Monday, December 03, 2012

ગમતું કરો પણ ....

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૨-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
અંગ્રેજીમાં એવું કહ્યું છે કે ‘એવરી એમ્બીશન ટીચીઝ અસ ટુ ગેટ વ્હોટ વી લાઈક, અધરવાઈઝ વિ બિગીન ટુ લાઈક વ્હોટ વી ગેટ’. જ્ઞાનીઓ કહી ગયા છે કે મનને ગમે એવું કામ કરો, કરવું પડે છે એટલે કે બધાં કરે છે એટલે નહિ. પણ આપણાં જેવા અબુધ પ્રાણીઓ ઘાણીના બળદની માફક જીવ્યા કરે છે. પછી સ્વામી શ્રી અમિતાભજી એ મી. નટવરલાલમાં કહ્યું છે એમ ‘યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ’ એવો ઘાટ થાય છે. તો ઉઠો, જાગો અને કશુક ગમતું કરવા મંડી પડો. અથવા ગમતું ન હોય એનો ત્યાગ કરો.

પણ આપણા ગુજરાતીઓની મોટી ખોડ એ છે કે આવા સંદેશ આપીએ એટલે એનો અવળો જ અર્થ કરે. દાખલા તરીકે અમુક લોકોએ કસરત કરવાનું શરુ કર્યું હશે તે આ વાંચીને માંડી વાળશે. હાસ્તો? કસરત કરવાનું આપણને થોડું ગમે છે? જેમણે વ્યસનમુક્તિ અભિયાન શરુ કર્યું હશે તે પડતું મુકશે. સાચે જ. નવા વર્ષે થતાં સંકલ્પોમાં ‘રોજ કસરત કરીશ’ કરતાં ‘રોજ સિગરેટ પીશ’ સંકલ્પ સફળ થવાની શક્યતા વધારે રહેલી છે. ગાંધીજીએ સત્યના ડેન્જરસ પ્રયોગો કર્યાં હતાં. અમુક લોકો એમની આત્મકથા વાંચી સત્યના રવાડે ચઢે છે, પણ આ ગમતું કરવાની લાહ્યમાં એ પ્રયોગો પણ પડતાં મુકશે. ગૃહિણીઓ કે જમણે પંજાબી સબ્જી શીખવાનો નિર્ણય કર્યો હશે તે પડતો મુકશે, અને એનો એ જ કોબો ચાલુ રાખશે, હાસ્તો, પંજાબી બનાવવામાં કેટલી મહેનત કરવી પડે!

અને ગમતું કરવું કોને નથી ગમતું ? પણ હાય આ જાલિમ દુનિયા! ઘણીવાર ગમતી બ્રાન્ડનો દારૂ પીવા બેઠાં હોવ ત્યાં પોલીસ વગર આમંત્રણે આવી ચઢે. જન્માષ્ટમીનાં પવિત્ર તહેવાર પર જુગાર રમવાનું ચાલતું હોય ત્યાં પણ પોલીસ વિલન બને. અને મનગમતી છોકરી સાથે રેસ્ટોરન્ટમાં કે મલ્ટીપ્લેક્સમાં જવાનું કોને ન ગમે? પણ જનારની પત્ની પ્રોગ્રામમાં પંચર પાડે છે. ઓફિસમાંથી ‘ફીલ્ડમાં જાઉં છું’ કહી ગુમ થવાનું પણ સેલ્સમેનોને અતિ પ્રિય હોય છે, પણ હવે ખડ્ડુસ બોસો જીપીએસની મદદથી શોધી કાઢે છે કે પાર્ટી માલ ઉતારવાને બદલે મોલમાં ફરે છે.

અને લોકો ગમતું કરવા લાગે તો એમાંય ક્યા તકલીફો ઓછી છે ? અમુકને જ્યાં ત્યાં કચરો ફેંકવાનું ગમે છે, કચરાપેટી સુધી જવાનો કંટાળો આવે એટલે. કોકને પોતાના સાસુ, સસરા કે બોસનું ગળું દાબી દેવાની ઈચ્છા થાય છે. અમુકને ડાયાબીટીસ અને કોલેસ્ટોરોલ હોય તોયે દિવાળીમાં કાજુકતરી અને મઠિયા ઓરે રાખે. અમુકને કશુંય કર્યા વગર બધું મળે એવું ગમે. કોઈ એવા હોય જે કમાવવાને બદલે નોટો છાપવાનું પસંદ કરે છે. એમાં અમુક તો એટલા આળસુ હોય છે કે નોટમાં પેલો ચાંદીનો તાર મુકવાની પણ તસ્દી લીધાં વગર સીધી કલર ઝેરોક્સ કરી નોટો ફરતી કરી દે છે. એ પણ પોલીસને વિશ્વાસમાં લીધાં સિવાય એ તો ખોટું કહેવાય ને?

સંતો કહે છે કે મનગમતું કરવું તે સાત્ત્વિક, રાજસિક કે તામસિક હોઈ શકે, માત્ર ગુરુની આજ્ઞાથી કરવું તે નિર્ગુણ છે. આપણે બધાએ સ્કૂલમાં ‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણું ...’ શ્લોકમાં બહુ ગાયો છે. માતા, પિતાને પણ ગુરુ ગણ્યા છે. પણ આજકાલ આ ત્રણેયનાં કહેવા પ્રમાણે કરો તો જિંદગીમાંથી મઝા જ રહેતી નથી એવું લાગે છે. વિદ્યાર્થીઓને આખો દિવસ ટીવી જોવું ગમે છે. જે ખાવાથી લોહતત્વ અને ફાઈબર મળે એવા રીંગણ અને ભીંડાના શાકને બદલે બર્ગર અને વડાપાઉં ખાવા ગમે છે. પાછું મમ્મી સામે દલીલ કરે કે, સાથે ટોમેટો સોસ ખાઈએ છીએ, ખબર છે ને ટામેટામાં ગ્લુટામેટ આવે? આવું સાંભળવા મળે ત્યારે ગુગલના ગેરફાયદા ખબર પડે. ટીનેજર્સને આઉટડોર ગેમ્સને બદલે કોમ્પ્યુટર અને પ્લેસ્ટેશન ટાઈપની ગેમ્સ વેફર્સનાં પડીકાનાં સંગાથે રમવી ગમે. કોલેજીયન્સને લેક્ચર બંક કરવા ગમે. જો બંક ન કરે તો ચાલુ લેક્ચરમાં ઊંઘવું ગમે. હવે કહો આવું ગમતું કરવા દેવાય?      

ગમતું કરવાની લાહ્યમાં સગા-વ્હાલા, મિત્ર, સંબંધી, સસરા જેવી અનેક સોશિયલાઇઝ્ડ બેંકમાંથી વગર ડોકયુમેન્ટે લોન લીધાં પછી પાછાં આપવાનું ભૂલી જવાનું લોકોને બહુ ગમે. આપણી પ્રજાને પુસ્તકો બીજાના ઉધાર લેવાનું પણ અતિ પ્રિય. એમાં પણ ભૂલી જવાનું એટલું જ પ્રિય! વાહન પણ દોસ્ત કે સગવાહાલાનું માંગીને વાપરવું ગમે બધાને, પછી પેટ્રોલ ખાલી કરીને કે ઘસરકો પાડીને ચુપચાપ પાછું આપી દેવાનું પણ ગમે. આ પુસ્તકો બાબતે સાઈ મકરંદની પેલી જાણીતી પંક્તિઓ થોડા ફેરફાર સાથે આમ કહી શકાય કે ‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાની કોક દિ ખરીદી પણ કરીએ!’ આ સલાહ બીજાઓ માટે છે. 

ડ-બકા
પોલીસ હો કે CBI એજ કારસો બકા;
છેવટે તો બેઉ હોય છે માણસો બકા
!

 

No comments:

Post a Comment