Tuesday, December 18, 2012

ઇલેક્શન બિઝનેસ


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |


આ ઇલેક્શનમાં પહેલી વખત વિદેશીઓ ગુજરાતમાં ઇલેક્શન જોવાં ઉતરી આવ્યા છે. આને ઇલેક્શન ટુરીઝમ એવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. આમેય શિયાળો છે, એનઆરજી અને વિદેશી પક્ષીઓ પણ આ ઋતુમાં જ ગુજરાત પર ઉતરી આવતાં હોય છે, પણ આ કંઇક નવું સાંભળ્યું. ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકે પંકાયેલી છે, એમાં ઇલેક્શનમાં ધંધો શોધી કાઢે તો એમાં ખોટું શું છે? એમાંય રાજકારણ એ હવે લાખો કરોડોનો ધંધો છે તો નાના મોટા ધંધાઓ એમાં સમાઈ જાય એ તો ખુશ થવાની બાબત છે. એટલું જ નહિ, ચૂંટણી બાદ ચૂંટાયેલ પક્ષ રોજગારીની તક ઊભી થવા બાબતે કાયદેસર જશ પણ ખાટી શકે છે.

ચૂંટણી પંચની ખર્ચ મર્યાદાનો કાયદેસર રીતે ભંગ કર્યા વિના પણ પાર્ટી ખર્ચા કરે છે. એનાંથી લોકલ ઇકોનોમીને ઘણો ફાયદો થાય છે. હમણાં જ અમે એક લગ્નમાં ગયા તો ઊભા લગ્ન ચાલતા હતાં. આખા સમારંભમાં ગણતરીની જ ખુરશીઓ હતી. અડધો કલાક તો હું ઊભો રહ્યો અને બારીની ધાર પર અડધું શરીર ટેકવી કઈંક રાહત મેળવવાની કોશિશ કરી જોઈ. એ પછી પણ ખુરશી તો ન જ મળી પણ જાણકારી મળી કે કોઈ મોટા નેતાની સભા છે એ કારણે આખા શહેરની ખુરશીઓ ત્યાં અપાઈ ગઈ છે. ઇલેક્શન આવે એટલે મંડપવાળાને ઠેરઠેર સ્ટેજ અને સભા સજાવવાના કામ મળે. જોકે આ રાજકીય પાર્ટીઓ પાસેથી મંડપવાળા પેમેન્ટ કઢાવતા કઈ રીતે હશે તે જાણકારી અમારી પાસે નથી. જો કોઈ ડેકોરેટર એમની પાસેથી પુરા રૂપિયા કાઢવી શક્યો હોય તો આઈ.આઈ.એમ. જેવી સંસ્થાએ એનાં કેસ સ્ટડી બનાવવા જોઈએ!  

ભાષણો કરીને જેમનો અવાજ ખોખરો થઈ ગયો હોય, જેઓ વાંચીને ભાષણ કરે છે, અથવા દેખાવથી પણ જે બદમાશ લાગતા હોય તેવા નેતાની સભામાં મંડપવાળા, સાઉન્ડવાળા, મીડીયાવાળા, ટીકીટવાળા અને એમનાં ઘરવાળા સિવાય કોણ જાય અને શું કામ જાય? એટલે જ ચૂંટણી ટાણે તમારે જરૂર છે માત્ર સો બસો નવરાઓની. ચા-પાણીનાં ખર્ચમાં અને મફત મુસાફરી કરાવો તો બેઠાં કરતાં બજાર ભલુના દાવે કહો ત્યાં આવવા તૈયાર લોકો હોય તો તમે મેનપાવર સપ્લાય એજન્સી ખોલી શકો છો. આજકાલ ફિલ્મસ્ટાર્સ પ્રચારમાં આવે છે એટલે મોટેભાગે પ્રજા સ્ટાર્સને જોવાની લાલચે મફતમાં આવી જાય. તમારે ખર્ચો માત્ર ચા અને પાણીના પાઉચનો. પાછું એક જિલ્લામાં એક જ દિવસમાં જો બે મોટી સભાઓ હોય તો તમને ભાવતાલ કરવાની પણ તક મળી શકે. છે ને મસ્ત ધંધો?

ચૂંટણી અમદાવાદમાં હોય કે મહેમદાવાદમાં, ચૂંટણી તકવાદને પ્રોત્સાહન આપે છે. આ તકવાદી સમર્થકો પાર્ટી કેપ, ખેસ, રીસ્ટ બેન્ડ જેવી આઇટમ્સ પહેરીને ફરે છે. લગ્નમાં સાફા પહેરીને ફરતાં જાનૈયા જેવા લાગે આ સમર્થકો. પણ આ આઇટમ્સ ચાઈનીઝ ન હોવા છતાં તકલાદી હોય છે. પ્રસાદિયા પેંડાની જેમ ખેસની ક્વોલીટી પણ થર્ડ ક્લાસ હોય છે, ખાસ કરીને કાચાં રંગને લીધે એ પાછળથી પોતું કરવાના કામમાં પણ નથી આવતાં. એટલે જ આમાં કંઇક વૈવિધ્યની જરૂર છે. અમને લાગે છે કે જો માર્કેટમાં નકલી પૂંછડીઓ ફરતી કરવામાં આવે તો ઘણાં તકવાદીઓ આ પૂંછડી લગાડીને ફરી શકે અને જરૂર પડે ત્યારે અમુક તમુક ઉમેદવારના સમર્થનમાં ઉંચી કરી શકે કે હલાવી શકે. અમુક મોટા ગજાના નેતાઓ પણ પાર્ટી હાઈકમાન્ડની હાજરીમાં આ પૂંછડી લગાવીને સ્ટેજ પર બેસી શકે. આ પૂંછડીઓ માર્કેટ ડિમાંડ મુજબ જુદાં જુદાં રંગની હોઈ શકે. નકલી પૂંછડી કમરપટ્ટાની જેવી રીવર્સીબલ પણ હોઈ શકે, સવારે એક પાર્ટીની સભામાં એ લીલા રંગની, બીજી પાર્ટીના કાર્યાલયના ઉદઘાટનમાં પીળા રંગની અને ત્રીજી પાર્ટીની મીટીંગમાં જતાં જતાં રસ્તામાં જ કેસરી રંગની કરી શકાય!

મતદારો ફ્રી ગિફ્ટથી રીઝે એટલું વાતો અને વચનોથી નથી રીઝતાં. વર્ષોથી દારૂ, સાડી, ધોતિયાં અને રોકડ ગિફ્ટ આઇટમ્સમાં પોપ્યુલર છે. જો કે આ લ્હાણી કરવામાં પંચ વચ્ચે આવે છે. એટલે આવા કામ આઉટ સોર્સ કરવા એજન્સીઓની ડિમાંડ છે. એજન્સી દરેક પાર્ટીની જરૂરિયાત અને થીમ મુજબ વસ્તુઓ વહેંચે. જેમ કે એક બ્રાન્ડનો સિમેન્ટ લોકોને વહેંચવામાં આવે તો લોકો એ સિમેન્ટથી જાતે ઘર બનાવી દે, વોટ પણ આપી દે અને પાછળથી ઘર આપવા માટે મહેનત ન કરવી પડે. અમુક પાર્ટી યુવાનોને ક્રિકેટ રમવાની કીટ અને એ ન પોસાય તો ધોકા આપી શકે, જેથી યુવાધણઉપરાંત ગૃહિણીઓ પણ ખુશ થાય. વિકાસના એજેંડાની  વિરોધી એવી કોઈ પાર્ટી પેટ્રોલ વગર ચાલતું દ્વિચક્રીય વાહન લોકોને ભેટમાં આપી શકે. તો રીસ્ટ બેન્ડ સિવાય કાંડા પર બંધાય એવી બીજી આઇટમ પાર્ટી વતી એજન્સી ભેટમાં આપી શકે. અને ઘરકામ કરતાં ગૃહિણીઓના હાથને નુકસાન ન થાય એ માટે હેન્ડ ગ્લોવ્ઝ પણ કોઈ આપી શકે. જેવી જેની પહોંચ!

અને શિક્ષણ પણ જયારે એક ધંધો જ છે ત્યારે જો કોઈ લાંબા ગાળાનું વિચારતું હોય તો કોઈ એમબીએ-ઇલેક્શન જેવો કોઈ કોર્સ પણ શરુ કરી શકે. આ કોર્સમાં ઇલેક્શન ઇકોનોમિક્સ, ઇલેક્શન ફાઈનાન્સ, ઇલેક્શન માર્કેટિંગ, ઇલેક્શન હ્યુમન રિસોર્સીઝ મેનેજમેન્ટ અને ઇલેક્શન સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ જેવા વિષયો ભણાવી શકાય. આ કોર્સમાં વિદ્યાર્થીઓની કોઈ કમી ન રહે કારણ કે નેતાના છોકરાં નેતા જ બનતા હોય છે. આવા કોર્સમાં ભણાવવામાં પ્રોફેસર્સ ઉપરાંત પ્રોફેશનલ્સ અને નેતાઓને વિઝીટીંગ ફેકલ્ટી તરીકે બોલાવી શકાય. આ કોર્સ કરેલાને નોકરી-ધંધો કરવાની વિપુલ તકો ઉપલબ્ધ છે એ શું કહેવાની જરૂર છે

No comments:

Post a Comment