Sunday, February 03, 2013

જ્યારે અમદાવાદમાં બરફ પડશે

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૩-૦૨--૨૦૧૩ | અધીર અમદાવાદી |  
 
દિવસે દિવસે ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું છે. ઉનાળા વધારે ગરમ, શિયાળા વધારે ઠંડા અને ચોમાસા વધારે ભીનાં થતાં જાય છે. આ શિયાળામાં ઉત્તર દિશામાં ક્યાંક બરફ પડ્યો એમાં ગુજરાતમાં ધાબળાફાડ ઠંડી પડી રહી છે. ગિરનાર પર ઝરણા બરફ બની ગયા. મુંબઈગરા પણ આશ્ચર્ય સહિત સ્વેટર અને મફલર પહેરવાની મઝા માણી રહ્યાં છે. જોકે આ ઠંડી જે રીતે વધી રહી છે એ જોતાં ભવિષ્યમાં અમદાવાદમાં પણ બરફ પડશે એવું લાગે છે. પણ અમદાવાદમાં જો બરફ પડે તો ઘણી મઝાની ઘટનાઓ બને એ વાત નક્કી છે.

સૌથી પહેલાં તો અમદાવાદમાં બરફ પડે એટલે પ્રજા કાચના ગ્લાસ અને વાડકાઓ ભરી એમાં શરબત નાખી મફત ગોળા-છીણનો આનંદ ઉઠાવશે, એ પણ બરફ કયા પાણીમાંથી બન્યો હશે એની ચિંતા મૂકીને. જોકે બરફગોળાની લારી ચલાવનારાને બીજો વૈકલ્પિક ધંધો શોધવો પડશે. સ્નોને બદલે જો કરાં પડશે તો રસિકજનો ગ્લાસ લઈ બાલ્કનીમાંથી ડાયરેક્ટ ગ્લાસમાં ઝીલશે અને બાલ્કનીમાં જ પાર્ટી કરી નાખશે. અમદાવાદી હોય એટલે બરફ પહેલાં નાખે. ઉંચાઈથી કરાં પડવાને લીધે ડ્રિન્ક્સ છલકાઈ ન જાય? સુરતીઓ પણ પછી દમણ જવાને બદલે પછી અમદાવાદ આવશે. ઉનાળામાં પણ આઈસ્ક્રીમનાં વેપારીઓ જ્યાં રાત્રે ફ્રીજ બંધ રાખે છે તે અમદાવાદીઓ બરફ પડતો હોય તેવામાં સામુહિક રીતે ફ્રીઝ બંધ રાખી ઈલેક્ટ્રીસીટીના રૂપિયા તો બચાવશે જ!

અમદાવાદમાં બરફ પડશે તો પાણીની સમસ્યા પણ હળવી થશે. મતલબ, બરફ ઓગળીને પાણી બનાવવાની વાત નથી. આ તો બરફ પડે એટલી ઠંડી હોય તો પછી નહાય કોણ? એટલું જ નહિ પછી તો ગટરો પણ ઠરી જાય એટલે એ પણ વહેતી બંધ જ થાય ને? અને ગટરો ઠરી જાય તો પછી ઉભરાવવાની સમસ્યા જ ન રહે, એટલે કોર્પોરેશન અને એનાં અધિકારીઓ આમ શિયાળામાં બેવડા ફાયદાથી રાજી રાજી રહે.

પછી તો ગર્વથી લોકો કહી શકશે કે અમદાવાદમાં કૂતરાની સગવડ સારી. આવું કેમ એ સમજાવું તમને. ઠંડા પ્રદેશોમાં તમે કૂતરાથી ચાલતી સ્લેજ ગાડીઓ વિષે સાંભળ્યું હશે. જો અમદાવાદમાં બરફ પડે તો પછી સ્લેજ ગાડીઓ ફરતી થાય. એવું મનાય છે કે અમદાવાદમાં બે લાખ કૂતરા તો રખડતા ફરે જ છે (એક કૂતરા દીઠ  પચીસ-ત્રીસ માણસના હિસાબે!), તો એમને પકડીને સ્લેજમાં બાંધી દેવાના. એમાંય પાછા કૂતરાની હદ પૂરી થાય ને નવી હદમાં દાખલ થાવ તો ત્યાંના કૂતરાને રિલે કરવાની પદ્ધતિ પણ અમલમાં હોય એટલે સીમા ઓળંગો એટલે નવી હદના કૂતરાઓની સેવા લઈ શકાય. આમ કરવાથી હદનો વિવાદ પણ ટાળી શકાય છે. આમ આ રીતે બરફ પડવાથી પેટ્રોલમાં એકંદરે બચાવ થઈ શકે, અને સરકાર પોતાની સિદ્ધિ તરીકે ગણાવી શકે. હાસ્તો, જો સરકારે કૂતરાં ન રહેવા દીધાં હોત તો શું આ શક્ય બનત? વિચારો!

સરકારી કોન્ટ્રાક્ટરો અને ખાસ કરીને ‘મુનીસીટાપલી’ના જુનાં અને ખડ્ડુસ કોન્ટ્રાક્ટરો માટે બગાસું ખાતાં બરફ પડ્યા જેવો ઘાટ થશે. બરફ પડવાથી રસ્તા અને બિલ્ડીંગને નુકસાન થાય છે. એટલે ખરાબ ગુણવત્તાનું કામ એ લોકો બરફ પર ઢોળી શકશે. એટલું જ નહિ બરફથી રસ્તા અને મકાનોને થતાં નુકસાન અને રસ્તા પર પડેલો બરફ સાફ કરવાના કામોમાં ભ્રષ્ટ્રાચારના નવા રસ્તા ઓપન થશે. રસ્તા પર પડેલો બરફ દૂર કરવા માટે માનીતા સપ્લાયર્સ પાસેથી સરકાર મોંઘા અને નકામાં મશીનો ખરીદશે, જે એક જ સિઝનમાં બગડી જશે અને સ્પેરપાર્ટ્સનાં અભાવે ધૂળ ખાતાં થઈ જશે! જોકે એટલો ફાયદો થશે કે બરફ પડશે એટલો વખત ધૂળ નહિ ઊડે અને લોકોએ ફેંકેલા કચરા ઉપર બરફની ચાદર છવાઈ જતાં શહેર ચોખ્ખું આપોઆપ લાગશે!

બરફ પડશે એટલે શહેરમાં બધે આઈસ સ્કેટિંગ થઈ શકશે. જોકે અત્યારે પણ કેળાની છાલ અને અન્ય વસ્તુઓ લોકો રસ્તા પર નાખે છે એટલે ઘણાં મરજી વિરુદ્ધ સ્કેટિંગ કરે જ છે, અને આવડતના અભાવે પડ્યા પછી ઓર્થોપેડિક ડોક્ટરોને ખટાવે પણ છે. લોકો પણ પછી સિમલા-કુલુ-મનાલી અને કાશ્મીર જવાને બદલે અમદાવાદ જ ફરવા માટે આવશે. અમદાવાદના કેટલાંક પ્રખ્યાત અન્ડરપાસને સરકાર ખાસ ટુરીઝમ ડેવલોપમેન્ટનાં પવિત્ર હેતુથી જાહેર ટ્રાફિક માટે બંધ કરી સ્કીઈંગ માટે વાપરવાનું શરુ કરી દેશે. આમ થવાથી સામાન્ય પબ્લિક કાયમની જેમ થોડી હોહા કરશે પણ પછી જેમ કાંકરિયામાં પ્રવેશ મામલે થયું એમ છેવટે રૂપિયા ખર્ચીને એ લોકો પણ સ્કીઈંગ કરવા લાગશે. અને સાબરમતિ પણ જયારે ઠરી જશે ત્યારે લો ગાર્ડનના અમેરિકન મકાઈની લારીવાળા અને ભદ્રના પાથરણાંવાળા પોતાની સિઝનલ બ્રાન્ચીઝ નદીના ઠરેલા બરફ ઉપર ખોલી દેશે. ટૂંકમાં અમદાવાદી પ્રજા બરફમાંથી પણ ફાયદો શોધી કાઢશે!

ડ-બકા
ન ગોફણ, ન ગિલોલ, ન ગનથી ડરે બકા;
બંદો તો પાંપણના એક પલકારે મરે બકા.
 

1 comment:

  1. Laughed a lot.
    The best lines were: "સ્નોને બદલે જો કરાં પડશે તો રસિકજનો ગ્લાસ લઈ બાલ્કનીમાંથી ડાયરેક્ટ ગ્લાસમાં ઝીલશે અને બાલ્કનીમાં જ પાર્ટી કરી નાખશે."

    ReplyDelete