ સાંભળવા મળે.


‘સુ મુકેસભઈ તમને તો સ્વીમીન આવડી જ્યુ...’

‘હોવઅ ઓમ તો ફાવ છ, શેલો મોં. ડીપમો હજુ હિંમત નઈ ચાલતી.’

‘તે શેલોમોં તઈણ ફૂટમોં ફાવ જ ક’

‘એ તો હવારનો મથું છું તારઅ આટલું સીખ્યો’

‘હારું કેવાય, માર તો બરયું મોથું પોણીમાં જાય એટલ ગુંગરામણ થાય છ’

‘એ તો હઉને થાય ... પણ મુતો હાથપગ ઝીન્ક્યે રાખું સુ’

‘હા એ તો બાજુવારા ભઈ તમને જોઈ ન કે’તા તા કે સ્વીમીન કર છ કે પોણી ઉલેચે છ એ ખબર નઈ પડતી મારી બેટી’

‘હા હા હા તમો બી સુ મજાક કરો છ’

--

કરવા બેસો ત્યારે કોઈ કામ અઘરું નથી હોતું, આવું ભલે બધાં કહેતા હોય પણ હકીકતમાં જેણે પચ્ચીસ વરસ રસોડામાં કાઢી નાખ્યા હોય એને કોફી કે છાશ બનાવતા નથી આવડતી હોતી. કવરને ગુંદર લગાડવાની આવડત ન હોય એવા લોકોને લીધે જ ગુંદરથી દસ ગણા ભાવની ગમ-સ્ટીક વેચાય છે. ઓફિસમાં દસ વર્ષનો અનુભવીને કાગળ ફાઈલ કરે એમાં સેન્ટરમાં હોલ પંચ કરવા શીખવાડવું પડે છે. કમનસીબે તમને વાયોલિન કે ભરત નાટ્યમ શીખવાડે એવા ક્લાસ ચાલતાં હોય છે, પણ બુટની દોરી બાંધતા શીખવાડે એવા ક્લાસ નથી હોતાં. આવું બધું આપણે આજુબાજુ જોઇને શીખીએ છીએ. પણ આપણી આસપાસ અનાડી લોકો જ હોય તો શીખીએ પણ શું? વાંક આપણો નથી! n

No comments:

Post a Comment