Wednesday, December 14, 2016

લાઈનમાં રહો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૧૨-૨૦૧૬
Source: Unknown
જૂની ચાલવાની નથી અને નવી જલદી મળવાની નથી તે સૌએ સ્વીકારી લીધું છે. નોટની વાત છે. જે માથા પર આવી પડે તે સ્વીકાર્યા સિવાય કોઈ છૂટકો નથી. આ પણ નોટની જ વાત છે. રેલવે, બસ અને સિનેમાની ટીકીટો ઓનલાઈન મળતી થઈ તે પછી લાઈનમાં ઉભા રહેવાના મોકા ઘટતા જતા હતા એમાં રૂપિયા ઉપાડવા અને એટીએમની લાઈનમાં ઉભા રહેવાના હંગામી સંજોગો સર્જાયા છે. 

ગુજરાતીમાં લાઈન માટે હાર અથવા કતાર શબ્દ છે. જોકે ગુજરાતીઓ બંને રીતે હારમાં માનતા નથી એટલે; કતાર શબ્દ હિન્દી જેવો લાગે છે એટલે; ને કતારમાં ઉભા રહીએ તો કોઈ દેશની રાજધાનીમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવાય છે એટલે; આવા અનેક કારણસર હાર અને કતારને બદલે આપણે ગુજરાતીઓએ લાઈન શબ્દ અપનાવી લીધો છે. બ્રિટીશ અંગ્રેજીમાં લાઈન નહિ ‘ક્યૂ’ શબ્દ વપરાય છે. પરંતુ કાઠિયાવાડમાં પતિ જો ‘ઓલું શર્ટ આપતો’ એવું કહે તો પત્ની ‘ક્યૂ?’ એમ સામું પૂછે. આમ ‘ક્યૂ’ શબ્દથી કન્ફયુઝન ન થાય એટલે ગુજરાતમાં ક્યૂને બદલે લાઈન શબ્દ વધારે વપરાય છે. વર્ષો પહેલા ગુજરાતમાં નાટકવાળાઓએ સંશોધન કરી લાઈનનો તબિયત સાથે પારસ્પરિક સંબંધ શોધી કાઢ્યો હતો. જોકે આ સંશોધનને હજુ સુધી નથી કોઈ મેડિકલ જર્નલે પ્રગટ કર્યું કે નથી ગુજરાત યુનીવર્સીટીએ આ સંશોધનકર્તાને પીએચડી ડિગ્રી આપી.

એટીએમના સિક્યોરીટીવાળા આજકાલ હીરો બની ગયા છે!

છેલ્લે વાનખેડે પર શાહરુખને દરવાજો બતાવનાર સિસોટીવાળા કાકાને આટલું માન મળ્યું હતું
 
‘લાલો લાભ વિના લોટે નહિ’ – આ કહેવત એ ‘લાઈન’ નામની કવિતાનો કેન્દ્રવર્તી વિચાર ગણાય. અહીં કવિ કહેવા માંગે છે કે જ્યાં કોઈ લાભ મળવાનો હોય ત્યાં લાઈનો લાગતી હોય છે અને લાભ માટે આપણા લાલાઓ લોટવા જ નહિ ધૂણવા માટે પણ તૈયાર હોય છે. આવા લાભખાટુ લાલાઓના ધસારાને ખાળવા આપણે ત્યાં માત્ર એક માણસ ઊભો રહી શકે તેટલી પહોળી રેલીંગ બાંધીને લાઈનો પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવું ન હોય તો એક એક વ્યક્તિની બનેલી અનેક લાઈનો બને છે, જેને ટોળું કહે છે. ટોળા કરતા થોડી વ્યવસ્થિત હોય તો એ પીરામીડ પ્રકારની લાઈન બને છે, જેમાં એકની પાછળ બે એની પાછળ ત્રણ એની પાછળ ચાર લોકો એમ ઉભા રહે છે. વિદેશમાં બે સજ્જનો વચ્ચે બીજા બે જણા ઉભા રહી શકે તેટલી જગ્યા રાખીને લાઈનમાં ઉભા રહેતા હોય છે. એ જગ્યાનો બગાડ કહેવાય. આપને ત્યાં કવચિત લાઈનમાં આવી જગ્યા પડે તો તેને ઘૂસ મારવાની તક તરીકે જોવામાં આવે છે. આપણે ત્યાં તો હૈયે હૈયું દળાય તેવી લાઈનો લગાડવાનો રિવાજ છે. આવી લાઈનમાં જોડાવા નવો આવેલો જાતક પહેલું કામ આગળ કોઈ ઓળખીતું ઊભું છે કે નહિ? તે જોવાનું, અને એ જડે પછી તેની સાથે તારામૈત્રક સાધવાનું કરતા હોય છે. સામે પક્ષે લાઈનમાં તપી રહેલી વ્યક્તિ પણ ‘તારા કાકા દોઢ કલાકથી લાઈનમાં ઉભા છે ટોપા રૂપિયા જોઇતા હોય તો ઉભા રેવુ પડે’ એવું મનમાં બોલીને લાઈનમાં આગળ ઊભેલા કાકાની ટાલ, બારીમાં બેઠેલા કબૂતર કે બીડી ફૂંકતા સિક્યોરિટી ગાર્ડ વગેરેનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરવામાં પરોવાઈ જતા હોય છે.

લાઈનમાં જો માણસ એકલો ઊભો રહે તો એને એની જાત સાથે વાતચીત કરવાનો મોકો મળે છે જે આજની શહેરી લાઇફમાં દુર્લભ છે. તો ઘણીવાર લાઈન સામાજિક સંબંધો સુધારે છે. અમે હમણાં લાઈનમાં ઉભા રહ્યા તો અમારાથી બે નંબર આગળ જ એક ભાઈ મને જાણીતા લાગ્યા. મોકો જોઈને અમે પૂછ્યું કે

‘બૉસ તમને ક્યાંક જોયેલા છે’

‘મનેય એવું જ લાગે છે કે તમને ક્યાંક જોયા છે’ જવાબ મળ્યો.

ટાઈમપાસ કરવા બંને પક્ષે સભાનપણે વાતચીત આગળ ચલાવી એમાં ખબર પડી કે એ હિતેશભાઈ તો મારા જ બ્લૉકમાં રહેતા હતા. આમ લાઈનમાં ઘણીવાર બે પડોશીઓનું સુભગ મિલન થાય છે. અમારા મિલનના સાક્ષી એવા, અને અમારી બેની વચ્ચે ઊભેલા, અને અમારી બધી વાતો રસપૂર્વક સાંભળતા ચશ્માધારી ભાઈ પણ અમારા મિલનથી એટલાં બધા ભાવવિભોર થઈ ગયા કે એ મને કહે કે ‘તમે આગળ આવી જાવ અને શાંતિથી વાત કરો!’ આટલું કહીને એ લાઈનમાં મારી પાછળ લાગી ગયા ! પછી તો અમે અલકમલકની ઓળખાણો કાઢી ને નંબર આવે ત્યાં સુધીમાં તો એકબીજાના ઘેર ચા પીવાના કોલ-કરાર કરીને છુટા પડ્યા. છેલ્લે ધરતીકંપના આફ્ટરશોકસ વખતે કોમનપ્લોટમાં ભેગાં થતા લોકોમાં આવી આત્મીયતા જોવા મળી હતી !

કુદરતી આપત્તિ હોય કે નોટ બંધ થવાને પગલે લાગતી લાઈન, હમદર્દીના ઓઠાં હેઠળ રાજકીય રોટલો શેકવા લોકો તૈયાર જ હોય છે. આવા કેટલાક લોકોએ ચેનલનો કૅમેરા ફરતો હોય તેટલા સમય સુધી પાઉચ ચા, છાશ, અને નાસ્તો વહેંચવા સુધીની સેવાઓ પણ આપી હતી. એ બહાને પાણીના પાઉચ તથા વેફર-બિસ્કિટ વેચનારાઓને ઘરાકી નીકળી એ નોટબંદીનું જમા પાસું ગણાય. જ્યાં ભીડ થઈ ત્યાં ખીસકાતરુંઓને પણ રોજગારી તો મળી હશે પણ મારેલા પાકીટમાંથી નીકળેલી જૂની નોટો બદલાવવા બીજે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હોય તો નવાઈ નહિ. સામાન્ય રીતે એટીએમના એસીમાં આરામ ફરમાવતા કે ખુરશી પર બેસીને બીડી ફૂંકતા સિક્યોરીટીવાળા કાકાઓ હીરો બની ગયા એ જોવાયું. વાનખેડે સ્ટેડીયમ પર શાહરુખને દરવાજો બતાવનાર સિસોટીવાળા કાકાને છેલ્લે આવું માન મળ્યું હતું. બાકી લોકો બાથરૂમની જેમ એટીએમ જતા થયા એ આ સમગ્ર ઘટના ક્રમની સૌથી નોંધપાત્ર બાબત છે.

મસ્કા ફન
હે અર્જુન, ઊભો થા અને એટીએમની લાઈનમાં જઈ ઊભો રહે – અર્જુનના પપ્પા

No comments:

Post a Comment