Sunday, April 19, 2015

ગુજરાતી જોડકણાનું ભાવ વિશ્વ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

ગભરાશો નહી. જેટલું અઘરું ટાઈટલ છે એટલું અઘરું અમે લખવાના નથી. અમે એટલાં અઘરાં નથી. એમ કહોને કે એટલું અઘરું લખવાનું અમારું ગજું જ નથી. વાત જોડકણાની છે. પહેલાના વખતમાં મા-બાપ કોલેજ ગયેલા હોય તો ઘણું કહેવાતું. એમાં ગયેલા તો હોય, પણ ડીગ્રી સાથે બહાર નીકળ્યા ન હોય એવા કિસ્સા વધારે રહેતા. એ વખતે નર્સરીમાં છોડવા મળતાં અને કેજી વજનનું એક માપ હતું. જુનિયર અને સીનીયર શબ્દ જાદુગરના શોની જાહેરાતમાં જોવા મળતા. એ સમયે છોકરાં ઘરમાં તોફાન કરવાની ઉંમરે તોફાન કરતાં, ભણવા ન જતાં. એટલે નર્સરી રહાઈમ્સને એવું બધું નહોતું. મમ્મી, દાદી, નાની તો ક્યારેક નાના કે દાદા પાસેથી છોકરાંને શુદ્ધ ગુજરાતી જોડકણાં સાંભળવા મળતાં.

અમને પણ આવો લાભ મળેલો છે. તો આવા કેટલાંક જોડકણાનો રસસ્વાદ કરીએ. જોડકણા એટલે પ્રાસનો ત્રાસ. જિંદગીમાં તમને ઘણાં લોકો એવા મળશે કે જેમને ફરિયાદ હોય કે અમારામાં ઘણી ટેલેન્ટ છે, જેની કદર નથી થતી. આવા લોકો આજકાલ ફેસબુક પર ‘બેફામ’ લખે છે અને બીજાને ‘ઘાયલ’ કરે છે. આ કવિતા અને ગઝલો પ્રાસના ત્રાસના ઉદાહરણ છે. ફેસબુક પર વાટકી વ્યવહારમાં લાઈક કરનાર મળી આવે છે. પણ મૂળ વાત જોડકણાની હતી અને સાર એ છે કે હજુ પણ જોડકણાં બને છે, ફેસબુક પર પોસ્ટ થાય છે પણ પહેલાના વખત જેટલાં પોપ્યુલર નથી થતાં.

“ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો, પાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી” એ સૌથી જુનું જોડકણું છે. નહાતી વખતે ભાઈલાનું ધ્યાન ડાયવર્ટ કરવા એ ગાવામાં આવતું. એ સમયે પપ્પાઓ છોકરાને નવડાવતા નહોતા. મોટી બહેન, કાકી, કે મમ્મી, ઘરના અઢળક કામ વચ્ચે, વન ડે મેચની છેલ્લી ઓવરમાં બેટિંગ કરતી હોય એમ, ઉડઝૂડ નવડાવતી. એમાં ભઈલો રડે નહી તે માટે કર્કશ અવાજમાં આવું બધું ગાય. આમ ભઇલાને નાનપણથી બેવકૂફ બનાવવામાં આવે છે. બાથરૂમમાં પાટલો ખસી જાય તો શું થાય એ બધાને ખબર છે. નવડાવનારને ભાગ્યે જ ખ્યાલ હશે કે આ સાંભળીને ભઈલો પાટલો ખસી ન જાય એ માટે એટલા જોરથી પકડીને બેસતો કે એના હાથની આંગળીઓ સુઝી જતી. આવા કિસ્સામાં ભઈલાઓ પરાણે નવડાવવાને કારણે નહિ પરંતુ આંગળીઓના દુખાવાને કારણે રડતા. પછી ભઈલો મોટો થઈને મા-બાપને બેવકૂફ બનાવી બદલો લે જ ને ?

બીજું પણ એક જોડકણું મઝાનું છે.

પાવલો પા, મામા ને ઘેર જા
મામે આપ્યો બઉ, ખૂણે બેસી ખઉં
ખૂણે આવ્યો સાપ, તારી મામીનો બાપ
મામી ગઈ કુવે, દેડકું રુએ,
પાડે મેલી લાત, જય પડી ગુજરાત.

આ જોડકણામાં સાંપ્રત સમાજ વ્યવસ્થાનો ટૂંકમાં ચિતાર આપ્યો છે. વેકેશનમાં બાળકે મામાને ઘેર જ જવાનો બોધ છે. છોકરાંને કાકા કે ફોઈના ઘેર કેમ નથી મોકલતાં? દહેજ પ્રથાની જેમ છોકરાઓને મામાને ઘેર મોકલવાનો રિવાજ મામા-મામી અને પરિવાર માટે ઘણો ક્રૂર છે. આમાં છોકરાને મામાને ઘેર મોકલવામાં નથી આવતાં, મામા-મામી ઉપર છોડી મુકવામાં આવે છે. પંદર-વીસ દહાડા મામાને ઘેર રહી આવે એટલામાં મામાનો ઈન્ટરનેટ પ્લાનનું વરસ જેટલું બિલ આવી જાય. ઘરમાં ડીવીડી પડી હોય એવા પિક્ચર ઈંટરનેટ પરથી ડાઉનલોડ કરી નાખ્યા હોય. મામાના દીકરાનાં સ્કુટીનો એક્સલરેટરનો વાયર તોડી નાખ્યો હોય, મામીની ફેવરીટ સિરીયલનાં શિડ્યુલ ખોરવી નાખ્યા હોય. જોકે જોડકણાંમાં આવું બધું આવતું નથી. વર્ષોથી ‘મામાનું ઘર કેટલે? દિવો બળે એટલે’ એવું ગાઈને મામાનાં ઘેર ગમે ત્યારે અવરજવર થઈ શકે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે કાકા અને ફોઈઓને કેમ ટાર્ગેટ નથી કરવામાં આવતાં? એ કોઈ મહિલા સંગઠને પૂછ્યું ન હોવાથી અમે પૂછીએ છીએ. કેમ વહુના કુટુંબને જ ટાર્ગેટ કરવામાં આવે છે?

જોડકણું આગળ વધે છે જેમાં મામા બઉ આપે છે. હવે તો પ્રજા પીઝા, પાસ્તા અને પુડિંગની શોખીન થઈ ગઈ છે. પણ એક જમાનામાં લાડુ, મોહન થાળ, બુંદી વગેરેનો સુકાયેલો કટકો પણ બઉ તરીકે નોટ- સો-ભોળા બાળકના હાથમાં પધરાવી દેવામાં આવતો હતો. જે સુકાયેલી પૂરી, સક્કરપારા જેવા સુકા અને વાસી નાસ્તાની સરખામણીમાં વધું ઉપડતા હતાં. આમ મામા જે બઉ આપતાં એ સોફામાં બેસીને ભાણિયો ખાય અને એ બઉવાળાં હાથથી રીમોટ વાપરી મામીનું કામ વધારતો. બઉ ખાધા પછી ભાણિયો હાથ સોફા પર જ સાફ કરે છે, કારણ કે પડદા સુધી હાથ લુછવા માટે સોફામાંથી ઉભું થવું પડે. હવે સોફામાં બેસી આમ બઉ ખાતાં-ખાતાં બાળક ડિસ્કવરી ચેનલ પર પ્રોગ્રામ જુવે છે, જેમાં સાપ, અને અજગર વગેરે હોય છે. પણ આ પ્રોગ્રામ જોતાં જોતાં વચ્ચે મામી આવીને નહાવા જવાની તેમજ બઉવાળાં હાથે રીમોટ ન પકડવાની સૂચના આપી જાય છે જે સાંભળી ભાણિયો મામીના બાપને મનોમન ગાળો આપે છે.

ખરો પ્રોબ્લેમ હવે આવે છે. આગળની પંક્તિમાં મામી કુવે પાણી ભરવા જાય છે. આ જોડકણું પાઠ્યપુસ્તકમાં કેમ નથી તેનો રાઝ આ પંક્તિમાં છે. મામી કુવે પાણી ભરવા જતી હોય તો પાણીની સમસ્યાના મુદ્દે હોબાળો મચી જાય. વિપક્ષ આવી તક છોડે? મામીના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થાય. બે-પાંચ વરસ પહેલા અમેરિકા ગયેલા એનઆરઆઈ પણ બેડું લઇ પાણી ભરવા જતી મામીના ફોટા જોઈ આઘાતમાં સરી પડે. પણ મોડર્ન મામી તો સ્વીચ પાડીને વોટર પ્યોરીફાયર ઓન કરી હેમા માલિનીની અદામાં મલકાય છે. મામીને બેડા ઉચકવા નથી પડતાં એટલે મામીને કમરની તકલીફ નથી.

જોકે આ આખી વાતમાં દેડકું કેમ રુવે છે તે પ્રશ્ન ઊભો જ રહે છે. મામી કુવે જાય, અને કુવામાં દેડકું હોય એ બની શકે. આ દેડકું મામીના બેડાની સાથે બહાર આવે એ પણ બની શકે. અને કુવામાંના દેડકાને બહાર આટલી મોટી દુનિયા માન્યામાં ન આવે એટલે એ અકળાય એવું પણ બને. અથવા તો એવું બન્યું હશે બેડું ભરી મામી કુવાકાંઠે અન્ય પનિહારીઓ સાથે ગપ્પા મારતી હશે ત્યાં દેડકે બેડામાંથી ડોકિયું કર્યું હશે. એમાં મામીએ ચીસાચીસ કરી હોય અને એ સાંભળી દેડકું, કે જે પહેલેથી જ બહાર નીકળવાથી મૂંઝાયેલું હતું તે રોવા બેઠું હોય. આ બધો કલ્પનાનો વિષય છે અને અમને આ જોડકણું સમજાવનારે પુરતો ખુલાસો ન કર્યો હોઈ અમે અમારા કલ્પનાનાં ઘોડા દોડાવી એનું મનઘડંત અર્થઘટન કર્યું છે. તો ભૂલચૂક લેવીદેવી.

No comments:

Post a Comment