Wednesday, December 21, 2016

ભજીયાનું બ્લેક એન્ડ વ્હાઈટ

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૧૨-૨૦૧૬
આ ગુજરાત છે. અહીં ભજીયાવાલા પણ કરોડપતિ છે. ગુજરાતમાં સુરતી પ્રજા ખાવા અને પીવાના શોખીન ગણાય છે. સુરતમાં એવા લોકો રહે છે જે દવાની જેમ સવારે અને સાંજે ૧૦૦ ગ્રામ ભજીયા તો ખાય જ છે. એટલે જ સુરતી ભજીયાવાલા પાસે કરોડો રૂપિયા અને કિલોના હિસાબે સોનું-ચાંદી મળે તો એમાં અમને નવાઈ નથી લાગતી.

ફાસ્ટફૂડના આ જમાનામાં ભજીયા, ગોટા અને દાળવડા વડે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. એટલે જ જેમ ગુજરાતી ચલચિત્રોને કરમુક્ત કરાય છે એ ધોરણે ભજીયા-ગોટા-દાળવડા સહિતના ફરસાણને સર્વકરમુક્ત કરવા જોઈએ જેથી ગુજરાતીઓ સહેલાઈથી કરમાં ગ્રહણ કરી શકે. આ ઉપરાંત જેમ ગુજરાતી ફિલ્મ બનાવવા સરકાર સહાય કરે છે તેમ ચણાના લોટ અને સિંગતેલ (અથવા તો એની અવેજીમાં જે વપરાતું હોય એ!) પર સબસીડી આપવી જોઈએ. આવું થશે તો પછી ટેક્સ ચોરી કરવાનો પ્રશ્ન જ ઉભો નહિ થાય.

જો ગાંઠીયા એ ચણાના લોટમાં લખાયેલી કવિતા હોય તો ભજીયા-ગોટા એ ચણાના લોટમાં લખાયેલી ગઝલ છે. ગઝલની જેમ પહેલા અને છેલ્લા ભજીયાનું ખાસ મહત્વ છે. મત્લાના શેરમાં આખી ગઝલની વાહવાહી મળે છે એમ છેલ્લા ભજીયાનો સ્વાદ લાંબો સમય સુધી મ્હોમાં રહે તે માટે અઠંગ ભજીયાખોર બીજું કશું અને ખાસ કરીને ગળ્યું ખાઈને મોઢું બગાડતા નથી. ગઝલમાં જેમ ઊંડાણ હોય છે એમ ભજીયા ડીપફ્રાય થાય છે. છંદમાં લખાયેલી બધી ગઝલો કંઈ મનનીય નથી હોતી એવી જ રીતે ચણાના લોટમાં બને અને સિંગતેલમાં તળાય એટલે કંઈ બધા ભજીયા આપોઆપ સુરુચીકર નથી બની જતા. ભજીયા તાજા અને ઝારાફ્રેશ પીરસવાનો રીવાજ છે. જયારે કવિ સંમેલનોમાં એકની એક ગઝલ વારંવાર ફટકારવા ઉપર પાબંદી નથી! જોકે ગઝલ અને ભજીયા વચ્ચે આટઆટલી સમાનતા છતાં એક મોટો ફેર એ છે કે ભજીયા બનાવનાર ભજીયા થકી કરોડપતિ બનવાના દાખલા છે, પરંતુ ગઝલ થકી કરોડપતિ બનવાના દાખલા તો ઠીક પાન નંબર ધરાવતા ગઝલકાર મળે તો એ પણ ગુજરાતી શ્રોતાઓની સિદ્ધિ ગણી શકાય!

ભજીયાનું એક સાયન્સ છે, એમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રી છે. ભજીયા વાસી થાય તો એમાં માઈક્રો-બાયોલોજી પણ લાગુ પડે. સેમી-લીક્વીડ ખીરાને તેલમાં ડબકા સ્વરૂપે મૂકવામાં આવે ત્યારે એમાં થતા રાસાયણિક ફેરફારોને કારણે ઉદ્ભવતા ભૌતિક રૂપે એ ઘન સ્વરૂપ ધારણ કરે છે. ફેકટરીમાં બનતી વસ્તુઓમાં ક્વોલીટી કન્ટ્રોલ વિભાગ વસ્તુઓના આકાર અને દેખાવમાં એકરૂપતા લાવવા સદાય પ્રયત્નશીલ રહે છે. પરંતુ ભજીયામાં આકાર એક સરખો હોય એવા કોઈ ધારાધોરણ નથી. ભજીયા ખાવામાં ભજીયાના તાપમાનનું ખુબ મહત્વ છે. વાસી ભજીયા ઝઘડાના કારક છે. ભજીયા ગરમ કોને કહેવાય એ માટે લારીવાળા સાથે યુદ્ધ થયાના અનેક દાખલા અમદાવાદના ઇતિહાસમાં છાપા થકી નોંધાયા છે. અમદાવાદના કોટવિસ્તારના પોલીસસ્ટેશનના રેકોર્ડ ચકાસો તો અનેક ભજીયા સંબંધિત કજિયાની જાણવાજોગ નોંધ પણ જોવા મળે.

સામાન્ય રીતે आकृति गुणान कथयति સૂત્ર અનુસાર વસ્તુના આકાર પરથી એના વિષે અનુમાન બાંધી શકાય છે, પણ ભજીયા એમાં અપવાદ છે. ભજીયામાં ‘છછુંદરીના છએ સરખા’નો નિયમ લાગુ પડે છે. ભજીયા ઉતારનારા એ વેઠ ઉતારી ન હોય તો તમે બટાકા, કાંદા કે રતાળુના ભજીયાને દેખાવ પરથી અલગ તારવી શકાતા નથી. ફક્ત મરચાંના ભજીયા એના આકારથી અલગ તરી આવે છે. મરચાંવાળા ભજીયા ખાવા એ પણ મર્દાનગીનું પ્રતિક મનાય છે. તળેલી વસ્તુઓ અને એમાંય રેલ્વે સ્ટેશન સિવાય ભજીયા તળાતાં હોય તો કોઈનું પણ મન લલચાઈ જ જાય. ઇન્કમટેક્સને તો છેક ૬૦૦ કરોડ ભેગા થયા ત્યારે ભજીયાવાલાની સંપત્તિની ગંધ આવી, પરંતુ ભજીયા બનતા હોય તો એની સુગંધથી રસ્તે જતો, અને ભૂખ ન હોય તેવો વ્યક્તિ પણ ખેંચાઈ જાય છે.

જેમ પાર્ટીકલ ફીઝીક્સમાં તરંગવાદ અને કણવાદની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો ચાલતી હતી એવી જ દલીલો ઘરના ભજીયા અને બજારના ભજીયા વચ્ચે ચાલતી આવી છે અને ચાલતી રહેશે. મોટેભાગે ઘરે બજાર જેવા ભજીયા નથી બનતા એવી ફરિયાદ દરેકને હોય છે. મમ્મીઓ બજારના ભજીયાના સારા ટેસ્ટ માટે જીવડાવાળા લોટ અને હલકી કક્ષાના તેલને કારણભૂત સાબિત કરે છે. અમારી તો ચેલેન્જ છે કે મમ્મીઓ કહે તે સાઈઝ અને પ્રજાતિના જીવડાવાળો લોટ તથા બળેલા એન્જીન ઓઈલથી લઈને શ્રી હનુમાનજીને ચઢાવેલુ તેલ લાવી આપીએ, પણ બજાર જેવા ટેસ્ટવાળા, જાળીદાર અને પોચા ભજીયા બનાવી બતાવો. જરૂર પડે તો તેલ થઇ આવ્યું કે નહિ તે ચેક કરવા માટે લારીવાળાનો પરસેવો જોઈતો હોય તો એ પણ લાવી આપીશું. બોલો છો તૈયાર?

આપણા પ્રધાન મંત્રીશ્રીના ‘સ્કીલ ઇન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ કૌશલ્યના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે. આ માટેની એક જાહેરાતમાં સચિન તેંદુલકર એક ફર્નિચરના કારીગરને સમજાવે છે કે ફક્ત કૌશલ્ય વડે આપણે બંને લાકડામાંથી સર્જન કરીએ છીએ. હું લાકડા બનેલાના બેટથી રન બનવું છું અને તમે એમાંથી સુંદર ફર્નીચર બનાવો છો. હવે વિરાટ કોહલી પણ એમાં જોડાવાનો છે. તાજેતરના ભજીયાવાલા કાંડ પછી ભજીયા તળવાનું કૌશલ્ય એ એક ડીઝાયરેબલ સ્કીલ અને પ્રોસ્પેક્ટીવ કેરિયર ઓપ્શન તરીકે બહાર આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં વિરાટ કોહલી ભજીયાના ખીરામાં ભેજનું પ્રમાણ તપાસવું, ઝારાને કેવી રીતે પકડવો, તળવા માટે કેવો સ્ટાન્સ લેવો, ભજીયા ઉથલાવતી વખતે નજર ક્યા ભજીયા પર હોવી જોઈએ, ભજીયા ડીલીવર કરતા પહેલા એમાંથી તેલ કેવી રીતે નિતારવું વગેરે બાબતોનુ મહત્વ સમજાવતો જોવા મળે તો નવાઈ નહિ.

મસ્કા ફન પાણીનો ઘીની જેમ ઉપયોગ કરો.
ખાસ કરીને શિયાળામાં!
2 comments:

  1. વાહ ભજીયા માં મજા પડી ગઈ :p
    #weJVians બ્લોગ પર મારી પોસ્ટ "ફાફડા vs ભજીયા" વાંચવી ગમશે => http://wejvians.blogspot.in/2016/07/vs.html

    ReplyDelete