Sunday, April 26, 2015

હું ક્યાં લખું છું ? લખાઈ જાય છે...

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી|

અમારામાં જયારે ફિલસૂફ પ્રવેશે છે ત્યારે અમને ઘણીવાર વિચાર આવે છે કે ‘હું ક્યાં કંઈ લખું છું, આ તો લખાઈ જાય છે’. જેમ શરીર પર વાયરસનો હુમલો થાય ને શરીરની ઓટો ઈમ્યુન સીસ્ટમ જાગ્રત થઇ એનો જવાબ આપે, એવી જ કોઈ ઘટના બનતી હશે. ઘણા ગુજરાતી કવિ-લેખકોને આવું થતું હશે. આવું ન થતું હોય તો ખરાબ લખાઈ જાય એનો દોષ કોના પર ઢોળવો? જોકે ઘણાં કવિ-લેખકો ખરાબ લખતાં જ નથી એ અલગ વાત છે. એ પાછી અલગ વાત છે કે પોતે ખરાબ લખી જ ન શકે તે તેઓનો અંગત અભિપ્રાય હોય છે. આવા અંગત અભિપ્રાયો બદલી શકાતા નથી, કારણ કે આવા અભિપ્રાયો સાથે કેટલાય ઓલરેડી ગુજરી ગયા છે.

આસ્તિકો કહે છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. ગીતાના ભગવાન કહે છે કે अहं कृत्सन्स्य जगत: प्रभव: प्रलयस्तथा, અર્થાત જગતમાં જે ભૌતિક અને અધ્યાત્મિક છે, તે સર્વની ઉત્પત્તિ અને વિનાશનું કારણ હું છું. પાંદડાને હલાવવા ડાળી પર પક્ષી બેસે છે અથવા પવન આવે છે. પવન માટે બે જગ્યા વચ્ચે દબાણનો તફાવત જવાબદાર છે. આ તફાવત માટે તાપમાનનો તફાવત જવાબદાર છે. તાપમાન માટે સૂર્ય અને પૃથ્વીની સાપેક્ષ સ્થિતિ જવાબદાર છે. જે કોઈ સમયે અચલ હોય છે. ટૂંકમાં પાંદડું પોતાની મરજીથી હાલતું નથી. પક્ષી પણ ડાળી પર બેસે કે ઉડે તે માટે અન્ય પરિબળો જવાબદાર છે. જેમ કે કીડી ચટકો ભરે એટલે કબુતર ઉડે છે, એવું આપણે વાર્તામાં જોયું હતું. ટૂંકમાં આપણે કંઈ કરતા નથી, બધું આપમેળે થાય છે.

મુંબઈથી ટ્રેઈનમાં આવી તમે અમદાવાદ રેલ્વે સ્ટેશને ઉતરશો એટલે સાબિતી મળશે. તમારે રિક્ષાવાળાને બોલાવવા નથી પડતાં, આપમેળે આવી જાય છે. એ પણ એક કરતાં વધારે. તમારી પાસે અમુકથી વધારે સંપત્તિ થાય એટલે એક્સટોર્શનના ફોન આપોઆપ આવે છે. ધનસમ્પત્તિ વધે એની સાથે વજન પણ આપોઆપ વધે છે. એમાં ખોરાક ચાવીને ન ખાવામાં આવે તો ગેસ આપોઆપ બને છે. માણસ સફળ થાય એટલે એના ચમચા આપોઆપ ફૂટી નીકળે છે. રાતના ટુ-વ્હીલર લઈને નીકળો એટલે કૂતરા આપોઆપ તમારી પાછળ લાગુ પડી જાય છે. મેચ હોય એટલે સટ્ટો આપોઆપ થાય છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પણ આપોઆપ થાય છે, એના માટે નોંતરું આપવું નથી પડતું કે નથી ટેન્ડર મંગાવવા પડતાં.

અંગ્રેજીમાં જે વસ્તુ આપોઆપ થાય એના માટે ઓટોમેટીક અને ગુજરાતીમાં સ્વયંચાલિત શબ્દ વપરાય છે. હવે તો ડ્રાઈવર વગરની ઓટોમેટીક કાર આવવાની છે. આધુનિક વોશબેસિન સામે હાથ ધરો એટલે પાણી આપોઆપ ચાલુ થાય છે. રામનામ લખેલા પથ્થરો આપોઆપ પાણી પર તરવા લાગ્યા હતા. અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તામાં અલીબાબા ‘સીમ સીમ ખુલ જા’ બોલે એટલે ગુફાના દરવાજા ખુલી જતા હતા. એ ટેકનોલોજી હવે વધુ આધુનિક બની છે અને બાયોમેટ્રિક સ્કેનર્સ આવી ગયા છે. કશું પણ બોલ્યા વગર દરવાજાની હદમાં તમે આવો એટલે આપોઆપ ખુલે એવા દરવાજા પણ હોય છે. લીફ્ટમાં બેઠા એટલે કે ઉભા રહો પછી દરવાજો ઓટોમેટીક બંધ થાય છે. અમને ઓટોમેટીક દરવાજા બહુ ગમે છે. એ અમારી હાજરીની નોંધ લે છે. એનાથી અમને સન્માન મળતું હોય એવું લાગે છે. કારણ કે બંધ ટીકીટ બારી અને દરવાજાની બહાર અમે લાઈનમાં ઘણીવાર ઉભા રહ્યા છીએ.

મશીન્સથી ઘણાં કામ આપોઆપ થાય છે. અમેરિકામાં કપડા ધોવા માટે કોમ્યુનીટી વોશિંગ મશીનમાં ક્વાર્ટરના બે સિક્કા નાખવા પડે છે. એમાં આપણા આઠ આનાનાં સિક્કા ચાલે છે તેવું કોક ગુજરાતીએ શોધી કાઢ્યું છે. આમ ભારતીયો સંશોધનમાં પછાત છે તેવું ન કહી શકાય, પણ તેઓ વિદેશ જાય ત્યારે વધુ સંશોધન કરે છે તેવું કહી શકાય. આ ઉપરાંત ભારતમાં આઠ આનાની તંગી પાછળ આ કારણ પણ હોઈ શકે, આની પુષ્ટિ માટે ભારત પધારી પાછા અમેરિકા જતા એનઆરજીઓની બેગો તપાસી શકાય. બેંકમાં રૂપિયા ઉપાડવા ન જવું પડે તે માટે પચીસ હજાર જેટલા રૂપિયા મશીનમાંથી ઉપાડી શકાય તે હેતુથી ઠેરઠેર એટીએમ મશીન મુકેલા હોય છે. જોકે ઘણા કીમિયાગરોને આ ૨૫,૦૦૦ની મર્યાદા પસંદ ન હોવાથી મશીનમાંથી કાર્ડ દ્વારા રૂપિયા કાઢવાની અવેજીમાં આખું મશીન કાઢી જવાની પેરવી કરે છે.

જોકે નાસ્તિકો, વૈજ્ઞાનિકો અને બૌદ્ધિકો જેવા ‘કો’કારાંત લોકો આપમેળે થાય એ વાત માનશે નહિ. ન્યુટન કે જેણે આપણને સૌને અભ્યાસમાં બહુ કનડ્યા છે, એણે ગતિના નિયમમાં કહ્યું છે કે કોઈ પણ પદાર્થ બાહ્ય બળ લગાડ્યા સિવાય પોતાની પરિસ્થિતિ બદલતો નથી. આ વાતની તરફેણમાં એમ કહી શકાય કે સરકારી કચેરીઓમાં ફાઈલ ક્યાં આપમેળે ચાલે છે? રસ્તા ઉપર ખાડાં આપમેળે નહિ, કોન્ટ્રકટરોની બેદરકારીને કારણે પડે છે. છોકરાં ફેઈલ કેમ થાય છે? ક્યાં તો આપણી પરીક્ષા પદ્ધતિનો વાંક છે અથવા છોકરાની પોતાની બેદરકારી. ટીવી જોવાને કારણે પણ છોકરાં બગડે છે. સારી કે ખરાબ રસોઈ પાછળ રસોઈ બનાવનારનો મુડ જવાબદાર હોય છે. આ બધું સકારણ છે.

એટલે જ અમારું માનવું છે કે કશું આપમેળે થતું નથી, દરેક ઘટનાની પાછળ કોઈ પ્રેરકબળ હોય છે. અચાનક ફૂટી નીકળેલા દૂરના સગા સબંધીઓ પાછળ એક કરોડની લોટરી જવાબદાર હોય છે. નવરાત્રીમાં થતા ઈન્સ્ટન્ટ પ્રેમ પાછળ બેકલેસ ચોળી અને ભપકાદાર મેકઅપ કારણભૂત હોય છે. પત્નીમાં એકાએક આવેલા પ્રેમના ઉભરા માટે અક્ષય તૃતીયા નિમિત્તે આવેલ જ્વેલરીનાં સેલ જવાબદાર છે. જમરૂખના બકવાસ મુવીઝ 300 કરોડ રેવન્યુ કરી જાય તે માટે દિવાળી જેવા તહેવારોની ઘટતી જતી વેલ્યુ જવાબદાર છે. એટલે જ કોઈ કવિની કવિતાથી તમે ત્રાસ્યા હોવ તો એ માટે કવિને નહિ, કવિની પ્રેરણાને દોષ દેજો.

જોકે ઓટોમેશનના આ યુગમાં હવે મોબાઈલમાં ફોન નંબર સચવાય છે એટલે કોઈને પોતાનો મોબાઈલ નંબર પણ યાદ નથી હોતો. હવે કોઈને ૧૭ ગુણ્યા ૫ કરવા કેલ્કયુલેટર વાપરવું પડે છે, પહેલાના સમયમાં શાહુકારો આંગળાના વેઢે ગણીને પંચાણું જવાબ આપી દેતાં હતા. પત્નીની જન્મ તારીખ અને મેરેજ એનીવર્સરી યાદ રાખવા હવે મોબાઈલનો સહારો લેવો પડે છે. એમાં જો બેટરી ઉતરી જાય તો બીજા દિવસે સવારે તાયફો ચાલુ થાય છે. આમ જેમ જેમ બધું ઓટોમેટીક થતું જશે તેમ તેમ માણસ ડોબો થતો જશે. હેં? ઓલરેડી થઇ ગયો છે? n

No comments:

Post a Comment