Thursday, December 13, 2012

સાચો નેતા કોણ?

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |
 
ઇંગ્લૅન્ડનાં પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરૂન લંડનની અન્ડરગ્રાઉન્ડ રેલવેમાં મુસાફરી કરતાં જોવા મળ્યા હતાં એવું અમે ૧૮ ઑક્ટોબર૧૧ ના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં વાંચ્યું હતું. સંયોગથી આ મુસાફરીમાં એમને પરિવાર સાથે મુસાફરી કરતી સંયોગિતા માયર નામની એક ભારતીય સ્ત્રી મળી ગઈ. પછી એવું થયું કે કેમરૂનને સંયોગિતાનું ત્રણ વરસનું બાળક સુંદર લાગ્યું. એમણે એ કહી પણ દીધું. વિશ્વની કોઈપણ સ્ત્રી પોતાનાં બાળકનાં વખાણથી ખુશ તો થાય જ. જોકે અમેરિકા જેવા દેશમાં આવું થાય તો માતા ૯૧૧ નંબર ડાયલ કરી દે કે કોઈ અજાણ્યો માણસ મારા બાળકનું અપહરણ કરશે તેવું મને લાગે છે. પણ સંયોગિતા લંડનમાં નવીસવી હતી એટલે એણે એનાં પતિને પૂછ્યું કે આ સજ્જન કોણ છે જે આપણી ટીકુના આટલાં વખાણ કરે છે? એનાં પતિ એ કહ્યું કે આ તો પ્રાઈમ મિનિસ્ટર છે. પણ સંયોગિતા એક પત્ની હતી એટલે એને એનાં પતિની વાત પર સહેજે વિશ્વાસ ન પડ્યો એટલે એણે તો કેમરૂનને પૂછી જ નાખ્યું, કે આ યાન્કો (એનાં પતિનું નામ) કહે છે એ સાચું છે? શું તમે પ્રાઈમ મિનિસ્ટર છો? સોરી તમને આવા સવાલ કરું છું પણ અમારા ત્યાં મિનિસ્ટર આમ ટ્રેઇનમાં સફર કરતાં હોય તે જલદી માન્યામાં આવે એવી વાત નથી.લાગે છે સંયોગિતાએ આપણા હાલ એમપી અને ફ્યુચર પીએમ રાહુલ બાબાનાં સમાચાર વાંચ્યા નથી લાગતાં.
*****
ચૂંટણી આવે એટલે મતદારોની મૂંઝવણ પરાકાષ્ઠા પર પહોંચે છે. કોને મત આપવો? પાર્ટીને કે પર્સનને? બધાં ગુંડા જેવા હોય તો શું કરવું ? સ્થાનિક ઉમેદવારનું નામ પણ સાંભળ્યું ન હોય તો? ગઈ વખતે ચૂંટાયા પછી એણે કોઈ કામ નથી કર્યું. વિકાસ થયો છે એવું નેતાઓ કહે છે પણ હું તો ત્યાંનો ત્યાં છું. પગાર વધ્યો છે, પણ ખર્ચો એથી બમણો થયો છે. રૂપિયા કમાવવાની દોડમાં ઘર માટે જે સમય બચતો હતો એ પણ હવે વપરાઈ જાય છે. એક સમયે ગાંધીજી અને સરદાર જેવા આદર્શ નેતાઓ ગુજરાતે દેશને આપ્યા હતાં. જો કે આજનાં નેતાઓ ગાંધી સરદારની કક્ષામાં પહોંચી શકે તેમ ન હોઈ  આદર્શ નેતાના સ્ટાન્ડર્ડ નીચા કરી દેવા જોઈએ જેથી ગમે તે એમાં ફીટ થઈ શકે, અને આપણને આત્મસંતોષ પણ મળે કે અમે આદર્શ નેતાને ચૂંટ્યા છે.

જે ચૂંટાઈ શકે તેવા નેતા પક્ષની પહેલી પસંદ હોય છે. આદર્શવાદી હોય પણ ચૂંટાઈ ન શકે તો એનાં આદર્શોને પક્ષ શું ધોઈને પીવે? પાવરમાં આવવા માટે મસલ પાવર અને મની પાવરનો સમુચિત ઉપયોગ કરી શકે એ હવે તો સાચો નેતા. હિન્દી ફિલ્મોની જેમ મસલમૅન કંઈ મોઢા ઉપર મસો અને રેક્ઝીનના જૅકેટ સાથે નથી ફરતાં. ખાલી દંડ-બેઠક કરવાથી કંઈ નેતા નથી થવાતું. એના માટે સૂર્ય નમસ્કાર નહિ પણ કોઈ ખડ્ડુસ નેતાના ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરવા પડે છે. રૂપિયા ઉઘરાવવાનાં હુન્નરનો ડેમો આપવો પડતો છે. આ બધું કર્યા પછી પણ ઘણીવાર કામ તો જુનિયર આર્ટિસ્ટ જેવું જ મળતું હોય છે. પણ સાચો નેતા એ બને છે જેને શેઠને વાણોતર બનાવી જાતે શેઠ બનતા આવડે.

નેતાના લક્ષણ બાળપણથી જોવાં મળે. બાલનેતા પપ્પાને પટાવી અને મમ્મીને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રૂપિયા કઢાવતો હોય છે. કૉલેજમાં સીઆર જીએસ બની યુવાનેતા કલ્ચરલ અને અન્ય પ્રોગ્રામની સ્પોન્સરશીપમાંથી દારૂની પાર્ટીનાં રૂપિયા કાઢવાનું સહજ રીતે કરે છે. અને જ્યારે એ માર્કેટમાં આવે ત્યારે નાની મોટી કોઓપરેટીવ સોસાયટી, માર્કેટ બોર્ડ જેવામાં બેસી રૂપિયાનાં વહીવટ કરતો થઈ જાય છે. ચૂંટાયા પછી આ બધું શીખવા બેસે એવો નેતા કોઈ પક્ષને ન પોસાય.

वचनेषु किम् दरिद्रता એ સાચા નેતાનો ગુરુમંત્ર ગણાય. લેપટોપ અને ટૅબ્લેટ તો ઠીક એ મંગળ પર મકાન અપાવવાનાં વાયદો કરવામાં પાછો ન પડે, પછી ભલે પાસે ભાલેજ જવાનું બસભાડું પણ ન હોય. પક્ષમાં ટીકીટ માટે મારકાપ મચી હોય પણ દેશની એકતા અને અખંડિતતા માટે મરી જશું એવી વાતો કરતાં એને આવડતું હોય છે. જ્ઞાતિને આધારે ચૂંટણી લડે અને વાતો બિન-સાંપ્રદાયિકતાની કરે એ નેતા.
વાક્પટુતા નેતાનાં બત્રીસ લક્ષણો પૈકીનું એક અગત્યનું લક્ષણ છે. એકની એક જ વાત જુદી જુદી રીતે કરવી, જુદાં જુદાં પ્રશ્નોનો એક જ અને ગોળ ગોળ જવાબ આપવો, વાત કરીને ફરી જવું એ નેતાઓને  વારસામાં મળતી કળા છે. અબી બોલા અબી ફોક’, ‘થૂંકીને ચાટવુંજેવા સદગુણો ધરાવતો નેતા સફળતાને વરે છે. નેતાને ભાષણ આપવામાં મહાવરો હોવો જોઈએ. એને હિન્દી તથા સ્થાનિક ભાષા આવડવી જોઈએ. ચરોતરમાં ચરોતરી, કચ્છમાં કચ્છી, કાઠિયાવાડમાં કાઠિયાવાડી અને ખાનગીમાં સુરતી બોલી શકે એ નેતા!

અને સૌથી અગત્યનું એ છે કે આદર્શ નેતા જો કૌભાંડ કરે તો બધાને સાથે રાખીને કરે એવો હોવો જોઈએ. જો નેતામાં રૂપિયા ઉલેચવાની મૂળભૂત ક્ષમતા હોય તો એનો લાભ પાર્ટીને પણ મળવો જોઈએ, પાર્ટીના મોટા માથાઓને પણ મળવો જોઈએ. પણ કૌભાંડ કરવું એ કંઈ પૂરતું નથી. કૌભાંડ નિભાવવું પડે છે. કારણ કે કૌભાંડના રેલા વગર ચોમાસે આવે છે. ફસાઈ જાય ત્યારે નેતા કેવાં નિવેદનો આપશે અને કોને સાથે લઈ ડૂબશે એ વર્તણુંક પણ પાર્ટી માટે ઘણી અગત્યની છે. ત્રાસવાદીઓ તો પકડાય તો સાઈનાઈડની ટેબલેટસ ખાઈ લે છે, પણ જાન હૈ તો જહાન હૈમાં માનતા આપણા નેતાઓ કંઈ થોડા એમ ઝેર ખાઈ લે છે

 

No comments:

Post a Comment