Tuesday, December 25, 2012

ચૂંટણી અધિકારીની ડાયરી



 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |


ચૂંટણી દરમિયાન કલેકટર કચેરી દ્વારા અત્યાર સુધી સત્તાવાર રીતે વાહનો ‘હાઈજેક’ કરવામાં આવતાં હતાં. હવે એમણે માણસોનું ‘હાઇજેકિંગ’ પણ ચાલુ કર્યું છે. અત્યાર સુધી શિક્ષકોનાં માથે ચૂંટણીની જવાબદારી આવતી હતી. આ વખતે તો કલેકટર કચેરીએ બેંક અધિકારીઓથી માંડીને નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રોફેસરોનો પણ વારો કાઢી નાખ્યો છે. કદાચ ઇલેક્શન કમિશનને આમ ચૂંટણીનું સ્તર ઊંચું લાવવું હશે. પણ આવી રીતે કામધંધો છોડી ચૂંટણીની ફરજ પર જતાં પ્રોફેસરોને પૂછો તો ખબર પડે કે એમનાં પર શું વીતે છે. આવા એક પ્રોફેસરની ડાયરીનો સંક્ષિપ્ત સાર અહિં મુકું છું. હા, પ્રોફેસરની ડાયરી છે એટલે સાર મૂકવામાં જ સાર છે!

“ઇલેક્શન ઓર્ડર હાથમાં પકડ્યો ત્યારે એવું લાગ્યું કે કોઈની પાસે તાળી લેવા જતાં હાથમાં ગરમ ઈસ્ત્રી મૂકી દીધી હોય. આપણે કદી ઇલેક્શન કામગીરી કરી નથી. પણ જે સાંભળ્યું છે એ પરથી એવું ચોક્કસ લાગે કે ન કરવી પડે તો સારું. અરજી કરી ડ્યુટી કેન્સલ કરવા યથાયોગ્ય પ્રયત્ન કરી જોયો પણ અધિકારીઓને પણ અમારા જેવા હોનહાર લોકો વગર ચૂંટણી કરાવવામાં રસ હતો નહિ એટલે ધાર્યું જેના હાથમાં સત્તા હોય એનું થાય છે, માટે કામગીરી કરવી એવું નક્કી કર્યું.

કામગીરીના પહેલાં તબક્કામાં ટ્રેનીંગ આવે. ટ્રેનિંગના સ્થળ પર પહોંચો એટલે સૌથી પહેલો આંચકો લાગે. આપણને એમ હોય કે આપણી કોલેજ અને એવી એકાદ બે કોલેજના પ્રોફેસરો હશે એટલે પચીસ પચાસ જણ હશે, એટલે ચા-પાણી કરી, લેક્ચર બેક્ચર સાંભળી પાછાં આવીશું. પણ ત્યાં પહોંચો ત્યારે ખબર પડે કે તમે કંઈ કસાબ નથી કે તમને ચા-પાણીને બિરિયાની મળે. તમારે તો પાંચસોના ટોળામાં, કોઇપણ જાતના સાઈનેજ વગર તમારી બધી હોંશિયારી વાપરી તમારે ક્યાં હાજરી ભરવાની છે, કેટલા ફોરમ ભરવાના છે અને એ ભર્યા પછી એ ક્યાં આપવાના છે એ શોધી કાઢવાનું રહે છે. કોલેજમાં વિદ્યાર્થીઓને હાજરી માટે કેવી કનડગત થતી હશે એ હવે સમજ પડી. અને પાછું માસ્તરો કે પ્રોફેસરો હોય એટલે લાઈન બરોબર થાય એવો ભ્રમ કોઈને હોય તો એ ભ્રમ અહિં ભાંગી જાય. જોકે, અહિં ગેરહાજર રહેવાથી લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ પોલીસ કેસ કરવાની તલવાર લટકતી હોવાથી ટ્રેનિંગ કરતાં હાજરીનું મહત્વ બમણું થઈ જાય છે.

એ બધી ફોર્મની માયાજાળ પતી એટલે જાણવા મળ્યું કે અંદર હોલમાં ટ્રેનિંગ શરુ થાય છે. એટલે ટોળું હુડુંડુંડુંડું કરતુ અંદર પહોંચ્યું. અંદર પ્રવચન આપનાર જુનિયર અધિકારી એમનાં સીનીયર અધિકારીની કાબેલિયતના પુલ બાંધી રહેલા જણાયા. જોકે અત્યાર સુધીની વ્યવસ્થા જોતાં આ અધિકારીશ્રી પોતાનો કોન્ફીડેન્શીયલ રીપોર્ટ સુધારવા આ કવાયત કરી રહ્યા હોય એવું લાગ્યું. પછી  ચૂંટણી અધિકારીઓની ફરજ વિષે એ વાત કરવા લાગ્યા. આમાં વાત ઓછી અને ધમકી વધારે હોય એવું લાગ્યું. પ્રોફેસરોને બીજાને સાંભળવાની કે લેક્ચરમાં બેસવાની બહુ ટેવ હોય નહિ. એમાંય સરકારી પ્રેઝન્ટેશન જેટલા બોરિંગ પ્રેઝન્ટેશનમાં તો નહિ જ. એટલે જેમતેમ આવી બે-ત્રણ ટ્રેનિગ પૂરી કરી.

અને ઇલેક્શનના આગળનાં દિવસે સવારે આઠ વાગે ફરજ પર હાજર થવાનું હતું. મોબાઇલના કાંટે અમે પહોંચી ગયા ત્યારે ત્યાં જુનાં શેરબજાર જેવો માહોલ હતો. અમારાથી વહેલાં આવનાર પણ હતાં એ જોઈ અમને સુખદ આશ્ચર્ય થયું. અસ્પષ્ટ અવાજમાં ઓડિયો સિસ્ટીમ પરથી કશુંક એનાઉન્સ થતું હતું. આપણું નામ બોલાય એનાં સિવાય કશું અગત્યનું નથી એવું નક્કી કરી ચા-પાણી મળતું હતું તે તરફ બે-ચાર સમદુખિયા ગયા. આ ચા-પાણી શબ્દ પ્રયોગ કદાચ પાણી-જેવી ચા માટે પ્રયોજવામાં આવતો હશે તેવું ચાનો પચાસ મિલી.નો પ્લાસ્ટિકીયા કપ હાથમાં આવતાં લાગ્યું. ‘ગુડ બીગીનીંગ ઇઝ હાફ ડન’ કોઈ અંગ્રેજ લખી ગયો છે પણ ‘બેડ બીગીનીંગ’ વાળાનું શું થાય છે એ કોઈએ લખ્યું નથી. ચાની વ્હીસ્કોસીટી(સ્નિગ્ધતા) પરથી આવતાં છત્રીસ કલાકમાં ખાવા-પીવા બાબતે શું હાલ થશે એ અંદાજ આવી ગયો. જોકે પણ વાસ્તવિકતા એટલી ખરાબ પણ નહોતી, કારણ કે સરકાર તરફથી ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા જ નહોતી! આપે તો કોઈ ટીકા કરે ને! એટલે બધું અમે જાતે જ ફોડી લીધું.

રાત્રે કંપની આપવા મતદાન મથકમાં મચ્છર મોકલતા તળાવનો સાવ સાચો ફોટો !
રાત કોઈ ખાતે ઇલેક્શન બુથ પર વિતાવવાની છે એ પહેલેથી ખબર હતી. મોટેભાગે સ્કૂલો ઇલેક્શન બુથ તરીકે કેપ્ચર કરવામાં આવે છે. અમને એ સમજ નથી પડતી જો મતદાન કરવા માટે રૂમો જ જોઈતી હોય તો હોટલો કે મલ્ટીપ્લેક્સ કેમ કેપ્ચર નહીં કરતાં હોય? આજકાલ તો સ્કૂલો પણ ફાઈવસ્ટાર હોટલો જેવી હોય છે. એરકન્ડીશન્ડ, સરસ ફલોરીંગ, સુવિધાઓ અને ગાર્ડન પણ હોય. પણ સ્કૂલ પર પહોંચ્યા ત્યારે લાગ્યું કે ઉપરની કોલમવાળા અમારા સીનીયર અગાઉ કહી ગયા છે એમ ‘આંયા એમાનું કાંઈ નો મળે’. અમદાવાદ જેવા શહેરની વચ્ચોવચ હોવા છતાં ખંડીયેર જેવી સ્કૂલની પાછળ એક લીલ અને ગંદકીથી ખદબદતી તલાવડી હતી જે રૂમની શટર તૂટેલી બારીમાંથી બોગસ મતદાર જેવા મચ્છરોને બેરોકટોક સપ્લાય કરી રહી હતી. ટોયલેટ બ્લોકનું વર્ણન કરવું અમને અહિં યોગ્ય જણાતું નથી.

અને સવારે બ્રશ કરી મતદાનની તૈયારીમાં લાગી ગયા તે જેવા આઠ વાગ્યા તે મતદારો જાણે જમણવાર હોય એમ તૂટી પડ્યા. આખો દિવસ ઊંચું જોવાનો પણ સમય ન મળ્યો. અને મતદારો પણ કેવા? બધી જ વરાઇટીનાં. એકદમ નિષ્ઠાવાન, કચકચિયા, પંચાતિયા, સલાહ સુચન કરનારા, ઘરડાં, અશક્ત અને પહેલી વખત મતદાન કરનારા. પણ છાપામાં આવા વૃદ્ધ, અશક્ત મતદારોને જોઈ ભલે આપણે પોરસાતા હોઈએ, પણ જયારે એ વોટ આપતી વખતે એ પોતાના છોકરાં કે વહુને પૂછે કે ‘કયા પર દબાવું?’ ત્યારે બધો ભ્રમ ભાંગી જાય અને થાય કે આવા લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર કેવી હશે?

3 comments:

  1. Bad beginning is half undone, isn't it?

    ReplyDelete
  2. This post title should be :"કયા પર દબાવું?" :DDDDDDDDDDDD

    ReplyDelete
  3. ક્યાં ખુબ, બધીરભાઈ, આ આપનો હાસ્યલેખ નથી પરંતુ જાતે દેખ્યો અહેવાલ છે એ કહેવાની જરૂર પડે એવું નથી, આ વેદના સમદુખિયા જ જાણે,

    ReplyDelete